મુંબઈના ઉનાળામાં કૉટનનાં કપડાં વિના ચાલે જ નહીં. સ્ટાઈલ સ્ટેટમેન્ટ ગણાતું કૉટન વાસ્તવમાં પહેરવામાં જેટલું કમ્ફર્ટેબલ છે એટલું નાજુક મટીરિયલ કહી શકાય. એની જો યોગ્ય સંભાળ ન લેવામાં આવે તો એનો કલર ઝાંખો થઈ જાય છે, લાંબું ન ચાલે અને કપડાંની કુમાશ પણ જતી રહે છે. કાળજી ભલે ગમે તેટલી રાખવી પડે પણ પર્સનાલિટીને નિખારવામાં કૉટનનાં વસ્ત્રોનો કોઈ જવાબ નથી. કૉટનનાં કપડાંને સાચવવાની કેટલીક સિમ્પલ ટિપ્સ આ રહી...
ઉષ્ણતાપમાનનો પારો ઉપર જવા લાગે ત્યારે બાકીનાં બધાં જ કપડાંને વિદાય કરી વૉર્ડરોબમાં કૉટનનાં કપડાં જ હોવાં જોઈએ. કૉટનની વિશેષતા એ છે કે એ વજનમાં હલકાં-ફુલકાં હોય છે એટલું જ નહીં, કાપડનું વણાટ એવું હોય છે કે એમાં હવાની અવરજવરને પૂરતી મોકળાશ રહે છે અને એ શરીર પરનો પરસેવો ચૂસી લે છે. કપડાનો કલર અને ફેબ્રિકને જેમનું તેમ જાળવી રાખવા શિયાળામાં અને ચોમાસામાં આ ફેબ્રિકનો ઉપયોગ ન કરો.
કપડું સિલાઈમાંથી નીકળી જાય તો એને સ્ટિચ કરી શકાય છે પણ જો કશામાં ભરાઈ જવાથી કે કોઈક કારણથી વચ્ચેથી ફાટી ગયું તો તેનું સ્ટિચિંગ બહુ કેર માગી લે છે. તેથી કોઈ સારા દરજીની મદદથી તેના પર પેચ લગાવો અથવા તો એમ્બ્રોઈડરી કરાવો પણ દરેકમાં થોડી ધીરજપૂર્વક કાળજી રાખીને કામ કરવું પડશે.
કૉટનનાં કપડાંને લાંબો સમય જાળવી રાખવાં હોય તો મશીનમાં ધોવાને બદલે જાતે જ ધોવાનું રાખો. જો મશીનમાં જ ધોવાં છે તો એને અલગથી ધુઓ, વજનદાર કપડાં સાથે ન ધુઓ, વૉશિંગ મશીનને એ રીતે સેટ કરો. જે કપડાનો રંગ નીકળતો હોય એને અલગથી અને જરા કાળજી રાખીને ધુઓ.
કૉટનનાં કપડાંને મશીનમાં ડ્રાય કરવાને બદલે દોરી પર સૂકવવાનો જ આગ્રહ રાખો. ડ્રાયર યુઝ કરવું જ છે તો હળવું કરો, ડ્રાયરમાં નાખી તરત બહાર કાઢી લો. ઉપરાંત ડ્રાયરની હીટ એડજસ્ટ નહીં કરી હોય તો કપડું ચોળાઈને ચુથ્થો થઈ જશે. કોટનનો વણાટ આમ પણ એવો હોય છે કે એમાં કરચલી જલદી પડી જાય છે તેથી એની કાળજી તો રાખવી જ પડશે.
રોલર પ્રેસ અથવા તો સાદી ઈસ્ત્રીથી કૉટનની કરચલી દૂર થઈ શકે છે. કૉટનનાં કપડાંને એ બરાબર સુકાઈ જાય પછી ઠંડા, ભેજ વિનાના અને તડકો ડાયરેક્ટ ન પડતો હોય એવી જગ્યા પર મૂકવાં જરૂરી છે.
હાઈ-એન્ડ કૉટન ગાર્મેન્ટને મેઈન્ટેન કરવા સૌથી બેસ્ટ ઑપ્શન ડ્રાય ક્લીનર છે. તેઓ કૉટનનાં કપડાંને કડક કરવા માટે હંમેશા સ્ટાર્ચ યુઝ કરે છે એનાથી કપડાંને કાંઈ નુકસાન પણ નથી. તેથી જ જો કોઈને ઈમ્પ્રેસ કરવા માગતા હો તો સ્ટાર્ચ કરેલાં કૉટનનાં કપડાં પહેરવાનું રાખો.
કૉટનનાં કપડાં પર ડાઘ બહુ જલદી લાગી જાય છે તેથી આલ્કાલાઈનનું પ્રમાણ વધુ હોય એવાં પરફ્યુમ કે ડિઓડરન્ટ વગેરેથી એને હંમેશાં દૂર રાખો નહીં તો ધબ્બા પડી જશે. પરફ્યુમ વગેરે કાંઈ ભૂલથી લાગી ગયું હોય તો એને તરત પાણીથી ધોઈ નાખો, જરા ડિટરજન્ટ લગાવી ધોઈને સૂકવી દો.
- અમલા


