For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લગ્ન પહેલાં દીકરીને વહુ બનતા શીખવો

Updated: Mar 13th, 2023

Article Content Image

- સંબંધો અને શિષ્ટાચારનું મહત્વ સમજાવી ઘરકામમાં પારંગત બનાવો

રશ્મીના  લગ્નને હજી પૂરા દસ દિવસ બાકી હતા અને તેની મમ્મી રમાએ દિવસ રાત તેને સફળ ગૃહિણી બનવાની શિખામણો આપવાનું શરૂ કરી દીધું હતું. તે રશ્મીને સમજાવતા કહેતી કે બેટા, તારે ધ્યાનથી તારું ઘર ચલાવવાનું પડશે. વડીલોની વાતો સાંભળી તેનું પાલન કરવું પડશે, બધાંને માન આપવું પડશે. તારા પતિનું સમ્માન કરવાનું વગેરે....બીજી તરફ રશ્મી પોતાની મમ્મીની વાતો સાંભળવાને બદલે બેફિકરાઇથી કહી દેતી, 'મમ્મી, તું એકવાર શરૂ થઇ જાય તો ચૂપ થવાનું નામ જ નથી લેતી' રશ્મી વિચારતી કે નૈતિકતાના બધા પાઠ એકસાથે જ શીખવા જરૂરી છે?

દરેક મા ની એવી ઇચ્છા હોય છે કે લગ્ન પછી તેની દીકરી  સારી રીતે ઘર સંભાળી શકે કારણ કે એ જરાપણ અક્ષમ સાબિત થઇ તો તેના સાસારાવાળા એમ જ કહેશે કે કેવી મા છે, પોતાની દીકરીને કંઇ શીખવાડયું નથી. લગ્ન પહેલા મા દીકરીને ગમે તેટલું ખિજાય, એનાથી દીકરીને કોઇ ફરક નથી પડતો કે માને પણ એ વાતનું વધારે દુ:ખ નથી થતું કારણ કે એ જે કરે છે એ દીકરીના સારા માટે જ કરે છે. પણ જ્યારે સાસરાપક્ષેથી કોઇપણ વ્યક્તિ દીકરીને કંઇક કહે ત્યારે એ સ્થિતિ મા માટે કપરી બની જાય છે.

નીલા ઘણાં લાડ-કોડમાં ઉછરીને મોટી થઇ અને ઉચ્ચ અભ્યાસ કર્યો. તેના પિતાએ તો શાળા શિક્ષણ અને ડિગ્રીઓ અપાવીને પોતાની ફરજ પૂરી કરી પણ તેની મા નીલાને ગૃહસ્થીની શિક્ષા ન આપી શકી. જેને લીધે  માત્ર  નીલાને જ નહિં પણ તેના માતા-પિતાને પણ મુશ્કેલીઓ અને કપરી પરિસ્થિતિઓનો સામનો કરવો પડયો. નીલા સ્વભાવે આખાબોલી છે, તેના મનમાં કોઇ ખોટ નથી. અને એ ક્યારેય ખોટું પણ નથી બોલતી. બસ આ સ્વભાવને લીધે એક વખત તેની સાસુએ તેને કંઇક કહી દીધું અને નીલાને ખોટું લાગી ગયું. લગ્નના થોડા જ દિવસમાં સાસુ-વહુ વચ્ચેનું અંતર વધી ગયું.  અને વાતનું વતેસર થતાં તેને પિયર મોકલી દેવામાં આવી. દીકરીને એકલી ઘેર આવેલી જોઇ બધાં હેરાન થઇ ગયા અને ત્યારે તેની માતાને સમજાયું કે જો તેમણે નીલાને ભણતરની સાથે ગૃહસ્થીની શિક્ષા પણ આપી હોય તો આજે આ દિવસ જોવો ન પડત.

મોટેભાગે એવું જોવા મળતું હોય છે કે નિમ્ન અને મધ્યમ વર્ગીય કુટુંબની દીકરીઓ ઘરના વાતાવરણ પ્રમાણે અનુકૂળ થવાનું  અને ગમે તે સંજોગો સાથે સમજૂતી કરવાનું આપોઆપ શીખી લેતી હોય છે, પરંતુ શ્રીમંત કુટુંબમાંથી આવતી છોકરીઓને લગ્નબાદ ઉક્ત પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. કારણ કે એ જ્યારે પિયરમાં હોય છે ત્યારે પોતાના મનપસંદ કપડાં પહેરવાની, ખાવા-પીવાની, હરવા-ફરવાની તેમને પૂરી આઝાદી હોય છે. અને લગ્ન પછી તેમની આ સ્વતંત્રતા છીનવાઇ જાય છે. તેમણે દરેક નાનાં-નોટાં કામ માટે પરવાનગી લેવી પડે છે જે તેઓ સહન નથી કરી શકતી અને સ્થિતિ સુધરવાને બદલે વધુ બગડી જાય છે. જેથી સંબંધોમાં અંતરાય સર્જાય છે.

દરેક માતાએ પોતાની દીકરીને સારી રીતે સમજાવવું જોઇએ કે સાસરું  જ તેનું અસલી ઘર છે અને તેણે ત્યાંના નિયમ પ્રમાણે રહેવાની સાથે એ વાતનું પણ ધ્યાન  રાખવું પડશે કે પોતાના સાસરિયાની એવી કોઇપણ વાત પિયરમાં ન કરવી જેથી બંને પરિવારના સંબંધો બગડે  અને મ્હેંણા સાંભળવા પડે. તમારી દીકરી તેના ઘરમાં સુખી રહે અને તેના સાસરામાં તેની પ્રશંસા થાય એ માટે તમારે પણ મહેનત કરવી પડશે. તમે અહીં આપેલી કેટલીક બાબતો અપનાવી આ લક્ષ્ય સહેલાઇથી પ્રાપ્ત કરી શકો છો.

* દીકરીને તેના બાળપણથી જ સંબંધોના મહત્વ અને સામાજિક માન્યતાઓ વિશે સમજાવો.

* વધતી ઉંમરની સાથે  દીકરીને ઘરકામમાં પારંગત બનાવો. જેમ કે જુદી-જુદી વાનગીઓ બનાવતા શીખવાડવી અને સાથે જ સીવણકામ, ભરતકામ પણ શીખવવા. સૌથી જરૂરી શિષ્ટાચાર છે, જેનું ખાસ શિક્ષણ તમારે જ તેને આપવું.

* દીકરીને પતિનું મહત્વ સમજાવી તેને સારી રીતે રાજી-ખુશીથી જીવન જીવવા માટે અને પતિના સમ્માન અને તેની ઇચ્છાપૂર્તિઓ કરવા માટે પણ પ્રેરણા આપવી. સાથે જ તેને તેના અધિકારો વિશે પણ જાગૃત રહેતા શીખવવું.

* સાસુ-સસરા કે નણંદ-દિયરની કટુતાભરી વાતો બને ત્યાં સુધી ધ્યાનમાં ન લેવી. એવિશે પણ તેની સાથે ચર્ચા કરવી.

* તમારી દીકરી અનાવશ્યકરૂપે પોતાના પતિ સામે વારંવાર પિયર જવા માટે જિદ ન કરે એ વાતનું ધ્યાન રાખવું.

* તેને સમજાવવું કે તેના સાસરિયાવાળાની ફરિયાદ પતિને ન કરે જેથી ઘરનું વાતાવરણ બરાબર જળવાઇ રહે.

* દીકરીને સમજાવો કે પહેલાં તે માત્ર એક ઘરની આબરૂ હતી પણ હવે એ બે ઘરની આબરૂ છે અને કોઇપણ સંજોગોમાં તેણે એ સાચવી  રાખવાની છે. તમે જ્યારે પણ આ બધું તમારી દીકરીને સમજાવતા હો ત્યારે એ ધ્યાન રાખો કે તેના પર આ બધું ઠોકી બેસાડવાનો પ્રયત્ન બિલ્કુલ ન કરો.

Gujarat