માનુનીઓ કોઈ પણ ડ્રેસ પહેરે, પણ સાડીમાં એ જેટલી સુંદર, આકર્ષક અને મનમોહિની લાગે છે, એવી કોઈ ડ્રેસ-પહેરવેશમાં લાગતી નથી, એવું તો પ્રતિષ્ઠિત ફેશન-નિષ્ણાતો અને ફેશન-ડિઝાઈનરો કહે છે અને તેમની આ વાત સદાકાળ સાચી પુરવાર થાય છે-થઈ છે. એક સાડી જ તો છે, જેને ગ્લેમરસ અંદાજમાં પહેરો કે પછી એકદમ પરંપરાગત શૈલીમાં, દરેક વખતે તેનો મિજાજ બદલાયેલો જ લાગશે. સાડી માત્ર જૂની પેઢીને જ નહીં, પણ નવી પેઢીને પણ એટલી જ પસંદ પડે છે. આથી જ પછી ભલેને તહેવારનો પ્રસંગ હોય કે ઑફિસની કોઈ મહત્ત્વપૂર્ણ બેઠક કે પછી કોઈ નાનકડો કાર્યક્રમ સાડી દરેક સ્થળે પોતાનું મહત્ત્વ સાબિત કરે છે.
બાંધવાની સ્ટાઈલ બદલો
સાડી એક પ્રયોગધર્મી પરિધાન છે. તેની સાથે જુદા જુદા પ્રયોગ કરીને તમે પોતાના લુક અલગ કરી શકો છો. જે રીતે એક સાદી સાડીને કોઈ આકર્ષક બ્લાઉઝની સાથે પહેરી લો તો એનો લુક સાવ બદલાઈ જશે, પણ બ્લાઉઝ ઉપરાંત સાડી બાંધવાની સ્ટાઈલ બદલી નાખો તો તેમાં અલગ જ ગ્લેમરસ ટચ નજરે પડે છે. સાડીના પલુને આગળની બાજુ અને થોડો ઢીલો છોડીને ગળાની આસપાસ વીંટાળી દો. આથી લુક થોડો કેઝ્યુઅલ આવી જશે. તમે ચાહો તો પલુને બંગાળી શૈલીમાં કાંધ પર નાખી શકો છો, આથી પલુની ખૂબસુરત ડિઝાઈન ખૂબ જ સારી દેખાવા લાગશે. સાડી પર બેલ્ટ પહેરવાની સ્ટાઈલ પણ અત્યારે સારીએવી ચાલી રહી છે. પલુની પ્લીટસને સારી રીતે બનાવો અને પલુ સહિત કમરમાં પહોળો બેલ્ટ બાંધો. આજકાલ સાડીની સાથે દુપટ્ટા પહેરવાનું પણ ચલણ છે. કોઈ લગ્નસમારંભમાં જવાનું હોય તો જરીની સાડી સાથે જરીનો બનારસી દુપટ્ટો રાખો.
પારંપરારિક શૈલી
આ શૈલીઓ સદાબહાર રહે છે. ઘટ્ટ રંગની કોઈ જરી બોર્ડરની સાડીને તમે પરંપરાગત મહારાષ્ટ્રીયન શૈલીમાં પહેરી શકો છો. આ સાથે જ, તેવી જ જ્વેલરી પણ પહેરી શકો છો તો પછી ફંક્શનમાં તમે અને તમે જ નજરે પડશો. દિવસે કોઈ પણ ફંક્શન હોય અને તમારી પાસે જામદાની સાડી હોય તો પછી કહેવું જ શું? તેને બંગાળી શૈલીમાં પહેરો અને સૌથી અલગ નજરે પડો. જો હેવી-પલુની કોઈ સાડી હોય તો ગુજરાતી શૈલીથી સારો ન્યાય આ સાડી સાથે અન્ય કોઈ નહીં કરી શકે.
ગુજરાતી શૈલીમાં પલુ સંપૂર્ણપણે આગળ નજરે પડે છે. આથી સાડીના પલુની ખૂબસુરતી બમણી થઈ જાય છે. જોર્જેટ કે શિફોનની સાડીને તો લેંઘાની સ્ટાઈલમાં પહેરો અને કોન્ટ્રાસ્ટ દુપટ્ટા સાથે તેની પેર બનાવો.
હવે બ્લાઉઝની વાત કરીએ
ઑફિસમાં કૉલરવાળા બ્લાઉઝ ખૂબ ચાલે છે અને તમે સ્માર્ટ પ્રશાસક પણ લાગો છો. જો થોડો રેટ્રો લુક ઇચ્છો તો નાની બલૂન સ્લીવ્સવાળું બ્લાઉઝ પહેરો. નાની-દાદીની કોઈ જૂની સાડીની સાથે આ બ્લાઉઝ ખૂબ સારું લાગશે.
આજકાલ લાંબી આસ્તીનની ફેશન ચાલે છે. આસ્તીન જો શર્ટ સ્ટાઈલના હોય તો તમે અન્યોથી સાવ અલગ જણાશો.
હેરસ્ટાઈલ છે જરૂરી
જો કોઈ પારંપારિક ફંક્શન હોય, તો વચ્ચેની પાથી કાઢી નાખીને જોડી બનાવો જેથી તેને ફૂલોના ગજરાથી સજાવી શકો.
સાંજની કોઈ પાર્ટી હોય તો વાળને હવામાં જ લહેરાવા દો. તેને કોઈ બંધનથી નહીં બાંધો.
જ્વેલરી વજનમાં હળવી રાખો
સાડી સાથે હળવા વજનની અથવા પર્લ જ્વેલરી પર જ પસંદગી ઉતારો.
જો સાડી હેવી હોય તો ચાંદ-બાલીથી જ કામ ચાલી જશે. એવું હોય તો ગળામાં હળવી-પાતળી ચેન પહેરો.


