Get The App

વિદેશી સંતાનોના લાગણીવેડા, ભારતીય મા-બાપની લાગણીશીલતા

Updated: Mar 9th, 2026

GS TEAM

Google News
Google News
વિદેશી સંતાનોના લાગણીવેડા, ભારતીય મા-બાપની લાગણીશીલતા 1 - image

- રિલેશનના રિ-લેસન- રવિ ઇલા ભટ્ટ

- એનઆરઆઈ સંતાનો ક્યારેય એ વિચારતા નથી કે તેમના ડોલર અને પાઉન્ડ ભલે પૈસામાં કન્વર્ટ થઈને ચાર ગણા થઈ જતાં પણ લાગણીઓનું બેલેન્સ તો તેઓ ગયા ત્યારથી શૂન્ય જ બતાવે છે. પ્રેમની પાસબુકમાં કોઈ એન્ટ્રી થતી જ નથી અને સ્નેહની સરાસરીમાં શેષ વધતી જ નથી. 

હેલ્લો... પ્રેરક તારા પિતાને એટેક આવ્યો છે. તેમનું અવસાન થયું છે. તું શક્ય એટલી ઝડપથી ઈન્ડિયા આવી જા. ત્યાં સુધી અમે તેમને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની વ્યવસ્થા કરીએ છીએ.' - એક પાડોશીએ પ્રેરકને ફોન કર્યો.

'મુકેશ અંકલ એક કામ કરો, તમે કોઈ ઓર્ગેનાઈઝેશનને કહીને અંતિમક્રિયા કરાવી દો. મારે અત્યારે એચવન-બીના લોચા ચાલે છે. હું ઈન્ડિયા આવી શકું તેમ નથી. તમે પ્લીઝ મમ્મીને સમજાવજો કે મારી સ્થિતિ ખરાબ છે. તમે બધા મમ્મીને સાચવજો. બધું પતશે પછી હું આવીશ.' - પ્રેરકે સાવ ઠંડોગાર જવાબ આપ્યો. ફોન કરનાર ભાઈ જાણે કે ચેતના જ ગુમાવી બેઠા. તેમણે પ્રેરકની મમ્મીને જાણ કરી અને તેની મમ્મી ચોધાર આંસુએ રડી પડી. તેમણે ત્યારબાદ પ્રેરકની બહેનને ફોન કર્યો.

'દિવ્યા, તારા ડેડીનું અવસાન થયું છે. પ્રેરક આવી શકે તેમ નથી. તને ફાવે તો ઈન્ડિયા આવી જા. અમે તેમના અંતિમ સંસ્કાર માટે તારી રાહ જોઈએ છીએ.' - મુકેશભાઈએ ફોન ઉપર કહ્યું.

'મુકેશ અંકલ, સોરી પણ મારી સ્થિતિ પણ ખરાબ જ છે. વિવેક તેમની કંપનીના કામે ફ્રાન્સ ગયા છે. સલોની હજી નાની છે તેને લઈને કે મુકીને આવી શકાય તેમ નથી. સેમ અત્યારે સ્કોટલેન્ડ ગયો છે તેની ફૂટબોલ ટૂર્નામેન્ટ માટે. મમ્મીને કહેજો કે સોરી હું આવી શકું તેમ નથી. નેક્સ્ટ મંથ આવી જઈશ. શક્ય બને તો કલાક મને મમ્મી સાથે વીડિયો કોલ ઉપર વાત કરાવજો અત્યારે હું સ્ટોર ઉપર છું વાત થાય તેમ નથી.' - દિવ્યાએ રડમસ અવાજે વાત કરીને ફોન મુકી દીધો. મુકેશભાઈને જોઈને એમ લાગતું હતું કે, કદાચ તેમને એટેક આવી જશે.

આ વાતચીત પૂરી થયા પછી શરૂ થયા અસલી ધતિંગ. વારંવાર વીડિયો કોલ કરવાના. તેના માટે એકાદ માણસ રોકી રાખવાનો. તે ઉપરાંત નક્કી થયું કે, એક વીડિયો શૂટિંગવાળાને બોલાવવાનો જે બધું જ રેકોડગ કરે. આ વીડિયો ડેટા ત્યારબાદ પ્રેરક અને દિવ્યાને મોકલાવવાનો જેથી તેઓ અને તેમના સંતાનો અંતિમ સંસ્કાર જોઈ શકે અને તેમના ઘરમાં બેસીને મગરના આંસુ સારી શકે. બીજી તરફ વારંવાર મમ્મી સાથે વીડિયોકોલમાં વાતો કરવાની જેથી મમ્મીને લાગ્યા કરે કે, મારા સંતાનો કેટલા મજબૂર હશે કે પિતાના મૃત્યુ ઉપર પણ આવી શકતા નથી. આ એક કેસ નથી, આવા હજારો કેસ છે જે આપણી આસપાસ બનતા હોય છે. વિદેશ રહેતા લોકોને એવું લાગે છે કે, તેઓ દુનિયાનું કોઈ શ્રેષ્ઠ કામ કરે છે, તેઓ સમગ્ર વિશ્વનું સંચાલન કરે છે, તેમની પાસે સમય હોતો નથી, તેઓ સખત વ્યસ્ત હોય છે. તેઓ બિઝનેસ અને જોબમાંથી ફ્રી થતા જ નથી. બીજી તરફ ભારતમાં વસતા તેમના માતા-પિતા અને તેમના સગાસંબંધીઓ નિયાહતી નવરા અને બેકાર હોય છે. તેમની પાસે સમય જ સમય હોય છે. દર ચાર-પાંચ વર્ષે તેમના દ્વારા અપાતી ચોકલેટની થેલી, એકાદું પરફર્યુમ, ક્રિમ કે એકાદ જોડ કપડાંથી તેઓ બાકીના સમય સુધી આ બધાને તેમની આભા નીચે રાખી મુકશે. તેઓ ઈચ્છે તેઓ વ્યવહાર કરશે, તેઓ ઈચ્છે તે રીતે વાત કરશે અને ઈચ્છે તેવું વર્તન કરશે. 

માતા-પિતાને છોડવાની, તરછોડવાની અને પોતાની નોકરી, બિઝનેસ અને અન્ય જવાબદારીઓના નામે મરતા છોડવાની જે એનઆરઆઈ વિકૃતિ છે તેના ઉપર હવે સરકારી કોરડો વિંઝાવા જઈ રહ્યો છે. તાજેતરમાં સંસદમાં સુચન અપાયા કે, આવા સંતાનો સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ. વિદેશ જતા સંતાનો માટે કેટલાક નિયમો બનવા જોઈએ. તેઓ માતા-પિતાની લેખિત પરવાનગી સાથે જ વિદેશ જઈ શકશે. તેઓ દર અઠવાડિયે તેમની સાથે વાતો કરશે. વીકેન્ડમાં વીડિયોકોલ થકી તેમના ખબર અંતર પૂછશે. દર છ મહિને માતા-પિતા પાસેથી એફિડેવિટ લેવાશે કે તેમના વિદેશમાં વસતા સંતાનો તેમને સાચવે છે, તેમનું ધ્યાન રાખે છે, તેઓ ખુશ છે. સમયાંતરે તેઓ ઈન્ડિયા આવતા રહેશે અથવા માતા-પિતાને ત્યાં બોલાવતા રહેશે. તેમની આથક, સામાજિક, મેડિકલ અને બાકીની તમામ જવાબદારીઓ ઉપાડશે અને તેના માટેની યોગ્ય વ્યવસ્થા કરશે. જો તેઓ આ કરવામાં નિષ્ફળ જશે તો તેમના પાસપોર્ટ રદ કરવામાં આવશે. તેમને ભારત પરત લાવી દેવામાં આવશે. 

ભારતીય સમાજની વાત આવે ત્યારે એક બાબત બહુ જ સ્પષ્ટ હોય છે તેમાં સ્નેહ, સંવેદના અને સાચવણી જેવા જીવનમૂલ્યોને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. માતા-પિતા હોય કે સંતાનો હોય તેઓ પરિવારને પ્રાધાન્ય આપતા હોય છે. તેમાં એક તત્ત્વ સૌથી વધારે મહત્ત્વનું હોય છે, તે છે લાગણી. લાગણી અને પ્રેમના કારણે એકબીજાને સ્નેહના તાંતણે જોડાયેલા રાખે છે. હવે જો જોઈએ તો આ સ્નેહના તાંતણા તૂટતા જાય છે. જેમ જેમ માનવ સભ્યતાનો વિકાસ થયો છે અને આધુનિકિકરણ અને પશ્ચિમીકરણના રંગે માણસ રંગાવા લાગ્યો છે ત્યારથી તેનામાં ભૌતિકતા વધી ગઈ છે. તેના માટે પ્રેમ કરતા પૈસો વધારે મહત્ત્વનો થઈ ગયો છે. તેના કારણે જ પરિવારો પણ તૂટી રહ્યા છે. માત્ર ભાઈઓ-ભાઈઓ છૂટા પડી રહ્યા છે તેવું નથી. પરિવારો ન્યૂક્લિયર થઈ રહ્યા છે.

હાલના સમયે તો મોટાભાગના યુવાનો વિદેશ જતા રહે છે અને ત્યાં જઈને સેટલ થઈ જાય છે. નોકરી મેળવી લે છે, છોકરી શોધીને સેટ થઈ જાય છે અથવા તો શક્ય બને તો માતા-પિતાને થોડું સારું લગાડવા વતન પાછા આવીને તેમની ગમતી કે તેમણે શોધેલી છોકરી સાથે લગ્ન કરીને પાછા વિદેશ ઉડી જાય છે. ત્યારબાદ શરૂ થાય છે એકલતાનો એવો યુગ જે માતા-પિતા પૂરો કરી શકતા નથી. તેમની ઉંમર વધતી જાય છે, દિવસો ટૂંકા થતા નથી. ખાલી ઘર ખાવા દોડે છે અને ઘરમાં કોઈ કહેનાર કે પૂછનાર હોતું નથી. જે સ્થિતિ ઊભી થાય તેનો સામનો જાતે કરવાનો હોય છે. હજી સમાજમાં થોડી લાગણી વધી છે કે, આસપડોશના લોકો મદદ કરે છે અને મિત્રો કે સગા આવીને ઊભા રહે છે પણ કદાચ બે-ચાર દાયકા પછી તો તે પણ જોવા નહીં મળે.

ભારતમાં અને ખાસ કરીને ગુજરાતી માતા-પિતામાં સંતાનોને વિદેશ ભણવા મોકલવાનો અને સેટ કરવાનો ટ્રેન્ડ અત્યંત વધી ગયો છે. ડોલર અને પાઉન્ડ કમાવવાની ઘેલછા એવી ઉપડી છે કે, માતા-પિતા જ પોતાના સંતાનોને દબાણ કરે છે. પરિસ્થિતિ ત્યારે બદલાય છે જ્યારે આ સંતાનો ધીમે ધીમે અહીંયા આવવાનું બંધ કરી દે, વાતો કરવાનું ઓછું કરી દે, માતા-પિતાને ત્યાં બોલાવી ન શકે અથવા તો માતા-પિતા ત્યાં જઈ ન શકે. જે સંતાનો ઈન્ડિયા આવે છે તે, બે કે ત્રણ અઠવાડિયાની રજાઓ લઈને ભારત ફરવા આવે છે. એક અઠવાડિયું ફેમિલિ સાથે ફરવાનું, બીજા અઠવાડિયે એકાદ ફેમિલિ ફંક્શન અને ત્રીજા અઠવાડિયે શોપિંગ, બેંકિંગ, ઈન્વેસ્ટિંગ અને છેલ્લે પેકિંગ કરીને સમૃદ્ધિના સરનામે રવાના થઈ જવાનું. તેઓ ભારત આવે એટલે માતા-પિતા માટે એકાદ લેપટોપ, ટેબ્લેટ, ડાયાબિટસ કે બ્લડપ્રેશર ચેક કરવાનું મશિન, મસાજ ચેર, જેકેટ, કપડાં કે ચોકલેટ્સ અને અન્ય વસ્તુઓ ઉઠાવતા આવે છે. તેઓ એ નથી જાણતા કે ભૌતિક વસ્તુઓ કરતા આ માતા-પિતાને તેમની હાજરી વધારે સુખ અને શાંતિ આપે છે. 

વિદેશોમાં સત્તા છે, સંપત્તી છે, માગણીઓ છે, સગવડો છે, શિક્ષણ છે, સેવાઓ છે પણ સંબંધો નથી, સાથી નથી. વિદેશો ભલે માગણીઓના આધારે ચાલતા હોય પણ ભારત અને ભારતીયો આજેય લાગણીઓના આધારે ચાલે છે. વિદેશથી આવતા સંતાનો ભલે તેમના ત્રણ અઠવાડિયામાંથી માત્ર બે દિવસ માતા-પિતા સાથે ઘરમાં પસાર કરે પણ આ બે દિવસ તે માતા-પિતાને આગામી બે-ચાર વર્ષ સુધી રાહ જોવાનું બળ પૂરું પાડે છે. એનઆરઆઈ સંતાનો ક્યારેય વિચારતા નથી કે તેમના ડોલર અને પાઉન્ડ ભલે પૈસામાં કન્વર્ટ થઈને ચાર ગણા થઈ જતાં પણ લાગણીઓનું બેલેન્સ તો તેઓ ગયા ત્યારથી શૂન્ય જ બતાવે છે. પ્રેમની પાસબુકમાં કોઈ એન્ટ્રી થતી જ નથી અને સ્નેહની સરાસરીમાં શેષ વધતી જ નથી.  

વાંક એકલો સંતાનોનો છે તેવું પણ નથી. ઘણા સંતાનો પોતાના માતા-પિતાને પોતાની સાથે વિદેશમાં રાખવા માગે છે. તેમની સાથે દરરોજ સમય પસાર કરવા માગે છે, પણ કેટલાક લોકો તે કરતા નથી. તેમનું નાકનું ટેરવું ચડાવીને કહેશે, ના ભઈ હોં આપણને ત્યાં ના ફાવે. આપણે તો આપણું ઘર ભલું. આટલા વર્ષે હવે વિદેશોમાં સેટ થવાનું મને મંજૂર નથી. આ બંને સ્થિતિને કેવી રીતે નિવારી શકાય. હસવાની સાથે લોટ કેવી રીતે ફાકી શકાય. ધ્યાન એ વાતનું રાખવાનું છે કે, તમારા સંતાનો ભલે વિદેશમાં સેટ થયા અને તમે ભારતમાં કે દુનિયાના બીજા કોઈપણ દેશમાં રહો છો. તમારું અને તમારા સંતાનો વચ્ચેનું જોડાણ એવું હોવું જોઈએ કે, તમને એકબીજા વગર ફાવે નહીં. કદાચ મજબૂરી ખાતર જૂદા રહેવાનું આવે તો પણ સમયાંતરે એકબીજા પાસે પહોંચી જવાની લાગણી અને તત્પરતા હોવી જોઈએ. જો માતા-પિતા અને સંતાનોના સંબંધો અને લાગણીઓ માટે પણ કાયદા બનાવવા પડે તો સમાજની સૌથી મોટી વ્યવસ્થા ઉપર જ સવાલ ઊભો થાય. વ્યક્તિ સંતાનને જન્મ આપી પરિવાર અને સમાજ વિસ્તારે અને આખરે એ જ પરિવાર અને સમાજ સાથે ન હોય તો કરવાનું શું ?