કેટલીક વખત આપણને શરીર પર અચાનક લાલ ચાઢાં ઉપસી આવે અને ત્યાં બળતરા તેમ જ ખંજવાળ થવા લાગે. સામાન્ય ભાષામાં આપણે તેને એલર્જી થઈ હોવાનું કહીએ છીએ. વાસ્તવમાં જ્યારે આપણને કોઈ વસ્તુ ન સદે અને તે આપણને નુકસાન કરે તેનાથી પહેલા આપણી રોગપ્રતિકારક શક્તિ તેનો તીવ્ર વિરોધ કરે છે જેની આડઅસરરૂપે આપણી ત્વચા પર લાલ ચકામા ઉપસી આવે છે. જે વસ્તુ એલર્જી પેદા કરે તેને એલર્જન કહેવામાં આવે છે. અને એલર્જી ધૂળ, પરાગરજ, જીવજંતુથી અને તેના કરડવાથી, પક્ષીઓના પીછાં અને પ્રાણીઓના ફરથી, ચોક્કસ ખાદ્ય પદાર્થોથી, બેક્ટેરિયા કે ચોક્કસ ઔષધિથી પણ થઈ શકે. જોકે આ બધામાંથી ધૂળથી થતી એલર્જી સૌથી સામાન્ય છે. આજે આપણી ચારેકોર ફેલાઈ રહેલા અત્યાધિક પ્રદૂષણને પગલે આ એલર્જી સામાન્ય થઈ પડી છે જેને કારણે શ્વસન તંત્રને લગતી અસ્થમા જેવી વ્યાધિઓ લાગૂ પડવાની ભીતિ રહે છે. આવી સ્થિતિમાં કરવું શું? આના જવાબમાં નિષ્ણાતો કહે છે કે આપણા રોજિંદા આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવાથી તે ધૂળથી થતી એલર્જી સામે અસરકારક રીતે લડે છે. તેઓ તેના વિશે વિગતવાર માહિતી આપતાં કહે છે..,
ન લસણ : લસણને ઉત્તમ એન્ટિ-એલર્જી ફૂડ માનવામાં આવે છે. શરીરમાં દાહ-બળતરા પેદા કરતાં તત્વો ઉત્પન્ન કરવા જવાબદાર ચોક્કસ એન્ઝાઈમ્સને સક્રિય થતાં અટકાવે છે. લસણ એલર્જિક રીએક્શનની શક્યતા પણ ઘટાડે છે.
ન પાલક : પાલકનું પૂરતું સેવન અસ્થમાથી બચાવે છે. આ લીલા પાંદડાવાળી શાકભાજીમાં પ્રચૂર પ્રમાણમાં વિટામીન સી, ઈ, બીટા-કેરટીન, પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે. અસ્થમાના હુમલાને ખાળવામાં મેગ્નેશિયમ અસરકાર ભૂમિકા ભજવે છે. જ્યારે પોટેશિયમની ઊણપ અસ્થમાના દરદીઓ માટે અત્યંત હાનિકારક બની રહે છે.
ન આદુ : આદુમાં રહેલા દાહ-બળતરાવિરોધી ગુણો દવા કરતાં પણ વધુ સારું કામ આપે છે, તે સોજા અટકાવવામાં કે ઘટાડવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. વળી આદુથી કોઈ પ્રકારની આડઅસર થવાની ભીતિ ન હોવાથી તેનું સેવન નચિંત બનીને કરી શકાય છે.
ન સફરજન : એમ કહેવાય છે કે જો ગર્ભવતી મહિલા અઠવાડિયામાં ચાર સફરજન ખાય તોય તેના ગર્ભસ્થ શિશુને જન્મ પછી અસ્થમા થવાની સંભાવના ઘટી જાય છે. આ ફળમાં ઊંચા પ્રમાણમાં રહેલું ક્વેરસેટિન નામનું ફાયટોકેમિકલ અસ્થમા સામે સુરક્ષા કવચ બની રહે છે.
ન કેળાં : રોજ એક કેળું ખાવાથી અસ્થમાથી બચવાની સંભાવના વધી જાય છે. તેમાં રહેલાં રેષાં શ્વસનને લગતી સમસ્યાઓને ખાળે છે.
ન એવોકેડો : એવોકેડોમાં અત્યંત ઊંચા પ્રમાણમાં રહેલું એલ-ગ્લુટેથિઅનનું કોન્સન્ટ્રેશન એન્ટિઓક્સિડન્ટ્સમાં શિરમોર ગણાય છે. તે અન્ય સઘળાં એન્ટિઓક્સિડન્ટ્સને કાર્યરત કરે છે. આ તત્વ પેટમાં સર્જાયેલી ખરાબીને ઠીક કરે છે, પરિણામે અસ્થમા થવાની ભીતિ ઘટે છે.
ન પાણી : પાણી પણ એલર્જી સામે લડવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. ડીહાઈડ્રેશન અસ્થમાને વકરાવે છે. વાસ્તવમાં દરેક જણે દરરોજ પૂરતા પ્રમાણમાં પાણી પીવું જ રહ્યું.
ન મધ : પ્રાકૃતિક, એટલે કે સ્થાનિક કાચું મધ સમયાંતરે એલર્જી સામે લડવાની શક્તિ પૂરી પાડે છે. ખાંસી આવવાને કારણે ગળામાં થતી બળતરા દૂર કરીને ગળાને શાંત કરવામાં પણ મધ મહત્વનો ભાગ ભજવે છે. નિયમિત રીતે મધનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે જે છેવટે વારંવાર થતી એલર્જીનું પ્રમાણ ઓછું કરે છે.
ન ખાટાં ફળો : નારંગી, લીંબુ, દ્રાક્ષ જેવા ખાટાં ફળોમાં ભરપૂર પ્રમાણમાં રહેલું વિટામીન સી હિસ્ટામાઈનના સ્તરને ઘટાડીને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવામાં સહાયક બને છે. આ ફળોમાં રહેલાં એન્ટિઓક્સિડન્ટ શ્વસન માર્ગમાં આવતાં સોજાને ખાળે છે.
ન અખરોટ : અખરોટ ઓમેગા-૩ ફેટી એસિડથી સમૃધ્ધ હોવાથી તે દાહ-સોજા વિરોધી ગુણો ધરાવે છે અને ફેફસાંની કાર્યક્ષમતામાં વૃધ્ધિ કરે છે. રોજિંદા આહારમાં અખરોટનો સમાવેશ કરવાથી શ્વસન તંત્રને લગતી વ્યાધિઓ અંકુશમાં રહે છે.
ન હળદર : હળદરમાં રહેલું કરક્યુમિન નામનું તત્વ એલર્જી સામે અત્યંત અસરકારક કામ આપે છે. તેમાં રહેલા સોજા અને દાહવિરોધી ગુણો એલર્જી સામે લડતી ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. વળી તેને કારણે કફ દૂર થવાથી રાહત અનુભવાય છે. દરરોજ એક ગ્લાસ હળદરવાળું ગરમ દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણાય છે.
ન ગાજર : ગાજરમાં પુષ્કળ પ્રમાણમાં રહેલું બેટા-કેરટીન ફેફસાંને સ્વસ્થ રાખવામાં સહાયક બનતું હોવાથી ગાજરનું નિયમિત સેવન એલર્જી પ્રત્યેની સંવેદનશીલતા ઘટાડે છે. ગાજર બેટા-કેરટીનને વિટામીન એમાં તબદીલ કરે છે જે આપણા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે, ખાસ કરીને શ્વસન તંત્ર માટે શ્રેષ્ઠ લેખાય છે.
- આ સઘળાં ખાદ્ય પદાર્થો એલર્જીને ખાળવામાં સહાયક બનતાં હોવા છતાં ધૂળ-પ્રદૂષણથી થતી એલર્જીથી બચવા આપણી જીવનશૈલીમાં પણ કેટલાંક ફેરફરા કરવા જરૂરી છે. જેમ કે...,
* ઘર હમેશાં ચોક્ખુંચણાંક રાખો. ઘરમાં ઠેકઠેકાણે ધૂળના થર જામેલા હશે તો એલર્જી થવાની સંભાવના કાયમ રહેશે.
* ઘરના સોફા, પડદાં, કાર્પેટ નિયમિત રીતે વેક્યુમ ક્લીનરથી સાફ કરતાં રહો.
* ફર્નિચર ઘર માટે હોય છે, ઘર રાચરચીલા માટે નથી હોતું એ વાત ધ્યાનમાં રાખીને આવશ્યકતા પૂરતું જ રાચરચીલું વસાવો. તેવી જ રીતે શક્યતા સોફ્ટ ટોયઝ કે ધૂળ ચોંટે એવા રમકડાં ખરીદવાનનું ટાળો.
* દર અઠવાડિયે બેડશીટ, ઓશિકાંની ખોળો તેમ જ ઓઢવાની ચાદરો ગરમ પાણીથી ધૂઓ.
* ઘર સાફ કરતી વખતે માસ્ક પહેરી લો.
* ઘરમાં સ્વચ્છ હવાની આવન-જાવન થતી રહે, ઘરનું વાતાવરણ બંધિયાર ન થઈ જાય તેની ખાસ કાળજી લો.
* ઘરમાં ધૂમ્રપાન કરવાનું ટાળો. ધૂમ્રપાન ધૂળ-પ્રદૂષણથી થતી એલર્જીને વકરાવે છે.
- જયના


