મેઘરાજાનું આગમન એટલે ફેશન-મેકઅપમાં પરિવર્તન
ચોમાસાની શરૂઆત થતા જ આપણે સહુ આપણા ડિઝાઇનરવેરને કબાટમાં મૂકીને ચીલાચાલુ કેઝ્યુઅલ કપડા પહેરવા લાગીએ છીએ. શા માટે? હંમેશા એવું કેમ થાય છે કે વરસાદની ઋતુમાં લોકો ફેશનને કોરાણે મૂકી દે છે જ્યાં વર્ષની ત્રણ ઋતુ છે. બાકી અન્ય દેશોમાં શિયાળો અને ઉનાળો એમ બે જ ઋતુ હોય છે પરંતુ ભારતમાં વર્ષાઋતુ છે અને વર્ષાનું એક અદકેરુ મહત્વ પણ છે.
પરંતુ ફેશન ડિઝાઇનરો સમર કલેકશન અને વીનટર કલેક્શન બનાવ્યા બાદ રેઇન કલેક્શનને ભૂલી ગયા છે આને આપણે પણ પ્રેમની બાબતમાં રોમેન્ટીક ગણાતી વર્ષા ઋતુને ફેશન કરતી વખતે ભૂલી જઇએ છીએ.
વર્ષાકાળ એટલે વાદળિયા, ભેજવાળા ભીના-ભીના દિવસો, ચોતરફ લીલોતરી અને ઝરમર વરસતું પાણી, આ ઋતુમાં તથા આવા ઘેરાયેલા વાતાવરણમાં કામ કરવાનું પણ મન થતું નથી. તથા તીખું અને તળેલું ખાવાની ઇચ્છા વધારે થાય છે. ચોમાસાના ત્રણ મહિનાનો મોટાભાગનો સમય ઘરે તથા ટ્રાફીકજામમાં જ પસાર થાય છે. ચાલુ વરસાદે ઓફિસનો સમય સાચવવા માટે નીકળવું તો પડે છે એટલે તે સમયે કેઝ્યુઅલ કપડા પહેરવા હિતાવહ રહે છે. આ કપડા ઝડપથી સુકાઇ જાય છે તે ઉપરાંત જો ગંદા થયા હોય તો ધોવામાં પણ સરળતા રહે છે. એવી એક સામાન્ય માન્યતા પ્રર્વતે છે. પરંતુ શા માટે સામાન્ય કપડા પહેરવા? મુંબઇમાં તમને સ્ટાઇલ માટેનું વૈવિધ્ય સાંપડે છે તો ચોમાસામાં ફેશન અને સામાન્યપણાનું મીક્ષ મેચિંગ કરીએ તો સુભગ સમન્વય સર્જાય છે.
આપણે ત્યાં પ્લાસ્ટીક અને રબર સારી એવી વિવિધતા જોવા મળે છે. તેથી રેઇનકોટ તમને ઘેરા લીલા રંગથી માંડીને અન્ય આકર્ષક રંગો તથા ડિઝાઇનમાં ઉપલબ્ધ છે. તો તેને પહેરવાથી પણ તમને જુદી ફેશન કર્યાનો આનંદ મળે છે. તે ઉપરાંત પ્લાસ્ટીકના નીઓન શુઝ અને છત્રીઓમાં રંગોનું તથા ડિઝાઇનનું વૈવિધ્ય જોવા મળે છે.
સુતરાઉ કાપડ ભીનું થતા તેમાં કરચલીઓ પડી જાય છે. તે ઉપરાંત સાડી, કુર્તા તથા ઢીલી પેન્ટ ચોમાસામાં ભીની થતા ગંદી દેખાય છે. તો કુર્તાને બદલે ટી-શર્ટ પહેરવું જોઇએ જે ખિસ્સાને પણ પરવડે છે અને તેનું વજન પણ ઓછું હોય છે. તે પરાંત શોર્ટસ્ પાયજામા તથા ટ્રેક પેન્ટનો આ ઋતુમાં સારો ઉપયોગ કરી શકાય છે. સુતરાઉ આંતરવસ્ત્રો પહેરવાથી શરીરના ભેજથી પણ રાહત મળે છે. તથા હવાની અવરજવર પણ સહેલાઇથી થાય છે.
ચોમાસામાં વધારે જ્વેલરી પહેરવી જોઇએ નહિ. કારણ કે ધાતુને કારણે ત્વચા ઉપર ચેપ લાગી જવાનો ભય રહે છે. અને ચામડી ભેજને લીધે ખરાબ થઇ જાય છે. પગમાં બૂટ પહેરવા જોઇએ જેથી પગ ગંદા ન થાય તથા પગની ત્વચાને કોઇ ચેપ ન લાગે પરંતુ તેમાં થોડી હવાની અવરજવર થાય તે પ્રકારની રચના હોવી જોઇએ. જેથી પગ ભીના પણ રહે નહિ.
સ્ત્રીઓ માટે વર્ષા ઋતુમાં સ્કર્ટ અને ટોપ ઉત્તમ પરિધાન સાબિત થાય છે. આ વર્ષે સ્કર્ટમાં પણ ઘણી નવી ફેશન આવી છે. સ્કર્ટ ઘુંટણ સુધીના લાંબા તથા ઓછા ઘેરવાળા હોવા જોઇએ. જો કે ટોપને બદલે કોલરવાળા શર્ટ પણ પહેરી શકાય. લાંબી બાંયના કફવાળા ટોપ પણ પહેરી શકાય. જેઓ પેન્ટ પહેરવાનો જ આગ્રહ રાખે છે તેમણે હંમેશા કપડા પ્રત્યે આ ઋતુમાં જાગૃત રહેવું જરૂરી છે. નહિ તો ઓફીસ કે મીટીંગમાં તમે અસ્તવ્યસ્ત દેખાશો.
જે નોકરિયાત સ્ત્રીઓ ઑફિસમાં કુર્તા-ચુડીદારોનો આગ્રહ રાખે છે તેમણે બને ત્યાં સુધી સિન્થેટીક કપડામાં બાંયવગરના (સ્લીવલેસ) ચુડીદાર પહેરવા હિતાવહ રહેશે. જેથી તે બહુ ભીના થશે નહીં અને ઝડપથી સુકાઈ જશે. તે ઉપરાંત ચુડીદાર પહેરવાને બદલે ખુલતો પાયજામો પહેરવો જેથી હવાની અવરજવર રહે અને પાયજામો ભીનો થયો હોય તો તે ઝડપથી સુકાઈ જશે. તે ઉપરાંત સાડી પણ ઘેરા રંગની પહેરવી જેથી ડાઘા પડયા હોય તો દેખાય નહીં.
વસ્ત્રોની પસંદગી કરવાની સાથે જ મેકઅપ બાબતે પણ વર્ષાઋતુમાં બહુ સજાગ રહેવું પડે છે કારણ કે ચોમાસામાં કરેલો સામાન્ય મેકઅપ થોડી જ મિનિટોમાં પાણીમાં રેળાઈ જાય છે. તેથી જ આ ઋતુ માટે એક ખાસ પ્રકારનો મેકઅપ વાપરવો જોઈએ. સૌંદર્ય પ્રસાધનોમાં રહેલા પદાર્થોનું વિવરણ તેની સાથે જોડાયેલા કાગળ ઉપર આપેલું હોય છે. તો તે વિગત વાંચીને તે અનુસાર સૌંદર્ય પ્રસાધનની પસંદગી કરવી.
વર્ષા ઋતુમાં ભેજનું પ્રમણ ખૂબ વધારે હોય છે. તેથી મેકઅપ ઉતરી જાય છે. વાળ તૈલી થઈ જાય છે. તથા વળી જાય છે. આપણા ચહેરા પ્રમાણે આપણા વાળનું પણ આપણે ખૂબ ધ્યાન રાખવું જોઈએ. તેથી આ ઋતુમાં દર બે દિવસે વાળ ધોવા. ભેજવાળી હવામાં વાળને ખુલ્લા રાખવા પણ હિતાવહ નથી તેથી આ સમય દરમ્યાન વાળને જુદી જુદી સ્ટાઈલમાં બાંધીને રાખો. વાળમાં 'હેર વેક્સ' લગાડો. પેટ્રોલિયમ જેલી અને મીનરલ ઓઈલ મિશ્રિત આ વેક્સથી વાળ ભરાવદાર અને ચમકીલા લાગશે. જો કે તેનો વધુ પડતો ઉપયોગ કરવાથી વાળ તૈલી દેખાશે એટલે હેર વેક્સને ચીવટપૂર્વક વાળમાં લગાડવું હથેળીમાં એકદમ થોડું લઈને પછી બંને હથેળી ભેગી કરીને ઘસવી અને પછી હાથ વાળમાં ફેરવવા.
ગ્લોસી મેકઅપ સહેલાઈથી થઈ શકે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે વધારે પડતા ગ્લોસી મેકઅપથી ત્વચા તૈલી દેખાશે. ચોમાસામાં ફાઉન્ડેશનની બદલે સારી કંપનીનું તથા ઉચ્ચ ગુણવત્તા ધરાવતું વેસેલીન વાપરો. અને તે થોડું લઈને સંપૂર્ણ મોઢા ઉપર સરખી રીતે લગાડો. ગાલ ઉપર ક્રીમ વાળું રુઝ લગાડો. આંખ ઉપર વોટરપ્રૂફ મસ્કરા લગાડો. હોઠ ઉપર કોઈપણ ઘેરા રંગની લિપસ્ટિક લગાડો. અને જો લિપસ્ટિક ઝડપથી જતી રહે તો લિપ સીલ અથના લીપ કોટ લગાડો અને એકદમ સાધારણ દેખાવ માટે હોઠ ઉપર તમારી ત્વચાના રંગને અનુરૂપ ફક્ત લીપ પેન્સિલ જ લગાડો. અને પછી તેમાં સાદુ લીપ ગ્લોસ ભરી દેવાથી હોઠ એકદમ કુદરતી દેખાશે. વોટરપ્રૂફ લિપસ્ટિક પણ આ મોસમમાં ઉપયોગી સાબિત થાય છે. વોટરપ્રૂફ લિપસ્ટિકથી હોઠ લાંબા સમય સુધી રંગીન રહે છે.
જો કે મેકઅપ અને હેરસ્ટાઈલ પ્રત્યેકની પસંદ-નાપસંદ તથા મોઢાના આકારને અનુરૂપ કરવાના હોય છે તે માટે જૂજ સર્વસામાન્ય નિયમ હોય છે બાકી તો પ્રત્યેકે પોતાના વ્યક્તિગત અનુભવોને આધારે જ તે અંગેનો નિર્ણય લેવાના હોય છે. પરંતુ વર્ષાની રોમેન્ટિક મોસમને ફેશન અને સ્ટાઈલવિહોણી રાખવી યોગ્ય તો નથી જ. બરાબર ને?