હૉલિવૂડ અભિનેત્રી એંજેલિના જોલી, ગાયિકા રોબી વિલિયમ્સ અને ફૂટબોલ ખેલાડી ડેવિડ બેકહમમાં શું સમાનતા છે ? તેમના શરીર પર બનેલાં મોટાં- મોટાં ટેટૂ, જે આજે બધે જ ફેશનનો પર્યાય બની ગયા છે. સ્ટાઇલની વાત કરીએ તો ફેશનજગતમાં ટેટૂની બોલબાલા છે, તમામ આકારો અને રંગોમાં મળતા ટેટૂ યુવક-યુવતી એમ સૌ કોઇને આકર્ષે છે. એક સમય એવો હતો જ્યારે ટેટૂ વણઝારાઓ અને અપરાધીઓની નિશાની મનાતા હતા. પણ હવે આ કળાએ સૌંદર્યની દુનિયામાં હલચલ મચાવી મૂકી છે.
શરીર પર બે પ્રકારના ટેટૂ બનાવડાવી શકાય છે સ્થાયી અને અસ્થાયી. મોટાભાગની જાણીતી હસ્તીઓના શરીર પર સ્થાયી ટેટૂ જોવા મળે છે પણ તેની સાથે એક સમસ્યા જોડાયેલી છે. શરીર પર એકવાર આ ટેટૂ કરાવ્યા બાદ તે કાયમ માટે અંક્તિ થઇ જાય છે. હા, સેલિબ્રિટીઓ પાસે તો આનો પણ ઇલાજ છે. તેઓ સર્જરી દ્વારા આ ટેટૂ દૂર કરાવી શકે છે. જે ખૂબ જ મોંઘી હોય છે. પણ શરીર પર બનેલી આવી વણજોઇતી ઇમેજથી બચવા માટે આ સારો વિકલ્પ છે.
સ્થાયી સમસ્યાઓથી બચવા માટે અસ્થાયી ટેટૂથી બજાર ભરેલું છે. આવા ચોંટાડવાના ટેટૂ વિવિધ આકાર, સાઇઝ, રંગો તેમજ ગ્લિટરમાં પણ ઉપ્લબ્ધ છે. તેને પાણીની સહાયતાથી ત્વચા પર લગાડવામાં આવે છે. તમે કંઇક નવું કરવા ઇચ્છતા હો તો ટેટૂની ડિઝાઇન જાતે તૈયાર કરી શકો છો. પછી તેને તમારા હાથ, એડી, કમરના પાછલા, નીચલા ભાગમાં અથવા ગરદન પર લગાવી દો. આ ટેટૂઓનો ફાયદો એ છે કે જો સમય જતાં એ તમને ન ગમે તો સાબુ અને પાણી અથવા તૈલી ક્રીમ દ્વારા તેને કાઢી શકાય છે. આજકાલ ટેટૂના રૂપમાં ગ્લિટર સ્પ્રેનો પણ મોટા પ્રમાણમાં ઉપયોગ થઇ રહ્યો છે. શરીરના જે ભાગને હાઇલાઇટ કરવો હોય, તેના પર સ્ટેન્સિલ મૂકીને સ્પ્રે છાંટી દો અને ઝગમગતા ટેટૂ સાથે તૈયાર થઇ જાઓ.
પારંપારિક ભારતીય બૉડી આર્ટનું સ્વરૂપ ગણાતી મહેંદીથી પણ ટેટૂ બનાવી શકાય છે. એમાં નવી સ્ટાઇલ લાવવા માટે કાળી મહેંદીનો પ્રયોગ કરી શકાય છે. મહેંદીમાં કૉફી અથવા ચા, લીંબુનો રસ અને સાકર ભેળવી પેસ્ટ બનાવી લો. મહેંદીનો રંગ ઘેરો લાવવો હોય તો તેમાં નીલગિરીનું તેલ મિશ્ર કરવું. આ પેસ્ટને સ્ટેન્સિલની મદદથી તમારા શરીર પર લગાવો અને ત્યારબાદ એવો ડ્રેસ પહેરો જે તમારું ટેટૂ દર્શાવે.
બોડી આર્ટને લોકો મોટેભાગે ટેટૂ સાથે જોડી દે છે, પરંતુ એવું નથી. શરીર પર કોઇપણ પ્રકારના સ્થાયી કે અસ્થાયી બદલાવ લાવવા એ બોડી આર્ટની શ્રેણીમાં આવે છે. આવો જાણીએ કે બોડી આર્ટમાં બીજું શું શં આવે છે.
* હાથ પર મહેંદી લગાવવી અથવા હળવો મેક-અપ કરવો.
* વણજોઇતા વાળ દૂર કરવા
* વાળ કપાવવા અથવા તેને કલર કરાવવા.
* શરીરનો કોઇ ભાગ છેદાવવો.
* કૉસ્મેટિક સર્જરી
* આય જ્વેલ, જેમાં આંખોના સફેદ ભાગ પર ક્રિસ્ટલનો ટુકડો લગાવવામાં આવે છે.
* પર્માનેન્ટ કૉસ્મેટિક્સ, જેમાં એક વખત મેકઅપ લગાડયા પછી તેને દૂર નથી કરવો પડતો.
ટેટૂ વિશે આટલું જાણી લો.
* કેટલાંક વિસ્તારમાં આજે પણ ટેટૂની ડિઝાઇન બનાવવા માટે પહેલા શરીર પર એ ડિઝાઇનનો જખમ પાડવામાં આવે છે, જેને પછી શાહી, રાખ અથવા અન્ય પદાર્થો વડે રગડવામાં આવે છે. ધારદાર લાકડીઓ કે હાડકાં વડે શાહીને શરીર પર લગાવીને ટેટૂ બનાવાય છે.
* હોંગકોંગમાં ઘણાં લોકો પોતાના ડાબા હાથ પર કાળો ડ્રેગન અને જમણા હાથ પર સફેદ ચિત્તાનો ટેટૂ બનાવડાવે છે.
* જો કોઇ યુવતી પોતાની કમરના નીચલા ભાગ પર ટેટૂ બનાવડાવે તો અમેરિકન ભાષામાં તેને 'ટ્રેમ્પ સ્ટૉમ્પ' અથવા 'કેલિફોર્નિયા લાઇસન્સ પ્લેટ' કહે છે.
* કેનેડામાં એક ટેટૂ બનાવવા વાળાના શરીર પર ૪૮૩૧ ટેટૂ બનેલા હતા.
* ત્વચાની સમસ્યાઓ દૂર કરવા માટે પણ ટેટૂનો પ્રયોગ કરી શકાય છે. ઇન્ટ્રા ડર્મલ પિગ્મેન્ટેશન પણ કૉસ્મેટિક સર્જરીનો જ એક ભાગ છે. ત્વચા પરના ડાઘ, નિશાનને છૂપાવવા માટે આનો ઉપયોગ થાય છે.
* એક વાર સ્થાયી ટેટૂ કરાવ્યા બાદ તેને દૂર કરવા માટે સર્જરી કરાવવી પડે છે અને એવામાં તમારે હૉસ્પિટલમાં રોકાવું પણ પડે.
* ટેટૂ બનાવવા માટે વપરાતી સોય ઇન્ફેકશન પેદા કરી શકે છે તેથી તેને પહેલાં ઉકળતા પાણીમાં નાખવી.
* અસ્થાયી ટેટૂ એક મહિનાથી છ મહિના સુધી શરીર પર રહી શકે છે. અને એમાં ૨૫૦ રૂપિયા સુધીનો ખર્ચો આવી શકે છે. આવા ટેટૂને સ્પિરીટની મદદથી પણ દૂર કરી શકાય છે.
* સ્થાયી ટેટૂ બનાવવા માટે એક હજાર કે તેનાથી વધારે રૂપિયા ખર્ચ આવે છે.


