- તમારા ફોન પર અચાનક અવનવી પ્રવૃત્તિઓ થતી જોવા મળે તો ચેતી જવું આજના જમાનામાં સ્માર્ટફોન સાથે ચેડાં થતાં હોય એ કોઇને ન પરવડે
- આજની આધુનિક દુનિયામાં સ્માર્ટફોન આપણાં જીવનનો અભિન્ન હિસ્સો બની ગયા છે. સ્માર્ટફોન વિનાનું જીવન કેવું હોય તેની કલ્પના પણ ઘણાં લોકોને થથરાવી મુકે છે. આજે અનેક પ્રકારના સામાજિક અને આર્થિક વ્યવહારો સ્માર્ટફોન દ્વારા સતત કરવામાં આવે છે. આ વ્યવહારો બેરોકટોક સતત થઇ શકે તે માટે તમારો ફોન પણ સતત કોઇને કોઇ નેટવર્ક સાથે સંકળાયેલો હોય છે. કોઇપણ નેટવર્ક હોય એટલે ત્યાં હેકર્સ પણ હોય જ. આજના જમાનામાં તમારાં કોઇ પણ ઉપકરણ હેકર્સની બાજનજરથી બચી શકતાં નથી. તમારા ફોનને હેક કરવામાં આવ્યો હોય તો તેનો દુરૂપયોગ થવાની તમામ સંભાવના રહે છે. પરંતુ સવાલ એ છે કે તમારો ફોન હેક થયો છે તેની ખબર તમને કેવી રીતે પડી શકે? જો તમે સાવચેતી રાખી નીચે જણાવેલાં લક્ષણોને પારખી યોગ્ય ઉપાય અજમાવો તો તમે અને તમારો સ્માર્ટફોન બંને સુરક્ષિત રહી શકો છો. આવો જાણીએ એવા ૧૦ સંકેતો વિશે જે દર્શાવે છે કે તમારો ફોન હેક થઇ રહ્યો છે. જો તમારો ફોન હેક થયો હોય તો તમે અમુક સાવચેતીના પગલાં લઇને હેકર્સ દ્વારા થતી પરેશાનીનો અંત લાવી શકો છો.
૧. તમારો ડેટા વપરાશ
અચાનક વધી જવો:
કોઇપણ હેકર તમારા ફોન પર નજર રાખતો હોય તો તેણે તમારા સેલ્યુલર નેટવર્કનો ઉપયોગ કરવો પડે. આમ કરી તે તમારા વિશેનો તમામ ડેટા ડાઉનલોડ કરી તમને મુશ્કેલીમાં મુકે તેવી હરકત કરી શકે છે. તમારો ડેટા વપરાશ અચાનક વધી જવો તે આ પ્રકારની પ્રવૃત્તિનો સંકેત છે. શક્ય છે કે કોઇ તમારી જાણ બહાર સ્પાયએપ્સ તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરી તમારા પર જાસૂસી કરી રહ્યું હોય. જો આમ થતું હોય તો તેનો પ્રાથમિક સંકેત ડેટાનો અચાનક વપરાશ વધી ગયો હોય તેના પરથી મળે છે.
એન્ડ્રોઇડ ફોનમાં તમે સેટિંગમાં જઇ નેટવર્ક અને ઇન્ટરનેટ વિકલ્પ પસંદ કરી તમારા ફોનમાં વપરાતાં ડેટાની વિગતો ચકાસી શકો છો.
૨. તમારા લિન્ક્ડ એકાઉન્ટમાં અસામાન્ય ગતિવિધિ જોવા મળે:
કોઇપણ સ્માર્ટફોનધારક ગૂગલ કે ફેસબુકની પક્કડમાંથી છટકી શકે એ શક્ય નથી. જ્યારે તમારા ફેસબુક કે ગૂગલ એકાઉન્ટમાં અચાનક લોગઇન કે અન્ય પ્રવૃત્તિઓ થવા માંડે તો ચેતી જવું કે તમારી સુરક્ષા ભેદાઇ છે. સ્પાયવેર દ્વારા તમારા ક્લાઉડમાંં રહેલાં ડેટાને પણ મેળવી લેવામાંઆવે છે. તમારા એકાઉન્ટમાં કોઇ શંકાસ્પદ હિલચાલ થતી લાગે તો ચેતી જવું. કેમ કે આ રીતે તમારા એકાઉન્ટમાં ઘૂસણખોરી કરી હેકર્સ તમારાં તમામ ઉપકરણો પર કબજો જમાવી શકે છે. તમને લાગે કે તમારા ફેસબુક એકાઉન્ટમાં ગરબડ છે તો સૌ પ્રથમ તો તમારે પાસવર્ડ બદલી નાંખવો પડે. એ પછી તમારે તમારા એકાઉન્ટમાં થયેલી પ્રવૃત્તિઓને ચકાસવી પડે. તમને લાગે કે અમુક પ્રવૃત્તિ તમે કરેલી નથી તો ચેતી જવું.
૩. જાતભાતના પોપ અપ્સ કનડવા માંડે:
સામાન્ય રીતે બનાવટી વાઇરસના પુશ નોટિફિકેશન્સ આવવા માંડે ત્યારે સમજવું કે તમારા ફોનને એડવેરનો ચેપ લાગી ચૂક્યો છે. આ એક પ્રકારનો માલવેર હોય છે. આકૂકીની વાત નથી. એડ બ્લોકરને હટાવવા માટે વિન્ડો સતત તમને મેસેજ મોકલ્યા કરતી હોય છે પણ આ સામાન્ય બાબત છે અને તેમાં ડરવાની જરૂર નથી. પણ અચાનક અજાણી જગ્યાએથી પોપ અપ્સ આવવા માંડે તો ચેતી જવું. આ પોપ અપ્સ ફિશિંગનો પ્રયાસ પણ હોઇ શકે છે. આ પ્રકારના પોપ અપ્સ સામે સાવચેતીથી કામ લેવું. ભૂલથી પણ તેના પર કલીક ન કરવી. તે જોખમી લિન્ક પણ હોઇ શકે છે.
૪. ફોન ધીમો પડી જવો:
ફોન જુનો થાય એટલે થોડો ધીમો પડે તે સામાન્ય બાબત છે પણ ફોન ધીમો પડવો એ ચિંતાનું કારણ હોય છે. સ્પાય એપ્સ તમારા ફોનને ટ્રેક કરવા ઘણો પ્રોસેસિંગ પાવર વાપરતી હોવાથી ફોન ધીમો પડવા માંડે છે. આ એપ તમારા ફોનને એકદમ બંધ કરી દેતી નથી. તમારો ફોન ધીમો પડયો છે તે જાણતાં તમને મહિનો પણ લાગી શકે છે. તમારો ફોન સમય સાથે એપ વધવાને કારણે ધીમો પડી રહ્યો છે કે કોઇ સ્પાય એપ ઇન્સ્ટોલ થવાથી આમ થઇ રહ્યું છે તે તમારે જાણીને પગલાં ભરવા પડે.
૫. ફોન બંધ થવામાં વાર લાગવી:
ફોન બંધ થવામાં વાર લાગવી એ ધ્યાનમાં લાવવા માટે મુશ્કેલ બાબત છે.કેમ કે મોટાભાગના લોકો કદી ફોન બંધ કરતાં જ નથી એટલે આ સંકેત તેમને મળતો જ નથી. તમારા ફોનમાં સમસ્યા હોય તો તમારો ફોન બંધ થતો નથી. સ્પાય એપ તેને બંધ થતો અટકાવે છે. કમ્પ્યુટરની જેમ જ ફોન બંધ કરો એટલે તેની એક પછી એક પ્રોસેસ બંધ થવા માંડે, પણ જો તમારો ફોન સ્પાયવેર ધરાવતો હોય તો તે શટ ડાઉન પ્રોસેસ અટકાવે છે. હેકરતમારા ઉપકરણ પર સીધો અંકુશ ગુમાવવા માંગતા ન હોઇ તેઓ ફોનને શટડાઉન થતો અટકાવે છે. જો ફોન બંધ થવામાં વાર લાગે તો કઇએપ તેને નડે છે તે શોધી કાઢો અને તે એપને દૂર કરો.
૬. ઇ મેઇલ બ્લોક થઇ જવી:
તમે મિત્રો કે ઓફિસના સાથી કર્મચારીઓને મેઇલ મોકલો અને તે ફાયરવોલને કારણે બ્લોક થવા માંડે તો સમજવું કે તમારા ફોનમાં કોઇ ભેદી એપ તમારા મેસેજ સાથે ચેડાં કરી રહી છે. એવું પણ શક્ય છે કે હેકર્સ તમારા ઇમેઇલ એકાઉન્ટને હેક કરી તેમાંથી સ્પેમ મેઇલ મોકલતાં હોય તે પણ શક્ય છે. આમાં તમારી પોતાની મેઇલ પણ સ્પામ બની જાય છે. તમારી મેઇલ તમારા મિત્રોને મળવામાં કોઇ સમસ્યા થાય તો સમજવું કે તમારા ઉપકરણને કોઇએ હેક કર્યું હોય તેવી સંભાવના છે.
૭. અન્ય ઉપકરણોનો અંતરાય અનુભવાય:
ઘણીવાર ફોન ચાલુ હોય એ દરમ્યાન કોઇ અચાનક અન્ય ઇલેકટ્રોનિક ઉપકરણ વાપરવાનું શરૂ કરે તો બઝિંગ નોઇઝ શરૂ થઇ જાય કે અચાનક ક્લીક કલીક અવાજ આવવા માંડે તો સમજવું કે કશી ગરબડ છે. ફોન કોલ ચાલુ ન હોય અને આવા અવાજ સંભળાતાં હોય તો ચેતી જવું. આવો અવાજ આવે તો એ સ્પાયવેર તમારા ફોનમાં કામ કરી રહ્યો હોવાનો સંકેત છે. તમારા ફોનની આજુબાજુ થતી વાતચીત પણ સંભળાવા માંડે તો તે માહિતી પણ તમારા પર જાસૂસી કરનાર સુધી પહોંચવા માંડી છે તેનો સંકેત છે.
૮. ફોન ચાલુ હોય ત્યારે વિચિત્ર અવાજો સંભળાવા માંડે:
સ્માર્ટ ફોનમાં એડવાન્સ નોઇઝ કેન્સલેશન જેવી આધુનિક ટેકનોલોજી અને ડિજિટલ કનેકશન વપરાતાં હોઇ તમને પડઘાં કે દૂરથી અવાજ આવતો હોય તેવો અનુભવ ન થવો જોઇએ. પણ કોઇ તમારો કોલ આંતરતું હોય તો તમને સતત અવરોધ અનુભવાશે. તેમાં પણ વિચિત્ર અવાજો સતત થતાં રહે અને તે ન અટકે તો સમજવું કે કોઇ તમારો કોલ આંતરીને સાંભળે છે. આ સમસ્યા દૂર કરવા કોલ ફરી કરવો કે નેટવર્ક બદલવા જેવા વિકલ્પો અજમાવી શકાય પણ જો ફોન હેક થયો હોય તો આમ કરવાથી સમસ્યા દૂર થતી નથી.
૯. ચિત્રવિચિત્ર ટેકસ્ટ મેસેજ આવવા માંડે:
તમે ફોન કરવા માટે તમારો સ્માર્ટફોન ન વાપરતા હો તો ટેક્સ્ટ પણ તમારો ફોન હેક થયો છે કે કેમ તેના સકેતો આપી શકે છે. જો તમને વિચિત્ર ટેકસ્ટ મેસેજ મળવા માંડે તો તમારે સમજવું કે તમારા ફોન પર સ્પાય એપ કાર્યરત છે. વિચિત્ર સિમ્બોલ્સ, વધારે પડતી ટાઇપિંગની ભૂલો અને જાતજાતના કેરેક્ટરથી ભરપૂર મેસેજ મળવા માંડે તો સમજવું કે તમારો ફોન હેક થઇ ચૂક્યો છે. આ ઉપરાંત તમને સેન્ડમાં એવા મેસેજ પણ જોવા મળી શકે જે તમે કદી મોકલ્યા ન હોય.બે-ત્રણ મેસેજ ભૂલી ગયા હોઇએ તે સમજાય પણ સતત આવા વિચિત્ર મેસેજ જતાં હોય તો સમજવું કે તમારા સ્માર્ટફોનનો ઉપયોગ અન્ય કોઇ કરી રહ્યું છે.
૧૦. બેટરી ઝડપથી ઉતરી જવી:
સામાન્ય રીતે બેટરી વપરાશનો એક નિશ્ચિત સમયગાળો હોય છે. સામાન્ય રીતે એક દિવસમાં એકવાર બેટરી ચાર્જ કરવાનું સામાન્ય ધોરણ ગણાય, પણ જો દર ત્રણ કલાકે તમારે બેટરી ચાર્જ કરવી પડતી હોય તો સમજવું કે તમારા ફોનમાં સ્પાયવેર ઘૂસી ગયો છે. સ્પાયવેર એપ સતત તમારો કોલ કે ટેકસ્ટ રેકોર્ડ કરતી હોઇ તેને સતત બેટરી વાપરવી પડે છે. જેને કારણે તમારા સ્માર્ટ ફોનની બેટરી ઝડપથી ઉતરી જાય છે. બીજી એક નિશાની તમારો ફોન વપરાશમાં ન હોય તો તે ગરમ ન થવો જોઇએ. તમારો ફોન સતત ગરમ રહેતો હોય તો સમજી જવું કે કશી ગરબડ છે. સ્પાયવેર બેકગ્રાઉન્ડમાં સતત કામ કરતાં હોઇ તમે ફોન વાપરો કે ન વાપરો પણ તે હેકર્સ તો વાપરતાં જ હોય છે.
આ તમામ સંકેતો મળે તો સમજવું કે તમારો ફોન હેક થઇ ચૂક્યો છે અને તેમાં રહેલાં મહત્વના ડેટાને સાચવી લેવાનો અને ફોન બદલી નાંખવાનો સમય પાકી ગયો છે. આજના જમાનામાં ચેતતા લોકો પ્રમાણમાં વધારે સુખી હોય છે.
-વિનોદ પટેલ


