કિડનીમાં કંઈક ગરબડ હોવાનો સંકેત આપતાં લક્ષણો
- સમયસરની સારવાર કિડનીની સામાન્ય બિમારીને જીવલેણ બનતી અટકાવી શકે
શરીરની રચના જ એવી છે કે તેના કોઈ પણ અંગ-અવયવમાં કંઈ પણ ખામી સર્જાય તો કોઈને કોઈ લક્ષણો તેનો સંકેત આપે છે.
કમનસીબી એ છે કે કેટલાક રોગ-બીમારીઓ હૃદય, આંતરડાં, કિડની, લિવર, મગજ જેવા અંગોને સાવ નબળા પાડીને બીજાત્રીજા તબક્કામાં પહોંચે તે પછી તેનાં લક્ષણો દેખો દે છે. ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે અને ઈલાજ શરુ કર્યા પછી પણ દર્દીને કેટલી રાહત મળશે,તે સાજો થશે કે નહીં એવી અનિશ્ચિતતા રહે છે.સમયસર લક્ષણો જણાય,રોગનું નિદાન થાય એનો લાભ એ છે કે વેળાસર ઉપચાર થઈ શકે અને દર્દી સાજો થાય.
આમ તો શરીરની વ્યવસ્થા અને કામગીરી મુજબ તમામ અંગ-અવયવ મહત્વનાં છે છતાં અમુક અંગ એવાં છે કે કદાચ ન હોય તો પણ શરીરની વ્યવસ્થા સાવ ઠપ થતી નથી.પરંતુ હૃદય, કિડની, લિવર, મગજ, ફેફસાં જેવાં અંગ એટલાં મહત્વનાં અને અનિવાર્ય છે કે તેનો કોઈ વિકલ્પ નથી અને તેમના વગર શરીરને એટલે કે આપણને બિલકુલ ચાલે તેમ નથી.અલબત્ત,મેડિકલ વિજ્ઞાાન વિકસવા સાથે અંગોનું પ્રત્યારોપણ શક્ય છે.પરંતુ આ બાબતે આલ્ડ ઈઝ ગોલ્ડ કહેવત ઘણું બધું કહી જાય છે. ટૂંકમાં,કુદરતે આપેલું શરીર અને મહત્વનાં અંગો સચવાય,સ્વસ્થ રહે એની કાળજી રાખવી આપણો સ્વધર્મ છે. અનિવાર્ય અંગોની બિમારીનાં સામાન્ય લક્ષણ પણ જણાય તો તેની અવગણના કરવાને બદલે તરત નિષ્ણાત ડાક્ટરની સલાહ લો.
શરીરનાં અનિવાર્ય અંગ પૈકી કિડનીના ક્રોનિક(ઘર કરી ગયેલા)રોગનાં લક્ષણો તરત કદાચ ધ્યાનમાં ન આવે કેમકે એ લક્ષણો અતિ સર્વસામાન્ય (કામન)છે.આ પૈકીનાં અમુક અન્ય બીમારીઓમાં પણ જોવા મળે છે.તેથી આ લક્ષણો કિડનીનાં કે અન્ય કયા રોગનાં એ વિશે ગેરસમજ થઈ શકે છે. આ સ્થિતિમાં ડાક્ટરનું માર્ગદર્શન જરુરી છે.
કિડની બહુ જ અગત્યનું અંગ છે. તે પીઠના નીચેના ભાગમાં કરોડરજ્જુની બન્ને બાજુએ આવેલી છે. તે લોહીને શુદ્ધ કરી પેશાબ બનાવે છે. શરીરમાં બનતા બિનજરુરી અને ઝેરી પદાર્થોને પેશાબ વાટે દૂર કરે છે.રક્તમાં પ્રવાહી,ક્ષાર,એસિડિક આલ્કલીનું યોગ્ય પ્રમાણ જાળવી શરીરને તંદુરસ્ત રાખે છે. લોહીમાંથી કચરો ગાળવાની કિડનીની ક્ષમતા ઘટતાં તે નિષ્ફળ(ફેલ્યર)જાય છે.ક્રોનિક રોગો,પર્યાવરણીય પ્રદૂષણ અને ડિહાઈડ્રેશન (શરીરમાંથી પાણી ઘટવું) જેવાં અનેક કારણ કિડનને નુકસાન કરી શકે છે. આ દ્રષ્ટિએ કિડની રોગનાં લક્ષણોની પ્રસ્તુત જાણકારી માર્ગદર્શક બની રહેશે.
૧) ચક્કર/અશક્તિ : કિડની ફેલ્યરથી થતા એનિમિયા(હીમોગ્લોબિનનો ઘટાડો)નો અર્થ એ કે મગજને પૂરતો આક્સિજન મળતો નથી.જેથી વ્યક્તિને ચક્કર આવવા,અશક્તિ લાગવી,મૂછત થવા જેવી તકલીફ થઈ શકે. આ સ્થિતિમાં તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
૨) ચહેરા પર થોથર : ચહેરો ફૂલેલો હોય, તેના પર સોજો હોય એ પણ કિડનીના રોગનું એક લક્ષણ છે. ફેઈલ કિડની શરીરમાંથી બિનજરુરી પ્રવાહીનો નિકાલ કરી શક્તી નથી.તેથી શરીરમાં પાણી જમા થાય છે અને ચહેરા પર સોજો આવે છે.
૩)ખંજવાળ આવવી : કિડની લોહીમાંના કચરાના દૂર કરે છે.પણ કિડની કામ ન કરે તો લોહીમાં કચરો જમા થતો રહે છે.પરિણામે તીવ્ર ખંજવાળ આવે છે. લાંબો સમય આ લક્ષણ રહે તો ડાક્ટરનું માર્ગદર્શન જરુરી છે.
૪)અતિશય થાક : સ્વસ્થ કિડની ઈપીઓ (અરિથ્રોપોઈટન)નામક હોર્મોનને પેદા કરે છે. આ હોર્મોન ઓક્સિજનના વાહક લાલ રક્તકણ પેદા કરવાની સૂચના શરીરને આપે છે કિડની બગડતાં ઈપીઓ ઓછા પ્રમાણમાં પેદા થશે.પરિણામે લાલ રક્ત કણનું ઉત્પાદન પણ ઘટશે.આ સ્થિતિમાં શરીરને અતિશય થાક લાગશે.
૫) હાંફ ચડવી : શ્વાસ લેવાની તકલીફને બે રીતે કિડની સાથે સંબંધ હોઈ શકે છે. પ્રથમ એ કે કિડની ફેઈલ થતાં શરીરની બહાર નહીં ફેંકાયેલું વધારાનું પ્રવાહી ફેફસાંમાં જમા થશે તેથી અને કિડની બગડતાં થતા એનિમિયામાં શરીરને જોઈતો ઓક્સિજન ન મળે તેથી પણ ર્શ્વાસની તકલીફ થઈ શકે.
૬) આંચકી : આંચકી આવવી એ પણ કિડની રોગનું એક લક્ષણ છે.મગજની ઈલેક્ટ્રિકલ પ્રવૃત્તિમાં થતા ફેરફાર એટલે આંચકી.આ ફેરફાર દરમિયાન માથું,શરીર ખૂબ આવેશમાં
ધૂણે છે અને વ્યક્તિ શરીર પરનો કાબૂ પણ ગુમાવી દે છે.કિડનીની કામગીરી મંદ પડતાં શરીરમાં ઝેરી તત્વોનુ પ્રમાણ વધે છે અને આ તકલીફ થઈ શકે છે.આ લક્ષણ જણાતાં જ તેની સારવાર જરુરી છે.
૭) હાથપગમાં સોજા: કિડની ફેઈલ થાય ત્યારે હાથપગમાં સોજા આવે છે.કિડની કામ ન કરે ત્યારે શરીરમાંના વધારાના પ્રવાહીનોનિકાલ થતો નથી અને શરીરમાં તેનો ભરાવો થતો રહે છે.જેથી હાથપગ અને ઘૂંટી સૂજી જાય છે.
૮) ઉબકા : કિડની રોગનું ઓર એક લક્ષણ છે ઉબકા(નોઝિયા).કિડની નિષ્ક્રિય થતાં શરીરમાંથી ઝેરી તત્વોનો નિકાલ થતો નથી અને તેનું પ્રમાણ વધતું રહે છે.આવાં તત્વો કિડનીને નુકસાન કરે છે અને છેવટે કિડની રોગ થાય છે.
૯) લઘુશંકાની છૂટ : વારંવાર પેશાબ થાય એ પણ કિડની રોગનું લક્ષણ હોઈ શકે.આ સિવાય પેશાબ કરવામાં પણ મુશ્કેલી લાગી શકે છે. જે કચરો ગાળવામાં કિડનીને પડતી મુશ્કેલીનો સંકેત આપે છે.
૧૦) ફીણયુક્ત પેશાબ : ફીણવાળો પેશાબ કિડની ફેલ્યરનું ચિહ્ન છે.કિડની ફેઈલ થાય ત્યારે પેશાબનો રંગ બદલાઈ જાય છે અને તે ફીણયુક્ત હોય છે.આ સ્થિતિમાં પેશાબમાં પ્રોટિનનું પ્રમાણ વધી શકે છે.
આ લક્ષણો કિડનીમાં કોઈ ગરબડ હોવાના સંકેત રુપ છે પણ આમાંનાં કેટલાંક અન્ય બીમારીમાં પણ જોવા મળે છે.એ દ્રષ્ટિએ ડાક્ટર આ લક્ષણોનો અભ્યાસ કરી રોગનું નિદાન કરે એ આવશ્યક છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના રિપોર્ટ મુજબ કિડનીની વિવિધ બીમારીઓ ભારતમાં ગંભીર રોગોથી થતાં મોત માટેનાં ટોચનાં દસ કારણોમાં નવમા ક્રમે છે.કિડની ફેઈલ થવાનાં મુખ્ય કારણોમાં ડાયાબીટીસ, બ્લડ પ્રેશર છે.અન્ય કારણોમાં વારસાગત રોગો પણ છે.
કિડની બગડવી એ એક ધીમી પ્રક્રિયા છે. એટલે દર્દીને કિડનીમાં દુથખાવાની જાણ થાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે અને કિડનીને લગભગ ૭૦ ટકા નુકસાન થઈ ગયું હોય છે.અલબત્ત,કિડનીન બધી બિમારીઓ અને ફેલ્યરનો અર્થ એ નથી કે કોઈ ઈલાજ નથી.મહત્વનું વહેલી તપાસ, દવા, જીવન શૈલીમાં ફેરફાર ક્રોનિક કિડની રોગને ઝડપથી આગળ વધતાં અટકાવી શકે છે. કિડની રોગની સારવાર ન કરાય તો કિડની સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ શકે. પછી રહે છે ડાયાલિસિસ કે કિડની પ્રત્યારોપણ જેવા સારવાર વિકલ્પ. પણ, જાગ્યા ત્યારથી સવાર એમ માનીને કિડનીની ગરબડના ે અણસાર આપતું એકાદ લક્ષણ પણ જણાતાં તબીબી માર્ગદર્શન લેવું જેથી કિડનીની સામાન્ય બિમારી પણ જીવલેણ ન બને.
- મહેશ ભટ્ટ