નાનકડી દિવાસળીનું મોટું પુરાણ
- દિવાસળી બનાવવાનું સર્વપ્રથમ કારખાનું અમદાવાદમાં શરૂ થયું હતું
ગામડાંની ગોરીને ચૂલો પેટાવવો હોય, કે શહેરીબાબુએ ડ્રોઇંગરૂમમાં સિગારેટ સળગાવવી હોય કે રસોડામાં ગેસનો ચૂલો સળગાવવો હોય એ માટે દીવાસળીની સહુને જરૂર પડે જ છે. જન્મદિવસની પાર્ટીમાં બર્થ ડે કેક, ઉપર ગોઠવેલી મીણબત્તી હોય કે પછી સ્મશાનઘાટે સગાંની ચિતા જલાવવી હોય, દીવાસળીની જરૂર સહુ કોઈને અચૂક પડે જ છે.
આમ જોવા જાવ તો સાવ નકામી, મહત્વ વિનાની અને જેને આપણે કોઈપણ ભોગે ન સાચવીએ તેવી સાવ ફંકી દેવા જેવી દીવાસળી પણ કેટલીકવાર ખૂબ જ મહત્વની બની જાય છે. ટ્રેનમાં, બસમાં કે ગમે ત્યાં ગમે તેના ખિસ્સામાં સહેલાઈથી દીવાસળી મળી આવે છે. અંગ્રેજીમાં જેને 'મેચીસ' કે 'સેફ્ટી મેચીસ' કહે છે તે અપભ્રંશ થઈને 'માચીસ' શબ્દ બોલચાલમાં પ્રચલિત થઈ ગયો છે. કાઠિયાવાડના લોકો 'બાકસ' કે શહેરના લોકો 'દીવાસળી' યા કાંડી કહે છે.
આગ પેટાવવા માટેની આ નાનકડી દીવાસળીને જોયા પછી કોઈક જાદૂઈ સળી હોય એવું લાગે છે. આજે તો ગેસ લાઇટર અને ઇલેકટ્રોનિક લાઇટરના જમાનામાં આ દીવાસળી માટે કંઈજ નવાઈ કે અચંબો નહિ થતી હોય, પણ એક જમાનામાં દીવાસળી એક જાદૂની વસ્તુ ગણાતી હતી. દીવાસળીની શોધને લાંબો સમય નથી થયો. દોઢસો વરસ પહેલાં દીવાસળી શોધ થઈ છે.
એ પહેલાં આગ કેવી રીતે પેટાવતા હતા? એવો સવાલ આપણને થઈ આવે.
બે પથ્થર ઘસીને અથવા તો ઝાડની બે સૂકી ડાળી ઘસીને યા ચમકતો પથ્થર ઘસીને અથવા તો દિવસે સૂરજના કિરણો બિલોરી કાચ ઉપર ઝીલીને આગ પેટાવવામાં આવતી હતી. આ જ કારણોસર મોટા-મોટા કુટુંબોમાં તો હર હંમેશ એટલે કે ચોવીસે કલાક આગ બળતી રાખતા હતા. જેથી બીજે ઠેકાણે આગ પેટાવવી હોય તો એક ઠેકાણે સળગતી આગમાંથી લાકડી લઈ જઈને પેટાવી શકાય. અથવા તો એક બળતી લાકડીને રાખ નીચે દબાવી રાખવામાં આવતી. જ્યારે પણ આગની જરૂર પડતી એ લાકડીને કાઢીને એની ઉપર ફૂંક મારવામાં આવતી જેથી રાખ હટી જતી અને આગ પેદા થઈ જતી.
આમ તો વેદકાળમાં અગ્નિને દેવતા માની 'અગ્નિદેવ' તરીકે ઓળખવામાં આવતો. આ અગ્નિસર્જન પણ કરે છે અને વિનાશ પણ નોંથરે છે. ભઠ્ઠી મારફત એ અચ્છા-અચ્છા બત્રીસ જાતના પકવાન બનાવી લોકોના પેટની આગને ઠારે છે. તો કેટલીકવાર વિફરે તો ગામના ગામ અને જંગલના જંગલ સાફ કરી નાખે છે. એક નાનકડો અમસ્તો તણખો ખેતરમાં તૈયાર થયેલા પાકને હડપ કરી જાય છે એટલે આપણા બાપદાદાઓ અગ્નિની પૂજા કરતા હતા અને એને દેવતા તરીકે માન આપતા હતા.
દુનિયામાં જ્યારે પહેલી વાર દીવાસળી બનાવવામાં આવી તો એને અગ્નિના દેવતા 'લ્યુસીફર'ના નામ ઉપરથી જ અંગ્રેજોએ 'લ્યુસીફરમેચેસ'નું નામ આપ્યું.
ઓગણીસમી સદીની શરૂઆતમાં તો આગ સળગાવવા માટેના અનેક સહેલા અને સગવડિયા રસ્તાઓની શોધખોળ ચાલુ હતી. આ માટે જાતજાતના અને ભાત ભાતના અનેક અખતરાઓ થઈ ચૂક્યા હતા.
૧૮૦૫ની સાલમાં ચૉંસલ નામના વૈજ્ઞાનિકે જે દીવાસળી બનાવી હતી એ દીવાસળી આજની દીવાસળીની જેમ ઘસી-ઘસીને સળગાવવામાં નહોતી આવતી. સળીના ટોપકા ઉપર મોટાશિયમ ક્લોરાઈડ તેમ જ ખાંડનું મિશ્રણ લગાવેલું હોય. તેવી સળીને ગંધકની બાટલીમાં બોળવામાં આવતાં જ લાકડાની સળી સળગી ઊઠતી.
૧૮૨૭ સુધી દીવાસળીના રંગ-રૂપમાં જાતજાતના ફેરફારો થયા બરાબર એ જ વરસમાં જ ઘસીને સળગાવી શકાય તેવી દિવાસળીની શોધ થઈ. આમાં સળીની ટોચ ઉપર પોટેશિયમ ક્લોરાઇડની સાથે એન્ટીમની સલ્ફાઈડ પણ હતું.
ઇંગ્લેન્ડના જહોન ટેઈલરે સળીની ટોચે એન્ટીમની સલ્ફાઇડ, ગુંદર અને સ્ટાર્ચનું મિશ્રણ લગાડયું. તેને કાચ કાગળ સાથે ઘસવાથી આગ સળગતી. આ અખતરામાં હાજર રહેલા સેમ્યુઅલ જોન્સ નામના માણસે એ જ ફોર્મ્યુલાને વિકસાવવાની કોશિશ કરી. ટેઇલરની દીવાસળીમાં એક ખામી રહી ગઈ, જે ખૂબ જ નુકસાનકારક અને ખતરનાક પુરવાર થઈ. ટેઇલરની દીવાસળી સળગાવતાં એમાંથી દાહક વાસવાળો ગેસ પેદા થતો અને તેને કારણે 'ફોસી-જો' નામનો જડબાંનો રોગ લાગુ પડતો. પાછળથી જોન્સે પોતાની દીવાસળી પર ચેતવણી આપવી પડેલી કે, 'કમજોર ફેફસાંવાળાઓએ આ દીવાસળી વાપરવી નહિ.'
દીવાસળીમાં નવા-નવા ફેરફારો કરવા માટે વૈજ્ઞાનિકો હમેશાં પ્રયોગ કરતા રહેતા હતા. પોટેશિયમ ક્લોરાઇડની જગ્યાએ પછીથી પોટેશિયમ નાઇટ્રેટ અને શોરેનો ઉપયોગ થવા માંડયો. શોરેની જગ્યાએ લેડ ડાયોકસાઈડ અને મૈંગેનીઝ ડાયોક્સાઈડ વિગેરે સળગાવવામાં મદદરૂપ બનનાર પદાર્થનો પણ ઉપોયગ કરવામાં આવ્યો. એન્ટીમની સલ્ફાઈડની જગ્યાએ પીળા ફોસફરસને પણ વાપરવામાં આવ્યો. આ દીવાસળીને 'મેજિક મેચ સ્ટીક'ના નામે ઓળખવામાં આવતી જેની ચાર્લ્સ સોરિયા નામના માણસે શોધ કરી હતી.
આ જાતની દીવાસળી ઘણાં વરસો સુધી ચાલી અને લોકપ્રિય બની. ક્લીન્ટ ઇન્ટવૂડ અથવા તો ટેરેન્સ હીલની કાઉબોય સ્ટાઈલની અંગ્રેજી ફિલ્મો તો ઘણાંએ જોઈ હશે. એમાં એવી દીવાસળી દેખાડાઈ છે, જે ગમે ત્યાં ઘસાતાં સળગી ઉઠે. ફિલ્મનો હીરો પોતાના પેન્ટ પર, બૂટ પર, સામેવાળાના લેધર જેકેટ પર કે પછી સામેવાળાની ટાલ પર ગમે ત્યાં દીવાસળી ઘસતાં સળગી ઉઠે. પરંતુ અનેક વખત એનાથી અકસ્માત થતા હતા.
ક્યાંક સહેજ પણ આવી દીવાસળી ઘસાતી તો તુરંત આગ લાગી જતી અને એમાં બધું જ ખાખ થઈ જતું હતું.
એટલે દીવાસળીને વધુ સલામત બનાવવા માટે એને બે ભાગમાં વહેંચી નાખવામાં આવી. એટલે બધો જ મસાલો દીવાસળીની ટોચ ઉપર લગાવવાને બદલે અડધો ભાગ સળીની ટોચ ઉપર અને અડધો ભાગ દીવાસળીની પેટી ઉપર લગાવવામાં આવ્યો. એ કારણથી જ એ દીવાસળીનું નામ 'સલામત દીવાસળી' પાડવામાં આવ્યું. એટલે દીવાસળીની પેટી ઉપર આજે પણ જોશો તો અંગ્રેજીમાં 'સેફટીમેચેસ' લખેલું જોવા મળશે.
આજે આપણે એક દીવાસળી બાળીએ પછી તે ફેંકી દેવી પડે છે, તેને ફરી વાપરી શકાતી નથી. ઓસ્ટ્રીયાના બે તરવરિયા જુવાનોએ એવી દીવાસળી બનાવી જે એક કરતાં વધુ વખત વાપરી શકાય. એની પેટીમાં ફક્ત ત્રણ જ દીવાસળી રહેતી. હોંશિયાર અને ચાલાક વાપરનાર હોય તો એ દીવાસળી ખૂબ જ લાંબો સમય ચાલતી હતી. એનું કારણ એ હતું કે, દીવાસળીને ટોચે લગાડવમાં આવતો મસાલો ખૂબ જ ધીમે-ધીમે બળે તેવો હતો. આપણા કમનસીબે એવી દીવાસળી આજે જોવા મળતી નથી કે વેચાતી મળતી નથી.
'સેફટીમેચેસ'ની સળી ગમે ત્યાં ખરબચડી જગ્યાએ ઘસવાથી સળગશે નહિ. બલકે એ ખાસ જાતના મસાલાવાળા દીવાસળીની પેટીની બાજુમાં બનાવેલી સપાટી ઉપર જ ઘસવાથી તરત સળઘશે. દુનિયાના મોટા ભાગના દેશોમાં આજકાલ આ જ દીવાસળી ચાલે છે.
આ 'સેફટી મૈચેસ'ની શોધ સૈકા પહેલાં એટલે કે વીસમી સદીની શરૂઆતમાં સ્વીડન દેશના જે. ઈ. લોનસ્ટોર્મ નામના માણસે કરી હતી.
આપણા દેશમાં દીવાસળીના મોટા કારખાના અને નાની મોટી કોટેજ ઇન્ડસ્ટ્રીઝ દક્ષિણ ભારતમાં અને ખાસ કરીને તામિલનાડુમાં વધારે છે. પરંતુ ઘણાંને એ જાણીને નવાઈ લાગશે કે દીવાસળી બનાવનાનું પહેલું કારખાનું આપણા દેશમાં ૧૮૯૫ની સાલમાં અમદાવાદ શહેરમાં શરૂ કરવામાં આવ્યું હતું.
૧૯૧૪ની સાલમાં ભારતને ફક્ત ૨૧૬૦ લાખ દીવાસળીના બોક્સની જરૂરત હતી, જે જાપાન અને સ્વીડન જેવા દેશોમાંથી આયાત કરવામાં આવતી હતી. ૧૯૨૧-૨૨ના વરસમાં સરકારે દીવાસળીની આયાત ઉપર ૨૦૦ ટકા જેટલી ભારેખમ કસ્ટમ ડયૂટી નાખી દીધી. જેથી કરીને આપણે ત્યાં દેશમાં બની રહેલી દીવાસળીનો ઉદ્યોગ ફૂલે-ફાલે અને પ્રગતિ કરે.
આમ આપણે ત્યાં પધ્ધતિસરનું કારખાનું જેને કહી શકાય તેવું દીવાસળીનું કારખાનું પૂરેપૂરી મશીનરી સાથે ૧૯૨૪માં શરૂ થયું. ૧૯૨૮ પછી તો કોલકતા, મદ્રાસ, બરેલી અને બીજી અનેક જગ્યાઓએ દીવાસળીના કારખાના ફટોફટ ખુલવા માંડયા.
પરંતુ તામિલનાડુના મદુરાઈ જિલ્લાના રામનાથપુરમ અને તિરૂનેલવેલીમાં દીવાસળી બનાવવાનો ઉદ્યોગ ઘરે-ઘરે શરૂ થઈ ચૂક્યો હતો. ગુડિયાટમ પ્રદેશમાં પણ દીવાસળીનો ઉદ્યોગ ખૂબ જ ફૂલ્યો-ફાલ્યો. લગભગ ૨૦૦૦ જેટલા દીવાસળીના ગૃહઉદ્યોગો તામિલનાડુમાં ઠેકઠેકાણે ખુલી ગયા. જેમાંથી અમુક કુટુંબોએ જ પોતાની દીવાસળીને લેબલ લગાવીને બજારમાં વ્યવસ્થિત રીતે મૂકી. બાકી તો આડેધડ ગમે તે નામે, ગમે તે લેબલ અને ગમે તે છાપના ઓથા હેઠળ દીવાસળી વેચાવા માંડી.
હાલમાં સહુથી વધી દીવાસળી અમેરિકામાં વપરાય છે. યુરોપમાં તો ૧૯મી સદીની શરૂઆતમાં જ દીવાસળી બનાવવા માટેની મશીનરી શોધવામાં આવી હતી. આપણે ત્યાં એ બધી જ પ્રક્રિયા મશીન વિના મજૂરોની મજૂરીથી જ કરવામાં આવતી. જો કે આજે તો એકદમ આદુનિક ઓટોમેટિક મશીન આવી ગયા છે જેનાથી પૂરેપૂરી દીવાસળી મશીનરીથી બને છે.
વાંસ, ચીલ કે સીમળાના લાકડાંમાંથી માપસર સળીઓ કાપવાના મશીનો, તેને રંધો મારીને એકસરખા ઘાટની બનાવતા મશીનો, ગુંદર અથવા તો સરેશથી તેના ઉપર સળગી ઉઠે તેવા મસાલાનું ટોપકું લગાવતા મશીનો, પૂંઠાના દીવાસળીના માપના નાના ખોખાં બનાવતાં મશીનો, એ ખોખાંની બન્ને બાજુએ સળગવામાં મદદરૂપ થાય તેવા મસાલાનો લેપ લગાડતા મશીનો અને છેવટે તૈયાર થયેલી દીવાસળીને ગણી-ગણીને ખોખામાં ભરતા મશીનો હવે ભારતમાં પણ આવી ગયા છે.
અમેરિકામાં તો એવા મશીન છે જે કલાકમાં ત્રણથી પાંચ લાખ દીવાસળીઓ ફટાફટ તૈયાર કરી દે છે. આ સળીઓ એમોનિયમ ફોસ્ફેટ યા બૉરીક એસિડામાં બોળવામાં આવે છે. ત્યાર પછી ડાઇંગ મશીનથી તેને સૂકવીને ઓટોમેટિક મશીનથી ખોંખામાં ભરાય છે. આ મશીન કલાકમાં ૮થી ૧૦ લાખ દીવાસળીની પેટીઓ એટલે કે ખોંખા તૈયાર કરે છે.
આટઆટલી માથાકૂટ અને મગજમારી કર્યા પછી તૈયાર થતી અને વારે ઘડીએ અનેક કામમાં ઉપયોગી બનતી દીવાસળી જ્યારે દહેજના દીવાના બનેલા સમાજના રાક્ષસોના હાથે કોડભરેલી કન્યાને સળગાવી મારવા માટે વાપરવામાં આવે ત્યારે કુદરતી રીતે જ આપણા મોઢેથી આ નાનકડી દીવાસળી માટે શ્રાપ અને બદ-દૂઆ નીકળી જાય છે.