Get The App

સમર વેકેશન એટલે જ્ઞાન સાથે ગમ્મત .

Updated: Apr 15th, 2024

GS TEAM


Google News
Google News
સમર વેકેશન એટલે જ્ઞાન સાથે ગમ્મત                     . 1 - image


- ઉનાળાના વેકેશનમાં લગભગ ઘણાં કુટુંબો બહારગામ જતાં હોય છે અથવા ઘણી ગૃહિણીઓ બહારગામ આવેલા પોતાના પિયરે છોકરા સાથે જતી હોય છે. વર્ષમાં એક જ વખત તેમને નિરાંતે પિયરમાં રહેવાનો આ એક જ અવસર મળે છે, પરંતુ ઘણી ગૃહિણીઓ એવી પણ હોય છે કે આર્થિક કે અન્ય કોઇ કારણસર બહારગામ જતી નથી. આવી ગૃહિણીઓ માટે વેકેશનમાં બાળકોને કઇ રીતે કામમાં રત રાખવા તે મહત્ત્વનો પ્રશ્ન બની જાય છે.

સામાન્ય દિવસોમાં તો શાળા ચાલુ હોય એ દરમિયાન બાળકો ભણવામાંથી જ નવરા પડતા નથી એટલે બાળકોની અંદર રહેલી હોબીને વિકસાવવાનો સૌથી ઉત્તમ સમય સમર વેકેશનનો છે. આ નવરાશના સમયમાં તમે તમારા બાળકની હોબી શોધીને તેને તે દિશામાં આગળ વધવા પ્રોત્સાહિત કરો તથા તે માટે ચાલતા વર્ગોમાં મોકલો.

વેકેશન દરમિયાન તમે બાળકો સાથે શું કરશો તેની ચિંતા છોડો અને આટલું જાણી લો.

(૧) ખાસ ઉનાળુ વેકેશન વર્ગો : ઘણી સંસ્થામાં ઉનાળાના વેકેશનમાં વિદ્યાર્થીઓ માટે ખાસ વર્ગો શરૂ કરવામાં આવે છે જેમાં પેન્ટિંગ, ટાઇ એન્ડ ડાઇ વુડવર્ક, ડાન્સ, ડ્રામા, સંગીત, એક્સપેરિમેન્ટલ થિયેટર, રેડિયો, ઇલેક્ટ્રોનિક્સ, એરો-મોડલિંગ, કિચન ગાર્ડનિંગ, ક્રિએટિવ રાઇટિંગ વગેરે ઘણુ શીખવવામાં આવે છે.

મોટાભાગના બાળકોને આમાંની કોઇક પ્રવૃત્તિમાં તો રસ હોય જ છે, પરંતુ શાળા ચાલુ હોય એ દરમિયાન એ આવી ઇતર પ્રવૃત્તિ કરી શકતા નથી. તેથી તેમને તેમના રસના વિષયો ઉનાળાના વેકેશન દરમિયાન શીખવો. એવું પણ બને કે આ જ વિષયમાં આગળ જતા બાળક કારકિર્દી બનાવે અને જો એમ ન પણ થાય તો તેમનું આ બાબતનું જ્ઞાન તો જરૂર વધશે.

(૨) પેન ફ્રેન્ડ ક્લબ : આવી ક્લબ મારફતે તમે માઇલો દૂર બેઠેલા બાળકોને મિત્રો બનાવી શકો છો. આ દ્વારા અન્ય બાળકોની રહેણીકરણી, ભાષા તથા વિચારો જાણવા મળે છે. આ ઉપરાંત બાળકની લખવાની તથા વિચારવાની શક્તિ વધે છે તથા નવા મિત્રો મેળવી તે આનંદિત બને છે.

(૩) ઉનાળાના વેકેશન પૂરતી નોકરી : ઘણી જગ્યાએ કિશોરોને ઉનાળાના વેકેશનની સમયમર્યાદા પૂરતી નોકરી પણ આપવામાં આવે છે. આ દ્વારા બાળક પૈસા કેમ કમાવાય તે શીખે છે. આ ઉપરાંત તેમને આર્થિક સ્વતંત્રતાનો પણ અનુભવ થાય છે. આ ઉપરાંત તેમને બહારના સ્પર્ધાત્મક જગતનો અનુભવ પણ થાય છે.

(૪) ચેસ શીખવો : બાળકો સાથે આ રમત રમવાથી તમે તેમની વધુ નજીક આવી શકશો. ટી.વી. જોવા કરતા તો આ રમત વધુ જ્ઞાન આપે છે. ચેસ દ્વારા ધીરજ, એકાગ્રતા અને યોજનાબધ્ધ પગલાં જેવા ગુણો કેળવી શકાય છે. સામેની વ્યક્તિના આગામી પગલાં તથા તેને માત દેવાની કળા પણ શીખાય છે. આ દ્વારા બાળકની બુધ્ધિનો વિકાસ થશે.

(૫) અન્ય હોબી : તમે બાળકમાં ફોટોગ્રાફી, કોઇન કલેક્શન, સ્ટેમ્પ કલેક્શન જેવી હોબી પણ ખીલવી શકો છો. જો બાળકને ભવિષ્યમાં પત્રકાર કે ફોટો- જર્નલિસ્ટ કે મોડલ ફોટોગ્રાફર બનવું હોય તો આ કળા કામ લાગે છે.

સ્ટેમ્પ તથા કોઇન કલેક્શન મારફતે પણ તમે ઘણો સમય બાળકો સાથે વિતાવી શકો છો.

(૬) તમારા શહેરના પ્રખ્યાત સ્થળો બતાવો : પ્રત્યેક ગામ કે શહેરમાં ઘણી એવી ઐતિહાસિક જગ્યા હોય છે જેનું મહત્ત્વ તથા અભ્યાસ રસપ્રદ હોય છે.

બાળકો સાથે એ સ્થળોની મુલાકાત લો અને તે જગ્યા તથા તેની સાથે સંકળાયેલા પ્રસંગનું રસપ્રદ વર્ણન કરો. જરૂર પડે તો ત્યાંના સ્થાનિક ગાઇડની મદદ લો. જો બાળકો કિશોર વયના હોય તો તે સ્થિતિમાં તેમણે શું પગલાં લીધા હોત જેવી ચર્ચા પણ કરો જેથી બાળકના વિચારો જાણવા મળશે.

(૭) બાળકને તમારા જીવનની વાતો કરો : તમે તમારા જીવનની મહત્ત્વની ઘટના તથા તમારા લગ્ન સાથે સંકળાયેલી વાતો કરો. તમારી મહત્ત્વાકાંક્ષા અને ભાવિ યોજના પણ બાળકોને જણાવો. આવી વાતો કરવાથી તમારા કુટુંબ વચ્ચે પ્રેમ અને વિશ્વાસની કડી મજબૂત બનશે તથા તમે બાળકના મિત્ર પણ સહેલાઇથી બની શકશો.

(૮) કૉમ્પ્યુટર કોર્સ : આજના આધુનિક ટેક્નિકલ યુગમાં કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું અત્યંત જરૂરી છે. ઘણા ઇન્સ્ટિટયુશન ઉનાળાના વેકેશન માટે ખાસ કૉમ્પ્યુટર કોર્સનું આયોજન કરે છે. બાળકને આ દ્વારા ઘણા વિષયોનું જ્ઞાન પણ મળશે તથા તેમને ભવિષ્યમાં કૉમ્પ્યુટરનું આ જ્ઞાન ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

(૯) યોગ : પ્રત્યેક વ્યક્તિ માટે વ્યાયામ ખૂબ જરૂરી છે. બાળકોને રમતગમત દરમિયાન વ્યાયામ થઇ જ જાય છે, પરંતુ યોગ એક એવો વ્યાયામ છે જે દ્વારા શારીરિક તથા માનસિક તાણમાંથી મુક્તિ મળે છે અને પ્રત્યેક વસ્તુ પ્રત્યે જોવાનો દ્રષ્ટિકોણ પણ બદલાય છે. બાળકોને યોગના એવા આસનો શીખવો જે શાળા ચાલુ થઇ ગયા બાદ પણ તેઓ દસ મિનિટમાં કરી શકે.

(૧૦) રસોઇ શીખવો : છોકરો હોય કે છોકરી પ્રત્યેકને રસોઇની પાયાની સમજ હોવી જરૂરી છે. તેમને સાદી અને ઓછી કડાકૂટવાળી થોડી ડીશ શીખવો જેથી ક્યારેક ઘરમાં કોઇ ન હોય તો તેઓ ભૂખ્યા રહેવાને બદલે ક્ષુધાપૂર્તિ કરી શકે. આનાથી તેઓ સ્વાવલંબી અને આત્મવિશ્વાસુ બનશે.

(૧૧) સિવણકામ શીખવો : બાળકોને કપડું ફાટી જાય તો સિલાઇ મારતા કે શર્ટનું તૂટેલું બટન ટાંકતા શીખવાડો જેથી ક્યારેક તેમને કટોકટીનો સામનો ન કરવો પડે.

(૧૨) સ્વબચાવની કળા શીખવાડો : આજે શહેરોમાં છોકરીઓ માટે રહેવાનું ખૂબ કપરું બન્યું છે તેથી પ્રત્યેક છોકરીને સ્વ-રક્ષણની કેટલીક તરકીબો આવડવી જોઇએ. જુડો, કરાટે વગેરે દ્વારા તેમનામાં આત્મવિશ્વાસ વધારો.

(૧૩) મ્યુઝિયમ તથા આર્ટ ગૅલેરીની મુલાકાત લો : મોટાભાગના શહેરોમાં આર્ટગૅલેરી અને મ્યુઝિયમ હોય જ છે. બને તો વેકેશનમાં બાળકો સાથે આર્ટ ગૅલેરીની મુલાકાત લો તથા પેન્ટિંગના પ્રદર્શન બતાવીને કળા વિશે જ્ઞાન આપો. મ્યુઝિયમની મુલાકાત દ્વારા પણ તેમને શિક્ષણલક્ષી ઘણી જાણકારી મળશે.

(૧૪) નવી ભાષા શીખવો : બાળકને અન્ય નવી ભાષા શીખવો. જરૂરી નથી કોઇ વિદેશી ભાષા હોય આપણી ભારતીય પણ ઘણી ભાષા છે. તેમાંથી કોઇ એકની પસંદગી કરો. આ દ્વારા તેમને અન્ય દેશ અથવા પ્રદેશની, રહેણાક, રીતરિવાજની જાણકારી મળશે. આ માટે પુસ્તકો તથા નિષ્ણાત વ્યક્તિની મદદ લો અને ટયુશન પણ રાખી શકો છે.

(૧૫) બાળકને પ્રાણીબાગમાં લઇ જાવ : હકીકતમાં પ્રાણીબાગમાં બાળકો સાથે મોટાઓને પણ ખૂબ મજા આવે છે. થોડા વર્ષો પૂર્વે તમે ત્યાં બાળકોને લઇ ગયા હો તો પણ તમે ત્યાં લઇ જાવ. તથા બને તો ઉજાણી રાખવી.

(૧૬) પૈસા અને તેનો વ્યવહાર : બાળકોને ઘરની થોડી ખરીદી કરવા બજારમાં મોકલો. આ દ્વારા તેમની મમ્મીનો ધક્કો પણ બચશે તથા બાળકને ખરીદી કરતા આવડશે તથા તેમનું પુસ્તકીયું ગણિત કામ પણ આવશે. તેમને પૈસા વેડફવા એટલે શું તથા જરૂરી વસ્તુ પાછળ જ પૈસા ખર્ચવા જોઇએ એ સંબંધિત જાણકારી મળશે. ધીરે ધીરે તેને વધારે પૈસા આપી ખરીદી કરવા મોકલો જેથી તેમનો આત્મવિશ્વાસ વધે.

(૧૭) કપડાંની ખરીદી કરો : વેકેશનમાં બાળકો નવરા હોય છે ત્યારે તેમને સાથે લઇ જઇને તેમના કપડાંની ખરીદી કરો. ૧૨-૧૪ વર્ષના કિશોરોને શું લેવું કે ન લેવું-ની મૂંઝવણ હોય ત્યારે તેમને બધી જ ડિઝાઇનના વસ્ત્રો બતાવીને પસંદગી કરવામાં મદદ કરો.

(૧૮) અન્ય લોકો સાથે સંબંધ : બાળકોને નવા મિત્રો બનાવવા પ્રોત્સાહિત કરો. સમાન વયના બાળકો વચ્ચેની વાતચીત કે ચર્ચા દ્વારા તેમને એક સાનુકૂળ વાતાવરણ પૂરું પાડો. તેમના મિત્રોને ઘરે આવવાનું આમંત્રણ આપો જેથી બાળકને ગર્વ થાય. આ ઉપરાંત બહારગામ રહેતા સગાઓને પત્ર લખવાની પણ ફરજ પાડો જેથી તેઓ પણ ખુશ થાય.

(૧૯) વીડિયો ઉપર સારી ફિલ્મો બતાવો : વીડિયો ઉપર ગાંધી કે વીર સાવરકર જેવી સારી ફિલ્મો બતાવો અને તેમને સ્વતંત્રતાની વાતો કહી તેમના હૃદયમાં દેશપ્રેમની ભાવના જાગૃત કરો.

(૨૦) બાળકોને શારીરિક કાર્ય શીખવો : બાળકોને ચાલવું, સાયકલિંગ, સ્વિમીંગ, ટેનિસ, બેડમિટન જેવી રમતો શીખવો અથવા આવી રમતમાંથી કોઇ એક રમતને પસંદ કરી તેમાં આગળ વધવાની તક આપો. જો કે ઉનાળામાં બાળકો સૂર્યના તડકામાં વધુ સમય બહાર ન રહે તેની તકેદારી પણ રાખો.

આ સમયગાળા માટે ઘણી સ્કૂલો તથા સંસ્થાઓ પર્વતારોહણનો કેમ્પ આયોજે છે. જો બાળકોને રસ હોય તો તેમને મોકલો.

(૨૧) કિશોરીઓને સુંદરતાની જાળવણી વિશે માહિતગાર કરો : જો તમે કિશોરીની માતા હો તો તમે વેકેશનમાં તમારી દિકરીને ત્વચાની સંભાળ, વાળની સંભાળ, મેનિક્યોર, પેડિક્યોર તથા હળવા મેકઅપ વિશેની સમજ આપો. આ ઉપરાંત સુંદર અને આકર્ષક વસ્ત્ર પરિધાન, તંદુરસ્ત દેખાવ તથા વાળની સ્ટાઇલ અને સુમધુર વાક્છટાના મહત્ત્વ વિશે પણ જણાવો. આજના જેટ યુગમાં છોકરીઓને નાની વયથી જ આ બધુ આવડવું જરૂરી છે જેથી તે ગુ્રપમાં સ્માર્ટ બની શકે.

સૌંદર્ય સંબંધિત કેટલીક બાબતોની શરૂઆત ઉંમરથી જ કરવામાં આવે છે અને તે આજીવન કરવી પડે છે તે પણ તેમને જણાવો.

આ બધુ જાણ્યા પછી નથી લાગતું કે ઉનાળાનું વેકેશન ખૂબ બીઝી જશે?

Tags :