'લૂ'નાં લક્ષણો અને બચાવાના સચોટ દેશી ઉપાયો
- કોઈ વ્યક્તિ બહાર ન નીકળે અને ઘરમાં છાંયડામાં બેઠો હોય છતાં બહારથી આવતો ગરમ પવન એને સ્પર્શી જાય તો પણ લૂ લાગે છે. સમગ્ર દિવસ દરમ્યાન ગરમ થયેલો પવન ક્યારેક તો રાત્રે ૧૧ વાગતા સુધી પણ ગરમ જ હોય છે. એટલે ત્યાં સુધી લૂ લાગવાનો સમય ગણાય.
સાંપ્રત ગ્રીષ્મઋતુ પ્રવૃત્ત છે. આ ઋતુના સર્વસાધારણ પ્રભાવ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણમાંથી વરસતી ઉષ્ણતા દૈનંદિન વધતી જાય છે. સૂર્યકિરણો અગ્નિજ્વાળાની માફક ભભૂકતી હોવાનો અનુભવ મનુષ્ય, પ્રાણી, વૃક્ષ, વનસ્પતિ, સમગ્ર જીવસૃષ્ટિને થઇ રહ્યો છે. આ વર્ષની ઉષ્ણતા પ્રતિવર્ષની ઉષ્ણતા કરતાં કોઈ ખાસ વિશેષ પ્રકારની હોય એવું લાગે છે. કેમ ? તેના કારણોનું વિશ્લેષણ કરવાનો હેતુ નથી. એ કરવા જતાં એક વિશેષ લેખનો હેતુ બને. અત્રે તો લૂ ના કારણો અને તેના ઉપાયો લખવાનો હેતુ માત્ર છે. આ ભીષણ ઉષ્ણતાના સમયમાં લૂ લાગવાથી માણસોને ઘણું કષ્ટ થાય છે અને ક્યારેક દારૂણ લૂ લાગે તો મૃત્યુ પણ સંભવે છે. ગરમીમાં લૂ લાગવાને કારણે ઘણી મોટી સંખ્યામાં લોકો ત્રસ્ત થયાનું સંભળાય છે. લૂ શાનાથી લાગે ?
લૂ ક્યારે લાગે ? બપોરે ૧૧ વાગ્યા પછી તાપ પ્રખર થતો હોય છે. તેનાથી વાતાવરણ એકદમ ગરમ થાય છે અને પવન પણ ગરમ (વરાળની માફક) વહેતો હોય છે. આ પવન જ્યારે કોઈપણ અબાલ-વૃધ્ધ વ્યક્તિને સ્પર્શે અને શ્વાસોચ્છવાસથી શરીરની અંદર પ્રવેશ કરે એ ઉષ્ણવાયુથી શરીરની સાતેય ધાતુ ગરમ થઇ જાય. જેમ કે, ઘરમાં મૂકેલા તાંબા-પિત્તળ આદિના વાસણ છાંયડામાં હોવા છતાં ગરમ થઇ જાય, તદવત્ શરીરની ધાતુઓ ગરમ થાય છે. કોઈ વ્યક્તિ બહાર ન નીકળે અને ઘરમાં છાંયડામાં બેઠો હોય છતાં બહારથી આવતો ગરમ પવન એને સ્પર્શી જાય તો પણ લૂ લાગે છે. સમગ્ર દિવસ દરમ્યાન ગરમ થયેલો પવન ક્યારેક તો રાત્રે ૧૧ વાગતા સુધી પણ ગરમ જ હોય છે. એટલે ત્યાં સુધી લૂ લાગવાનો સમય ગણાય. એકદમ ઠંડકમાંથી ઉષ્ણતામાં બહાર નીકળવું. જેમકે, એરકંડીશન-આધુનિક શીતયંત્રમાં બેસવા પછી બહાર નીકળતાની સાથે તરત જ લૂ લાગે છે. એટલે કે ઠંડક આપનારા આધુનિક યંત્રો કોઈપણ રીતે, ક્યાંય પણ વાપરવા હિતાવહ નથી. બહારથી તાપમાંથી સંતપ્ત થઇને ઘરમાં આવી તરત ઠંડા પાણીના ફુવારાથી સ્નાન કરવું, કૃત્રિમ રીતે ઠંડુ કરેલું અથવા બરફનું પાણી પીવું એ પણ હાનિકારક છે. બહારથી આવ્યા પછી તૃષા ઘણી લાગી હોય તો થોડો ગોળ ૧૦-૨૦ ગ્રામ જેટલો અથવા વધુ ખાઇ અને પછી ધીમે ધીમે, ઘૂંટડે ઘૂંટડે, બેસીને પાણી પીવું. એથી તાપ-તૃષાની તરત શાંતિ થાય છે, લૂ લાગવાનો ભય રહેતો નથી.
લૂ લાગવાના ઉપરોક્ત કારણો પૈકી કોઈપણ કારણ જાણતાં અજાણતાં - ન છૂટકે થયા હોય અને સખત લૂ લાગી હોય તેનાં લક્ષણ:
આંખો બળવી, શરીરમાંથી જાણે વરાળ બહાર નીકળતી હોય એવો અનુભવ થવો, હાથ-પગના તળિયા, માથું બળું બળું થતું હોય, માથું ભારે થયું હોય, શરીરનું ઉષ્ણતામાન (તાવ નહિ) પણ ઉષ્ણતામાપક યંત્ર (થર્મોમીટર)થી ૩-૪ ડીગ્રી પણ આવતું હોય છે છતાં પણ એને તાવ કહેવાતો નથી. કારણ તાવના બીજા કોઈ લક્ષણો એમાં હોતાં નથી. ઉપર જણાવ્યા પ્રમાણે શરીરની ધાતુઓ ગરમ થવાના કારણે ઉષ્ણતામાન વધતું હોય છે. ક્યારેક ઊલટીઓ થવી, ક્યારેક પાતળા ઝાડા થઇ જવા, ક્યારેક ઠંડીનું લખલખું આવી જવું, ક્યારેક મૂર્છા થવી વગેરે લક્ષણો પૈકી કેટલાંક અથવા બધા લૂની તીવ્રતા પ્રમાણે થતાં હોય છે. આ વખતે પરિવારજનો હતબુધ્ધ થઇ જતાં હોય છે શું કરવું ? તેની મૂંઝવણમાં હોય છે. ચિકિત્સકો પણ ક્યારેક ગફલત ખાઇ જતા હોય છે અને મિથ્યા ચિકિત્સા કરતાં હોય છે. યોગ્ય ચિકિત્સા ન થવાથી ક્યારેક ગંભીર પરિણામ પણ આવે.
લૂથી બચવા માટેના સરળ, સચોટ અને અનુભૂત ઉપાયો અત્રે સૂચવીએ છીએ :
૧. લૂ લાગેલ વ્યક્તિને શીતળ વૃક્ષની છાયામાં અથવા ઘરની અંદર ઠંડકવાળી જગ્યામાં રાખવી. લાકડાનાં મકાનોમાં આવી શીતળતા સહજ રીતે મળી જાય છે. બારી-બારણાં પર ખસના પડદા પાણીથી પલાળીને લટકાવવા. ખસના કે તાડના પંખા-વીંઝણાથી હળવે હાથે પવન નાંખતાં રહેવું. (ભીનુ કપડું ક્યારેય પણ લપેટવું નહિ.)
૨. સુખડનું લાકડું અને કપૂરકાચલીને પાણીમાં પથ્થર પર ઘસીને તે ઘસારાનો લેપ મસ્તક પર, કપાળ પર કરવો, શરીરે પણ લગાડવું. ખસનું ચોખ્ખું અત્તર, સુખડનું ચોખ્ખું અત્તર પણ પરિણામકારક નીવડે છે તેનો લેપમાં, પાણીના પોતાં મૂકવામાં ઉપયોગ કરવો.
૩. કપૂરકાચલી પાણીમાં ઘસી તે ઘસારો માટલીના પીવાના પાણીમાં મેળવી દેવો. એક કપૂરકાચલીનો ઘસારો ૨-૩ લીટર પાણીમાં ચાલે. ખસ-સુગંધીવાળાના મૂળિયા ગાંધીને ત્યાં મળે. તેની ઝૂડી કરી કપડામાં પોટલી કરી તે પોટલી માટલાના પાણીમાં મૂકી રાખવી. તે પાણી થોડું થોડું કરીને દર્દીને આપવું. ઘણો શોષ પડતો હોય તેમ છતાં થોડું-થોડું જ પાણી આપવું. એક સાથે આપવું નહિ.
૪. દેશી કાચી કેરીને ઉકળતા પાણીમાં બાફી, સંપૂર્ણ બફાઈ જાય, એકદમ નરમ થઇ જાય ત્યારે એને કાઢીને સાદા ઠંડા પાણીમાં નાંખી દેવી. સપૂર્ણ ઠંડી થવા દેવી. આ પ્રમાણે કાચી કેરી નંગ- ૩થી ૪ ને ઉકાળીને તૈયાર રાખવી. તેમાંથી એકાદ કેરીનો અંદરનો ગર-માવો લઇ તેને પાણીમાં એકરસ થઇ જાય તેમ ધીમે ધીમે હાથથી ચોળવું. પાણી માટલાનું ઠંડુ લેવું. સંપૂર્ણ ગર ઓગળી જાય એટલે તે પાણીને ખાદીના કપડાંથી ગાળવું અને જે કંઈ થોડો માવો રહ્યો હોય તેનબરાબર મસળીને ઓગાળી લેવું. પછી તેમાં પ્રમાણસર ગોળ (કેમીકલ વગરનો વધુ હિતકારક છે.) મેળવવો જેથી કેરીની ખટાશ ઓછી થાય. આમાં જરૂર મુજબ પાણી મેળવીને શરબત જેવું પાતળું કરવું. તેમાં સહેજ વાટેલું જીરું અને કેમીકલ વગરનું મીઠું મેળવી સ્વાદિષ્ટ પીણું બનાવવું. સામાન્ય રીતે આને કેરીનો બાફલો કહેવામાં આવે છે. આ શરબત અથવા બાફલો અડધો અડધો કપ દર દોઢથી બે કલાકે આપતાં રહેવું.
૫. ડુંગળીનો કાંદો (સફેદ અથવા લાલ કોઈ પણ ચાલે) છીણીને તેને હાથ પગના તળિયે ઘસવો. માથામાં તાળવાના ભાગે પણ ડુંગળીને છીણીને કે કાપીને મૂકવી. આમ કરવાથી શરીરની ઉષ્ણતા ખૂબ જ ઝડપથી ઓછી થાય છે. ઘરમાંથી બહાર નીકળતી વખતે કાપેલી ડુંગળી ખીસામાં રાખવાથી લૂ લાગવાની સંભાવના ઘટી જાય છે.
૬. વિશેષ ઉપાય તરીકે : સવારના ૯.૧૦ વાગ્યાથી સૂર્યના તાપમાં તાંબા પિત્તળની ડોલ કે તપેલી કે દેગડામાં પાણી મૂકવું. આવા બે-ત્રણ વાસણ મૂકવા. એ પાણી બપોરે ૩ વાગ્યે એકદમ ગરમ થઇ ગયું હોય ત્યારે તેને ઊંચકીને છાંયડામાં મૂકી દેવું, જેથી સ્વાંગશીત થાય, તેમાં કોઈ ઠંડુ પાણી ન ઊમેરવું. તે પાણી સ્હેજ હુંફાળું ગરમ રહે ત્યારે જરૂર મુજબ એક કે બે બાફેલી કેરીનો માવો અને કાળી માટી સરખા ભાગે લઇ બરાબર મેળવી તેમાં થોડું પાણી મેળવી રગડા જેવું થાય એટલે દર્દીના આખા શરીર ઉપર તે લગાડી દેવું અને ૧૫-૨૦ મિનિટ કે અડધો કલાક થયા પછી, તડકામાં મૂકી ઠંડા થયેલા પાણીથી બરાબર ધોઈ સ્નાન કરાવવું. પછી આખું શરીર લૂછીને તરત મલમલ કે ખાદીના ઢીલા વસ્ત્ર પહેરાવવા. ચુસ્તવસ્ત્ર પહેરાવવા નહિ. ત્યાર પછી ખસના પડદા બાંધેલ ઠંડા ઓરડામાં દર્દીને સૂવડાવવો. તેની પથારીમાં આજુબાજુ ગુલાબ-મોગરાના ફૂલ સ્હેજ ભીના કરીને મૂકવા જેથી તેની મીઠી સુગંધ મળે. આ પ્રમાણેનો વિધિ એક યા બે દિવસ કરવાથી સંપૂર્ણ શાંતિ અવશ્ય થાય છે.
૭. ગામડામાં જ્યાં ખસના પડદા વગેરેની અનુકુળતા નથી હોતી ત્યાં જવાસાના ઝાડવાં લાવી તેને વાંસની પટ્ટીઓથી બાંધીને બારી આગળ રહે તે પ્રમાણે ઝાંપલા બનાવી, પાણીમાં પલાળીને ત્યાં મૂકવા. તેનાથી ખૂબ ઠંડો પવન આવે છે. ઉનાળામાં ગામડામાં આ પ્રમાણે મૂક્તાં હોય છે. આ જવાસાના ઝાડ બે થી અઢી ફૂટ જેટલાં ઊંચા થતાં હોય છે. તેને મહેંદી જેવા પાન હોય છે અને સામાન્ય કાંટા હોય છે. બહુ કડક કાંટા હોતાં નથી. ઉનાળામાં સૂકાં ભઠ્ઠ ખેતરમાં આ જવાસાના ઝાડવાં જ લીલાંછમ રહેતાં હોય છે. તે સર્વત્ર થાય છે, બધે જ મળે છે.
૮. આહારમાં : નરમ ભાત (મોળા), મગની દાળ કે તુવેરની દાળ (પાતળી બનાવીને, મીઠાવાળી વઘાર વગરની) લઇ શકાય. કાચી ડુંગળી અને કાચી કેરી છીણીને તેમાં મીઠું અને ગોળ (કેમીકલ વગરના) મેળવીને લઇ શકાય. ઉપરાંત, કેરીનું શરબત, લીંબુનું શરબત, કોકમનું શરબત પણ લઇ શકાય. ફળમાં - દાડમ, ફાલસા, તરબૂચ, ટેટી, લીલી દ્રાક્ષ, સૂકી દ્રાક્ષ અને શેરડીનો રસ (બરફ વિના) લેવાય. કોઈ પણ ફળ ઉપર પાણી પીવું નહિ.
ઉપર કહેલા શરબત, લેપ વગેરેના પ્રયોગો દર્દીની ઉંમર-બાળક કે યુવાન એ પ્રમાણે જોઇને પછી કરવા આયુર્વેદના આ અનુભૂત પ્રયોગો અબાલ-વૃધ્ધ, સ્ત્રી-પુરૂષ બધાને હિતકારી છે.
-હિમાની