Get The App

માનુનીઓમાં જોવા મળતો ડિમ્પલ ક્રિયેશનનો ક્રેઝ

Updated: Aug 25th, 2025

GS TEAM

Google News
Google News
માનુનીઓમાં જોવા મળતો ડિમ્પલ ક્રિયેશનનો ક્રેઝ 1 - image

પ્રેમિકાના ગાલમાં રહેલા ખંજનમાં ડૂબી જવાની ઇચ્છા માત્ર કવિ હૃદયના જ નહિ પણ સામાન્ય પ્રેમીને પણ થાય છે. એટલે આજકાલ માનુનીઓમાં કોસ્મેટીક સર્જરી દ્વારા ગાલ પર ડિમ્પલ કરાવાનો ટ્રેન્ડ જોવા મળે છે. એક સમયે અભિનેત્રી મૌસમી ચેટર્જી, શર્મિલા ટાગોર જેવી અભિનેત્રીઓના ગાલના ખંજન જોઈને યુવતીઓને ઇર્ષા થતી હતી. પણ ટેકનોલોજીના વિકાસ સાથે હવે માનુનીઓની ગાલ પર ખંજનની ઇચ્છા અત્યારે પૂરી થઈ રહી છે. 

વેલેન્ટાઈન ડે તથા લગ્નસરાની આસપાસ કોસ્મેટીક સર્જરીની માગમાં વધારો જોવા મળે છે. ઘણી યુવતીઓ નોઝ જોબ, (એટલે કે નાકને સુંદર આકાર આપવો) ચીન ઓગ્મેન્ટેશન (હડપચીને ઉભાર આપવો) જેવી કોસ્મેટીક સર્જરી કરાવે છે. પણ આજકાલ ડિમ્પલ ક્રિએશન (ખંજન કરવાની) સર્જરી કરાવતી યુવતીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. અને મહત્ત્વની વાત એ છે કે શાહરૂખ ખાનના ગાલમાં ખંજન જોઈને યુવકો સુધ્ધાં ડિમ્પલ ક્રિએશન કોસ્મેટીક સર્જરી કરાવતાં થયા છે. નોઝ જોબ સર્જરીનો ખર્ચ રૃા. ૫૦ હજાર અને ડિમ્પલ ક્રિએશનનો રૃા. ૨૦ હજાર જેટલો આવે છે. ઘણી વખત તો પ્રેમીઓ પોતાની પ્રેમિકાને ગીફટમાં આવી સર્જરી કરાવાનો ખર્ચ આપતાં હોય છે. ૨૮ વર્ષની ગીતા ચૌહાણે જણાવ્યું હતું કે આ વેલેન્ટાઈન ડેએ તેના બોયફ્રેન્ડે તેને કોસ્મેટીક ટ્રીટમેન્ટનું પેકેજ ગીફટમાં આપ્યું છે. આ પેકેજમાં બોટોક્સ અને અન્ય થેરેપીનો સમાવેશ થાય છે. જેથી હવે મને મારા ચહેરા પરની કરચલીઓ તથા અન્ય ડાઘમાંથી છૂટકારો મળશે, એમ ગીતાએ જણાવ્યું હતું. આ મારા જીવનની અપ્રતિમ ભેટ છે અને તેનાથી મારો દેખાવ સારો થશે એવી મને આશા છે એમ તેણે આનંદથી ઉમેર્યું હતું.

એક સમયે સેલિબ્રિટીઓમાં જ કોસ્મેટીક સર્જરી જાણીતી હતી. શિલ્પા શેટ્ટી, કોએના મિત્રા અને મિનિશા લાંબા જેવી કેટલીક અભિનેત્રીઓએ કોસ્મેટીક સર્જરી દ્વારા પોતાનો દેખાવ વધુ સુંદર કર્યો હોવાનું કહેવાય છે. હવે મધ્યમ વર્ગીય માનુની પણ કોસ્મેટીક સર્જરી કરાવતી થઈ છે. કોસ્મેટીક સર્જનોના મતે આજે લોકો પાસે પૈસા છે. આ ઉપરાંત તેઓ કોસ્મેટીક સર્જરી વિશે જાણતા થયા છે અને તેમાં વિશ્વાસ ધરાવે છે.

દીપિકા  પદુકોણે અને શાહરૂખ ખાન સ્મિત આપે ત્યારે તેમના ગાલમાં પડતાં ખંજન કેટલા મોહક લાગતા હોય છે. તેમને જોનારને એમ જ થાય કે તેઓ વારંવાર સ્માઈલ આપતાં રહે અને અમે જોતાં રહીએ. ક્યારેક તેમના મનમાં એમ પણ થાય કે કાશ..., અમારા ગાલ પર પણ આવા ખાડા પડતા હોત. પરંતુ આજની તારીખમાં કોઈપણ જાતનું સૌંદર્ય મેળવવું ક્યાં અશક્ય રહ્યુ છે. પ્રીટિ ઝિન્ટા, દીપિકા કે શાહરૂખને જોઈને કોઈપણ વ્યક્તિ કોસ્મેટિક સર્જરી દ્વારા પોતાના ગાલ પર ખંજન કરાવી શકે છે.

કોસ્મેટિક સર્જનો કહે છે કે ડિમ્પલપ્લાસ્ટિ સામાન્ય રીતે લોકલ એનેસ્થેસિયા આપીને કરવામાં આવે છે. ગાલ પર ખંજન પડાવવા માગતી વ્યક્તિને ચોક્કસ કઈ જગ્યાએ ખાડા જોઈએ છે તે પૂછીને સંબંધિત જગ્યા પર નિશાની કરવામાં આવે છે. ત્યાર બાદ મ્યુકોસા (મોઢાની અંદરનો ગુલાબી ભાગ)માં ઊભો ચીરો મૂકવામાં આવે છે. 

આ ચીરો ઓર્બીક્યુલરિસ ઓરિસ મસલ્સ (મોઢુ બંધ કરવામાં અને હોઠ સંકોચાય ત્યારે તેમાં ચીણ પાડવામાં મદદકર્તા) સુધી પાડવામાં આવે છે. ત્યાર પછી જ્યાં ખંજન જોઈતા હોય બરાબર તે ભાગમાં સર્જન ખાડાની ઇચ્છિત લંબાઈ કે ઊંડાણને ધ્યાનમાં રાખીને બેથી ચાર ટાંકા મારે છે. આ ટાંકાને કારણે સંબંધિત સ્નાયુઓ અંદરથી બંધાઈ જાય છે. તેથી જ્યારે જ્યારે તે સંકોચાય છે ત્યારે ગાલની ત્વચા અંદર ખેંચાય છે અને ગાલ પર ખંજન દેખાય છે.

આ પ્રક્રિયા લગભગ અડધાથી પોણા કલાક સુધી ચાલે છે. સંબંધિત વ્યક્તિને આને માટે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી પડતી. અને રિકવરી માટે ચારથી પાંચ દિવસનો સમય લાગે છે. અલબત્ત, પ્રત્યેક દરદીનો રિકવરીનો ગાળો એકસરખો નથી હોતો.

પરંતુ આપણને સહેજે એમ થાય કે આ પ્રકારની શસ્ત્રક્રિયામાં કોઈ જોખમ ન હોય. શું માત્ર સુંદર દેખાવા માટે મોઢા સાથે આવી છેડછાડ કરવી યોગ્ય ગણાય? આના જવાબમાં નિષ્ણાતો કહે છે કે આ બાબતમાં દરેક વ્યક્તિના વિચારો જુદાં જુદાં હોય છે. વાસ્તવમાં શસ્ત્રક્રિયા કરાવ્યા પછી ત્યાં થોડા દિવસ સુધી સોજો ચડેલો રહે છે. વળી ચેપ લાગવાનો ભય હોવાથી દરદીને એન્ટિબાયોટિક્સ પણ આપવામાં આવે છે. 

ચેપ ન લાગે તેની તકેદારી રાખવાના ભાગરૂપે દરદીને એકાદ-બે દિવસ માત્ર પ્રવાહી ખોરાક પર રાખવામાં આવે છે. આમ કોઈપણ સર્જરીમાં ઇન્ફેકશનનો ડર તો રહે જ છે. નિષ્ણાતો વધુમાં જણાવે છે કે વત્તાઓછા અંશે પણ, જોખવ વહોરી લઈને તમે શસ્ત્રક્રિયા કરાવવા તૈયાર હો તો માત્ર સર્ટિફાઈડ, અનુભવી અને જાણીતા કોસ્મેટિક સર્જનનો જ સંપર્ક કરો. નહીં તો લેવાના દેવા નહીં થાય તેની કોઈ ખાતરી નહીં.