Get The App

ઓફિસનાં સાથીદારો કે સાહેબ સાથે દિલ કી બાત કરો , પણ લક્ષ્મણ રેખા ન ઓળંગો

Updated: Nov 24th, 2025

GS TEAM

Google News
Google News
ઓફિસનાં સાથીદારો કે સાહેબ સાથે દિલ કી બાત કરો , પણ લક્ષ્મણ રેખા ન ઓળંગો 1 - image

- ઘણાં કર્મચારીઓ પોતાના પરિવારની, અંગત સમસ્યાની, નાણાંકીય વ્યવહારની ખાનગી વાતો  પોતાના   સાથીદારોને   કહેતાં હોય   છે  :  ઓફિસના બોસને  કે સાહેબને   રાજી રાખવા ગતકડાં  કરતાં હોય  છે :  આવાં  કર્મચારીઓને   જબરો   બોપાઠ   પણ   મળતો હોય છે

મોહિની મહેતા અને  રોહિણી રાવ ( બંને  નામ  કાલ્પનિક છે)  બંને એક મલ્ટિનેશનલ કંપનીમાં સાથે કામ કરતાં હતાં. મોહિની મહેતા અને રોહિણી રાવ બંને ઉચ્ચ હોદ્દા પર પણ હતાં. ઓફિસના કામ દરમિયાન ક્યારેક બંને વચ્ચે એકબીજાના પરિવાર અને શોખ વિશે પણ આછેરી વાત થતી. સમય જતાં મોહિની અને રોહિણી વચ્ચે અચ્છી દોસ્તી  શરૂ  થઇ. આમ તો  મોહિની મહેતા વાતચીત અને અન્ય બાબતોમાં રોહિણીની સરખામણીએ વધુ ચાલાક હતી, જ્યારે રોહિણી અમુક અંશે સીધી સરળ હતી. 

એક તબક્કે   રોહિણી રાવે  ભોળપણમાં   પોતાના એક બોય ફ્રેન્ડ વિશે  મોહિનીને અંગત વાત કરી.  થોડા દિવસ બાદ રોહિણીએ પોતાના બોયફ્રેન્ડનો ફોટોગ્રાફ પણ મોહિનીને બતાવ્યો. રોહિણી રાવનો પેલો બોયફ્રેન્ડ દેખાવમાં સોહામણો હતો. સાથોસાથ તેનો રૂઆબ  -વ્યક્તિત્વ કોઇ રાજકુમાર જેવાં  હતાં. જબરી ચાલાક  મોહિનીને રોહિણીનો  બોયફ્રેન્ડ મનોમન ગમી ગયો. 

ગમે તે થયું,  સમય જતાં મોહિની અને રોહિણીની દોસ્તી એટલી ગાઢ બની ગઇ કે    રોહિણી રાવે પોતાના બોયફ્રેન્ડની મુલાકાત મોહિની મહેતા સાથે કરાવી. બસ, નામ તેવા ગુણ  ધરાવતી મોહિની મહેતાએ રોહિણીના પેલા બોયફ્રેન્ડને પોતાની મોહજાળમાં   ફસાવ્યો. પરિણામ એ આવ્યું કે પેલા બોયફ્રેન્ડે રોહિણી સાથેનો  પ્રેમ સંબંધ તોડી નાખ્યો. 

પોતાની જ ખાસ   ઓફિસ ફ્રેન્ડ મોહિની મહેતાની તે ભારે દગાખોરીનો   અને ચાલબાજીનો   રોહિણી રાવને એટલો  ઘેરો આઘાત લાગ્યો કે તે ડિપ્રેશનનો ભોગ બની.  જોકે રોહિણીનાં માતાપિતાની પૂરતી કાળજી અને ઉત્તમ તબીબી સારવારથી રોહિણી રાવ સાવ સાજીનરવી થઇ ગઇ.

 મોહિની મહેતા અને રોહિણી રાવનું આ ઉદાહરણ જોકે કાલ્પનિક   છે છતાં આજે ભારત સહિત વિશ્વભરમાં આવા કિસ્સા બને છે અને અખબારોમાં પ્રસિદ્ધ પણ થાય છે. સરકારી કે ખાનગી કંપનીની  ઓફિસમાં સાથે કામ કરતા પુરુષ અને મહિલા કર્મચારીઓ વચ્ચે  સામાન્ય રીતે  આછીપાતળી વાતચીત થતી હોય છે. ઘણા લાંબા સમયથી સાથે કામ કરતા અમુક  કર્મચારીઓ વચ્ચે ગાઢ સંબંધ કે મિત્રતા પણ હોય તે શક્ય છે.  પોતાના કુટુંબની અને અન્ય ખાનગી બાબતોની આપ -લે થતી હોય તે બનવાજોગ છે.  

આમ  છતાં આવી આપ -લે માં ક્યારે મોટો ધરતીકંપ ધણધણી ઉઠે તે કહી ન શકાય. પોતાના સાથી   કર્મચારીના મનમાં ક્યારે -- કેવાં વમળ સર્જાય તે સમજી ન શકાય. 

 આવા જ કિસ્સા સોશિયલ મિડિયાની ઘટનાઓ દ્વારા પણ મળે છે. આજના આધુનિક યુગની પેઢીના સંબંધ કે વાતો કે વ્યવહાર એટલે મોબાઇલ ફોન. મોબાઇલ ફોનમાંની જુદી જુદી એપ્લિકેશન્સનું માધ્યમ બહુ જ ઝડપી અને બોલકું થઇ ગયું છે. હા, સોશિયલ મિડિયાનો મોટો ફાયદો એ છે કે લોકો એકબીજાંના સતત સંપર્કમાં રહી શકે છે. ખાસ કરીને કટોકટીની પરિસ્થિતિમાં એકબીજાં તરત જ ભેળાં  થઇ જાય. એકબીજાંને તરત જ જરૂરી બધી મદદ કરે. 

આમ છતાં આ જ સોશિયલ મિડિયા પર પોતાની કઇ વાત કોને કરવી અને કોને ન કરવી તેની મર્યાદા  પણ હોવી જોઇએ. ખાસ કરીને પરિવારની, પોતાના પ્રેમ સંબંધની, નાણાંકીય વ્યવહારની વાત એકબીજાંને  પોસ્ટ કરતાં પહેલાં વિચારવું જરૂરી છે. સરળ રીતે અને સાચી રીતે સમજીએ તો પોતાના કામ --ધંધાના સ્થળે, ઓફિસમાં કે સોશિયલ મિડિયા પર દરેક વ્યક્તિએ પોતાની લક્ષ્મણ રેખા પોતે જ દોરવી જરૂરી છે. અને આ લક્ષ્મણ રેખા બહાર જવાથી કેવાં જોખમ સર્જાય તેનો વિચાર પણ  કરવો જરૂરી છે.

* ઓફિસના બોસ કે સાહેબ સાથેના સંબંધ કેવા હોય ? ઘણાં કર્મચારીઓ પોતાના ઓફિસ બોસ કે સાહેબને ખુશ રાખવા પ્રયાસ કરતાં હોય છે. પોતાના ઘરની વાતો સાથોસાથ અંગત સમસ્યા કે મુંઝવણ વિશે સાહેબ સાથે વાત કરતાં હોય છે. આવાં કર્મચારીઓ એવું માનતાં હોય છે કે આપણે    સાહેબ સાથે સારા સારી રાખીએ, પોતાની અંગત બાબતમાં બોસનું માર્ગદર્શન કે સલાહ લઇએ તો તે રાજી થાય. આપણું કામ થાય. આપણું બરાબર ધ્યાન રાખે. 

 જોકે નિષ્ણાત અને બહોળો અનુભવ ધરાવતા મનોવિજ્ઞાાનીઓ અને વર્ક પ્લેસ રિલેશનશીપના નિષ્ણાતોના કહેવા મુજબ આ વિચાર કે ધારણા સાવ જ ખોટી છે. કોઇપણ સરકારી કે ખાનગી કંપનીના  સાહેબનું ગણિત બહુ સ્પષ્ટ હોય છે, મારી ઓફિસનું કામ અને નામ સારું અને સાચું હોવું જોઇએ. મારી ઓફિસનાં કર્મચારીઓ શિસ્તબદ્ધ અને ઉત્તમ કામગીરી કરે એ જ ધ્યેય હોય છે. 

 ખરેખર તો  સાહેબની નજરમાં બધાં  કર્મચારીઓ એક જ સરખાં હોય  છે.  હા, જે કર્મચારી નિષ્ઠાવાન અને પ્રતિભાશાળી હોય તેના પ્રત્યે બોસને માન - સન્માન હોય છે. બાકી  જે કર્મચારી સાહેબની આરતી ઉતારતો હોય કે પોતાની સમસ્યા   વિશે સલાહ માગતો હોય તેનાથી બોસ કાંઇ રાજી નથી રહેતો. ઉલટું, સાહેબના ગણિતમાં આવા કર્મચારીઓ ફેઇલ થતાં  હોય છે. 

  હકીકત તો એ હોય છે કે કોઇપણ બોસને કે સાહેબને તેનાં કર્મચારીઓની અંગત જિંદગી કે સંબંધ કે સમસ્યા સાથે કોઇ જ સંબંધ નથી હોતો. તેને તો પોતાની ઓફિસના ઉજળા અને સફળ કામ સાથે જ સીધો અને એક માત્ર સંબંધ હોય છે. 

  આમ છતાં અમુક બોસ કે સાહેબ  કંઇક જુદા પ્રકારના અને અલગ મિજાજના પણ હોય છે. એટલે કે ઘણા બોસ પોતે મનમાં  એવું  ઇચ્છતા હોય છે  કે મારાં કર્મચારીઓ મારી પ્રશંસા કરે. મને રાજી રાખે વગેરે વગેરે. ઉપરાંત, આવા સાહેબ પોતે જબરા વાતોડિયા પણ હોય છે. ક્યારેક પોતાના શોખ, સફળતા, એવોર્ડ વગેરે વિશે પણ મોટી મોટી વાતો ફેલાવતા હોય છે. 

હા,  કોઇ સાહેબ કે બોસ પોતાની અંગત  વાત  કદાચ પણ કોઇ કર્મચારી સાથે કરે તો સાંભળો.  ક્યારેક  તમે પણ તમારી વાત બોસને કહો. આમ છતાં તમે અમુક ચોક્કસ મર્યાદા પણ રાખો. તમારા બોસ કે સાહેબ સાથેના નિખાલસ સંબંધ તમારી કારકિર્દી માટે રેડ સિગ્નલરૂપ પણ બની શકે છે. 

-  જગદીશચંદ્ર  ભટ્ટ