ભારતીય નારીની છ વારની સાડી આજે દુનિયાભરમાં લોકપ્રિય બની ગઇ છે. આપણા દેશના મહાનગરોમાં વસતિ સ્ત્રીઓ ભલે ફેશન કે સગવડ ખાતર સાડી છોડીને પંજાબી સુટ કે અન્ય ડ્રેસ પહેરવા તરફ વળી છે. પરંતુ સેલિબ્રિટીઓમાં હજી પણ સાડી પહેરવાનો ક્રેઝ અકબંધ છે. અને તેનું કારણ એ છે કે સાડી કોઇપણ પ્રસંગે, કોઇપણ સમયે અને ગમે તેવા ફિગરમાં પહેરી શકાય છે. પાતળી પરમારથી લઇને સ્થૂળકાય માનુનીને પણ સાડી સારી જ લાગે. કદાચ એટલે જ ફેશન ડિઝાઇનરો સાડી પર નવા નવા પ્રયોગો કરતાં રહે છે. વિવિધ રીતે સાડી પહેરવાથી લઇને સાડી પર કમરબંધ,બેલ્ટ ઇત્યાદિ પહેરવા સુધીના પ્રયોગો કરવામાં આવે છે. છેલ્લા કેટલાંક સમયથી સાડી પર બેલ્ટ કે કમરબંધ પહેરવાની ફેશન પાછી ફરી છે. ખરેખર તો દશકો પહેલા આવી ફેશન સાવ સામાન્ય હતી, અને ફેશનની મુખ્ય ધારામાં તેની આવનજાવન જારી રહી છે. તાજેતરમાં ઘણી સેલિબ્રિટીઓ સાડી પર વિવિધ પ્રકારના કરમબંધ કે પટ્ટા પહેરતી જોવા મળી છે.
થોડા સમય પહેલા અભિનેત્રી માધુરી દીક્ષિત-નેને એેની સાડીની બોર્ડરને મેચ આવે એવા બેલ્ટમાં જોવા મળી હતી. તેના બેલ્ટમાં વચ્ચેના ભાગમાં લગાવવામાં આવેલું સુંદર બ્રોચ આંખે ઉડીને વળગતું હતું. જ્યારે ગાયિકા કનિકા કપૂરે ઝળાંહળાં કરતી સાડી સાથે ઝગમગાટ કરતું પાતળું કમરબંધ પહેર્યું હતું. 'બેબી ડોલ'ના હુલામણાં નામે ઓળખાતી કનિકાની કાયા આ કમરબંધને કારણે અત્યંત કમનીય લાગતી હતી.
અભિનેત્રી નોરા ફતેહીએ પણ પ્રિન્ટેડ સાડી પર પોલીસમેન જેવું લેધર બેલ્ટ પહેરીને પોતાની નાજુક કટિનું પ્રદર્શન કર્યું હતું. જ્યારે એક ફેશન શોમાં એક મોડેલે ચંદેરી સાડી પર પહેરેલું ચેનવાળું કમરબંધ ઉડીને આંખે વળગતું હતું. અભિનેત્રી રશ્મિ દેસાઇ પણ ગ્રીન કલરની સાડી સાથે લેધર બેલ્ટ પહેરતી જોવા મળી હતી.
ફેશન ડિઝાઇનરો કહે છે કે સાડી સાથે બેલ્ટ કે કમરબંધનું કોમ્બિનેશન ખૂબ સુંદર લાગે છે. તેમાંય પાતળી કટિ ધરાવતી માનુનીઓની સુંદરતામાં તે અનેકગણી વૃધ્ધિ કરે છે. તેઓ વધુમાં કહે છે કે જ્યારે તમે સાડી સાથે કમરબંધ કે બેલ્ટ પહેરો ત્યારે અન્ય એક્સેસરીનો ઉપયોગ હળવો રાખો. અલબત્ત, તે ઘરેણાંની ગરજ ન સારી શકે. પરંતુ બેલ્ટ પહેરો ત્યારે ગળામાં હાંસડી કે પછી સાવ નાની ચેન ઇત્યાદિ પહેરો. તેની સાથે લાંબી માળા ન પહેરવી. બાકી તમે હાથમાં ડઝનબંધ બંગડીઓ કે મોટો ચુડો પહેરો તોય વાંધો નહીં. તેઓ વધુમાં કહે છે કે જેમની કમર પર ચરબીના થર જામેલા હોય તેમણે સાડી સાથે કમરબંધ કે બેલ્ટ પહેરવાનું ટાળવું.બલ્કે તેમણે સાડી પણ એવી રીતે પહેરવી કે તેમની કટિ પર પડતાં ચરબીના સળ ઢંકાઇ જાય.વાસ્તવમાં કમરબંધ અને બેલ્ટ તમારી કમનીય કટિને દર્શાવવા જ પહેરવામાં આવે છે. તેથી લાંબી-પાતળી પરમારોએ સાડી સાથે બેલ્ટ કે કમરબંધ પહેરવાની તક જતી ન કરવી.
કટિને કામણગારી દર્શાવતી એક્સેસરી
એ સમય વિતી ગયો જ્યારે બેલ્ટ માત્ર પેન્ટને કમર પર ટકાવી રાખવા પહેરવામાં આવતાં હતાં. હવે કમરપટ્ટા માત્ર પેન્ટ પર જ નહીં, બલ્કે પરંપરાગત પોશાક પર પણ પહેરવામાં આવે છે. અને તે પણ અનેક પ્રકારના. તમે ચાહો તો ફોર્મલ લહંગા, અનારકલી,સાડી કે શરારા પર સુંદર બેલ્ટ પહેરીને તમારા પરિધાનને વધુ આકર્ષક બનાવી શકો.
ફેશન ડિઝાઇનરો કહે છે કે કમરબંધ માત્ર તમારા વસ્ત્રોને જ નહીંં , તમારા ફિગરને પણ આકર્ષક લુક આપે છે. તેમાંય પાતળી કટિ ધરાવતી માનુનીઓ સાડી કે અન્ય કોઇપણ પરંપરાગત પોશાક પર સુંદર કમરબંધ પહેરે તો તે વધુ કામણગારી દીસે છે. વાસ્તવમાં કમરપટ્ટા હવે આધુનિક એક્સેસરીઝનો મહત્વનો ભાગ બની ગયાં છે.
તેઓ વધુમાં કહે છે કે આજે કટિબંધ વિવિધ પ્રકારના ફેબ્રિક અને સાઇઝમાં આસાનીથી મળી રહે છે. તેથી તમારે તમારા પોશાક સાથે કયો કમરપટ્ટો સારો લાગશે તે સૂઝબૂઝથી પસંદ કરવો રહ્યો. જેમ કે કુરતા અને પેન્ટ સાથે એમ્બ્રોઇડર કરેલો કટિબંધ અત્યંત આકર્ષક લાગે છે. વળી તેને કારણે દુપટ્ટો પણ સારી રીતે સચવાઇ જાય છે તે છોગામાં. પરંતુ જો તમે પ્રી-ડ્રેપ્ડ સાડી પહેરો તો તેની સાથે કટવર્ક કરેલું બેલ્ટ બેસ્ટ રહેશે.અનારકલી ડ્રેસ પર પણ ભરતકામ કરેલું બેલ્ટ ખૂબ જચે છે. અને ઓરગેન્ઝા સાડી સાથે રંગબેરંગી રત્નો જડેલું કટિબંધ તમારા આકર્ષણમાં અનેકગણી વૃધ્ધિ કરી દેશે. સ્લીવલેસ કુરતી પર બૉ અથવા ગાંઠવાળી ડિઝાઇન ધરાવતું બેલ્ટ પહેરી શકાય. એથનિકવેઅર સાથે ફૉકસ લેધર બેલ્ટ પણ તમારા દેખાવને નોખો તારે છે.
તેવી જ રીતે પરંપરાગત પોશાકને આધુનિક સ્પર્શ આપવા મેટાલિક બેલ્ટ પહેરો.ઘેરા રંગના અનારકલી સાથે મોતીનો કમરપટ્ટો કે પછી શેવ્રોન એમ્બ્રોઇડર બેલ્ટ મસ્ત દેખાશે.આવું જ કાંઇક એમ્બ્રોઇડરી કરેલા બ્લાઉઝ સાથે પહેરેલી પ્લેન સાડીમાં પણ કરી શકાય. બ્લાઉઝને મેચ થતો કટિબંધ બનાવડાવો કે પછી એકદમ પાતળું કમરબંધ પહેરીને પ્લેન સાડીને આકર્ષક લુક આપો.


