વાર્તા : પ્રેમમાં યુ ટર્ન .
- ''હું નહીં આવી શકું, કારણ કે રવિની મા મારી સાથે રહેવા આવી છે.'' મેં ઉત્કર્ષને જૂઠું કહ્યું અને ફોન મૂકી દીધો. પછી હું ધૂળ ખાતી સિતારને સાફ કરીને કલાકો સુધી વગાડતી રહી. આવું કરવાથી એવું લાગ્યું જાણે મારા દિલનો મેલ પણ સાફ થઈ ગયો હોય અને હું મનથી શુદ્ધ થઈ ગઈ છું. પછી મનોમન પ્રણ લીધું કે હવે મારે જ આ રોકાઈ ગયેલા સંબંધને ગતિશીલ બનાવવો પડશે.
''હાય સોનલ.''
''હેલ્લો, ઉત્કર્ષ.''
''ક્યાંક આવીશ?''
''ક્યાં?''
''આજે થિયેટર જઈએ. કોઈક નાટક જોઈને ડિનર બહાર જ લઈશું.''
''ઓ.કે.'' મેં કહ્યું.
પછી અમે બંનેએ ચેટિંગ બંધ કરી દીધું. હું ફ્રેશ થવા માટે બાથરૂમમાં જતી રહી.
આ બાજુ પાણીની ઠંડી છોળોએ મારા તપતા મનને શીતળતા આપી તો બીજી બાજુ હું ઉત્કર્ષને મળવા માટે આતુર થઈ ગઈ હતી.
જ્યાં એક બાજુ રવિ ગરમીભરી સાંજ છે, ત્યાં બીજી બાજુ ઉત્કર્ષ જીવનનો ઉમંગ છે, તરંગ છે.
રવિએ તો મારા રૂપરંગના ક્યારેય વખાણ નથી કર્યાં, કારણ કે તેમનો તટસ્થ સ્વભાવ તેમને આવું કરવા માટે મજબૂર કરી દેતો હતો, પણ ઉત્કર્ષ તો મારાં વખાણ કરતાં થાકતો નહોતો.
''કાશ, સોનલ તું મારી પત્ની હોત તો વાત જ કંઈક અલગ હોત. તારા હાથનું બનેલું જમવાનું અને તેના પર તારા રૂપનો જાદુ, હું તો એવો ખેંચાતો આવું છું જાણે પતંગ સાથે દોરી.''
હું ઉત્કર્ષની આ વાતોથી મુગ્ધ બનીને પોતાના પર ગર્વ અનુભવતી.
કાશ, મારા પતિ પણ ઉત્કર્ષ જેવા હોત, મળતાવડા અને હસમુખા. હું એમ તો ના કહી શકું કે રવિ મને પ્રેમ નથી કરતા, પણ તેમના પ્રેમનું ઊંડાણ પણ હું આજ સુધી નથી માપી શકી.
તેમણે પોતાને બાંધી રાખ્યા છે એક સીમારેખામાં. તેમની ફાઈલો અને તેમનું લેપટોપ જ તેમની દુનિયા છે. તેમણે મને અપનાવી છે, તો ફક્ત એક ફાઈલની જેમ. જ્યારે પણ તેઓ મારી પાસે હોય છે, ત્યારે મને એવું લાગે છે, જાણે કોઈ કંપનીના સીઈઓ મને તીક્ષ્ણ નજરે જોઈ રહ્યા છે.
તેમનું પ્રેમનું ઝનૂન, તેમનું પાગલપણું, એકબીજામાં ખોવાઈ જવાની ચાહ હવે ક્યાંક ગાયબ થઈ ગયા છે.
હું જ્યારે પણ તેમની નજીક જવાની કોશિશ કરું છું, તેઓ પોતાના હાથમાં પકડેલી ફાઈલને બંધ કરતા કહે છે, ''ઉફ, સોનલ કાલે એક અગત્યની મીટિંગ છે.''
હું જ્યારે ચિડાઈને જવા લાગું છું તો પોતાની જાતને અચાનક તેમની બાંહોમાં ઘેરાયેલી પામું છું, પછી મારું મન ઈચ્છવા લાગે છે કે તેઓ મને મન મૂકીને પ્રેમ કરે, મારામાં પોતાની જાતને ડુબાડી દે, પણ મારી આ ઈચ્છા મારા દિલમાં માત્ર ઈચ્છા જ બનીને રહી જાય છે.
તેમનો માનસિક થાક અને તે ઉપરાંત તેમનો અંતર્મુખી સ્વભાવ મને ચરમસુખ નથી આપી શકતો.
તેઓ મારું મન રાખવા મારી નજીક તો આવે છે, પરંતુ શારીરિક સંબંધને એક કામની જેમ પતાવીને મોં ફેરવીને સૂઈ જાય છે, પછી તેમને તો ગાઢ ઊંઘ આવી જાય છે, પણ હું બેચેનીપૂર્વક પડખાં ફેરવતી રહું છું.
કેટલીય વાર વિચારું છું કે રવિને કહું કે તમને એ પણ નથી ખબર કે એક સ્ત્રીને માત્ર કામ પતાવવા માટે બનાવેલો શરીર સંબંધ સંતોષ નથી આપતો.
કોઈ પણ સંબંધ ત્યારે જ સફળ બને છે, જ્યારે તેને પૂરા તન-મનથી સિંચવામાં આવે, પણ તેમને મારી ભાવનાઓની કદર ક્યાં છે? હવે અમારા બંનેનો સંબંધ ધીમેધીમે દમ તોડી રહ્યો છે. અમારી બંનેની વચ્ચે સંવાદહીનતાની પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે.
આજે જ્યારે નાટક જોતાં ભાગો હાથ ઉત્કર્ષને સ્પર્શી ગયો ત્યારે મને જાણે એક ચમકારો અનુભવાયો, એવું લાગ્યું જાણે મેં કોઈ તપતી ચીજને સ્પર્શ કરી લીધો હોય.
તે સમયે મેં ઉત્કર્ષને સોરી કહીને મારો હાથ તો હટાવી લીધો, પરંતુ મારું મન એવું જ ઈચ્છતું હતું કે તે મને પોતાની બાંહોમાં ભરી લે અને મન મૂકીને પ્રેમ કરે.
સાચે જ, પ્રેમ એક એવી અનુભૂતિ છે, જે યોગ્ય અને અયોગ્યનો તફાવત નથી જાણી શકતી. તે તો બસ ઈચ્છે છે, પોતાના પ્રેમનું સંપૂર્ણ સમર્પણ.
હું પ્રેમની આવી જ અનોખી અનુભૂતિથી તરબોળ થઈ વારંવાર ઉત્કર્ષને મળવા લાગી હતી અને ઉત્કર્ષ જે મારો કોલેજનો દોસ્ત હતો, તે મારા એક ઈશારે પોતાનું બધું કામ છોડીને દોડી આવતો હતો.
હવે તો તેનો જાદુ મારા રોમેરોમમાં વસી ગયો હતો, કારણ કે હવે તે મારી સૂની રાતોનું સુંદર સ્વપ્ન બની ગયો હતો.
''મારી મુંબઈમાં બે દિવસની મીટિંગ છે... તું આવીશ?'' ઉત્કર્ષે ચેટ કરતાં મને પૂછયું.
''નેકી ઔર પૂછપૂછ.'' મેં ઉત્સાહિત મને કહ્યું.
''તો પછી પેકિંગ કરી લે.''
''રવિને પૂછવું તો પડશે જ.'' હું અચાનક વિચારતાં બોલી.
''અરે, કોઈ પણ બહાનું કાઢી લે મારી જાન. જેમ હું મારી પત્નીને પટાવું છું, તેવું જ તું પણ કર.''
પછી તેણે ચેટિંગ બંધ કર્યું અને હું પણ મારી બેગ પેક કરવા લાગી.
હું હજુ પણ એ જ દુવિધામાં હતી કે રવિને શું કહું ત્યાં જ રવિનો ફોન આવ્યો. તેમણે કહ્યું, ''સાંભળ, મારે ૪-૫ દિવસ માટે અમેરિકા જવું પડશે. હું જરૂરી પેપરવર્ક કરી રહ્યો છું, એટલે ઘરે નહીં આવી શકું. તું મારી બેગ પેક કરીને ડ્રાઈવર સાથે ઓફિસ મોકલાવી દે અને હા, થોડા ગરમ કપડાં પણ મૂકી દેજે.'' અને વિનો ફોન કપાઈ ગયો.
હું ખુશીખુશી તેની બેગ પેક કરવા લાગી, સ્ટોરરૂમમાં જઈને જ્યારે ગરમ કપડાં કાઢવા લાગી તો અચાનક મારો પગ ત્યાં મૂકેલા સિતાર સાથે અથડાયો. ધૂળ ખાતી એ સિતાર જોઈને મને મારું બાળપણ યાદ આવી ગયું.
ત્યારે હું કલાકો સુધી સિતાર પર રિયાજ કરતી હતી અને મારા પપ્પા ગર્વથી કહેતા હતા. ''સોનલ, જોજે તારો આ શોખ તને બહુ નામના કમાવડાવશે.''
પછી વીતતા સમયની સાથે સિતાર તો પાછળ રહી ગઈ અને હું કદાચ થોડી વધારે જ આગળ નીકળી ગઈ હતી. પોતાનાં મૂલ્યોને નેવે મૂકીને આગળ વધી રહી હતી.
હું અચાનક પરસેવે રેબઝેબ થઈ ગઈ અને ફરીથી રવિ અને ઉત્કર્ષની સરખામણી કરવા લાગી.
રવિનો જેટલો પણ સમય મારા માટે છે, તે માત્ર મારા માટે છે. તે સંપ્ય પર માત્ર મારો જ અધિકાર છે. પણ ઉત્કર્ષ પરિણીત છે અને પોતાની પત્નીની સાથેસાથે તે મારી સાથે પણ સંબંધ બનાવી રાખવા માગે છે, નહીંતર મને આમ મુંબઈ આવવા માટે ના કહેતો અને હું પણ પાગલ છું કે સમજ્યાવિચાર્યા વગર તેની સાથે જવા માટે તૈયાર થઈ ગઈ.
ત્યાં જ મારા મોબાઈલની ઘંટડી વાગી, ''અત્યાર સુધી આવી કેમ નહીં?'' ઉત્કર્ષ ગુસ્સામાં હતો.
''બસ, એમ જ.''
''હું રાહ જોઈ રહ્યો છું.''
''હું નહીં આવી શકું, કારણ કે રવિની મા મારી સાથે રહેવા આવી છે.'' મેં ઉત્કર્ષને જૂઠું કહ્યું અને ફોન મૂકી દીધો.
પછી હું ધૂળ ખાતી સિતારને સાફ કરીને કલાકો સુધી વગાડતી રહી. આવું કરવાથી એવું લાગ્યું જાણે મારા દિલનો મેલ પણ સાફ થઈ ગયો હોય અને હું મનથી શુદ્ધ થઈ ગઈ છું. પછી મનોમન પ્રણ લીધું કે હવે મારે જ આ રોકાઈ ગયેલા સંબંધને ગતિશીલ બનાવવો પડશે.
હું ઊઠીને તૈયાર થઈ અને એ જ ગુલાબી સાડી પહેરી, જે રવિને ખૂબ જ પસંદ છે.
રવિની બેગ લઈને જ્યારે હું તેમની ઓફિસે પહોંચી તો મને અચાનક જોઈને રવિ દંગ રહી ગયા.
પછી કોફી પીતી વખતે મેં અચાનક તેમનો હાથ પકડયો તો તેમણે મને પોતાની બાંહોમાં જકડી લીધી.
''સોરી, હું તને સમય નથી આપી શકતો.'' રવિના અવાજમાં વેદના હતી.
''કંઈ વાંધો નહીં, તમે આટલી મહેનત પણ મારા માટે જ કરો છો ને.'' અને અચાનક મારી આંખો ભરાઈ આવી.
''હું કોશિશ કરીશ કે તને ફરિયાદનો કોઈ મોકો ન આપું.'' તેમણે મારા ગાલ પર એક પ્રેમાળ ચુંબન કર્યું, ''અમેરિકાથી આવીને કોઈ હિલ સ્ટેશન પર જઈશું.'' રવિ આટલું કહીને ચાલ્યા ગયા. તે સમયે હું મનોમન પોતાના પતિનો આભાર માની રહી હતી, જેમણે મને ભટકતા બચાવી લીધી હતી.
હવે મને રવિ ઉત્કર્ષ કરતાં વધારે સારા લાગવા લાગ્યા હતા, કારણ કે રવિ વર્કહોલિક હતા, પણ બેવફા નહોતા. જ્યારે ઉત્કર્ષ તો એકસાથે બે નાવ પર સવાર થવા માંગતો હતો.
પછી હું ઘરે પાછી ફરી ગઈ અને મોડી રાત સુધી સિતાર વગાડતી રહી. હવે મારું મન શાંત હતું અને મારી આંખોમાં અનેક સપનાં તરવરી રહ્યાં હતાં, પોતાની સિતારની અધુરી ટ્રેનિંગ પૂરી કરીને એક સંગીત વિદ્યાલય ખોલવાની અને ગરીબ ઘરની છોકરીઓને નિ:શુલ્ક સિતાર વગાડવાની ટ્રેનિંગ આપવાની.