કાશ્મીર એક તરફ તો તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રસિદ્ધ છે, તો બીજી તરફ તેની શાલ માટે પણ એટલું જ જાણીતું છે. શિયાળાની શરૂઆત સાથે જ ગલીગલીમાં સાઇકલ કે ખભા પર પોટલું લાદેલા ફેરિયા નજરે પડશે. તેમના પહેરવેશ અને રંગરૂપ જોઈને અનાયાસે જ આપણે તેમના તરફ આકર્ષિત થઈ જઈએ છીએ.
આવા ફેરિયા પાસેથી કાશ્મીરી શાલ, ફરના કોટ, ફિરન, ચામડાંની પર્સો, જેકેટ વગેરે સહેલાઈથી મળી રહે છે, પરંતુ જો તમારે પશમીના અને શાહતોશની શાલ ખરીદવી હોય, તો મોટા મોટા શો રૂમોની મુલાકાત લેવી પડશે અને બની શકે કે એ ઓઢવા માટે તમારે મહિનાઓ સુધી રાહ પણ જોવી પડે. આખરે એ નાયાબ શાલમાં એવું તે શું છે? કાશ્મીરની આ પશમીના અને શાહતોશ શાલ દેખાવે સુંદર, ઓઢવામાં હળવી, ગરમ અને સ્પર્શ કરતાં એકદમ મુલાયમ હોય છે, એ એટલી બધી મુલાયમ હોય છે કે સાત ગજ લાંબી, પહોળી શાલને તમે રમતાં રમતાં તમારી આંગળીની વીંટીમાંથી પસાર કરી શકો છો. આ જ શાલની અસલી ઓળખ છે.
આ શાલ કાશ્મીરમાં જોવા મળતાં એન્ટિલોપ (કાળિયાર હરણ)ના વાળમાંથી વણાય છે. આ જાનવર સફેદ રંગનું હોય છે અને તે બહુ જ ઓછી સંખ્યામાં જોવા મળે છે. આ જાનવરના બધા જ વાળ શાલ બનાવવાના કામમાં નથી આવતા, પરંતુ ફક્ત એની દાઢીના વાળ જ શાલ બનાવવામાં વપરાય છે. આથી જ આવી શાલની કિંમત લાખો સુધી પહોંચી જાય છે. શાહતોશ શાલની કિંમત ૫૦ હજારથી ૫૦ લાખ રૂપિયા સુધી હોય છે. ખૂબ જ મોંઘી હોવાને કારણે તે ભારત કરતાં વિદેશોમાં વધારે લોકપ્રિય છે. ભારતમાંથી તેની નિકાસ થાય છે.
કાશ્મીરી શાલમાં પશમીના શાહતોશથી ઓછી કિંમતની શાલ છે. આ શાલ લદાખમાં જોવા મળતી એક નાના કદની બકરીના વાળમાંથી વણાય છે. એક પશમીના શાલનો ભાવ ૫૦૦થી માંડીને ૫૦ હજાર રૂપિયા સુધીનો હોય છે. બે મીટર લાંબી હાથથી વણાયેલી આ શાલની કિંમત લગભગ સાડાત્રણ હજાર રૂપિયા હોય છે. આ શાલ પર રંગીન રેશમી દોરાથી સોયની મદદથી બારીક ભરતકામ કરવામાં આવે છે. એક શાલ પરનું ભરતકામ પૂરું થતાં સાડાચાર મહિના લાગે છે. જો કોઈ ખાસ નમૂનો બનાવવાનો હોય, તો એક જ શાલ પર ભરતકામ કરતાં બે વર્ષ પણ લાગતાં હોય છે.
આ શાલ કૃત્રિમ રંગોથી નથી રંગવામાં આવતી, આથી તે આછી ભૂરી, સફેદ અને સિલેટી રંગોમાં જ મળે છે. બીજું એ કે એને હાથથી અને ઘરોમાં જ વણવામાં આવે છે. પ્રાચીનકાળમાં રાજામહારાજાઓ અને મોગલોએ આ કલાને બહુ પ્રોત્સાહન આપ્યું હતું, પરંતુ હવે આ કલાના કદરદાનો ઓછા થઈ ગયા છે. પશમીના શાલ તો લોકો ખરીદી લે છે, પરંતુ શાહતોશનું તો નામ પણ લોકો નથી જાણતાં. ખૂબ જ કિંમતી હોવાથી તેને ખરીદવી સામાન્ય માણસને ન પરવડે. કાશ્મીરમાં પણ શાહતોષ શાલ પોતાનું અસ્તિત્વ ગુમાવી રહી છે. આમેય ચીન અને ભારમતાં શાહતોશ શાલના નિર્માણ પર મનાઈ ફરમાવી દેવાઈ છે. એક શાહતોશ શાલનું વજન ૨૦૦ ગ્રામ જેટલું હોય છે. એક એન્ટિલોપમાંથી ૧૦૦થી ૧૫૦ ગ્રામ ઊન મળે છે. આમ એક શાહતોશ શાલ વણવા માટે લગભગ ત્રણ એન્ટિલોપ મારી નાખવા પડે છે. એન્ટિલોપની લુપ્ત થતી જતી જાતિને બચાવવા માટે લગભગ ૧૨ વર્ષ પહેલાં ફરમાંથી બનતાં વસ્ત્રો પર પ્રતિબંધ મુકાયો હતો. ચીન, તિબેટ અને કાશ્મીરમાં ૬૦ હજારથી વધુ લોકો આ કામમાં જોડાયેલાં છે.
ભારતમાં પર્યાવરણ વિશેષજ્ઞા અને વન્ય જીવસંરક્ષણ સંગઠનોએ સરકાર પર દબાણ કર્યું હતું કે અહીં પણ શાહતોશ શાલ બનાવવા પર પ્રતિબંધ મૂકી દેવાય, પરંતુ આ મનાઈ હજી સુધી અહીં પૂરેપૂરી પળાતી નથી. આમ તો જો કોઈ વ્યક્તિ શાહતોશ શાલ વેચતાં અથવા ખરીદતાં પકડાઈ જાય, તો એને માટે સાત વર્ષની સજાની જોગવાઈ છે.


