Get The App

ધૂળની એલર્જી સામે સિપાહી બની જતા સુપરફૂડ્સ

Updated: Oct 6th, 2025

GS TEAM

Google News
Google News
ધૂળની એલર્જી સામે સિપાહી બની જતા સુપરફૂડ્સ 1 - image

આજે એલર્જી એક કોમન પ્રોબ્લેમ બની ગયો છે. લોકો જાતજાતની એલર્જીથી પીડાય છે. આ એલર્જી ખરેખર શું છે? કોઈ ચોક્કસ વસ્તુ કે પદાર્થના સંપર્કમાં આવ્યા પછી શરીરની ઇમ્યુન સિસ્ટમ (રોગપ્રતિકારક યંત્રણા) એનાથી કોઈ બિમારી થવાની હોય એ રીતે પ્રતિકૂળ પ્રતિસાદ આપે એને એલર્જી કહેવાય છે. નવાઈની વાત છે કે એ જ વસ્તુ કે પદાર્થ બીજા લોકો માટે મુશ્કેલી ઊભી નથી કરતો. સામાન્યપણે ધૂળ, પુષ્પપરાગ, જંતુઓ અને એમના ડંખ, પક્ષીઓના પીછા, જાનવરોની રુંવાટી, અમુક ખાદ્ય પદાર્થો, બેકટિરિયા અને દવાઓ વગેરેથી એલર્જી થાય છે. આમાંથી ડસ્ટ એટલે કે ધૂળની એલર્જી સૌથી કોમન છે. ડસ્ટ એલર્જીથી અસ્થમા (દમ)ના હુમલા આવે છે. આપણી આજુબાજુ ફેલાયેલુ વાયુ પ્રદુષણ ડસ્ટ એલર્જીનું મુખ્ય કારણ છે.

સૌથી પહેલા ડસ્ટ એલર્જીના લક્ષણો વિશે જાણીએ. આ પ્રકારની એલર્જીમાં વ્યક્તિને એકધારી છીંકો આવે છે, નાડ ગળે છે, ઉધરસ આવે છે, આંખમાં બળતરા થાય છે, ખજવાળ આવે છે અને શ્વાસ રુંધાય છે. જો કે આ કોઈ એવી સમસ્યા નથી જેને નિવારી ન શકાય. અહીં આપેલા ૧૦ સુપરફૂડ્સને તમારા ડાયટ (રોજિંદા આહાર)માં સામેલ કરી તમે ડસ્ટ એલર્જી અને અસ્થમાંથી આરામથી બચી શકો છો. એ સુપરફૂડ્સ વિશે વિગતે જાણવા જેવું છે:

૧. લસણ :

 ગાર્લિક એટલે કે લસણ એક ઉત્તમ એન્ટી-એલર્જી સુપરફૂડ છે. ગાર્લિક શરીરમાં સોજા અને દાહ લાવતા અમુક એન્ઝાઈન્સ (સંયોજકો)ને એક્ટિવ થતા રોકે છે. લસણ શરીરમાં એલર્જિક રિએક્શન્સ આવવાની શક્યતા પણ ઘટાડી દે છે.

૨. પાલકની ભાજી :

 દમના દર્દીઓ માટે પાલકની ભાજી કુદરતનું એક વરદાન છે. જેટલી પાલક ખાવ એટલી તમને અસ્થમામાં રાહત વર્તાય એટલે સ્પિનચ (પાલક)ને ડૉકટર્સ ગ્રીન વેજિટેબલ એવું વિશેષણ અપાયું છે. પાલકમાં વિટામિન સી, વિટામિન ઈ, બિટા-કેરોટિન, પોટેશિયમ અને મેગ્નેશિયમ પુષ્કળ પ્રમાણમાં મળે છે. એમાંય મેગ્નેશિયમ દમના હુમલા આવતા રોકવામાં મુખ્ય ભાગ ભજવે છે. શરીરમાં પોટેશિયમની કમી અસ્થમાની વ્યાધિ થવાની શક્યતા વધારી દે છે.

૩. આદુ : 

આદુમાં દાહ અને સોજા આવતા રોકતા પોષક તત્વો નોંધપાત્ર પ્રમાણમાં રહેલા છે. એનું સેવન છાતીમાં કફનો ભરાવો દૂર કરવામાં અને સોજા મટાડવામાં પણ દવાઓ કરતા પણ વધુ સારું કામ કરે છે. આદુના રસની કોઈ સાઇડ ઇફેક્ટ નથી એટલે એ સમયાંતરે નિશ્ચિંતપણે લઈ શકાય.

૪. એપલ :

 અંગ્રેજીમાં કહેવત છે કે એન એપલ અ ડે કિપ્સ ડૉક્ટર અવે. એમાં એવો ઉમેરો કરી શકાય કે એપલ ઓલ્સો કિપ્સ અસ્થમા અવે. મેડિકલ ફિલ્મડમાં એવું કહેવાય છે કે સપ્તાહમાં ચાર એપલ (સફરજન) ખાનાર ગર્ભવતી સ્ત્રીના આવનારા બાળકને દમનો રોગ થવાની નહિવત શક્યતા રહે છે.

૫. હળદર :

 હળદરમાં રહેલું કરસ્યુમિન એક સ્ટ્રોંગ એન્ટી-એલર્જિક એજન્ટ છે. કરસ્યુમિન એક એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી-ઇન્ફલેમેટરી કમ્પાઉન્ડ છે જે આપણી ઇમ્યુન સિસ્ટમને એલર્જિસનો સામનો કરવા માટે સજ્જ બનાવે છે. હળદર છાતીનો કફ છુટો પાડી રાહત આપે છે એટલે જ ઘણાં પરિવારોમાં હળદરવાળુ ગરમ દૂધ રોજ રાત્રે પીવાનો રિવાજ છે.

૬. કેળા :

 રોજ એક કેળુ ખાવાનો નિયમ બનાવો અને અસ્થમાને છેટો રાખો. કેળામાં રહેલું ફાઇબર શ્વસનતંત્રની બિમારીઓથી બચવામાં મદદરૂપ થાય છે અને એમાં દમનો રોગ પણ આવી જાય.

૭. એવોકાડો : 

હકીકતમાં એવોકાડો એક ઉત્તમ અસ્થમાવિરોધી સુપરફૂડ છે. એમાં સૌથી વધુ માત્રામાં એલ-ગ્લુટાથિયોન મળે છે, જે 'માસ્ટર' એન્ટીઓક્સિડન્ટ કહેવાય છે અને બીજી એન્ટીઓક્સિડન્ટસને કાર્યરત રહેવામાં મદદરૂપ થાય છે. એવોકાડો ડેમેજ થયેલા આંતરડાને રિપેર કરે છે, જેને લીધે અસ્થમા ફેલાતો રોકાય છે.

૮. પાણી : 

એલર્જી સામે લડવામાં પાણી પણ મહત્ત્વનો પેય પદાર્થ બની રહે છે. ડિહાઈડ્રેશન (શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જવું) અસ્થમાના લક્ષણો વકરી જવાનું એક મોટુ કારણ હોવાથી દરેક વ્યક્તિએ રોજ પુરતું (આઠથી દસ ગ્લાસ) પાણી પીવું ફરજિયાત છે. જો કોઈને વોટર એલર્જી હોય તો એ જુદી વાત છે.

૯. કોબી : 

કોબી ખરેખર એક અદ્ભુત શાક છે. એમાં મળતું વિટામિન સી ફ્રી રેડિકલ્સને આપણા શ્વસનતંત્રના માર્ગમાં સ્નાયુઓને સંકોચાતા અટકાવે છે. વળી, કોબીમાંની બેટા-કેરોટિનની માત્રા દમના લક્ષણો ઓછા કરી નાખે છે.

૧૦. ગ્રીન ટી :

 ગ્રીન ટી પીવાથી આપણી ઇમ્યુન સિસ્ટમને બળ મળે છે. એ ઉપરાંત, ગ્રીન ટીનું સેવન એલર્જિક રિએક્શન્સને અસરકારક રીતે અંકુશમાં રાખવાનું કામ કરે છે.

- રમેશ દવે