Get The App

શિયાળામાં ગરમ પાણીનું સ્નાન સંભાળીને કરજો

Updated: Dec 1st, 2025

GS TEAM

Google News
Google News
શિયાળામાં ગરમ પાણીનું સ્નાન સંભાળીને કરજો 1 - image

- વૉટર હીટરનાં ભયસ્થાન

કડકડતી ઠંડીના દિવસો શરૂ થઇ ગયા છે. સવારે ઠંડા પાણીએ સ્નાન કરવાની હિંમત તો એ જ માણસ કરે જેને વર્ષોથી આદત હોય અને મનોબળ મજબૂત હોય. બાકી  સ્ટવ, ગેસ કે ચૂલા પર ઉકાળેલું ગરમ પાણી કે વોટર હીટરની મદદથી ગરમ થયેલું પાણી લીધા વગર કોઇ સ્નાન કરે જ નહીં.

મોટા શહેરોમાં હવે ચૂલો સળગાવીને કે બંબો ચાલુ કરી પાણી ગરમ કરવાની પ્રથા સાવ મરી પરવારી છે. પરંતુ સ્ટવ કે ગેસ બાળીને ગરમ પાણીએ સ્નાન કરનારાની સંખ્યા ઓછી નથી. ઘણા લોકો બાથરૂમમાં વોટર હીટર મુકાવીને આ જરૂરિયાત પૂરી કરે છે. તો કેટલાંક લોકો પાણી ભરેલી બાલદીમાં હીટર મૂકીને પાણી ગરમ કરવાની રીત અપનાવે છે. વૉટર હીટર જેવા જ બીજા હીટિંગ એપ્લાયન્સ જેવા કે ઇલેક્ટ્રીક ઇસ્ત્રી, ટોસ્ટર, વિદ્યુત સ્ટવ વગેરે વાપરવામાં સરળ અને સમયની બચત કરાવનારા હોય છે. પણ આ સાધનો બગડે, તેમાં કશું ખોટકાઈ થાય ત્યારે એ મિત્ર મટીને દુશ્મન બને છે. વધુ પડતાં ગરમ થઇ જઇ ફાટે છે. અને ક્યારેક તો તેનો વપરાશ મોતને ઘાટ ઉતારે છે.

પાણીમાં ડુબાડીને વપરાતા વોટર હીટરમાં કોઇલ ટાઇપ અને રોડ ટાઇપ (સળિયા જેવું) એમ બે પ્રકારના હીટર મળે છે. તેમાં કોઇલ જેવું હીટર બરાબર વાપરતાં ન ફાવે તો વધુ જોખમી સાબિત થાય છે. આ હીટર પર દર્શાવ્યું હોય એટલું જ પાણીનું સ્તર રાખીને તેનો વપરાશ થવો જોઇએ. આવા હીટરનો વપરાશ કરતી વખતે પહેલાં જુઓ કે બાલદીમાં માફકસરનું પાણી ભર્યું છે. ત્યાર પછી તેમાં હીટર ગોઠવી અને તેની પીન બાલદી સાથે ભરાવીને પછી જ સ્વીચ ચાલુ કરો. ભૂલેચૂકે બાલદીમાં પાણી ભર્યા વગર હીટરની સ્વીચ ચાલુ કરવાથી વિદ્યુત ઝટકો તો લાગશે જ સાથે હીટરની ગરમી ૪૦૦ ડીગ્રી સેન્ટીગ્રેડ કરતાં વધવાથી કોઇલ ફાટવાનો પણ ભય રહે છે.

કોઇલ હીટરની કોઇલ વાપરવા માટે સલામત છે અને કોઇલ ફાટશે નહીં એ ચકાસવા હીટરનું હીટીંગ ઇલેમેન્ટ બરાબર છે કે નહીં તેની ખાતરી કરી લેવી જોઇએ. વિદ્યુતનું ગરમીમાં રૂપાંતર કરાવવાનું કામ હીટીંગ ઇલેમેન્ટ જ કરે છે. જસત અને ક્રોમિયમની ડબ્બીમાં પાણી ન પ્રવેશે એવા આવરણની અંદર આ ઇલેમેન્ટ ગોઠવ્યું હોય છે. ધાતુની ડબ્બી પર એવું રસાયણ ચોપડયું હોય છે જેથી તેને કાટ ન લાગે. વધુ સાવચેતી ખાતર હીટરના હેન્ડલ પણ પીવીસીના બનેલા હોય છે. વિશિષ્ટ પ્રકારનું આ પ્લાસ્ટિક ઇલેકટ્રીકલ ઇન્સ્યુલેટર હોય છે. હીટર ખરીદતી વખતે એ ખાસ ખ્યાલ રાખવો જોઇએ કે તેના બહારના આવરણ શોકપ્રૂફ જ હોય.

જોકે વોટરહીટર વસ્તુ જ એવી છે કે ગમે તેટલી તકેદારી લેવા છતાં એકાદ નાની ભૂલ પણ પ્રાણઘાતક અકસ્માત નોતરી શકે છે. વોટર હીટરને પાણીમાં ડુબાડીને પાણી ગરમ કરતી વખતે એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઇએ કે હીટર ચાલુ રાખીને ક્યારેક પાણીમાં હાથ નાંખવો નહીં.

કારણ કે પાણી ગરમ થવાની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે હીટરમાંનો વિદ્યુત પ્રવાહ કોઇલમાંથી વહેતો હોય છે. તેને કારણે હાથ અંદર નાંખવાથી કરંટ લાગે છે. બીજી એક વાત ધ્યાનમાં રાખવી જોઇએ કે હીટરના વાયર સાથે ત્રણ પીનવાળું પ્લગ જોડેલું હોવું જોઇએ. તેમ જ ઘરના વાયરિંગમાં અર્થીંગ બરાબર કર્યું હોવું જોઇએ. જરૂર જણાય તો કોઇ સારા ઇલેક્ટ્રીશિયનને બોલાવીને વોટર હીટર વાપરતાં પહેલાં ઘરનું વાયરિંગ ચેક કરાવવું જોઇએ.

ગ્રાહકો પોતે પણ થોડા થોડા સમયમાં અંતરે હીટરનું પ્લગ ખોલીને તેના વાયર બરાબર છે કે નહીં તે તપાસી લેવું જોઇએ. કારણ કે વખત જતાં સ્ક્રુ ઢીલો થઇ જવાથી એકાદ વાયર છૂટો પડી જાય કે અર્થીંગનો તાર નીકળી જાય તો તેનાથી પણ જોખમ ઊભું થાય. શહેરોમાં કેટલાંક ઇલેક્ટ્રીશિયનો ઠરાવેલા દરે નિયમિત સમયના અંતરે ઘરની બધી જ ઇલેક્ટ્રીકલ આઇટમ ચકાસી જાય છે. યોગ્ય લાગે તો આવા માણસની સેવા લઇ વારંવાર હીટર, ઇસ્ત્રી, ચેક કરાવતા રહેવું જોઇએ. ઘરના કોઇ વ્યક્તિ જાણકાર હોય તો માત્ર નિયોન ટેસ્ટર વડે આ ચકાસણી થઇ શકે.

સળિયા જેવું વોટર હીટર કોઇલવાળા હીટર કરતાં વધુ સારું ગણાય છે. અને તે વાપરવામાં સલામત છે. કારણ કે આ હીટર પાણીમાં ડૂબાડીએ પછી જ ઇલેક્ટ્રોડ્સમાં વિદ્યુત પ્રવાહ વહે છે. પરંતુ આવા હીટરમાં તો અર્થીંગની વ્યવસ્થા ન હોય તો એ ખૂબ જોખમી ગણાય. કારણ કે હીટરના સળિયા પાણીના સીધા સંપર્કમાં આવતાં વિદ્યુત ઝટકો લાગવાનો ડર રહે છે.

કોઇ પણ પ્રકારના હીટર ખરીદતાં પહેલાં તેની બ્રાન્ડ, તેના પર આઇ.એસ.આઇ.નો માર્કો તે વાપરવાની રીત દર્શાવતી પત્રિકા, ગેરંટી કાર્ડ વગેરે ચકાસી લો. માત્ર ભાવમાં તફાવત હોવાને કારણે સસ્તો પણ સડેલો માલ કદી ખરીદશો નહીં.હીટર, ઇસ્ત્રી, ટોસ્ટર વગેરે રોજ વપરાતી ચીજો ખરીદવામાં સહેજ કંજૂસાઇ કરવા જતાં કોઇની જિંદગી ચૂકવવી પડે છે.

કપડાંને ઇસ્ત્રી ટાઇટ રાખવા વપરાતી ઇલેક્ટ્રીક ઇસ્ત્રી તો ઘણાં ઘરમાં નાના છોકરા ય વાપરતાં હોય છે. આ એક એવું પોર્ટેબલ ઇલેક્ટ્રીકલ એપ્લાયન્સ છે. જે બરાબર ચાલે ત્યાં સુધી ઠીક પણ વાકું પડે તો ત્રાસદાયક સાબિત થાય છે. ઇસ્ત્રીમાં એક એવી સોલપ્લેટ હોય છે જે વિદ્યુત પ્રવાહથી ગરમ થાય છે. અને તેનાથી કપડાંને ઇસ્ત્રી કરી શકાય છે.

ઇસ્ત્રી વજનમાં બહુ હળવી ન હોય તેમ બહુ ભારે પણ ન હોવી જોઇએ. તેનું હેન્ડલ ઇસ્ત્રી બરાબર પકડતાં, અને ઊંચકતા ફાવે તે પ્રકારનું હોવું જોઇએ. હાથો ગોળ ઘુમતો હોય કે તેમાં તિરાડ પડી હોય તો ેએવી ઇસ્ત્રી વાપરવી સલામત નથી. ઇસ્ત્રીની રચના એવી હોવી જોઇએ કે તેને ઊભી રાખી હોય ત્યારે તે આડી પડી ન જાય. 

ઇસ્ત્રી હાથમાંની નીચે પડકાય ત્યારે તેમાંની હોટ પ્લેટ, અબરખષ કોઇલ વગેરે તૂટી જતાં વપરાશ માટે અયોગ્ય બને છે. તેથી એકાદ વાર ઇસ્ત્રી પડકાયા પછી તે યોગ્ય માણસ પાસે બરાબર ચેક કર્યા વગર વાપરવી નહીં. ઇસ્ત્રીનું હેન્ડલ બેકલાઇટ પાવરમાંથી બનાવેલું હોય તો એ અતિ ઉત્તમ ગણાય. દેખાવમાં પણ આવી ઇસ્ત્રી આકર્ષક લાગે છે.

કેટલીક ઇસ્ત્રી ઓટોમેટિક હોય છે અને તેમાં ક્યાં પ્રકારનાં કપડાંને ઇસ્ત્રી કરવાની છે તે મુજબ ઉષ્ણતામાન અંકુશમાં રાખવાનું નોબ હોય છે. આવી ઇસ્ત્રીમાં ઉષ્ણતામાનનું નિયમન કરવા થર્મલ કટઆઉટ વાપર્યા હોય છે. કોઇપણ સંજોગોમાં ઇસ્ત્રીનું ઉષ્ણતામાન ૨૬૦ ડીગ્રી સેલ્સીયસથી વધવું જોઇએ નહીં.

આવી જ રીતે ટોસ્ટર ખરીદી કરતી વખતે પણ ઉપરોક્ત મુદ્દા ખ્યાલમાં રાખવા જોઇએ. તેમાં બ્રેડના કટકા ભરાઇ જાય, તેમ જ બહાર નીકળી ન શકે તેવી રચનાવાળા ટોસ્ટર ખરીદવા નહીં. બની શકે તો ટોસ્ટર વાપર્યા પછી ઠંડું પડે ત્યારે તેને ઊંધું કરી હળવા હાથે ઠપકારીને અંદર જમા થયેલો બ્રેડનો ભુક્કો સાફ કરી નાંખવો જેથી ટોસ્ટરને નુકસાન થાય નહીં.

- નયના