Get The App

કોર્સેટ આવ્યું નવા રંગરૂપ સજીને .

Updated: Jan 5th, 2026

GS TEAM

Google News
Google News
કોર્સેટ આવ્યું નવા રંગરૂપ સજીને                              . 1 - image

ફેશન જગતમાં કોર્સેટનો મહિમા અનોખો છે. માનુનીઓ પોતાના ફિગરને સુંદર આકાર આપવા, એટલે કે કટિને પાતળી દેખાડવા ટોપની અંદર કોર્સેટ પહેરતી. પરંતુ બદલાતા સમયમાં કોર્સેટના રંગરૂપ પણ બદલાયા છે. મહત્વની વાત એ છે કે એક સમયમાં જે કોર્સેટ ડ્રેસની અંદર પહેરાતું હતું તે હવે ડ્રેસની ઉપર અથવા ટોપ તરીકે પહેરાય છે. એટલે સુધી કે તે લહંગાના બ્લાઉઝ તરીકે પણ પહેરવામાં આવે છે. જેમ એક તબક્કે બ્રા ટોપની અંદર પહેરવામાં આવતી પણ હવે બ્રા ટોપ પહેરવાની ફેશન પૂરબહારમાં ખીલી છે તેમ જ કોર્સેટ ટોપ પહેરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. જાણીતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફેશન શોઝમાં આ ટ્રેન્ડ શરૂ થયા પછી જાન્હ્વી કપૂર, હીના ખાન, આલિયા ભટ્ટ, શનાયા કપૂર, દિશા પટણી જેવી અદાકારાઓ પણ કોર્સેટ અથવા કોર્સેટ ટોપ પહેરતી જોવા મળી છે. 

ફેશન ડિઝાઇનરો કહે છે કે કોર્સેટની ફેશન જોકે ક્યારેય જૂની નહોતી થઇ. પરંતુ હવે તે નવા વાઘા સજીને પરત ફરી છે. તાજેતરમાં જાન્હ્વી કપૂરે ડેનિમ અને વાઇટ શર્ટ પર શ્યામ-શ્વેત કોર્સેટ પહેરીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. જ્યારે આલિયા ભટ્ટે તેના બ્લેક ડિઝાઇનર ઓફ શોલ્ડર ડ્રેસ સાથે કોર્સેટ પહેર્યું હતું. રેમ્પ પર એક મોડેલ રાતા રંગના લહંગા સાથે એવું જ કોર્સેટ પહેરીને કેટ વૉક કરતી જોવા મળી હતી. તેવી જ રીતે દિશા પટણીએ પણ બ્લુ ડેનિમ સાથે વાઇટ કોર્સેટ ટોપ પહેર્યું હતું. તેઓ વધુમાં કહે છે કે કોઇપણ પાર્ટી કે અન્ય ફંક્શનમાં કોર્સેટ પહેરવાથી જે  તે માનુનીની કટિ એકદમ પાતળી દેખાય છે. પહેલા મહિલાઓ પોતાના ફિગરને આકર્ષક દર્શાવવા ટોપની અંદર કોર્સેટ પહેરતી. પરંતુ આધુનિક ફેશનિસ્ટાઓને એવી કો ઇ પરવા નથી. તેઓ તેમના ડ્રેસ પર ડિઝાઇનર કે પછી ડ્રેસ અથવા લહંગાને મેચિંગ કોર્સેટ પહેરે છે. 

જોકે કોર્સેટ પહેરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે. જેમ ક ે તે એટલું ડિઝાઇનર ન હોવું જોઇએ  કે તમારા ડ્રેસ કરતાં ચડિયાતું લાગે. તે તમારા પોશાકને અનુરૂપ હોવું જોઇએ. તમે ચાહો તો રેગ્યુલર બ્લાઉઝના સ્થાને પણ કોર્સેટ પહેરી શકો. સિગારેટ પેન્ટ કે ચુસ્ત ડેનિમ સાથે પણ કોર્સેટ સુંદર લાગશે.જો તમે લહંગામાં બ્લાઉઝ તરીકે કોર્સેટ પહેરો છો તો તમે લહંગા સાથે જેવી જ્વેલરી પહેરતા હો  તે ભલે પહેરો. બાકી ઓફ શૉલ્ડર ડ્રેસ સાથે કોર્સેટ પહેરો તો ગળામાં કાંઇ ન પહેરો. તમે ચાહો તો કાનમાં મોટા લટકણિયા પહેરી શકો. જોકે ડેનિમ અને કોર્સેટ સાથે એંકલ કે  ની હાઇ, એટલે કે  ઘૂંટણ સુધી આવતાં શૂઝ સુંદર લાગશે. આવામાં તમને અન્ય કોઇ એક્સેસરીની જરૂર નહીં રહે. બાકી કોર્સેટ ટોપ સ્વયં એક એક્સેસરી જ ગણાય. તેથી તેની  સાથે અન્ય કોઇ એક્સેસરીનો વધારે પડતો ઉપયોગ કોર્સેટની શોભા ઘટાડી નાખશે. 

-વૈશાલી ઠક્કર