- આરોગ્ય સંજીવની
ઉનાળો અત્યારે બરાબર જામ્યો છે. ઉનાળાનોં ખરો આનંદ 'કેરી'માં રહેલો છે. કેરીનું નામ સાંભળતા જ બધાનાં મુખ પર આનંદ છવાઈ જાય. પણ શું તમે જાણો છો કે, 'કેરી'નાં સ્વસ્થ્યની દ્રષ્ટિએ પણ ઘણા બધા ફાયદા આયુર્વેદમાં બતાવેલાં છે.
કેરીની તાસિર ઘણા લોકો ગરમ માને છે. પણ તેવું નથી 'કેરી' એ ઠંડી તાસીર ધરાવતું ફળ છે. તેથી તેને ઉનાળાનું ફળ તરીકે માનેલું છે. કેરી એ આયુર્વેદમાં બળવર્ધક બતાવી છે. દૌર્બલ્યવાળા દર્દીઓને કે જેમનું વજન ઓછું છે, તેવા દર્દીઓ માટે કેરી એ વજન વધારનાર બતાવેલ છે. જે લોકો જીમમાં જાય છે, જેમને મસલ્સ બનાવવા છે, આવા લોકો માટે પણ કેરી ખૂબ જ ફાયદાકારક છે. ભાવપ્રકાશ નિઘંટુમાં કેરીનાં ગુણોનું ઘણું વિસ્તૃત વર્ણન આપેલ છે. કેરી બે પ્રકારની આવે છે. જેમાં ચૂસીને ખાઈ શકાય તેવી અને બીજી કાપીને ખાઈ શકાય તેવી. ચૂસીને ખાઈ શકાય તેવી કેરી પાચનમાં હલકી હોય છે અને સરળતાથી પચે છે. બાળકથી લઈ વૃદ્ધ સુધી તમામ તેને ખાઈ શકે છે. જ્યારે કાપીને ખાઈ શકાય તેવી કેરી ને 'કલમી કેરી' કહેવાય છે તે પચવામાં થોડી ભારે છે, જેથી વૃદ્ધો અથવા તો જેની પાચનશક્તિ મંદ છે, તેવા લોકોએ આ 'કેરી' ન ખાવી જોઈએ, અથવા ઓછી ખાવી. તથા રાત્રિનાં સમયે આ કેરીનું સેવન ઓછું કરવું જોઈએ.
કાચી કેરીની વાત કરીએ તો કાચી કેરી ખાવામાં તો બહુ જ સ્વાદિષ્ટ લાગે છે, પણ જો તે વધારે માત્રામાં લઈ લેવામાં આવે તો તે ત્રિદોષવર્ધક બની જાય છે. આવી કેરી ત્રણેય દોષો ને વધારે છે. આમચૂરનો ઉપયોગ પણ વધારે પ્રમાણમાં ન કરવો. કારણકે આમચૂર પણ કાચીકેરીને સૂકવીને તેનો પાઉડર કરવાથી બને છે. તેનોં વધુ પડતો ઉપયોગ કરવાથી પુરુષોમાં ધાતુનોં નાશ થાય છે, તથા સ્ત્રીઓમાં માસિક જલદી આવી જાય છે, તથા ઘણીવાર પિરિયડ્સ પણ ઇરેગ્યુલર થઈ જાય છે.
વર્ષા પછી જે કેરીઓ આવે છે, તે પચવામાં ખૂબ જ સરળ અને પિત્તપ્રકૃતિવાળા વ્યક્તિઓ માટે શ્રેષ્ઠ છે. ડાયાબિટીસ હોય છતાં કેરી ખાવાની તીવ્ર ઈચ્છા હોય તેવા દર્દીઓ એ કેરી ખાધા પછી ૧૦થી ૧૫ નંગ જાંબુ ખાઈ લેવા જોઈએ અથવા દિવસનાં ભોજનમાં ૧ રોટલી ઓછી ખાઈને બેલેન્સ કરી લેવું જોઈએ.
આયુર્વેદ મુજબ સવારે ખાલી પેટે કેરી ન લેવી જોઈએ. સવારનાં નાસ્તા પછી સાંજ સુધી ગમે ત્યારે લઈ શકાય છે. કાપવાની કેરી રાત્રે લેવાથી તે પચવામાં ભારે હોવાથી વધારે ન લેવી અથવા બિલકુલ ન લેવી જોઈએ.
કાચી કેરી છે, તેનાથી ત્રણેય દોષો વધે છે, તથા કાચી કેરી રકતપ્રદોષ જ વિકારો માટે પણ જવાબદાર છે. જ્યારે પાકી કેરી, ઠંડી છે, પણ તે પચવામાં ભારે છે. તે શરીરમાં કફદોષ અને મેદધાતુ ને વધારે છે.
જેથી ઘણીવાર તેનાથી ખીલ, પીમ્પલ્સ વગેરે થઈ શકે છે, જેથી તેનાથી બચવા કેરી ઉપર જીરું કે કાળું નામક નાખીને ખાવાથી આવા દોષો થતાં નથી.
ઉનાળામાં કાચી કેરીનોં બાફલો ખૂબ ફાયદાકારક છે. આ બાફલો ગરમીના દિવસોમાં તુરંત એનર્જી આપે છે. તે ત્રિદોષવર્ધક નથી જેથી જે લોકોને કાચી કેરીથી પિત્તવધવાની સમસ્યા હોય તે લોકો પણ બાફલો તો લઈ જ શકે છે. ગરમીનાં દિવસોમાં ઇન્સ્ટન્ટ એનર્જી, તાજગી અને સ્વાદ થી ભરપૂર આ આમપન્નાને તમે બપોરનાં લંચ સાથે પણ લઈ શકો છો.
અતિસર્વત્ર વર્જયેત્ મુજબ ઉનાળાનું આ અમૃતફળ જો યોગ્યમાત્રામાં લેવામાં આવે તો તેના ગુણોનો અત્યંત લાભ શરીરને મળે છે. તેમાં બે મત નથી.
- જ્હાનવીબેન ભટ્ટ


