એક સમય હતો જ્યારે એક મા ઘણા અરમાનોથી પોતાની દીકરી માટે ૧૬ કળીનો લહેંગો સિવડાવતી હતી ત્યારે આજે દીકરી ફેશન ટ્રેન્ડ પ્રમાણે વેડિંગ ડ્રેસ પહેરવાનું પસંદ કરે છે. તમે પણ જોઈ શકો છો કે સમયની સાથેસાથ બ્રાઇડલ લહેંગામાં પણ ઘણું પરિવર્તન આવ્યું છે. માત્ર સ્ટાઈલ જ નહીં, દુપટ્ટા અને ચોલીના કટ પણ બદલાઈ ગયા છે.
આજે દુલહનો પોતાના વેડિંગ ડ્રેસ સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવાનું પસંદ નથી કરતી. આખરે તે એવું કરે પણ શું કામ? લગ્નનો દિવસ એ જીવનનો સૌથી ખાસ દિવસ હોય છે અને એ દિવસે સુંદર દેખાવું એ દરેક બ્રાઈડનો હક હોય છે. અહીં તમને ફેશન પ્રોફેશનલ જણાવી રહી છે કે કયા પ્રકારના લહેંગા ફેશનમાં છે અને કયો લહેંગો પહેરીને તમે તમારા સૌથી ખાસ દિવસને વધારે ખાસ બનાવી શકો છો.
એવા લહેંગા હવે ફેશનમાં નથી રહ્યા જેમાં વધારે ઘેર આવતો હતો. હવે તે ઘણા સ્ટાઈલિશ બનવા લાગ્યા છે. તે કમરથી ઢીંચણ સુધી બોડી પ્રમાણે ફિટ હોય છે અને ત્યાર પછી નીચે કળીનો ઘેર બનાવવામાં આવે છે. તેનાથી બ્રાઈડનું ફિગર છુપાવાને બદલે નીખરીને સામે આવે છે. તાજેતરમાં ફ્યૂઝન ડ્રેપ બીટ લહેંગા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. આઠ કળીના લહેંગા કે પછી ટ્રેડિશનલ લહેંગા સાથે ચોળી, અનારકલી અને જેકેટ ટોપનું ખૂબ ચલણ છે.
અમ્બ્રોલા કટ લહેંગા અને ચોળીની ફેશન હવે તદ્દન આઉટ થઈ ગઈ છે. તેની જગ્યા હવે સ્લિમ લોન્ગ સ્કર્ટ્સે લઈ લીધી છે, જેને લોન્ગ સ્લીવ્ઝ બ્લાઉઝ સાથે મેચ કરવામાં આવી રહ્યા છે. આ સિવાય શેરવાની લહેંગા અને સાડી ગાઉન પણ તાજેતરમાં ખૂબ ચલણમાં છે. તે ૨૧મી સદીની બ્રાઈડ્ઝને ઈન્ટરનેશનલ લુક અને ફીલિંગ આપે છે. તે વેસ્ટર્નથી પણ મહ્દઅંશે પ્રભાવિત છે. વેસ્ટર્ન બ્રાઈડલ ફેશનમાં વિન્ટેજ અને એલિઝાબેથ એરાની ઝલક જોવા મળે છે.
જો તમારે લગ્નમાં વેસ્ટર્ન અને કન્ટેમ્પરરી લુક મેળવવો હોય તો ગાઉન-લહેંગાની પસંદગી કરો. આજકાલ તે ફેશન ટ્રેન્ડમાં છે. હેવી લુક જોઈતો હોય તો વિક્ટોરિયન ગાઉનની પસંદગી કરી શકો છો. સાડી ગાઉન પણ તાજેતરમાં ખૂબ ફેશનમાં છે. થ્રીડી લહેંગા પણ ફેશનમાં છે, જે ડ્રેસને થ્રીડી ઇફેક્ટ આપે છે.
તાજેતરમાં વેડિંગ ડ્રેસમાં ફિશ કટ લહેંગો, એ લાઈન લહેંગો, સ્કર્ટ ટાઈપ લહેંગો, એ લાઈનસૂટ, બ્રાઈડલ સાડી, લહેંગા સ્ટાઈલ સાડી અને ફિશ કટ સાડી પણ ફેશનમાં ઈન છે.
મોટાભાગની યુવતીઓ વિચારે છે કે લગ્ન હોય એટલે બસ લાલ કે મરુન જ પહેરવું પડે, પરંતુ હવે આ વિચારસરણી બદલાઈ રહી છે. હવે લગ્નમાં ફેશન ટ્રેન્ડ પ્રમાણે ડ્રેસઅપ થવા લાગ્યું છે. આ વર્ષે વાઈન, સી ગ્રીન, નિયોન કલર્સ તથા યલો અને પર્પલ કલર ટ્રેન્ડમાં છે. તમે સોફ્ટ કલર ટોન્સ જેવા કે બેબી પિંક, એકવા બ્લૂ અને ડસ્ટી ઓરેન્જનો પણ ઉપયોગ કરી શકો છો. બ્લૂ, મેટાલિક, પીકોક શેડ્ઝ પણ ઈન છે. જો તમારા લગ્ન દિવસે હોય તો તમે પેસ્ટલ કલર એટલે કે લાઈટ શેડ પહેરો, જ્યારે સાંજ માટે ઓરેન્જ, પર્પલ કલર પરફેક્ટ છે.
તાજેતરમાં લહેંગા પર જરી, બાદલા, ગોટા, લેસ અને એન્ટિક મેચિંગ વર્કની ફેશન છે. બ્રાઈડલ કલેક્શનમાં ચિકનવર્ક સાથે સુંદર એક્સ્પેરિમેન્ટ કરવામાં આવી રહ્યા છે. તેમાં ચિકનવર્ક, એપ્લિક અને કામદાનીને કમ્બાઈન કરવામાં આવી રહી છે. હેવી ક્રિસ્ટલ, સિકવેન્ડ બોર્ડર અને વેલ્વેટનું એપ્લિક વર્ક પણ છે જેમાં થ્રેડ વર્ક, વીટ વર્કની માગ વધારે છે. થ્રેડ વર્કમાં રંગબેરંગી દોરાનો ઉપયોગ થઈ રહ્યો છે. લહેંગા ઉપર જરકોન અને વીટ વર્કનો પણ ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે. આગામી સમયમાં ફેશન ફોરકાસ્ટ પ્રમાણે પ્રિન્ટ ઉપર એમ્બ્રોઈડરીની ફેશન રહેશે.
જો તમે ટ્રેડિશનલ લુક ઇચ્છતા હો તો જરી, ગોટા, બાદલા લાગેલા લહેંગાની પસંદગી કરો અને બોલ્ડ લુક માટે થ્રેડ વર્ક અને બીડ્ઝવર્કવાળા લહેંગાની પસંદગી કરો.
સાડી હોય કે લહેંગો, આજકાલ ચોળી ઉપર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ચોળીના માધ્યમથી ડ્રેસને ગ્લેમરસ લુક આપવામાં આવી રહ્યો છે. સ્લીવ્ઝમાં કટ બ્લાઉઝની ફેશન છે. તેમ છતાં જો તમે સ્લીવ્ઝ-૧ પસંદ કરો છો તો શોર્ટ, થ્રી ક્વાર્ટર, લોગન્ગ સ્લીવ્ઝ પણ બનાવી શકો છો. આજકાલ ચોળી પર પણ સ્ટોન અને બીડ્ઝ વર્ક હોય છે. જો તમારે ગ્લેમરસ દેખાવું હોય તો તમે બેકલેસ શોર્ટ ચોળી પહેરો.
લહેંગામાં ફેબ્રિકની વાત કરીએ તો તેમાં હવે માત્ર સિલ્કની ચોઈસ જ નથી રહી, પરંતુ નેટ, વેલ્વેટ, ચંદેરી, ક્રેપ ફેબ્રિક પણ તેની યાદીમાં સામેલ થઈ ગયા છે.
મોટેભાગે ઉતાવળમાં આપણને જે નજરે ચડે તે આપણે ખરીદી લઈએ છીએ, પરંતુ બ્રાઈડલ ડ્રેસ ખરીદતી વખતે ફેબ્રિક અને સીઝનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કારણ કે દરેક ફેબ્રિક દરેક સીઝનમાં નથી ચાલતું. શિફોન, જોર્જેટ, નેટ વગેરે સમર વેડિંગ માટે બેસ્ટ છે. જ્યારે વિન્ટરમાં સિલ્ક, સાટીન અને વેલ્વેટ સારું રહે છે. બ્રાઈડે હંમેશાં સિઝન પ્રમાણે ડ્રેસની પસંદગી કરવી જોઈએ.
એવું નથી કે ફેસન બદલાયા પછી સાડી ફેશન લિસ્ટમાંથી આઉટડેટેડ થઈ ગઈ છે. સાડીની ફેશન હજુ પણ અકબંધ છે. તાજેતરમાં નેટ સાડી અને લહેંગા સાડીની ડિમાન્ડ છે. જો કે આ સાડીઓ ગયા વર્ષે પણ ફેશનમાં આવી હતી, પરંતુ આગામી સમયમાં પણ તેનો ક્રેઝ જળવાઈ રહેશે.
લગ્નના દિવસે સુંદર દેખાવું એ દુલ્હનનો હક છે એટલે તે દિવસે તેણે હકથી એવી વસ્તુઓ પહેરવી જોઈએ જમાં તે સારી લાગે અને તેની સુંદરતા વધરે નીખરે, પરંતુ તેની પસંદગી કરતી વખતે બોડીશેપ પર ધ્યાન ચોક્કસ આપો.
જો તમારું બોડી પેર શેપનું છે એટલે કે ઉપરનો ભાગ પાતળો અને નીચેનો ભાગ જાડો હોય તો તમે એવો લહેંગો પહેરો જેની ચોળીમાં વર્ક વધરે હોય, જેથી ઉપરનો ભાગ નીચેના સાથે મેચ થાય. ચોળી વી નેકની સિવડાવો.
જો તમારું બોડી એપલ શેપમાં છે, તો તમે સોફ્ટ ફેબ્રિકની પસંદગી કરો. હેવી ફેબ્રિક પહેરવાથી તમે વધરે જાડા લાગશો. અનારકલી અને શરારા સ્ટાઈલ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે.
તમારા પર કોઈપણ સ્ટાઈલનો લહેંગો સુંદર લાગશે, પરંતુ સ્લિમ ફિટ લહેંગો તમારા માટે બેસ્ટ છે.
જ્યારે તમે તમારા વેડિંગ ડ્રેસ વિશે વિચારો છો ત્યારે તમારે તમારા બજેટ વિશે ચોક્કસ વિચારવું જોઈએ. તમારું બજેટ ગમે તેટલું હોય ડિઝાઈનરને તેના કરતા ઓછું જ કહો કારણ કે બજેટ હંમેશાં વધી જાય છે. ફેશન ડિઝાઈનર જણાવે છે કે ડિઝાઈનર લહેંગા રૂ. ૨૦ હજારથી શરૂ થાય છે, આ લહેંગા જુદાં જુદાં માર્કેટમાં અલગઅલગ રેન્જમાં ઉપલબ્ધ છે. તમે તમારા બજેટ પ્રમાણે પસંદ કરીને તમારા ખાસ દિવસે વધારે ખાસ બનાવી શકો છો.


