Get The App

સુંદર નર-નારીનું રૂપ નિખારે પીઠી .

Updated: Jun 8th, 2026

GS TEAM

Google News
Google News
સુંદર નર-નારીનું રૂપ નિખારે પીઠી                                   . 1 - image

- ભારતમાં વિવિધ પ્રાંતમાં લગ્ન પ્રસંગે પીઠી ચોળવાની વિધિનું મહત્વ 

ભારતીય લગ્ન પરંપરામાં વિવિધ વિધિઓનું અનોખું મહત્વ હોય છે. પરંતુ ગુજરાતીમાં પીઠી ચોળવાની વિધિ હોય કે આજના ટ્રેન્ડી લગ્નની હલદી રસમ એ એક જ વિધિ છે. દરેક લગ્નની વિધિ રસપ્રદ હોય છે. પણ ગુજરાતમાં પીઠી ચોળવાની વિધિ આજકાલ ડેસ્ટિનેશન વેડિંગમાં પણ ખાસ કાર્યક્રમ બની ગઇ છે. ભારતીય લગ્નમાં સૌથી શુભ અને મહત્વની પરંપરામાં પીઠી ચોળવાની વિધિનો સમાવેશ થાય છે. 

ભારતના વિવિધ વિસ્તારોમાં પીઠી ચોળવાની વિધિ વિવિધ નામે ઓળખાય છે. ઉત્તર ભારતના હિન્દી ભાષી રાજ્યોમાં તે હલદી કી રસમ નામે તે જાણીતી છે. આ વિધિ ગુજરાતમાં પીઠી ચોળવાની વિધિ બની જાય છે. બંગાળીમાં તે ગાયે હોલુદ તરીકે ઓળખાય છે તો પંજાબમાં  તેને વાતના નામે ઓળખવામાં આવે છે તો બિહારમાં બિહારીઓ તેને હળદી કુટાઇ તરીકે ઓળખે છે. તમિળનાડુમાં તેને સ્નાનમ તરીકે ઓળખવામાં આવે છે. 

પીઠી ચોળવાની વિધિમાં હળદરમાંથી બનાવવામાં આવેલી પીઠી વર અને વધૂના શરીરે ચોળવામાંં આવે છે. પીઠીને પવિત્ર અને શુભ માનવામાં આવે છે અને તે નવજીવનની શરૂઆતનું  પ્રતીક બની રહે છે. સામાન્ય રીતે પીઠી ચોળવાની વિધિ લગ્નના એક દિવસ અગાઉ અથવા લગ્નના દિવસે સવારે યોજાય છે. વરરાજાની પીઠી ચોળવાની રસમમાં પરિવારના સભ્યો તથા દોસ્તો પીઠી ચોળવાની મોજ માણે છે. વરરાજા અને નવવધૂને પીઠી ચોળવાની વિધિ આજકાલ વધારે લોકપ્રિય બનવાનું એક કારણ એ પણ છે કે વરરાજા કે નવવધૂ તેની જે વાંઢા દોસ્ત  કે કુંવારી સહિયરને પીઠી લગાવે તેમના લગ્ન પણ ઝડપથી થઇ જાય છે. આજ કારણે પીઠી ચોળવાની વિધિ આજકાલ ટ્રેન્ડી બની રહી છે. 

ડેસ્ટિનેશન વેડિંગના જમાનામાં હવે પીઠી ચોળવાની વિધિ એ ઘરની ચાર દિવાલો વચ્ચે યોજાતી સામાન્ય વિધિ નથી રહી પણ એક વેડિંગ ઇવેન્ટ બની ગઇ છે. પીઠી ચોળવાની વિધિ હવે થીમ આધારિત સમારોહ બની ચૂક્યો છે. આજકાલ લગ્ન પ્રસંગે પીઠી ચોળવાની વિધિ ભારે ઠાઠમાઠથી યોજાય છે. ફૂલોની સજાવટ, પીળા રંગના કપડાં, નાચગાન અને ફોટો શૂટને ધ્યાનમાં રાખી પીઠી ચોળવાની ભવ્ય વિધિ યોજવામાં આવે છે. પીઠી ચોળવાની વિધિ જમાનો બદલાયો તેમ તેની ઉજવણી વધારે આનદપૂર્ણ બની રહી છે. આજે ય પીઠી ચોળવાની વિધિ સાથે સંકળાયેલાં સૌભાગ્ય અને તેનું શુભ મહત્વ અકબંધ છે. 

પીઠી ચોળવાની વિધિના વૈજ્ઞાાનિક કારણ અને ધાર્મિક કારણો પણ જાણવા જેવાં છે. ભારતીય ઘરોમાં હળદર એ પવિત્ર દ્રવ્ય મનાય છે. ઘરના રસોડાંથી માંડી વિવિધ પ્રકારની વિધિઓમાં હળદરનું સ્થાન નિશ્ચિત હોય છે. લગ્ન પ્રસંગે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુને હળદર પ્રિય હોવાથી તેમની પૂજામાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. હિન્દુ માન્યતાઓ અનુસાર હળદર સૌભાગ્યનું પ્રતીક પણ ગણાય છે. જેને કારણે પીઠી ચોળવાથી વર અને વધૂને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. લગ્ન પ્રસંગે વર અને વધૂને કોઇની નજર ન લાગે એ દષ્ટિએ પણ તેમની પીઠી ચોળવાની વિધિ આવશ્યક બની રહે છે. હળદર લગાવવાથી વાતાવરણમાંથી નકારાત્કતા દૂર થાય છે અને આનંદ પ્રસરે છે. સૌથી રસપ્રદ બાબત એ છે કે જ્યારે બ્યુટી પાર્લરનો જમાનો શરૂ થયો નહોતો  અને  બ્રાઇડલ પેકેજનું નામ પણ કોઇએ સાંભળ્યું નહોતું ત્યારે પણ પરણવા જતાં વર અને વધૂનું સૌન્દર્ય મનભાવન બની રહેતું હતું. આ સૌન્દર્યનું રહસ્ય પીઠી ચોળવાની વિધિમાં સમાયેલું છે. હળદરમાં એન્ટી ઓક્સિડેન્ટ તત્વો મોજૂદ હોય છે અને દળદરમાંથી બનાવવામાં આવેલી પીઠી શરીર પર ચોળવાને  કારણે શરીરમાંથી વિષારી તત્વો દૂર થાય છે અને શરીરની સુંદરતા વધે છે. 

હળદરમાં એન્ટીબાયોટિક અને એન્ટી બેકટેરિયલ ગુણો હોવાથી ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરવામાં પીઠી મહત્વની ભૂમિકા ભજવે છે. વર અને વધૂને ત્વચાની કોઇ સમસ્યા હોય તો પીઠી ચોળવાથી તે દૂર થઇ જાય છે. બીજી મહત્વની બાબત એ છે કે પીઠી ચોળવાથી ત્વચા ચમકીલી બની જાય છે. પીઠીનો રંગ ચઢતાં જ વર અને વધૂના ચહેરા ચમકવા માંડે છે. 

 - વિનોદ પટેલ