અલંકારો પ્રત્યે નારીની ઘેલછા આજકાલની નથી. સદીઓ પૂર્વે પાષાણ યુગની નારી પણ પોતાની જાતને ભાતભાતના અલંકારોથી સજાવતી હતી. ફરક માત્ર એટલો જ હતો કે આજની સ્ત્રીઓ પોતાની જાતને સોના, ચાંદી, કિંમતી રત્નો તેમજ મોતીના દાગીનાઓથી સજાવે છે. જ્યારે પથ્થર યુગની માનુની લાકડા, મણકા, હાથીદાંત કે હાડકા જેવી વસ્તુઓમાંથી ઘડેલા વિવિધ અલંકારોથી પોતાની જાતને અલંકૃત કરતી હતી.
અલંકારો બનાવવા માટેની વસ્તુઓમાં આવેલા ફેરફારની સાથે સાથે જ ઘરેણાની ડિઝાઈનમાં પણ બદલાવ જોવા મળે છે.
અમુક રત્નો તેમજ ધાતુઓમાં છૂપાયેલા ગુણધર્મો વિષેની માન્યતાને કારણે માનુનીના જ્વેલ બોક્સમાં આ રત્નો તેમજ ધાતુઓમાથી બનાવેલા દાગીનાઓએ મહત્ત્વનું સ્થાન મેળવી લીધું છે. પરિણિત મહિલાઓ માટે અમુક ઘરેણા પહેરવાનું પારંપારિક બની ગયું છે. ધીરે ધીરે સ્થાનિક માન્યતા સાથે ભળી ગયેલી અંધશ્રધ્ધા અલંકારોના પરિધાનમાં મહત્ત્વની બની ગઈ.
સૌભાગ્યની નિશાની સમા અલંકારો પ્રત્યેની માન્યતા નારીના મનમાં વર્ષોથી દ્રઢ થઈ ગઈ છે. સદીઓ બાદ પણ આ માન્યતાઓ પર કોઈ અસર પડવા પામી નથી. પારંપારિક ચિહ્નોનું મહત્ત્વનું માનુનીએ હોઠબંધ રાખીને સ્વીકારી લીધું છે. સિંદુર, ચાંદલો, મંગળસૂત્ર, કાચની બંગડીઓ, ટીકો, ઝાંઝર જેવી નિશાનીઓ સ્ત્રીના વિવાહિત મોભાની ચાડી ખાય છે. ઘરેણાંથી લદાઈ ગયેલી સ્ત્રી ભારતમાં ઠેર ઠેર જોવા મળે છે. પહેરવેશ અને અલંકારો પર તે પ્રદેશની સ્થાનિક સંસ્કૃતિની છાંટ નિહાળવા મળે છે.
માનુષીઓના સૌભાગ્યના અલંકારો વિશેની જાણકારી રસ ઉત્પન્ન કરે તેવી છે. દક્ષિણ ભારતમાં નવવધુના ગળામાં 'તાલી' એટલે કે કોઈપણ પ્રકારનું પેન્ડન્ટ પહેરાવવામાં આવે છે. શરૂઆતમાં આ પેન્ડન્ટ પીળા દોરામાં પરોવીને પહેરાવવામાં આવતું હતું. પરંતુવખત જતાં પીળા દોરાનું સ્થાન સોનાની ચેઈને લઈ લીધું. તામિલનાડુની બ્રાહ્મણ સ્ત્રીઓ શંકુઆકારના બે પેન્ડન્ટ પહેરે છે. પરંતુ બ્રાહ્મણ સિવાયની અન્ય જાતિની નારીઓ આ પ્રકારનું એક જ પેન્ડન્ટ પહેરે છે. આ ઉપરાંત વાળમાં થાલાઈ સમાન, વાળના પાછળના ભાગમાં રાક્કોેડી અને ચોટલામાં ફૂલોન ડિઝાઈનથી બનાવેલું થૈરુક્વપ્પો પહેરવામાં આવે છે. માથા ઉપર સૂરજ અને ચંદ્રની આકૃતિવાળું ઘરેણું પહેરવામાં આવે છે. સ્વર્ગમાં વસતા દેવી-દેવતાઓ અને પૂર્વજોના આશીર્વાદ માટે આ દાગીના પહેરવામાં આવે છે. આ ઉપરાંત બ્રાહ્મણ કોમની તામિલ સ્ત્રીઓ ઓડ્ડિયાનમ એટલે કે સોનાનો કમર પટ્ટો પહેરે છે. આ કમર પટ્ટાની મધ્યમાં રત્ને મઢ્યું પેન્ડન્ટ હોય છે. અથવા તો દેવીઓની આકૃતિઓ હોય છે. તામિલનાડુની દરેક સૌભાગ્યવતી નારી નાકની બંને બાજુએ નથ પહેરે છે.
કેરળની વિવાહિત નારીઓ સોનાની ચેનમાં ફૂલ અને પાંદડા અથવા તો સાપની ફેણની આકૃતિ ધરાવતું લોકેટ પહેરે છે. સાપના માથાના આકારના રત્નો અને માણેક જડેલો નેકલેસ નાગપડાથાલી નામે ઓળખાય છે. નામ્બરિયા અને મલયાલી હરિજન સ્ત્રીઓ મંત્રવાળું માદળીયું પહેરે છે.
કુર્ગની સૌભાગ્યવતી સ્ત્રીઓ સોનાના તારમાં બાંધેલી નાના કાળા મણકાની ચેઈન પહેરે છે. આ પ્રકારનો નેકલેસ મોહેંજદરોમાં ખોદકામ કરતી વખતે મળી આવ્યો હતો. મૈસુર અને આંધ્રની સ્ત્રીો કાળા અને સોનાના મણકાઓમાંથી તૈયાર કરવામાં આવેલું મંગળસૂત્ર પહેરે છે. દુષ્ટાત્માઓની અસરથી કાળા મણી બચાવ કરે છે એવી માન્યતા સદીઓથી ચાલી આવી છે. મેંગલોરની સ્ત્રીઓ નાગમુર્ગી નામે ઓળખાતો બાજુબંધ પહેરે છે. આ પ્રદેશમા કાશીથાલી તરીકે ઓળખાતા પરવાળા અને સોનાનો નેકલેસ પહેરવાની પ્રથા છે જ્યારે કર્ણાટકની સૌભાગ્યવતી નારીઓ ગોળ લોકેટ પહેરે છે. જે પાઠાકકુ નામે ઓળખાય છે.
મહારાષ્ટ્રની સ્ત્રીઓ સોનાના તારમાં પરોવેલું કાળા મણીનું મંગળસૂત્ર પહેરે છે. જેની મધ્યમાં નાની ગોળ વાટકીઓ હોય છે. લગ્નના પ્રથમ વર્ષ દરમિયાન આ વાટકીઓ ઊંધી રાખવામાં આવે છે.
મહારાષ્ટ્રની નારી આ મંગળ ઘરેણાએ ઉત્તર ભારતમાં ઘણી લોકપ્રિયતા મેળવી છે. ઉત્તર પ્રદેશની પરિણીત મહિલાઓ મોતી અથવા તો હીરા જેવા કિંમતી રત્નોમાંથી બનાવેલી મોટી નથ પહેરે છે.
ગુજરાતની નારીઓની ગરદન મોહનમાળા, મુગમાળા અને ચંદન હાર જેવા નેકલેસથી શોભે છે. જ્યારે રવીફૂલ નામે ઓળખાતી મોતીની બંગડીઓ ગુજરાતી નારીને પ્રિય છે. પરંતુ હાથી દાંતની , કાચની અને સોનાની બંગડીઓ, સેંથામાં સિંદૂર અને પગની આંગળીઓમાં શોભતા ચાંદના બિછવાતા તેમજ રણકતા નૂપુર પરિણિત સ્ત્રીઓના સૌભાગ્યના અલંકારો છે.
આભૂષણોની બાબતમાં મારવાડી માનુનીઓ ખૂબ જ રૂઢિચુસ્ત હોય છે. દામડી, નાકમાં ચૂક, કાચની ચૂડીઓ બિછવા, રણકતા ઘૂઘરાવાળો કમર પટ્ટો, સેંથામાં સિંદૂર, જેવી સૌભાગ્યની નિશાનીઓ મારવાડી સ્ત્રીઓમાં અચૂક જોવા મળે છે. આ ઉપરાંત રોજપતિને પરમેશ્વર માની પૂજા કરવાની પ્રથા પણ મારવાડમાં પ્રચલિત છે. રાજસ્થાનની મહિલાઓને આભુષણો પ્રત્યે કૂણી લાગણી હોય છે. પરંતુ નથ તેમનું સૌથી પ્રિય ઘરેણું છે. મુસ્લિમ નારીઓ માથા પર ડાબ બાજુએ અર્ધચંદ્ર તેમજ તારાના આકારવાળો ટીકો પહેરે છે. આ ઉપરાંત પરિણીત સ્ત્રીઓમાં નથ અને ચુડી પહેરવાની પ્રથા છે. મુસલમાન મહિલાઓ ચાંદલો કરતી નથી પરંતુ બિહારની મુસ્લિમ મહિલાઓ સેંથી નજીક કપાળ પર લાલ ટપકું કરે છે. આ ઉપરાંત સોનાની અને કાચની બંગડીઓ પણ પહેરે છે. દક્ષિણ ભારતની પરિણીત ખ્રિસ્તી મહિલા સોનાની બંગડી તો પહેરે જ છે. પરંતુ હિન્દુ સ્ત્રીઓ માફક તાલી પણ પહેરે છે.
ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓરિસ્સાની સૌભાગ્યવતીઓ સેંથામાં િંસંદૂર તેમજ કપાળે ચાંદલો કરે છે. આ ઉપરાંત હાથમાં કાચની બંગડીઓ અને પગની આંગળીઓમાં વિછવા પહેરે છે.
બંગાળી સ્ત્રીઓ ડાબા હાથમાં ધાતુની સાત બંગડીઓ અને બાલા તરીકે ઓળખાતી ડિઝાઈનની સોનાની બંગડીઓ પહેરે છે. આ ઉપરાંત તેઓ સેંથામાં સિંદૂર પૂરે છે. સાડી પાલવના છેડા પર ચાવીનો ઝુમખો ભરાવીને તેને ડાબા ખભા પરથી પીઠ પર લહેરાવવાની પ્રથા વર્ષો જૂની અને અનોખી છે. આ ઉપરાંત તેઓ સૂરજ અને ચાંદાની આકૃતિવાળા પાયલ પણ પહેરે છે. જ્યારે ઓરિસ્સાની માનુની ટીકલી અને ઝૂમખાં પહેરે છે. પંજાબી નવવધુઓ હાથમાં લાલ અને સફેદ હાથીદાંતની બંગડીઓ અને કલિરા (સફેદ ધાતુનું નાનું ઘરેણું) પહેરે છે. આ ઉપરાંત માથા પર ચૌંક નામે ઓળખાતો ટીકો પહેરવાની પ્રથા પણ પંજાબમાં છે. પંજાબની આ પ્રથા જમ્મુ સુધી પહોંચી ગઈ છે. કેસરી, લાલ અને સફેદ રંગના ધાગામાં પરોવેલા સોનાના લોકેટવાળો દાગીનો કાશ્મીરી પિતા તેની પુત્રીને લગ્ન પ્રસંગે અચૂક આપે છે. આ આભૂષણ દેઝારું નામે ઓળખાય છે. જ્યારે કાશ્મીરની મુસ્લિમ નારી મોટા ઝૂમકા પહેરે છે. આ ઉપરાંત નવવધુ તાવીઝ પણ પહેરે છે. લડાખની નવવધુઓ બ્રૉચ પહેરે છે. કુલુ સ્ત્રીઓ પહેરે છે એવો કોઈ બીજા કોઈપણ પ્રાંતમં મળવો મુશ્કેલ છે. પરિણીત સ્ત્રીઓમાં બુલક નામે ઓળખતી નથ પહેરવાની પ્રથા છે. રૂપીશ હાર (સિક્કામાં બનાવેલો હાર), ખાસ પ્રકારની ડિઝાઈનવાળી બુટ્ટીઓ હિમાલયના ઉત્તરીય પ્રદેશની સ્ત્રીઓની માનીતી છે, જ્યારે હિમાલયની પૂર્વના પ્રદેશોમાં થીમરા માલા અને રૂપીશ હાર પહેરેલી સ્ત્રીઓ જોવા મળે છે. અહીંની પરિણીત સ્ત્રીઓ નથ અને ચૂક પહેરે છે. નારી ગમે તે પ્રાંતની કે શહેરની હશે પરંતુ સૌભાગ્યની નિશાનીઓ દરેક માનુષી માટે પવિત્ર છે એ એક હકીકત છે.
- કેતકી


