- શરીરની અર્લી વોર્નિંગ સીસ્ટમ
ચિકિત્સાના નિરંતર વિકસતા વિશ્વમાં નોન-ઈન્વેસીવ, ઓછી ખર્ચાળ અને વહેલું નિદાન કરનારા સાધનોની શોધ સર્વોપરી રહે છે. નવીનતમ સફળતાઓમાં એક અસંભવિત સાધન નિષ્ણાંતોને હાથ લાગ્યું છે અને એ છે આંસુ. આ નાનકડા, ઉપેક્ષિત બિંદુઓ વ્યક્તિના આરોગ્ય વિશે ઘણુ કહી જાય છે જેથી તેમાં ભારત અને વિશ્વભરમાં નિદાન પ્રથાઓમાં ક્રાંતિ લાવવાની ક્ષમતા છે.
ભારતીય સંશોધકો અને આરોગ્ય નિષ્ણાંતો આંસુ આધારીત નિદાન કિટ વિકસાવવાની હોડમાં સૌથી મોખરે છે. આ કિટ અત્યંત પ્રારંભિક તબક્કે રોગોને ઓળખી કાઢવા ઉપરાંત લાખો લોકોને સુલભ અને સસ્તા આરોગ્ય સંભાળ નિરાકરણો ઉપલબ્ધ કરવાનું સુનિશ્ચિત કરે છે.
આંસુમાં છુપાયેલી શક્તિ
આંસુનો નિદાન ઉપકરણ તરીકે ઉપયોગ કરવાનો વિચાર એક સાદા પણ શક્તિશાળી અવલોકનમાંથી ઉદ્ભવ્યો છે. ઘણા રોગો શરીરમાં લક્ષણો દેખાય તે પહેલા જ સોજા સંબંધિત ફેરફાર ઉત્પન્ન કરે છે. આંખો સૌથી સંવેદનશીલ અવયવ હોવાથી તેમાં આ પરિવર્તનોનું પ્રતિબિંબ વહેલું અનુભવાય છે અને આંસુના પ્રવાહીમાં આ બાયોમાર્કર્સ હાજર હોય છે.
આંસુ પ્રોટીન, એન્ઝાઈમ્સ, લિપિડ્સ, મેટાબોલિટ્સ અને ઈલેક્ટ્રોલાઈટ્સથી ભરપુર હોય છે જે શરીરની આંતરિક સ્થિતિની બાયોકેમિકલ તસવીર રજૂ કરે છે. રુમેટોઈડ આર્થરાઈટીસ, આલ્ઝાઈમર્સ, વિભિન્ન કેન્સર અને ડાયાબીટીસ જેવા મેટાબોલીક રોગો પણ પરંપરાગત નિદાન પદ્ધતિથી જાણ થાય તે પહેલા અશ્રુની સંરચનામાં ઓળખી શકાય તેવા ફેરફાર પ્રકટ કરે છે. પરિણામે આંસુ જીવને જોખમમાં મુકતી અનેક બીમારીઓ અને જૂના હઠીલા રોગો માટે અર્લી વોર્નિંગ સીસ્ટમની ગરજ સારે છે.
ઉપરાંત આંસુ આધારીત નિદાનમાં શરીરમાં કોઈ ઉપકરણો પ્રવેશવાની જરૂર ન પડતી હોવાથી તે પીડારહિત અને પરંપરાગત રક્ત ચકાસણી, બાયોપ્સી અથવા ઈમેજિંગ સ્કેન કરતા અત્યંત સસ્તા હોય છે. નમૂના એકત્ર કરવા માટે આંસુ શોષી લેવા માટે માત્ર એક જંતુરહિત કાગળના નાનકડા ટૂકડાની જરૂર પડે છે. આ સરળતાને કારણે માત્ર ૯૦ મિનિટમાં ઝડપી વિશ્લેષણ અને પરિણામ મળી જાય છે. પરિણામે આ પદ્ધતિ ખાસ કરીને સંસાધનોનો અભાવ હોય તેવા સ્થળોમાં રૂટિન સ્ક્રીનિંગ માટે આદર્શ સાબિત થાય છે.
બજારમાં આવવાની તૈયારી
ભારતની આંસુ આધારીત ટેકનોલોજી હવે ઝડપી ગતિએ કમર્શિયલ બનવા જઈ રહી છે. વર્ષોના સઘન સંશોધન, ચકાસણી અને ટ્રાયલ પછી આ નિદાન કિટ નિયમન પ્રશાસન દ્વારા પ્રમાણપત્રના અંતિમ તબક્કામાં છે. નિષ્ણાંતોને આશા છે કે આગામી વર્ષના ફેબુ્રઆરી મહિના સુધીમાં આ કિટ વ્યાપકપણે ઉપલબ્ધ બનશે જે રક્ષણાત્મક આરોગ્ય સંભાળમાં એક નવુ પ્રકરણ શરૂ કરશે.
આ કિટથી ડોક્ટરો અને આરોગ્યકર્મીઓની નિદાન પદ્ધતિમાં ધરખમ ફેરફાર સર્જી શકે છે અને દરદીના પરિણામોમાં મહત્વનો સુધાર લાવતી વહેલી સારવારની જોગવાઈ દ્વારા અનેક રોગોમાં ઉપયોગી સાબિત થઈ શકે છે.
વ્યાપક નિદાનાત્મક અનુપ્રયોગ
રુમેટોઈડ આર્થરાઈટીસ બીમારીને પ્રથમ લક્ષ્યાંક બનાવવામાં આવી છે પણ આંસુ નિદાનના ઉપયોગો વ્યાપક છે.
વહેલું નિદાન મુશ્કેલ છે તેવી ન્યુરોડીજનરેટીવ સ્થિતિ આલ્ઝાઈમરના કિસ્સામાં સંશોધકોએ આંસુઓમાં ટાઉ પ્રોટીનની હાજરીની શોધ કરી છે. આ પ્રોટીન આલ્ઝાઈમર માટે અત્યાધિક વિશિષ્ટ છે અને એમઆરઆઈ સ્કેનમાં સંરચનાત્મક ફેરફારની ઓળખ થાય તેના ઘણા સમય પહેલા દેખાય છે. આંસુના વિશ્લેષણ દ્વારા ટાઉ પ્રોટીનની વહેલી ઓળખ થવાથી મગજને બદલી ન શકાય તેવું નુકસાન રોખવા સમયસર હસ્તક્ષેપ કરી શકાય છે જેના પરિણામે લાખો લોકોને ડીમેન્શિયાના જોખમથી બચાવી શકાશે.
આલ્ઝાઈમર ઉપરાંત આંસુ આધારીત નિદાન ઓન્કોલોજીમાં પણ આશાસ્પદ જણાયું છે. અભ્યાસમાં આંસુના પ્રવાહીમાં વિશિષ્ટ બાયોમાર્કર ઓળખાયા છે જેનો બ્રેસ્ટ કેન્સર ઉપરાંત જેનિટલ, યુરિનરી અને એવોરેયિન કેન્સર સાથે સંબંધ છે. આ કેન્સરો પ્રારંભિક તબક્કે ઓળખી કાઢવાથી સારવારની સફળતા અને દરદીના બચવાની સંભાવનાની તકો નોંધપાત્ર પ્રમાણમાં વધી જાય છે જેના પરિણામે આ પદ્ધતિ કેન્સરનો સામનો કરવા માટેનું એક શક્તિશાળી સાધન બની જાય છે.
માયોપિયા-એક વધતી બીમારીનો સામનો
ભારતમાં, ખાસ કરીને બાળકોમાં નજીકની દ્રષ્ટિની ખામી અથવા માયોપિયા ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. અશ્રુ વિશ્લેષણ દ્વારા ડોપામાઈનના સ્તર ઓળખીને માયોપિયાના જોખમની આગાહી કરી શકાય છે. ડોપામાઈન એક ન્યુરોટ્રાન્સમીટર છે જે આંખના આરોગ્યમાં મહત્વની ભૂમિકા નિભાવે છે અને તેના ઘટેલા સ્તર માયોપિયાના ઉદ્ભવ સાથે સંકળાયેલા છે.
બાળકોના આંસુમાં ડોપામાઈનના ઓછા સ્તર ઓળખીને ડોક્ટરો અને વાલીઓ બાળકો માટે બાહ્ય પ્રવૃત્તિ વધારીને અને કુદરતી સૂર્ય પ્રકાશ જેવા રક્ષણાત્મક પગલા લઈ શકે છે. અભ્યાસોથી જાણ થઈ છે કે ખુલ્લામાં ઓછામાં ઓછા બે કલાક ગાળવાથી બાળકોમાં માયોપિયાનું જોખમ ઘટી જાય છે. વહેલા હસ્તક્ષેપથી આ વધતી મહામારી ભારતની યુવા પેઢીની દ્રષ્ટિને પ્રભાવિત કરે તે પહેલા તેને નિયંત્રણમાં લઈ શકાય છે.
અકાળે જન્મેલા નવજાત માટે આશાનું કિરણ
રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટી (આરઓપી) નિર્ધારીત સમય કરતા વહેલા જન્મેલા નવજાતમાં અંધાપાનુ મુખ્ય કારણ બને છે. આંસુના વિશ્લેષણ દ્વારા ગંભીર આરઓપી થવાનું જોખમ હોય તેવા નવજાત બાળકોને વિશિષ્ટ બાયોમાર્કર્સ દ્વારા ઓળખી શકાય છે. વહેલા નિદાનથી સમયસરની સારવાર કરી શકાય છે અને દ્રષ્ટિહિનતા ટાળી શકાય છે. મોટા પાયાના આરોગ્ય કાર્યક્રમ માટે આ અભિગમ આશાસ્પદ છે.
ડ્રાય આઈ કટોકટી
ખાસ કરીને ભારતના શહેરી વિસ્તારમાં ડ્રાય આઈ વધુ એક મહત્વની ચિંતા છે. ૨૦૩૦ સુધીમાં પ્રત્યેક બે શહેરી ભારતીયમાંથી એકને ડ્રાય આઈ હોવાનું અનુમાન કરાય છે જેનાથી તેમની જીવનશૈલી અને કાર્ય ઉત્પાદકતા પર નોંધપાત્ર અસર પડી શકે છે. પરંપરાગત સારવાર મૂળ કારણોનું નિરાકરણ ન કરતી હોવાથી મોટાભાગે નિષ્ફળ સાબિત થાય છે.
આંસુ આધારીત નિદાનથી વ્યક્તિની સ્થિતિ સંબંધિત વિશિષ્ટ ઈમ્યુનો ઈન્ફ્લેમેટરી માર્કર્સની ઓળખ થઈ શકે છે. એનાથી ટાર્ગેટેડ આંખના ટીપાનો ઉપયોગ કરીને વ્યક્તિગત સારવાર શક્ય બને છે જેનાથી ઝડપી રિકવરી, ઓછો મેડિકલ ખર્ચ અને દરદીનો સંતોષ મેળવી શકાય છે.
આરોગ્ય સંભાળનું ભાવિ-આંસુના ટીપા
ભારત હવે તેની પ્રથમ આંસુ આધારીત નિદાન કિટ રજૂ કરી રહ્યું છે ત્યારે તેના સંભવિત ઉપયોગ અસીમિત છે. ન્યુરોડીજનરેટીવ બીમારીઓથી લઈને કેન્સર, આંખની વિકૃતિથી લઈને ચયાપચયની સ્થિતિ સુધી આ નાનકડા ટીપા વ્યક્તિગત, રક્ષણાત્મક અને સોંઘી આરોગ્ય સંભાળમાં મોટા પાયે નવા મોરચા ખોલી રહ્યા છે.
એક સમયે જેને ભાવનાત્મક પ્રતિસાદનું પ્રતીક માનવામાં આવતા હતા તે આંસુ આશાસ્પદ નિદાન માધ્યમ બનીને સામે આવ્યા છે. નજીકના ભાવિમાં એક સાદુ આંસુનું ટીપું અગણિત જીવન બચાવી શકવાની ક્ષમતા ધરાવતું હશે.
- ઉમેશ ઠક્કર


