સુનિતા વિલિયમ્સની નાસાની અવકાશયાત્રી બનવાની પ્રેરકગાથા
- અવકાશમાં અવનવા અનેક વિક્રમ સર્જનારી ભારતીય નારી સુનિતા વિલિયમ્સ
- સુનિતા વિલિયમ્સની માતા સ્લોવેનિયન અને પિતા ભારતીય છે
નાસાની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સની જીવનકથા એ એક લાક્ષણિક અમેરિકન ઇમિગ્રન્ટની જીવનગાથા છે જે અમેરિકન ડ્રિમ એટલે શું તેનો ખ્યાલ આપે છે. સુનિતા વિલિયમ્સના પિતા ડોક્ટર દિપક પંડયા રિસર્ચમાં વધારે સારી તક મળતાં અમેરિકા ગયા હતા. જ્યારે સુનિતાની માતા ઉર્સુલિન બોની ઝાલોકર સ્લોવિયન વંશની છે. બોનીની દાદી ૧૯૦૦ના વર્ષની શરૂઆતમાં અમેરિકામાં આવીને વસ્યા હતા.
સુનિતાના પિતા દિપક પંડયા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં આવેલાં ઝુલાસણ ગામમાં જન્મ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીમાંથી ૧૯૫૭માં એમબીબીએસ અને એમડી કરી દિપક પંડયાએ અમદાવાદમાં શેઠ વાડીલાલ સારાભાઇ હોસ્પિટલમાંથી ઇન્ટર્નશિપ પુરી કરી હતી. તેમને ઓહાયોના ક્લિવલેન્ડમાં આવેલી ધ કેસ વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટીમાંથી ઇન્ટર્નલ મેડિસિનમાંં ઇન્ટર્નશિપ અને રેસિડેન્સીની ઓફર મળતાં દિપક પંડયા અમેરિકા જવા નીકળ્યા હતા. તેઓ ૨૧ દિવસની દરિયાઇ મુસાફરી કરી અમેરિકા પહોંચ્યા હતા. જ્યાં તેમણે ન્યુરોએનોટોમી વિષયમાં પોસ્ટડોક્ટોરલ ફેલોશિપ કર્યા બાદ આ ક્ષેત્રમાં તે અગ્રણી નિષ્ણાત બન્યા હતા. દિપક પંડયાએ તેમની પહેલી નોકરી જ્યાં કરી ત્યાં તેમને એક્સ રે ટેક્નિશ્યન બોની મળી. બંનેએ લગ્ન કરી લીધાં અને પોતાના ત્રણ સંતાનોને ઉછેરવા આકરી મહેનત કરી અને તેમને સારી રીતે ભણાવ્યાગણાવ્યા જેથી તેઓ અમેરિકન ડ્રિમ જીવી શકે. સુનિતાની માતા બોનીનો જન્મ અને ઉછેર ક્લિવલેન્ડમાં થયો હતો જ્યાં ઝાલોકર પરિવાર દ્વારા એક ડેલિકસાં એટલે કે બેકરીની સ્વાદિષ્ટ વાનગીઓની એક નાનકડિ દુકાન ચલાવવામાં આવતી હતી.
પરિવાર અને મિત્રોમાં સુનીના હુલામણાં નામે ઓળખાતી સુનિતાનો જન્મ ૧૯ સપ્ટેમ્બર૧૯૬૫માં ઓહાયોના યુક્લિડમાં થયો હતો.જ્યારે સુનિતા ત્રણ વર્ષની હતી ત્યારે પરિવાર માસાચ્યુસેટ્સમાં બોસ્ટન નજીક આવેલાં નીધામમાં રહેવા ગયો. ત્રણે સંતાનોમાં સુનિતા સૌથી નાની હતી. સૌથી મોટો જય અને પછી દિનાનો નંબર હતો. સુનિતા ૧૯૮૩માં ગ્રેજ્યુએટ થઇ ત્યાં સુધી નીધામમાં જ ભણી. તેના સ્કૂલના દિવસોમાં તે સ્વિમિંગ, ટ્રાયથ્લોન, બાઇકિંગ, બેઝબોલ, ફૂટબોલ, બાસ્કેટ બોલ અને હોકી રમતી હતી.
પંડયા પરિવારમાં તમામ ધર્મ અને સંસ્કૃતિનો આદર થતો હતો. સુનિતામાં પણ આ મૂલ્યોનું સિંચન થયું છે. દિપક પંડયા સ્વભાવે સૌમ્ય અને આધ્યાત્મિક વ્યક્તિ હતા. તેઓ મહાત્મા ગાંધીના અનુયાયી હતા અને શ્રી અરવિંદની ફિલોસોફીમાં માનતાં હતા. રવિવારે પરિવાર સ્થાનિક ચર્ચમાં જતો. દિવાળી અને ક્રિસમસ બંને એકસમાન ઉત્સાહથી પંડયા પરિવારમાં ઉજવાતાં. જ્યારે સંતાનો મોટાં થતાં હતા ત્યારે દિપક તેમને રામાયણ અને મહાભારતની વાર્તાઓ કહેતાં. બોનીને બેકિંગમાં દિપકને ગુજરાતી રસોઇમાં ભરપૂર રસ હોઇ ઘરમાં બધાં જ ખાવાપીવામાં સામેલ થતાં. સુનિતાને પાણીપુરી અને સમોસા ખૂબ ભાવે છે. સુનિતાનો પતિ સમોસા બનાવી જાણે છે તો તેની મોમ તેના માટે જલેબી બનાવી શકે છે.
દિપક મેડિકલ વિજ્ઞાાની અને વ્યવસાયે ડોક્ટર હોઇ પરિવારમાં સતત વિજ્ઞાાન અને ફિલોસોફીની ચર્ચાઓ ચાલતી રહેતી. સુનિતા પણ ચન્દ્ર પર માનવ ઉતર્યો હોવાની ઘટનાથીવાકેફ હતી પણ તેણે કદી એન્જિનિયરિંગ કે અવકાશ સંબંધિત ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું વિચાર્યું પણ નહોતું. દિપકને યાદ હતું કે જ્યારે ચન્દ્ર પર માનવે પગ મુક્યો ત્યારે ટેલિવિઝન પર એ ઘટનાનું પ્રસારણ જોઇ સુનિતા હરખની મારી કૂદતી હતી. સહેજ મોટી થઇ ત્યારે તેને શ્વાન અને અન્ય પ્રાણીઓ પ્રત્યેના પ્રેમને કારણે પ્રાણીઓના ડોક્ટર બનવું હતું. સ્કૂલમાંથી પાસ થઇ તેણે વેટરનરી સાયન્સના કોર્સમાં એડમિશન માટે એપ્લિકેશન પણ કરી હતી.
જ્યારે સુનિતા કઇ કારકિર્દી પસંદ કરવી તે વિશે વિચારતી હતી ત્યારે મોટો ભાઇ જય મેરિલેન્ડમાં આવેલી યુએસ નેવલ એકેડમીમાંથી ગ્રેજ્યુએટ થઇ ગયો. ગ્રેજ્યુએશન સેરિમનીમાં જય આખા પરિવારને એકેડમીમાં લઇ ફર્યો. તેને ખાતરી હતી કે એકેડમીમાં એથ્લેટિક્સ, સ્વિમિંગ અને અન્ય સ્પોર્ટસ સુવિધાઓ સુનિતાને ગમશે. જય પાછો એકેડમીની સ્વિમિંગ ટીમનો કેપ્ટન હતો.સુનિતાના સ્વિમિંગ અને એથ્લેટિકસમાં રસને જોતાં એકેડમી સુનિતા માટે સારી જગ્યા પુરવાર થશે તેમ જય માનતો હતો અને સુનિતાએ પણ એકડમીમાં કોર્સમાં એપ્લાય કરવાની હા પાડેલી. યુએસ નેવીમાં થોડા વર્ષ અગાઉ જ છોકરીઓને પ્રવેશ આપવાનું શરૂ થયું હોઇ એકેડમીના કેમ્પસમાં મહિલાઓની સંખ્યા ખૂબ ઓછી હતી. સુનિતાએ ફિઝિકલ સાયન્સના કોર્સમાં એપ્લાય કર્યું. એ સમયે અરજદારની અરજી પર કોંગ્રસમેન અથવા સેનેટરની સહી કરાવવી પડતી હતી. સુનિતાની સીવી જોઇ માસાચ્યુસેટ્સના સેનેટર એડવર્ડ કેનેડી પ્રભાવિત થઇ ગયા હતા અને તેમણે સુનિતાની અરજી પર શેરો મારી આપ્યો હતો. આમ, સુનિતા ૧૯૮૩માં નેવલ એકેડમીમાં પ્રવેશી.
જયની ધારણાં અનુસાર સુનિતાને એથ્લેટિક્સ અને સ્વિમિંગમાં સંખ્યાબંધ પ્રવૃત્તિઓમાં મોજ પડી ગઇ. ભણવામાં પણ સુનિતાનો દેખાવ સારો રહ્યો. સુનિતા ૧૯૮૭માં યુએસ નેવલ એકેડમીમાંથી ગ્રેજ્યુએટ થઇ યુએસ નેવીમાં જોઇન થઇ. નેવીની નવી ઓફિસર એનસાઇન તરીકે સુનિતાને નેવી એર, મરીન કે સબમરીન સર્વિસીસ કે ડાઇવિંગ જેવા સ્પેશ્યલ પ્રોગ્રામમાંથી પસંદગી કરવાની તક મળી. સુનિતાએ પોતે સારી તૈરાક હોઇ તેની પ્રથમ પસંદગી ડાઇવિંગ હતી પણ તેની અરજી નકારી કાઢવામાં આવી. એ પછી સુનિતાએ બીજી સ્પેશ્યાલિટી નેવી એર પસંદ કરી. એર ટ્રેનિંગ શરૂ થવાની રાહ જોતાં જાતાં સુનિતાએ ડાઇવિંગ પ્રોગ્રામ પણ પુરો કરી લઇ ડાઇવિંગ ઓફિસર તરીકે સર્ટિફિકેટ મેળવી લીધું. નોંધપાત્ર વાત એ છે કે સુનિતાને ડાઇવર તરીકે કમિશન કરવામાં ન આવી હોવા છતાં તેણે આ પ્રમાણપત્ર મેળવી લીધું હતું.
નેવલ એર ટ્રેઇનિંગ કમાન્ડ ખાતે સુનિતા જેટ વિમાનોની ટ્રેનિંગ મેળવવા માંગતી હતી પણ તેને હેલિકોપ્ટર્સ અસાઇન કરવામાં આવ્યા. સુનિતા જુલાઇ ૧૯૮૯માં નેવલ એવિએટર બની અને તેને વર્જિનિયાના નોરફોકમાં હેલિકોપ્ટર કોમ્બેટ સપોર્ટ સ્કવોડ્રન ૮-એચસી-૮ જોઇ ન કરવા માટે જણાવાયું. સુનિતાએ અહીં ઘણાં જાતજાતના અસાઇનમેન્ટ્સ કર્યા. ભૂમધ્ય, લાલ સમુદ્ર અને પર્શિયન અખાતમાં ઓપરેશન ડેઝર્ટ શિલ્ડ માટે વિવિધ એસાઇનમેન્ટ પાર પાડયા અને માનવતાવાદી કામ પણ કર્યાં. ૧૯૯૦માં અખાતના યુદ્ધ દરમ્યાન સુનિતાએ સાઉદી અરેબિયામાં માલસામાન પહોંચાડયો હતો. બે વર્ષ બાદ યુએસએસ સિલ્વેનિયા પર હરિકેન એન્ડ્રયુ રિલિફ ઓપરેશન્સ માટે એચ-૪૬ની તેને ઓફિસર ઇન ચાર્જ બનાવવામાં આવી. જાન્યુઆરી ૧૯૯૩માં સુનિતાએ ફરી ટેસ્ટ પોઇલટ બનવા માટે યુએસ નેવલ ટેસ્ટ પાઇલટ સ્કૂલમાં જોડાઇ અને ડિસેમ્બર ૧૯૯૩માં તે ચેઝ પાઇલટ તરીકે ગ્રેજેયુએટ થઇ. ટેસ્ટ પાઇલટ તરીકે સુનિતાએ ૩૦ પ્રકારના વિમાનો અને હેલિકોપ્ટર ઉડાડયા અને ૩૦૦૦ કરતાં વધારે કલાક ઉડ્ડયન નોંધાવ્યું. સુનિતાનેઆ સમયગાળામાં સમજાયું કે તે પાણીમાં જેટલી સફળ છે તેટલી જ હવામાં પણ સફળ છે.
દરમ્યાન સુનિતાએ નેવલ એકેડમીમોં સાથે ભણતાં માઇકલ વિલિયમ્સ સાથે ૧૯૮૯માં લગ્ન કરી લીધાં અને તેનું નામ બદલાઇને સુનિતા વિલિયમ્સ થયું. માઇકલ બાદમાં ફેડરલ ગવર્નેમેન્ટમાં જ્યુડિશ્યલ સિક્યુરિટી ડિવિઝનમાં ચીફ ઇન્સ્પેક્ટર બન્યો.
રસપ્રદ બાબત એ છે કે સુનિતાએ તેની કારકિર્દીમાં જે જે વિષયો ભણવાના પસંદકર્યા તેમાં તેની અરજી નકારવામાં આવી. આમ છતાં સુનિતાએ સતત વિવિધ પ્રકારના અનુભવો મેળવી પોતાની જાતને વધારે ઘડતી રહી. તે જ્યારે ટેસ્ટ પાઇલટ તરીકે જ્હોન સ્પેસ સેન્ટર-જેએસસી-માં ક્લાસ ભરવા જતી ત્યારે એક ક્લાસ નાસાના પીઢ અવકાશયાત્રી જ્હોન યંગ લેતા હતા. જ્હોન યંગ અ થોડા એવા અવકાશયાત્રીઓમાંના એક હતા જેમને ૧૯૭૨માં ચન્દ્રની ધરતી પર ડગલાં ભરવાની તક મળી હતી. તેમણે છ વાર સ્પેસ શટલમાં ઉડ્ડયન કર્યું હતું. એસ્ટ્રોનોટ યાને અવકાશયાત્રી બનતાં પહેલાં યંગ નેવલ ઓફિસર અને એવિએટર હતો અને તે પણ ટેસ્ટ પાઇલટ સ્કૂલમાં ભણ્યો હતો. યંગે જણાવ્યું કે ચન્દ્ર પર ઉતરવા માટે તેણે હેલિકોપ્ટર ઉડાડતાં શીખવું પડયું હતું. એ પછી સુનિતાએ એસ્ટ્રોનોટ બનવામાં તેનામાં બાકી શું ખૂટે છે તે સમજવાનું શરૂ કર્યું. સુનિતાએ એ પછી તરત જ નાસામાં એસ્ટ્રોનોટ ટ્રેનિંગ મેળવવા માટે અરજી કરી. પણ તેની અરજી માં આ તમામ સિદ્ધિઓ હોવા છતાં એક ચીજ ખૂટતી હતી.
નાસાના એસ્ટ્રોનોટ બનવા માટે સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ ડિગ્રી હોવી ફરજિયાત છે. સુનિતાએ જોયું કે ઘણાં એસ્ટ્રોનોટ યુએસ નેવીમાંથી અને તેમાં પણ ટેસ્ટ પાઇલટ સ્કૂલમાંથી આવેલાં હતા. આમ, સુનિતાએ ખૂટતી ડિગ્રી મેળવી ફરી પાછાં ફરવાનો નિર્ધાર કર્યો. સુનિતાએ ફલોરિડા ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી માં એન્જિનિયરિંગ મેનેજમેન્ટમાં માસ્ટર કોર્સમાં એડમિશન મેળવ્યું. બે વર્ષના કોર્સ બાદ સુનિતા પાઇલટ સ્કૂલમાં પાછી ફરી. ઉડ્ડયનનો વધારે સઘન અનુભવ મેળવ્યો. ૧૯૯૭માં સુનિતાએ ફરી નાસામાં અરજી કરી. તેને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવી અને આખરે તેની પસંદગી કરવામાં આવી. સુનિતાએ ૧૯૯૮ના જુન મહિનામાં ૧૮માં એસ્ટ્રોનોટ ગુ્રપમાં ગૌરવભેર પ્રવેશ કર્યો. આ હતી સુનિતાની નાસાના અવકાશયાત્રી બનવાની સંઘર્ષકથા.
-વિનોદ પટેલ