- 127 વર્ષ પહેલા ભારતના કેરળમાં સૌૈપ્રથમ વખત ક્રિસમસ કેક બની હતી
ક્રિસમસ નો માહોલ છે એટલે સર્વત્ર કેકની બોલબાલા છે. એટલે સુધી કે હવે ભારતીય મીઠાઈ બનાવનારાઓ સુધ્ધાં આ દિવસોમાં કેક પર હાથ અજમાવી લે છે. પરંતુ અહીં પ્રશ્ન એ છે કે આપણે અહીં જે કેક ખાઈએ છીએ તે વિદેશમાં મળતી કેક જેવી હોય છે ખરી? ક્રિસમસ દરમિયાન 'બ્લેક ફોરેસ્ટ' કેકની માગ સૌથી વધુ હોય છે. પરંતુ હકીકત એ છે કે મહાનગરોની પંચતારક હોટેલો સિવાય ક્યાંય ઓરિજિનલ 'બ્લેક ફોરેસ્ટ' જેવી કેક નથી બનતી.
પેરિસથી પેસ્ટ્રી અને બ્રેડનો કોેર્સ કરીને આવેલો એક શેફ કહે છે અહીંની સામાન્ય બેકરીઓમાં બનતા બ્લેક ફોરેસ્ટ કેક વાસ્તવમાં સ્પંજ કેક હોય છે, જેને સાકરની ચાસણીમાં ડૂબાડી, તેના પર નોન-ડેરી ક્રીમ લગાવીને છેવટે થોડાં કોકોના ટુકડા અને ચેરી મુકીને તેને સજાવી દેવામાં આવે છે. જોકે બેંગલોર ખાતે નાની બેકરી ધરાવતો આ શેફ ક્રિસમસ દરમિયાન ખાસ ઓર્ડર પર કેક બનાવે છે. તે ફોન્ડન્ટ (એક પ્રકારની પોચી મીઠાઈ) સાથે પ્લમ કેક, બ્રાન્ડી બટર સાથે સ્ટિન્ડ પુડિંગ, બટર અને સુકા મેવાથી લથબથ ક્રિસમસ બ્રેડ જેવી સંખ્યાબંધ વેરાઈટી બનાવે છે.
તે કહે છે કે આપણે કોઈપણ વિદેશી વાનગીનું તરત જ ભારતીયકરણ કરી નાખીએ છીએ. અને તેમ કરવા માટે આપણી પાસે કારણો પણ હાજર હોય છે. આપણે ઈંડા વિનાની કેક બનાવવાનો આગ્રહ રાખઈએ છીએ. આપણે અહીં બનાવેલી જે કેક ખાઈએ છીએ તે ક્યારેય મૂળભૂત કેક જેવા નથી હોતી. પણ આપણને તેનો મૂળ સ્વાદ ખબર ન હોવાથી તેને હોંશે હોંશે ખાઈએ છીએ. વળી વિદેશમાં બનતી કેક આપણે ત્યાં બધાના ખિસ્સાને પરવડી શકે તેમ નથી હોતી. તેથી જ કેક બનાવનારાઓ ક્રીમના સ્થાને બટર, બટરના સ્થાને ડાલ્ડા, ચોકલેટની જગ્યાએ કોકો પાવડર અને બદામના સ્થાને કાજુ વાપરે છે. આના સિવાય તેમાં બીજું શું શું નાખવામાં આવે છે તો તેમના સિવાય કોઈને ખબર નથી હોતી.
અગાઉના સમયમાં બ્રિટિશરો પાઉન્ડ કેક, ફ્રૂટ કેક તેમ જ સ્વીસ રોલ ખાતાં. આજે લાકડા પર બનાવવામાં આવતી કેકનો જમાનો નથી. કેક બનાવવા માટે માઈક્રોવેવ ઓવન આવી ગયાં છે. નવી નવી ટેક્નિકોનો વિકાસ થયો છે. આ વિદેશી વાનગી આપણા રોજિંદા ખાવાપીવાનાં શોખનો એક મહત્ત્વનો ભાગ બની ગઈ છે. આપણે ત્યાં જન્મદિને, વિવાહ તિથીએ કે પછી કિટી પાર્ટી અને નાના-મોટા મેળાવડાઓમાં કેક રાખવાનો રિવાજ થઈ ગયો છે.
કોઈ ફ્રેંચ શેફને ઈંડા વિનાની કેક બનાવવાનું કહો તો તેના ગળે એ વાત નહીં ઉતરે. તેને એમ થશે જાણે તે કેક સાથે અન્યાય કરી રહ્યો છે. પણ ભારતની પંચતારક હોટેલમાં પણ એગલેસ કેક લગભગ ફરજિયાત બની ગઈ છે. તેવી જ રીતે વિદેશી શેફ કેકને પ્રિઝર્વ કરવા તેમ જ ભીનાશવાળું રાખવા આલ્કોહોલનો ઉપયોગ કરે છે. એક પંચતારક હોટેલનો શેફ કહે છે કે કેક બનાવવાનું કામ આસાન નથી. જો તેમાં કેરામેલ (બાળેલી ખાંડ) ની ઘનતા યોગ્ય પ્રમાણમાં ન હોય તો કેકમાં મુકેલાં ફળ તળિયે બેસી જાય. જ્યારે કેક ઓવનમાં ગરમ હોય ત્યારે જ તેના પર રમ અને બ્રાન્ડી રેડી દેવામાં આવે છે. ત્યારબાદ તેને સેલોફેન (વાનગી ઢાંકવાનું કાગળ) વડે ઢાંકીને સેટ કરવામાં આવે છે. આ કેક ખાતી વખતે એકદમ સુગંધી અને સ્વાદિષ્ટ લાગે છે. તે ખાધા પછી લાંબા સમય સુધી મોઢામાં તેનો સ્વાદ જળવાઈ રહે છે. ભારતીયોને જો ખબર પડે કે તેમાં રમ અને બ્રાન્ડી છે તો તેઓ અભડાઈ ગયા હોય એવો ચહેરો બનાવે. પણ તેમને એટલી ખબર નથી હોતી કે તેમાં નાખેલી બ્રાન્ડી કે રમથી નશો નથી થતો. વાસ્તવમાં માત્ર તેની સોડમ જ કેકમાં રહી જાય છે.
મેંગલોરમાં આવેલી એક બેકરી છેક ૧૯૦૫માં શરૂ કરવામાં આવી હતી. ભારતમાં રહેતા બ્રિટિશરો અને જર્મનીઓને કેક, પેસ્ટ્રી, બ્રેડ કે પુડિંગનો મૂળભૂત સ્વાદ મળી શકે એ હેતુથી શરૂ કરવામાં આવેલી આ બેકરીના પુડિંગમાં આજે પણ માંસનો ઉપયોગ કરવામાં આવે છે. મેંગલોરની એક બેકરીમાં પ્લમ કેક બનાવવામાં ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. શાકાહારી લોકો આ કેક ખુશીથી ખાય છે. ૧૯૩૬માં શરૂ કરવામાં આવેલી આ બેકરીમાં કેક અને બેકરીની અન્ય વિવિધતા બનાવવા માટે જુના પ્રકારના લાકડા અને નાળિયેરની કાચલી પર ચાલતા ઓવનનો ઉપયોગ કરવામાં આવે છે. ક્રિસમસ દરમિયાન પ્લેમ કેક સૌથી વધુ ખાવાતો હોવાથી આ દિવસોેમાં તેમના પ્લમ કેકની ભારે માગ રહે છે.
બ્રિટિશરો જે રીતે આપણને પોતાની ભાષા 'ભેટ' આપતાં ગયાં તે રીતે કેક પણ આપતાં ગયા. આપણે બૃહદ અંશે તેમની સંસ્કૃતિ અપનાવી છે તે રીતે કેક પણ અપનાવ્યું છે. આપણે આ વિદેશી 'મીઠાઈ' હોંશે હોંશે આરોગીએ છીએ. ખાસ કરીને આપણા સંતાનોને આપણી પરંપરાગત મીઠાઈ કરતાં કેક વધુ પસંદ પડે છે.
મુંબઈની એક પંચતારક હોટેલનો શેફ કેક બનાવવામાં પૂર્વ-પશ્ચિમનું ફ્યુઝન કરે છે. તે બ્લેક પેપર (કાળાં મરી) અને ગાજરના હલવાવાળું ચીઝકેક બનાવે છે. તે કહે છે કે મસાલેદાર, ખાતી વખતે ટળક ટળક અવાજ આવે એવી કડક ટુકડાવાળી ચીઝકેક ખાવાની મઝા જ કાંઈક ઓર હોય છે. વળી જે લોકો ચીઝકેકથી દૂર ભાગતા હોય તે પણ તેમાં નાખેલો ગાજરનો હલવો જોઈને ખાવા લલચાય.
મુંબઈમાં ૧૯૬૦માં લાકડાના ઓવનવાળી બેકરીઓનો આરંભ થયો ત્યારે ગૃહિણીઓ કેકની સામગ્રી ફેંટીને લઈ આવતી અને મામુલી દામ આપીને બેકરીમાંથી બેક કરાવી જતી. આપણે ત્યાં કોઈપણ ઉત્સવમાં કેક ખાવાની પ્રથા શરૂ થઈ ગઈ હતી. તે વખતે શરૂ થયેલી એક બેકરીમાં પશ્ચિમી દેશોની જેમ વેડિંગ કેક મળતી. તે વખતે તેમણે જ કેક પર બટર સુગર આઈસિંગનો આરંભ કર્યો હતો. આનું કારણ એ હતું કે તે દિવસોમાં કેક પર ફેટેલી ક્રીમ સજાવવાનો હજી આરંભ જ થયો હતો. મુંબઈમાં પેસ્ટ્રી-શોપમાં મોટાભાગે પંચતારક હોટેલો આગળ રહી છે. છેક ૧૯૫૬માં શહેરના એક જાણીતા આ રેસ્ટોરાંએ પેસ્ટ્રી બનાવવાનું શરૂ કર્યું. આ પ્રકારની હોટેલોમાં જ બ્લેક ફોરેસ્ટ અને પાઈનેપલ પેસ્ટ્રી મળતી થઈ હતી. આટલાં વર્ષો પછી પણ તે એટલી જ લોકપ્રિય છે. ૧૯૫૬માં શરૂ થયેલી આ રેસ્ટોરાં ખાસ પેસ્ટ્રી માટે અત્યંત લોકપ્રિય બની હતી. મઝાની વાત એ છે કે તે વખતે ઓવનમાંથી બનીને આવતી ગરમ ગરમ કેક અને અન્ય બેકરી આઈટમ જોવા મળતી. આ રેસ્ટોરાંમાં આજે પણ પેસ્ટ્રી માટેનું નોેખું કાઉન્ટર હોય છે. સ્વાદશોખીન શાકાહારીઓને કેકના સ્વાદની મોજ મળી શકે તે માટે આ રેસ્ટોરાંમાં છેક ૧૯૭૦થી વેજિટેરિયન કેક મળે છે. જોકે આજે એવી ઘણી બેકરીઓ શરૂ થઈ ગઈ છે જેમાં એગલેસ કે વેજિટેરિયન કેક આસાનીથી ઉપલબ્ધ થાય છે.
શહેરની ગૃહિણીઓ ઘરમાં પણ સરસ મઝાની કેક બનાવી લે છે. તેઓ તેમાં નવા નવા પ્રયોગ પણ કરે છે. નિયમિત રીતે બનાવવામાં આવતી મીઠાઈઓમાં પણ ઘણાં ફેરફાર જોવા મળે છે. ખાંડમાં સ્થાને કેસ્ટર સુગર વપરાય છે. વાસ્તવમાં તે દળેલી ખાંડ જ હોય છે. બેકિંગ પાવડરના સ્થાને સોડાબાયકાર્બોનેટ, ચોકલેટ બનાવવા માટે ચોકલેટ બારનો વપરાશ થાય છે. સાકરનું સ્થાન મધ અને ખજૂરે પણ લીધું છે. વાંદરા ખાતે રહેતી એક ગૃહિણી સાતેક પ્રકારની કેક બનાવી જાણે છે. વેનિલા કેક બનાવવા તે બટરને બદલે તાજી મલાઈ વાપરે છે. અન્ય એક ગૃહિણીના ઘરે મહેમાન આવે ત્યારે તે અચૂક ઓરેન્જ કેક બનાવે છે. કેકમાં ઓરેન્જ ફ્લેવર લાવવા તે તમે મિરિન્ડા નામનું કોેલ્ડડ્રિંક ઉમેરે છે. બ્રેડ-બટરમાંથી બનેલું પુડિંગ આજે ઘણાં ઘરોમાં બને છે. વધેલા બ્રેડને દૂધમાં બોળી, તેમાં સાકર,મસાલા, ઈંડા અને બટર નાખી, સારી રીતે હલાવીને ઓવનમાં મુકી દેવામાં આવે છે. ગૃહિણીઓ કહે છે કે આપણે મૂળભૂત બ્રિટિશ પુડિંગ ક્યારેય નથી બનાવી શકવાના. પણ આ રીતે બનાવેલા પુડિંગનો સ્વાદ લઈ શકીએ અને ઘરમાં પડી રહેલાં વાસી બ્રેડ કે અન્ય સામગ્રીનો ઉપયોગ પણ થઈ જાય.
આપણે ત્યાં કેક કલ્ચર પૂરબહારમાં ખીલ્યું છે. નાતાલ દરમિયાન ભરપૂર કેક ખવાશે ત્યારે એ જાણવું રસપ્રદ થઈ પડશે કે આજથી ૧૨૭ વર્ષ પહેલા કેરળમાં પહેલવહેલી વખત ક્રિસમસ કેક સ્થાનિક બેકરીમાં બનાવવામાં આવ્યું હતું.


