ખેંચ અને આયુર્વેદ .
- આરોગ્ય સંજીવની- જહાનવીબેન ભટ્ટ
- ચિંતા, ક્રોધ, ઉદ્વેગ, ઈર્ષા જેવાં મનોગત ભાવોથી હંમેશા બચવું જોઈએ, કારણ કે ઉપરોક્ત મનોભાવો આ રોગને વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત અપસ્મારમાં વેગનો હુમલો ગમે તે સમયે આવી શકતો હોવાથી આવા દર્દીઓએ વાહન ચલાવવાનું ટાળવું જોઈએ.
''ખેંચ'' નામનાં રોગને આયુર્વેદમાં 'અપસ્માર' તરીકે ઓળખવામાં આવે છે. સાદી ભાષામાં આ રોગને ''વાઈ'' તરીકે ઓળખવામાં આવે છે. આ રોગમાં દર્દીની આંખો સામે અંધકાર છવાઈ જતો હોય તેવું તેને લાગે છે. રોગી ઘણીવાર હાથ-પગ પછાડે છે. તેની આંખો ઉપર ચઢી જાય છે. તેનાં દાંત બંધાઈ જાય છે. અને મોઢામાં ફીણ આવી જાય છે. ઘણીવાર રોગી ઊંઘમાં હોય ત્યારે પણ ખેંચના હુમલાં આવી શકે છે.
આ ભયંકર રોગનું આજદિન સુધી કોઈ નિશ્ચિત કારણ જાણી શકાયું નથી, પરંતુ ચિંતા, ક્રોધ, શોક આદિકારણોથી પ્રદૂષિત થયેલાં વાતાદિ દોષો મનોવાહી સ્ત્રોતોમાં વ્યાપ્ત થઈને સ્મૃતિભ્રંશ કરીને આ રોગ ઉત્પન્ન કરે છે. આયુર્વેદમાં આ અપસ્માર વ્યાધિનાં જ પ્રકાર બતાવવામાં આવેલાં છે.
વાત જ કફજ, પિત્તજ અને સન્નિ પાતજ.
આધુનિક વિજ્ઞાનમાં આ રોગ થવાનું મુખ્ય કારણ મસ્તિષ્કનાં બાહ્યસ્તર (CORTEX) ની રક્તવાહિનીઓમાં સંકોચ થતાં રક્તની અલ્પતાનાં કારણે આ રોગ ઉત્પન્ન થતો માનવામાં આવે છે.
''અપસ્માર'' રોગ દર્દીને થાય તે પહેલાં કેટલાંક લક્ષણો તેનામાં જોવા મળતાં હોય છે. જેને આયુર્વેદમાં ''પૂર્વરૂપ'' કહે છે. આ પૂર્વરૂપ તરીકે રોગીનાં હૃદયમાં કંપન, અને શૂન્યતા, પરસેવો થવો, ચિંતા, અનિંદ્રા અને ઘણીવખત રોગોમાં બેભાનાવસ્થા પણ જોવા મળતી હોય છે. રોગીનેં મોટાભાગે સીધા જ વેગ શરૂ થઈ જતા જોવા મળે છે. આ રોગમાં દર્દી ઘણીવાર પડી જતાં શરીરમાં આડું-અવળું વાગી જવાની પણ શક્યતા રહે છે. તો ઘણીવખત દાંતથી જીભ કપાઈ જતાં મુખમાંથી લોહી પણ નીકળે છે. ઘણીવખત રોગીમાં અનૈચ્છિક રીતે મળ-મૂત્રનોં ત્યાગ થઈ જાય છે. જેથી, આવા દર્દીઓએ ખૂબ સાવધાની રાખવી પડે છે. કારણ કે વેગનાં સમયે તેમને સાંભળનાર કોઈ ન હોય તો, શરીરને હાનિ પહોંચી શકે છે.
આ રોગમાં ખેંચ આવવાનો કોઈ નિશ્ચિત સમય બતાવેલો નથી. પરંતુ આયુર્વેદ મુજબ વાતજ-અપસ્માર હોય તો આ રોગનાં હુમલા ૧૨ દિવસે, અને કફજ અપસ્મારનાં રોગીને ૧ મહિને આ રોગનાં હુમલાં આવતાં હોય છે
ઘણીવખત નાનાં બાળકોમાં પણ આ રોગ જોવા મળતો હોય છે. આયુર્વેદમાં તેને ''શિશુ અપસ્માર'' કહે છે. જેમાં ૧ દિવસમાં ૫ાંચથી પચાસ વેગ આવી શકે છે. પરંતુ આ વેગ સૌમ્ય હોય છે. અને મસ્તિષ્કમાં કાર્યમાં વિકૃતિ થતી નથી, અને શિશુ યુવાવસ્થામાં પ્રવેશ કરતાં ધીરે-ધીરે આ રોગ પોતાની જાતે શાંત થઈ જાય છે.
આ રોગ માટે આયુર્વેદમાં ઘણાં ઉપચારો બતાવવામાં આવ્યાં છે. જેમાંથી લાભપ્રદ અનુભૂત પ્રયોગો અહીં સૂચવું છું. જેમાંથી અનુકૂળ પડે તે કોઈ પણ પ્રયોગ વૈધ કે નિષ્ણાંતની સલાહ મુજબ કરવો જેમાં,
(૧) વાડીંગ અનેં પીંપરનું સમભાગ ચૂર્ણ કરી ૫-૫ ગ્રામ સવાર-સાંજ રોગીને આ૫વું.
(૨) અક્કલકરો અને વજ નું સમભાગ ચૂર્ણ દિવસમાં ૩ વખત મધ સાથે ખવડાવવું.
(૩) યોગવજ, રાસ્ના, ફૂલાવેલો ટંકણખાર સમાનભાગે લેવા અને જટામાંસી ચૂર્ણ બમણાં ભાગે લેવું. આમાંથી લગભગ ૨૦ ગ્રામ જેટલું ચૂર્ણ ૧૦૦ ગ્રામ ૫ાણીમાં ધીમા તાપે ઉકાળવું તથા ૫૦ ગ્રામ જેટલું પાણી રહે ત્યારે ઉતારી ગાળી લેવું. એમાંથી અડધું સવાર અને અડધું સાંજે પીવાથી થોડા જ દિવસોમાં ફાયદાઓ જણાશે.
ઉપરોક્ત ત્રણમાંથી કોઈ પણ એક પ્રયોગ નિષ્ણાંતની સલાહમાં રહીને કરવાથી 'અપસ્માર' રોગ ઉપર ચોક્કસ અદ્ભૂત પરિણામ મળશે.
આ ઉપરાંત નિષ્ણાંતની સલાહ મુજબ બ્રાહ્મીવટી, સ્મૃતિસાગર રસ, રૌષ્યભસ્મ, મુક્તાપિષ્ટી વગેરેનું સેવન પણ આ રોગમાં ખૂબ જ લાભપ્રદ છે.
આ ઉપરાંત અપસ્માર રોગમાં જ્યારે વેગ આવેલો હોય ત્યારે
(૧) ભોંયરીંગણીનાં ડોડવાનો રસ બે ટીપાં જેટલો નાકમાં મૂકવાથી વેગ શાંત થઈ જાય છે. અપસ્મારનાં રોગીએ મનને શાંત રાખવું જોઈએ. ચિંતા, ક્રોધ, ઉદ્વેગ, ઈર્ષા જેવાં મનોગત ભાવોથી હંમેશા બચવું જોઈએ, કારણ કે ઉપરોક્ત મનોભાવો આ રોગને વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત અપસ્મારમાં વેગનો હુમલો ગમે તે સમયે આવી શકતો હોવાથી આવા દર્દીઓએ વાહન ચલાવવાનું ટાળવું જોઈએ. ઉપરાંત પાણી, ઊંચાઈ વગેરે તરફ જવાનું પણ ટાળવું જોઈએ જેથી અનિચ્છિનીય કોઈ પણ બનાવથી બચી શકાય.
નિષ્ણાંતનાં માર્ગદર્શન હેઠળ શરૂ કરેલ ઔષધસેવન અને થોડી સાવધાની આ રોગમાં નિ:સંશય લાભ આપે છે.