હાથ-પગ-પીઠનું પ્રદર્શન કરતાં ગ્રીષ્મકાલીન વસ્ત્રો
- ગરમીમાં નીખરી ઉઠતી ત્વચાનું દર્શન કરાવવાની તક ઝડપી લે છે ફેશનેબલ માનુનીઓ
ગરમીની મોસમ શરૂ થાય એટલે શિયાળામાં સૂકી બનેલી ત્વચા ફરી ભીની ભીની બનીને ચમક ધારણ કરવા લાગે. વળી પરસેવા દ્વારા શરીરની અંદર રહેલો ઝેરી કચરો બહાર ફેંકાઈ જવાથી પણ ત્વચા તેજોમય લાગે છે. આવી સરસ ત્વચાનું પ્રદર્શન કરવાનું ભલા ફેશનેબલ માનુની શી રીતે ચૂકે? ગરમીના બહાને પણ સ્લીવલેસ ટોપ, હોલ્ટર, મીની સ્કર્ટ જેવા 'ત્વચાદર્શન' કરાવતા વસ્ત્રો પહેરવાનો મોકો આધુનિક યુવતીઓ ઝડપી જ લે છે.
સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે ભારતીય સ્ત્રીઓના પગ સુંદર નથી હોતા. અલબત્ત, આપણા દેશની સ્ત્રીઓની ઊંચાઈ યુરોપની માનુનીઓ કરતાં ઓછી હોય છે એ વાતમાં બે મત નથી. પણ એનો અર્થ એવો નથી થતો કે તેઓ સ્કર્ટ પહેરી જ ન શકે. ઘૂંટણથી થોડે ઉપર સુધી આવતાં અથવા ઘૂંટણથી થોડી નીચે સુધીની લંબાઈ ધરાવતા સ્કર્ટ પહેરવાથી આકર્ષક પગનું દર્શન થાય છે, છતાં તે વલ્ગર નથી લાગતા. આવા સ્કર્ટ સુંદર પગ ધરાવતી માનુની બધા સ્થળોએ પહેરી શકે. જ્યારે આકર્ષક, પાતળા, લાંબા પગની સ્વામીની પાર્ટીવેર તરીકે મીની સ્કર્ટ પર પણ પસંદગી ઉતારી શકે. સ્કર્ટ સાથે ખુલ્લા દેખાતા પગમાં સ્ટિલેટોસ અત્યંત આકર્ષક લાગે છે. ખાસ કરીને જે માનુનીની ઊંચાઈ ઓછી હોય તેમણે પગમાં સ્ટિલેટોસને સ્થાન આપવું જોઈએ.
તમારા સૌંદર્યને નિખાર આપતા આઉટફીટની પસંદગી થઈ ગયા પછી એક્સેસરીઝ પર ધ્યાન આપો. પગ ખુલ્લા દેખાતા હોય એવા સ્કર્ટ કે હોટ પેન્ટ સાથે એંકલ એક્સેસરી પહેરો. અથવા ઘૂંટી પાસે ટેટૂ ચિતરાવો. એક ફેશન ડિઝાઈનર જણાવે છે કે એંકલ એક્સેસરીનો ઉપયોગ ન કરવો હોય તો ટાય-અપ સેંડલ પણ પહેરી શકાય. પ્રિન્ટેડ મોજાં પણ અચ્છો વિકલ્પ છે.
જ્યારે અન્ય એક ફેશન ડિઝાઈનર જણાવે છે કે સ્કર્ટ, શોર્ટ પેન્ટ કે કેપ્રી સાથે એંકલ એક્સેસરીનું કોમ્બિનેશન હોવું જ જોઈએ. કાંઈ નહિ તો છેવટે પગની ઘૂંટી પાસે એક દોરી પણ બાંધી દો.
એકાદ વર્ષ પૂર્વે હોલ્ટર કે બસ્ટિયર ટોપ પહરેવાની ફેશન પૂરબહારમાં ખીલી હતી. આવા ટોપ સાથે ગળામાં પહેરાતી એક્સેસરીમાં પણ પુષ્કળ વિવિધતા જોવા મળતી. અલબત્ત, આજે પણ આ ટ્રેન્ડ ચાલુ છે. હોલ્ટર કે બસ્ટિયર ટોપ અથવા ચોલીમાં ખભા, પીઠ અને હાથની ત્વચા પ્રદર્શિત કરવાનો મોકો મળે છે. ખુલ્લા હાથ પર બાજુબંધ પહેરી શકાય અથવા ટેટૂ પણ ચીતરાવી શકાય. હોલ્ટર પેટર્નના ટાઈટ શોર્ટ ટોપ સાથે જિન્સની જોડી જમાવવી હોય તો કાળા રંગના ટોપ પર પસંદગી ઉતારવી. આવા ટોપ સાથે લો-કટ જિન્સ પહેરીને કમર પર રૂપેરી કિનારી ધરાવતું કાળુ ટેટૂ ચીતરાવીને, કમરને અત્યંત સેક્સી લૂક આપી શકાય.
ફેશન ડિઝાઈનરો કહે છે કે તમે કેવા પ્રકારનો ડ્રેસ કયા સ્થળે પહેરો છો તે ધ્યાનમાં લેવું અત્યંત આવશ્યક છે. જાહેર સ્થળે સ્લીવલેસ કે ઘૂંટણ સુધીનું લાંબુ સ્કર્ટ પહેરી શકાય, પણ હોલ્ટર ટોપ કે મીની સ્કર્ટ પાર્ટીવેર માટે જ રાખી મુકવા.