પૂનમ બધો જ સામાન પેક કરી તૈયાર થઈને રાજ તથા બાળકોની રાહ જોતી હતી. રાજ બાળકો સાથે તેમને ગમતી ખાવાપીવાની વસ્તુ લેવા ગયો હતો. આજે તેઓ એક અઠવાડિયા માટે કુલુમનાલીના પ્રવાસે જઈ રહ્યા હતાં. બાળકોને ઉનાળાનું વેકેશન પડી ગયું હતું અને વડોદરામાં ગરમીનો પારો પણ ઊંચો હતો. તેથી પૂનમ અને રાજે બાળકોની સાથે હોલીડે મનાવવાનો કાર્યક્રમ બનાવ્યો હતો. પૂરેપૂરી તૈયારી સાથે તેમણે પોતાની ગાડીમાં મુસાફરી શરૂ કરી.
ત્રણથી ચાર કલાક બાળકોએ ખૂબ ધમાચકડી મચાવી અને તોફાનો કર્યાં અને જે હાથમાં આવ્યું તે ખાતાં રહ્યા. થોડા સમય પછી પૂનમના મોટા દીકરાને ઊલટીઓ થવા લાગી. ઊલટીઓ બંધ થતી જ નહોતી અન મોન્ટીની હાલત ખરાબ થતી જતી હતી.
હવે પૂનમને ખ્યાલ આવ્યો કે તેણે ફર્સ્ટએડ બોક્સ સાથે ન રાખીને બહુ મોટી ભૂલ કરી હતી અને સાથે બાળકોને બહારનું ગમે તે ખવડાવીને બીજી ભૂલ કરી તે જુદી. આ રીતે મોન્ટીની તબિયત બગડવાને કારણે પ્રવાસનો આનંદ બગડયો અને રાજે પૂનમની બેદરકારીને કારણે ઘણું બધું સંભળાવ્યું તે જુદું.
આપણે જ્યારે ફરવા જવાનો કાર્યક્રમ બનાવીએ છીએ ત્યારે અતિ આનંદ ઉત્સાહમાં એ જરૂરી બાબતો પર ધ્યાન આપતાં નથી હોતાં જેને કારણે ઘણી વખત માત્ર પ્રવાસનો આનંદ જ બગડતો નથી, પરંતુ પોતાના મનપસંદ સ્થળ પર રજાઓ ગાળવાને બદલે રજાઓ હોસ્પિટલમાં ગાળવી પડે છે.
આમ તો પ્રવાસમાં વાતાવરણ બદલાવાને કારણે શરદી, ખાંસી, હળવો તાવ વગેરે જેવી બીમારીઓ થવી તે સામાન્ય મનાય છે. પરંતુ ઘણીવાર યોગ્ય સમય પર દવા મળવાથી અથવા પછી જરૂરી સાવધાનીઓ ન રાખવાને કારણે આવી નાનીમોટી બીમારીઓ મોટી બીમારીનું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. આ પરિસ્થિતિમાં જરૂરી એ છે કે પ્રવાસે નીકળતાં પહેલાં અને ફરવા જતી વખતે આ બાબતો પર ધ્યાન આપવું જોઈએ જેથી તબિયત પણ ન બગડે અને રજાઓનો પણ પૂરેપૂરો આનંદ ઉઠાવી શકાય :
- જરૂરી બધા સામાનની સાથે સાથે ફર્સ્ટએડ બોક્સ પણ જરૂરથી રાખો.
- ફર્સ્ટ એડ બોક્સમાં પેઈનકિલર, તાવ, ઊલટી, પેટનો દુખાવો, જુલાબ માટેની દવાઓ અને જો સાથે બાળકો હોય તો તેમની પણ દરેક પ્રકારની દવા લેવી જોઈએ. સાથે ઈલેક્ટ્રોલ, ગ્લુકોઝ, મિલ્ક પાઉડર, ડેટોલ અને એન્ટિસેપ્ટીક ક્રીમ વગેરે જરૂર રાખો.
- ફર્સ્ટએડ બોક્સને સૂટકેસમાં ન રાખતાં હાથવગી હેન્ડબેગમાં જ રાખો જેથી જરૂર પડતાં જ તેનો ઉપયોગે કરી શકાય.
- જો તમારી સાથે કોઈ હૃદયરોગ અથવા દમના દર્દી હોય તો તેમની પણ દવાઓ જરૂર સાથે રાખવી.
- પ્રવાસે કે ફરવા જતી વખતે શક્ય હોય તો બહારનું ખાવાપીવાનું ટાળો.
- સીલબંધ બોટલનું પાણી પીઓ.
- પ્રવાસ દરમિયાન રસ્તાના ઢાબામાં ખાવાનું ટાળો.
- ફ્રૂટનો જ્યૂસ લેવાને બદલે આખાં ફળ જ ખાઓ. કારણ કે ફ્રૂટનો જ્યૂસ કાઢનાર સ્વચ્છતા જાળવી શકતા હોતા નથી.
- પેકબંધ જ્યૂસ ટિન અથવા ખાદ્યપદાર્થોનો જ ઉપયોગ કરવો.
- જો તમે કોઈ હિલ સ્ટેશનનો પ્રવાસ બસ દ્વારા જવાનું નક્કી કરી રહ્યા હો ત્યારે ઉલટીઓ થવાની શક્યતા વધુ રહેતી હોય છે તેથી યોગ્ય સમયના અંતરે દવા લેતાં રહો.
- જો તમે ટ્રેન દ્વારા પ્રવાસ કરી રહ્યા હો તો પ્લેટફોર્મ પર મળતી તળેલી-શેકેલી ચીજવસ્તુઓ ખાવાની ટાળો.
- શક્ય હોય તો ફેરિયા પાસેથી કોઈ ચીજ ખરીદશો નહીં.
- રસ્તામાં આવતી દવાની નાની દુકાનોમાંથી દવા ખરીદીને લેશો નહીં કારણ કે તે અસલી હોવાની કોઈ સાબિતી હોતી નથી.
- જો તમે ઉનાળામાં ફરવા નીકળ્યા હો તો ઠંડક આપતાં પદાર્થોનું સેવન કરો. તેવી જ રીતે શિયાળામાં ઠંડુ પાણી, કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમવગેરે પદાર્થો લેવાનું ટાળો.
- જો તમે દક્ષિણ ભારતનો પ્રવાસ કરવાના હો તો ત્યાં સાદું પાણી લેવાને બદલે નાળિયેરનું પાણી પીઓ. તેનાથી તમે તરસ પણ છિપાવી શકશો.ં તમારું સ્વાસ્થ્ય પણ જાળવી શકશો.
- હિલ સ્ટેશન પર જતી વખતે ત્યાંની આબોહવા મુજબ ગરમ વસ્ત્રો જેવાં કે સ્વેટર, સ્કાર્ફ, હાથનાં મોજાં, પગનાં મોજાં વગેરે સાથે જરૂરી રાખો.
શું ખાશો- પીશો
- તાજાં ફળ
- ટિનપેક જ્યૂસ અથવા ખાદ્યપદાર્થ
- મિનરલ વૉટરં
- હળવું ભોજન જેવું કે દાળભાત, ઈડલી સંભાર વગેરે
- નાળિયેર પાણી
- આઈસ્ક્રિમ
- લીલા શાકભાજી બાફેલા
- ટિનપેક નમકીન અથવા મીઠાઈ
- દૂધ અથવા દૂદની બનાવટની ચીજવસ્તુઓ જે પેસ્ચ્યુરાઈઝ્ડ હોય.
શું ન ખાવું- પીવું
- જ્યૂસ
- શેરડીનો રસ
- તળેલું મસાલાયુક્ત ભોજન
- ઢાંક્યા વિનાનું પાણી
- તળેલું ખૂબ ભારે ભોજન (સમોસાં છોલે ચણા વગેરે)
- ફેરિયાઓ દ્વારા વેચવામાં આવતી વસ્તુઓ સાધારણ રંગીન પીણું બરફનો ગોળો.


