આજની મોટાભાગની યુવતીઓને ફિલ્મ અભિનેત્રી કે મોડેલ જેવા સુંદર દેખાવાની ઈચ્છા હોય છે. ફિલ્મોની અભિનેત્રી હંમેશા સુંદર અને આકર્ષક દેખાતી હોય છે. તેના જેવી જ સુંદરતા મેળવવા ટીનએજર સૌંદર્ય પ્રસાધનો પાછળ રૂપિયા ખર્ચે છે. છતાં તેમની જેવી સુંદર ત્વચા થતી નથી. ફિલ્મ અભિનેત્રીઓ તેમની સુંદરતા જાળવવા એવો તે કયો ઉપાય અજમાવતી હશે કે વય વધવા છતાં તે હંમેશા નાની જ દેખાય છે? એવો પ્રશ્ન આપણને થાય છે. આ જ પ્રશ્ન કેટલીક અભિનેત્રીને પણ પૂછવામાં આવ્યો હતો. તેમની સુંદરતાનું રહસ્ય તેમના જ શબ્દોમાં જાણીએ.
આલિયા ભટ્ટ :
સુંદર દેખાવા માટે ખુશ રહેવું અત્યંત જરૂરી છે. ખુશ રહેવાથી ચહેરો કુદરતી રીતે ખીલી ઉઠશે. મારી સુંદરતાનું રહસ્ય પણ ખુશી જ છે અને આ વાત મને વારસામાં મળી છે. ભોજન મારી નબળાઈ છે. હું ભૂખ પર નિયંત્રણ રાખી શકતી નથી એટલે ભરપેટ જમું છું. જમવામાં ફળ અત્યંત જરૂરી છે. મારા મતે સારા સ્વાસ્થ્યનું મુખ્ય રહસ્ય ઊંઘ છે. તાણની આડઅસર સુંદરતા પર થાય છે. હું ફીટ રહેવા માટે દરરોજ દોઢથી બે ક્લાક કસરત કરું છું. ચહેરાની તાઝગી જાળવવા ઠંડા પાણીની છાલક મારું છું. બરફથી ચહેરા પર માલિશ કરું છું. શુટિંગ ન હોય ત્યારે મેકઅપ નથી લગાડતી. ભરપૂર પાણી પીવું જોઈએ. મને દિવસના ૧૩-૧૪ ગ્લાસ પાણી પીવા જોઈએ છે.
પ્રિયંકા ચોપરા :
હું શુટિંગમાં વ્યસ્ત જ રહું છું. એટલે શુટિંગમાં જવાના અડધો ક્લાક પહેલાં જ ઊઠું છું. નાસ્તામાં ઈંડા, ટોસ્ટ, ફળ, સંતરાનો રસ અથવા દૂધ લઉં છું. આમ તો હું માંસાહારી છું, પરંતુ હું માનું છું કે શાકાહારી ભોજન સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણાય છે. છાશ પીવાથી ત્વચાનો રંગ નીખરે છે. જમવામાં પનીર અને દહીં હોવું અત્યંત જરૂરી ગણું છું. શરદીને લીધે મારું ગળું હંમેશા ખરાબ હોય છે એટલે દરરોજ સવારના આદુ, મધ અને મરીનો ભૂકો નાંખેલું પાણી લઉં છું. આ પાણી ત્વચા માટે તો સારું છે જ તે ઉપરાંત આનાથી અવાજ પણ મધુર બને છે. મેકઅપમાં હું લીપગ્લોસ લગાડતી નથી. મારા હોઠ પહોળા હોવાને કારણે હું મેટ લિપસ્ટીક લગાડું છું તથા કાજળ પણ નથી લગાડતી. ઓછા મેકઅપથી આંખને સોફ્ટ લુક આપવાનું મને પસંદ છે.
કંગના રનૌત :
તાણ તમારાથી દૂર રહેશે તો સુંદરતા તમારી પાસે રહેશે. હું મેડિટેશન પર વધારે ધ્યાન આપું છું. આનાથી ચિત એકાગ્ર થાય છે. તંદુરસ્તી માટે પૂરતી ઊંઘ જરૂરી છે. હળવો વ્યાયામ તો બધાએ કરવો જોઈએ. તે માટે હું થોડો સમય કાઢું છું. જો તમારી દિનચર્ચા યોગ્ય હોય તો તમે ફીટ જ રહેશો.
શિલ્પા શેટ્ટી :
સુંદરતા કોઈના ચહેરા કે ફિગરમાં નથી, પરંતુ અન્યોની સામે તમે જે રીતે તમારી જાતને રજૂ કરો છો તેના પર આધાર રાખે છે. તમારો પોશાક અને ભોજન સારું હોવું જોઈએ. સ્વચ્છ પરિસરમાં બનાવવામાં આવેલું ભોજન મને ગમે છે. હું ચાઇનીઝ ભોજનની દીવાની છું. મારા દિવસની શરૂઆત નાળિયેર પાણીથી થાય છે. કલિંગરનો રસ, સફરજન અને કેળા હું નિયમિત લઉં છું. સુંદરતાનું મુખ્ય રહસ્ય સફળતા છે. જીવનમાં સફળતા મળવાથી કોઈપણ વ્યક્તિ સુંદર બની જાય છે. ખાવા ઉપરાંત હું મારા મેકઅપ અને પોશાક પ્રત્યે વધારે ધ્યાન આપું છું.
કાજોલ :
સવારના તો ટ્રેનિંગને કારણે મને સમય જ મળતો નથી. શુટિંગ માટે નીકળું ત્યારે ગાડીમાં જ પૌંઆ, ઈંડા કે બ્રેડ કે જે પણ મારા રસોઈયાએ નાસ્તો બનાવ્યો હોય તે ખાવ છું. અમારું બંગાળી ખાણું લીધા બાદ ઊંઘ આવે છે એટલે હું બપોરના જમવાનું ટાળું છુ.ં નાસ્તો અને ડિનર સારી રીતે કરું છું. દિવસ દરમિયાન પાણી એટલું બધું જોઈએ છે કે તેનું પ્રમાણ યાદ રહેતું નથી. ચા-કૉફી અમારા પ્રોફેશન માટે નુકસાનકારક ગણાય છે. જમરૂખનો રસ ઊર્જા આપે છે. તે બધાએ પીવો જોઈએ એમ હું માનું છું.
રાણી મુખર્જી :
હું હંમેશા ખુશ અને મસ્ત રહું છું. તે જ મારી સુંદરતાનું રહસ્ય છે. હું નિયમિત જિમમાં જાઉં છું. ખાવા માટે હું જીવું છું. જે પણ સ્વાદિષ્ટ હોય તે બધું જ ખાવ છું એટલે ફિટ રહેવા માટે મારે ઘણો વ્યાયામ કરવો પડે છે. મારા ચહેરા પર નેચરલ મેકઅપ જ સારો લાગે છે એટલે હું માત્ર કાજળ અને લિપગ્લોસ લગાડું છું.બીજી એક મહત્ત્વની વાત એ છે કે તમારા વિચારો સકારાત્મક રાખો અને બધાને પ્રેમ કરો. પ્રેમ વ્યક્તિને સુંદર બનાવે છે.
દિયા મિર્ઝા :
મારી સુંદરતાનું રહસ્ય? હું પાણી વધારે પીઉં છું. ઘણા એવા લોકો છે જેમને તંદુરસ્ત રહેવું હોય છે, પરંતુ પરેજી પાળવા તૈયાર હોતા નથી.
આ બાબતે હું એકદમ કડક છું. તળેલી વાનગીઓથી દૂર રહું છું. સુંદર દેખાવા માટે મેકઅપ અને લુકનું ધ્યાન રાખવું જરૂરી છે. મને નેચરલ મેકઅપ કરવો ગમે છે. આ વાત મેકઅપ પર જ નહીં, પરંતુ વ્યવહારમાં પણ લાગુ થાય છે અને તે જ સુંદરતાની ખાસ બાબત છે. સુંદરતા દર્શાવવા હું આંખોને હાઈલાઈટ કરું છું તથા હોઠને નેચરલ લુક આપું છું. મને કાજળ લગાડવું પણ ગમે છે.


