શેરડીનો રસ સંભાળીને પીજો
સુરેશભાઈ નાથાણી ફ્લોરાફાઉન્ટન પર આવેલી એક કંપનીમાં એકાઉન્ટન્ટની નોકરી કરે છે. તેઓ રોજ સવારે ભાયંદરથી ગરદીમાં પીસાતા પીસાતા સવા કલાકના પ્રવાસ બાદ ચર્ચગેટ પહોંચી છે. શિયાળાની સીઝનમાં તો તેમને ખાસ થાક લાગતો નથી. પરંતુ હોળી પછી જ્યારે મુંબઈમાં કાળઝાળ ગરમીનો કોપ શરૃ થાય છે ત્યારે ભાયંદરથી ચર્ચગેટ આવતા સુધીમાં તો તેઓ થાકીને ટેં થઈ જાય છે.
ચર્ચગેટ પહોેંચ્યા બાદ ગળાની તરસ છીપાવવા માટે કશુંક ઠંડુ પીવાની ઈચ્છા જાગે એ સ્વાભાવિક છે. પરંતુ સુરેશભાઈ બહારના ઠંડા પીણા પીવાના કટ્ટર વિરોધી છે. કોકાકોલા અને પેપ્સી કોલા જેવા પીણાં પીવાનો કોઈ આગ્રહ કરે તેઓ ફટાક દઈને ના પાડી દે છે. તેમના મતે આવું પીણું ગળાની તરસ છીપાવવા સક્ષમ નથી. વળી તે તાજું હોતું નથી. કોણ જાણે કેટલાં મહિના પહેલાં તેને બોટલમાં ભરવામાં આવ્યું હોય? વળી તેનો સ્વાદ જાળવવા માટે એમાં જાતજાતના રંગ રસાયણો ઉમેરવામાં આવે છે.
એ વાત સુરેશભાઈને બિલકુલ પસંદ નથી. ફેરિયા પાસેનું લીંબુ શરબત તો તેઓ કોઈ દિવસ પીવાની હિંમત ના કરે. કારણ કે ફેરિયાઓ ઘણું ખરું સાકરને બદલે સેકરીન વાપરતાં હોય છે. બિસલેરીનું પાણી કે ફ્રૂટ જ્યૂસ ખરીદવાનું તેમનું ગજું નથી એવું તેઓ કબૂલે છે. દહીંની તેમને એલર્જી છે એટલે છાશ કે લસ્સી પીવાનો તો સવાલ જ પેદાં નથી થતો. નારિયેળ પાણી તેમને ભાવે છે, પણ ત્રીસ-પાંત્રીસ રૃપિયાથી ઓછે ન મળનારું નારિયેળ તેમના ગજવાને પરવડતું નથી. આવા સંજોગોમાં બળબળતી ગરમીમાં ગળાને શાતા આપવા માટે શું પીવું?
'શેરડીનો રસ એ ગરમી દરમિયાન આદર્શ ઠંડુ પીણું સાબિત થાય છે. બોટલમાં મળતા ઠંડા પીણાંની પેઠે આમાં કૃત્રિમ રંગ રસાયણ હોતા નથી અને લીંબુ શરબતમાં મેળવવામાં આવતી કૃત્રિમ સાકરકે સેકરીન શેરડીના રસમાં ભેળવવી પડતી નથી. શેરડીમાંથી કુદરતી સ્વરૃપે જ સાકર પ્રાપ્ત થાય છે. વળી શેરડીનો રસ વેચતો ફેરિયો ગ્રાહક આવે ત્યારે જ તાજો તાજો રસ કાઢીને આપે છે. સૌથી મોટી વાત તો એ છે કે શેરડીનો રસ ખૂબ જ સસ્તો છે અને આખા ફ્લોરા ફાઉન્ટનમાં લગભગ ૫૦ જગાએ મળે છે.'' સુરેશભાઈ ખૂબ જ ઉત્સાહપૂર્વક શેરડીના રસની વકીલાત કરે છે.
સુરેશભાઈની વાતમાં સચ્ચાઈનો અંશ જરૃર છે. પણ આડેધડ શેરડીનો રસ પીતાં પહેલાં કેટલીક નક્કર વાસ્તવિકતાઓ પણ જાણી લેવાની જરૃર છે.
શેરડીનો રસ પીતાં પહેલાં રસવાળાને ત્યાં સાફસફાઈ કેટલી છે એ જાણવું જરૃરી છે. ઉનાળા દરમિયાન શેરડીનો રસ પીવાથી કાંઈક મનુષ્યને કમળો થયો હોય તેવા કિસ્સા ભૂતકાળમાં બન્યા છે. દર વર્ષે મહાનગર પાલિકા એવો દાવો કરે છે કે સાફ સફાઈનું પૂરતું ધ્યાન રાખ્યા વિના શેરડીનો રસ વેચનારા ફેરિયાનું લાઈસન્સ કેન્સલ કરવામાં આવશે. પરંતુ તેને આકરો દંડ પણ થયો હોય એવું આપણા સાંભળવામાં આવ્યું નથી. આનો અર્થ એ થયો કે સામાન્ય લોકો એ જ શેરડીનો રસ પીતા પહેલા પૂરતી સાવધાની રાખવી જોઈએ.
જે શેરડીવાળાનાં પાર્લરમાં અસંખ્ય માખીઓ બણબણતી હોય ત્યાં ફરકવાનો વિચાર સુધ્ધાં ન કરવો. ઘણા ફેરિયાઓ માખી ઉડાવવા માટે ખાસ પ્રકારની અગરબત્તી પેટાવે છે. આવી અગરબત્તીવાળા પાર્લરમાં શેરડીનો રસ જવામાં જોખમ નથી, પરંતુ જે પાણીમાં ફેરિયો ગ્લાસ ધોતો હોય એ પાણી શુધ્ધ ન હોય તો અગરબત્તીનો કશો અર્થ સરતો નથી. શેરડીના સાંઠા પણ પીલાવા જતાં પહેલાં બરાબર ધોવાયા છે કે નહીં એ ચેક કરવું જોઈએ.
શેરડી પીલવા માટે બે ગોળાકાર પથ્થરનો બનેલો સંચો હોય છે. આ સંચો ચોખ્ખોચણાક ન હોય તો તેમાં પીલવામાં આવેલો રસ અનેક રોગોને આમંત્રણ આપે છે. પથ્થરો ધોતાં સમયે એ વાતનું ધ્યાન રહે કે તેની આસપાસના ખાંચામાં કચરો ભરાયેલો ન હોય. આવા ખૂણાંખાંચરામાં ભરાયેલા શેરડીના કૂચામાં હાનિકારક બેક્ટેરિયામાં અડ્ડો જમાવે છે. ઘણી વખત આવા ખાંચામાં ગરોળી ભરાઈ ગયાના કિસ્સા પણ બન્યા છે. તાજેતરમાં ગાઝિયાબાદના મોદીનગરમાં એક શેરડીના પીલાણના ખાંચામાં સાપ ભરાઈ બેઠો હતો.
ફેરિયાને આ વાતની ખબર નહોતી અને એણે એ પીલાણમાં પીલેલો રસ અનેક લોકોને પીવડાવ્યો હતો. સાપ નાનો હતો અને ગુંચળુ વાળીને ખાંચામાં લપાઈ રહેલો. શેરડી પીલાતા સમયે સાપને કશું નુકશાન ન થયું પણ સાપના મોંમાંથી જે લાળ બહાર આવતી હતી એ રસ સાથે ભળી ગઈ હતી. સાપ ભલે ઝેરી નહોતો. પણ એ રસ પીવાથી અનેક લોકોની તબિયત બગડી હતી અને બધાને તાબડતોબ હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા.
ઘણા ફેરિયાઓ એ શેરડી પીલવા માટે હવે તો ઈલેક્ટ્રોનીક મશીનો વસાવી લીધા છે. આવા મશીનોમાં ઓછી મહેનતે વધુ રસ નીકળી શકે છે. એક સાથે ઘણો બધો રસ કાઢવાના ઈરાદાથી ફેરિયો તેમાં એક સામટા સંખ્યાબંધ સાંઠા નાખી દે છે. સાઈડમાં રહી ગયેલા સાંઠાઓ પથ્થરની બાજુમાં રહેલી લોખંડની ગોળાકાર પટ્ટીના સંસર્ગમાં આવે છે. રોલર તરીકે ઓળખાતી આ પટ્ટી પર કાટ લાગ્યો હોય અથવા તો ગ્રિઝ ચોપડવું હોય તો એ બધું પણ રસ સાથે ભળી જાય છે.
આવો રસ પીવાથી મનુષ્યના સ્વાસ્થ્યને નુકસાન ન થાય તો જ નવાઈ. લોખંડના રોલરને બદલે સ્ટીલના રોલર વાપરવાનો રિવાજ શરૃ તો થયો છે. પણ મુંબઈમાં કેટલા ફેરિયાઓ સ્ટીલના રોલર ધરાવતા હશે એ તો ભગવાન જાણે! પોલાણ સાફ કરવા માટે તેના પર લીંબુ ઘસવું એ આદર્શ ઉપાય છે. સ્વાદ માટે શેરડી સાથે પીલવામાં આવતા લીંબુ અને આદુ ચોખ્ખા પાણી વડે થયેલા હોય એ જરૃરી છે.
ઉપર જણાવેલી બધી જ સાવધાની વર્તવામાં આવી હોય પણ શેરડીના રસમાં ભેળવવામાં આવતો બરફ બરાબર સાફ કરેલો ન હોય કે બરફ બનાવવામાં ગંદા પાણીનો ઉપયોગ થયો હોય તો તેનું સેવન કરનારાઓ માંદા પડયા વિના રહેતા નથી. ગંદા બરફવાળો રસ પીવાથી ગળું ખરાબ થઈ જવાથી માંડીને કમળા સુધીની બીમારીઓ થઈ શકે છે. શેરડીનો રસ ગાળવા માટે સુતરાઉ કે રેશમનું જે બારીક કપડું વાપરવામાં આવે છે એને વખતોવખત સાફ કરવું પણ એટલું જ જરૃરી છે.
શેરડીનો રસ પીતાં પહેલાં...
* ગ્લાસ ચોખ્ખા પાણીમાં ધોયેલો હોવો જોઈએ.
* જે લારી પાસે માખીઓ બણબણતી હોય ત્યાં રસ ન પીવો.
* રસ પીલવા માટેનો સંચો ચોખ્ખોચણક હોય એ જરૃરી છે.
* રોલર તરીકે ઓળખાતી સંચાની સાઈડની ગોળાકાર પટ્ટીઓ લોખંડની
કરતા સ્ટીલની હોય તો વધુ સારું કેમ કે સ્ટીલની પટ્ટીમાં કાટ લાગવાનો ભય રહેતો નથી.
* જે સાંઠાનો રસ કાઢવાનો હોય એને શુદ્ધ પાણીથી ધોવો જોઈએ.
* સંચાના પથ્થરને દરેક પીલાણ પછી પાણીથી સાફ કરવો જોઈએ.
* રસ ગાળવાનું કપડું વારંવાર ઠંડા પાણીમાં બોળીને નીચોવી નાખવું જોઈએ.
* રસમાં ઉમેરવામાં આવતો બરફ ચોખ્ખા પાણીમાંથી બનેલો હોવો જોઈએ.
અને તેનો ઉપયોગ કરતા પહેલાં તેના પરથી લાકડાનું ભૂસું બરાબર ધોઈ નાખવું જોઈએ.