- તે રાત્રે સાડાબાર વાગે શીલા એકદમ પારદર્શક પીંક નાઈટગાઉનમાં પ્રકાશના રૂમમાં આવી. નાઈટ લેમ્પના ઉજાસમાં તેનો દેહ એટલો સુંદર લાગતો હતો જાણે આરસની મૂર્તિ. પ્રકાશે તેને પલંગમાં હાથ પકડીને બેસાડી અને બંને વચ્ચેના સંબંધોની મર્યાદા તે રાત્રે પૂરી થઈ. શીલાએ પ્રકાશને ચલિત કર્યો, પહેલ તેણે કરી અને મેનકા આગળ વિશ્વામિત્ર ચલિત થઈ ગયા હતા
''પ્રકાશ, હવે અમારી બહુ બદનામી થઈ રહી છે. તું તો પુરુષ છે એટલે તને કંઈ વાંધો નહિ આવે પરંતુ મારી પત્ની શીલા વિશે તો વિચાર કર. મારા વિશે પણ લોકો જાતજાતની વાતો કરે છે. અરે મિત્રો તો મને નપુંસક કહે છે. તું મારા ઉપર મહેરબાની કર અને શીલા સાથેના સંબંધો પૂરા કર. નહિ તો મારે આત્મહત્યા કરવાનો વખત આવશે.''
પ્રકાશની સામે હાથ જોડીને ઊભેલા અનિલની આંખમાં ઝળઝળિયા આવી ગયા અને અનિલની આવી વર્તણુક તથા વ્યવહાર જોઈને તે દંગ થઈ ગયો જેની પત્ની સાથે પોતે સંબંધ બાંધ્યો હતો તે વ્યક્તિ ઝગડો કે મારામારી કરવાને બદલે હાથ જોડીને વિનંતી કરે છે, પોતાની લાચારી દર્શાવે છે. પ્રકાશે કોઈ દિવસ આ ઘડીની કલ્પના કરી નહોતી. છતાં ઉપરછલ્લી રીતે સ્વસ્થ થઈને તેણે કહ્યું, 'જો અનિલ, શરૂઆત તારી પત્નીએ કરી હતી એટલે તુ પહેલા તેને સમજાવ. હું પણ તેને સમજાવીશ. હું તો પુરુષ છું. મને કોઈ ફરક પડતો નથી છતાં તારી ઈજ્જત ખાતર આજથી હું આ સંબંધ પૂર્ણ કરું છું. મારા તરફથી ખાત્રી રાખજે.''
પ્રકાશની વાત સાંભળી અનિલને ધરપત થઈ અને તે ગયો. અને અચાનક પ્રકાશની આંખ સામે ભૂતકાળ તરવરવા લાગ્યો.
મનોચિકિત્સામાં સ્નાતક થયેલા પ્રકાશને એક એક્સપોર્ટ ઈમ્પોર્ટની ફર્મમાં નોકરી મળી. તેના વિભાગમાં જોડાયો તે પૂર્વે જ શીલા ત્યાં કામ કરતી હતી. શીલા તેના કરતા ઉંમરમાં ચાર-પાંચ વર્ષ મોટી હતી. પરંતુ તેનું સૌંદર્ય ૨૦ વર્ષની યૌવના જેવું હતું. માથા ઉપર મોટો ચાંદલો, સેંથીમાં સિંદુર અને લિપસ્ટીકથી રંગેલા હોઠ કોઈનું પણ મન લલચાવી દે તેવા આકર્ષક હતા. પ્રકાશના જોડાયા બાદ તેના કામકાજમાં ફેરબદલ કરીને ઉપરી અધિકારીએ તેને પ્રકાશના હાથ નીચે મૂકી દીધી.
પ્રકાશને તેની ઓફિસમાં પોતાના હોદ્દા સિવાયના પણ અન્ય કામ કરવા અવારનવાર બહાર જવું પડતું અને તે માટે કંપનીની ગાડી મળતી એટલે પ્રકાશ બને ત્યાં સુધી શીલાને પોતાની સાથે લઈ જતો. પ્રકાશ અને શીલા ધીમેધીમે એકમેકના સારા મિત્રો બની ગયા અને પછી તો બંને લંચ પણ સાથે જ લેતા.
એક દિવસ પ્રકાશને ઓફીસના એક મહત્ત્વના કામસર બેંગલોર જવાનું થયું. તે સમયે પ્રકાશે મેનેજમેન્ટને કહ્યું કે, ''એક સ્ત્રી સાથે હોેવાથી સમગ્ર મિશન પૂર્ણ કરવામાં સરળતા રહેશે. તેની વાત સાંભળી મેનેજમેન્ટે શીલાને તેની સાથે જવા આદેશ આપ્યો.
બેંગલોરમાં થ્રી સ્ટાર હોટેલમાં કંપની તરફથી બંને માટે અલગ અલગ રૂમ બુક કરવામાં આવ્યા હતા. ત્રણ દિવસના રોકાણ દરમિયાન કામ માટે ખૂબ ભાગદોડ કરવાની હતી. તેથી તેમણે ટેક્સી પણ બુક કરાવી હતી. પ્રકાશ અને શીલા એકબીજાના સહવાસમાં ખૂબ ઉત્તેજના અને ખુશી મહેસૂસ કરતા હતા. બેંગલોર પણ રોમેન્ટીક શહેર છે. પહેલે દિવસે સાંજે તેઓ સમય મળતા લાલબાગ ફરવા ગયા. ત્યાંના ગ્લાસ હાઉસમાં તેઓ એકદમ પાસે પાસે હાથમાં હાથ પરોવીને બેઠા અને મિત્રતાના સ્થાનેથી એક ડગલું આગળ વધ્યા.
રાતના વેસ્ટ એન્ડમાં ડિનર લઈને તેઓ રૂમ ઉપર પાછા ફર્યા ત્યારે સાડા દસ વાગ્યા હતા. પ્રકાશે શીલાને તેની રૂમ ઉપર છોડતા તે બોલી, ''શું ઉતાવળ છે? આવોને થોડીવાર વાતો કરીએ.''
'શીલા બહુ થાક લાગ્યો છે તથા ઊંઘ આવે છે, મારે તો સુઈ જવું છે.'' પ્રકાશે જવાબ આપ્યો.
શીલાએ તેના મારકણા સ્મિતથી સામે જવાબ આપ્યો અને એક હળવું ચુંબન પ્રકાશના ગાલે કરીને ગુડનાઈટ કહ્યું.
થાકને લીધે પહેલી રાત્રે તે બંને સુઈ ગયા. સવારે આઠ વાગે શીલા તૈયાર થઈને પ્રકાશની રૂમ ઉપર આવી. ત્યારબાદ બંનેએ સાથે નાસ્તો કર્યો અને સાડા નવ વાગે કંપનીના કામે નીકળી પડયા. કામની વ્યસ્તતાને લીધે તેઓ ક્યાંય ફરવા ન જઈ શક્યા. રાત્રે જમીને પછી રૂમ ઉપર પાછા ફરતા હતા ત્યારે શીલા બોલી, ''કાલે રાત્રે મને એકલા બહુ ઊંઘ ન આવી તથા જાતજાતના વિચારો આવતા હતા. મોડી રાત્રે મન થયું તમારા રૂમમાં આવું પણ...'
''તો આવી જવું હતું ને...'' પ્રકાશે મોહક રીતે શીલા સામે જોતા કહ્યું, ''યુ આર મોસ્ટ વેલકમ''
''થેંક્યુ.'' શીલાએ ખુશ થઈને કહ્યું. તે રાત્રે સાડાબાર વાગે શીલા એકદમ પારદર્શક પીંક નાઈટગાઉનમાં પ્રકાશના રૂમમાં આવી. નાઈટ લેમ્પના ઉજાસમાં તેનો દેહ એટલો સુંદર લાગતો હતો જાણે આરસની મૂર્તિ. પ્રકાશે તેને પલંગમાં હાથ પકડીને બેસાડી અને બંને વચ્ચેના સંબંધોની મર્યાદા તે રાત્રે પૂરી થઈ. શીલાએ પ્રકાશને ચલિત કર્યો, પહેલ તેણે કરી અને મેનકાના રૂપ આગળ વિશ્વામિત્ર ચલિત થઈ ગયા હતા તો પ્રકાશનો શું વાંક?
બીજે દિવસે સવારે જ્યારે શીલા ઉઠી ત્યારે નવ વાગવા આવ્યા હતા. પ્રકાશ ઉઠીને બારીમાં ઊભો હતો. શીલા તેની પાસે પહોંચી એટલે તેણે સ્મિત કર્યું. શીલાએ મૌન તોડતા કહ્યું કે, ''તમે એમ વિચારતા હશો કે હું પરિણીત છું છતાં તમારી સાથે કેમ આગળ વધી. તો મારે તમને કહેવું છે કે મેં ગઈકાલ રાત સુધી આ શરીર ફક્ત મારા પતિ અનિલને જ સોંપ્યું હતું. અમારું લગ્નજીવન પણ સંતોષપ્રદ છે છતાં જ્યારથી તમે મને મળ્યા છો ત્યારથી હું તમને પ્રેમ કરવા લાગી હતી. અને પ્રેમમાં અંતિમ તબક્કો શારીરિક મિલનનો હોય છે.
પ્રકાશ એકદમ અવાક થઈને શીલાને સાંભળતો રહ્યો. શીલાએ સ્વયં શરૂઆત કરી હતી અને પ્રકાશ તેમાં તણાઈ ગયો હતો.
ત્રણ દિવસ બાદ તેઓ પાછા ફર્યા ત્યારે તેમના ચહેરા ઉપર અનોખી ચમક હતી. પ્રકાશ અવિવાહિત હોવાથી ફ્લેટમાં એકલો રહેતો હતો. હવે શીલા અવારનવાર તેના ફ્લેટમાં આવતી. અને બંને વચ્ચે પતિ-પત્ની જેવો સંબંધ ક્યારે સ્થપાઈ ગયો તેની સમજ પ્રકાશને પણ ન થઈ.
જોકે થોડા મહિનાઓ બાદ દેશમાં રહેતા મા-બાપની ખુશી માટે પ્રકાશને લગ્ન કરવા પડયા. પરંતુ તે પત્નીને મા-બાપ પાસે મૂકીને આવ્યો. પ્રકાશ અને શીલાના સંબંધને પાંચ વર્ષ થયા તે દરમિયાન પ્રકાશ પણ બે સંતાનોેનો પિતા બન્યો. પરંતુ શીલાનો ખોળો ખાલી રહ્યો હતો.
શીલાની વાતો ઉપરથી પ્રકાશને ખબર પડી હતી કે અનિલ એક ઉત્તમ પતિ છે તથા તે સેક્સમાં પણ એક ઉત્તમ પાર્ટનર છે. પરંતુ માત્ર એક બાળકની ખોેટ હતી. પહેલા તો શીલાએ પોતાની તબીબી તપાસ કરાવી પરંતુ રિપોર્ટ્સ બધા નોર્મલ આવ્યા. પછી અનિલનું પરીક્ષણ કરાવતા ખબર પડી કે તે બાળક આપી શકવા સમર્થ નથી અને જ્યારે પ્રકાશ શીલાના જીવનમાં આવ્યો ત્યારે તે આ બધી તાણમાંથી પસાર થતી હતી.
તેમના સંબંધોની વાતો અનિલ સુધી પહોંચી હતી. એક વખત અનિલ બહારગામ ગયો હતો ત્યારે પ્રકાશ શીલાના ઘરે ગયો હતો અને કંઈક કારણસર અનિલ બહારગામથી તે જ દિવસે આવ્યો ત્યારે તેણે બંનેને સહશયન કરતા જોયા. તે એકદમ ઘરની બહાર નીકળી ગયો તથા એક દિવસ હોટેલમાં રહીને પછી ઘરે ગયો. બીજે દિવસે બંને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો અને પરિણામસ્વરૂપ તે પ્રકાશની સાથે વાત કરવા તેના ઘરે ગયો.
પ્રકાશે બીજે દિવસે શીલાને મળીને અનિલ સાથેની મુલાકાત વાત કરી તથા કહ્યું કે, ''શીલા તે એક સજ્જન વ્યક્તિને આજ સુધી છેતરીને તેની સજ્જનતાનો દુરુપયોગ કર્યો છે. હવે હું આમ નહિ કરું તેથી હવે આપણે છૂટા પડીએ છીએ.''
'ના, પ્રકાશ હું તારા વગર નહિ જીવી શકું.'' શીલાએ રડતા રડતા કહ્યું.
'આપણે જે કંઈ કર્યું તે ખોટું કર્યું. આનાથી ત્રણ જિંદગી બરબાદ થઈ રહી છે. તારા પવિત્ર દામ્પત્યજીવનમાં તે આગ લગાડી. મારી સાથેના સંબંધની શરૂઆત પણ તે કરી હજી અટકવાનો સમય છે.
નહિ તો જે વાત તારા પતિને ખબર છે તે મારી પત્ની તથા બાળકોને ખબર પડશે તોે મારા ઘરમાં પણ આગ લાગશે. અને પછી તો આપણને પસ્તાવો કરવાનો પણ વખત નહિ રહે. તેથી જ આપણે અહીંથી પોતપોતાના જીવનમાં પાછા ફરીએ.
''ના પ્રકાશ, ના... હવે એમ નહિ કરાય. હું મરવાનું પસંદ કરીશ. પણ તારા વગર એક પળનું જીવન પણ હું નહિ જીવું.''
''પાગલ નહિ બન શીલા,' પ્રકાશે શીલાને હલબલાવતા કહ્યું, 'આપણે જુદા થવું જ પડશે, અને આપણા સંબંધોને હૃદયમાં દાટી દેવા જ પડશે.''
આ બધી ચર્ચાઓ છેલ્લા બે-ત્રણ દિવસથી પ્રકાશ અને શીલા વચ્ચે પ્રકાશના ઘેર ચાલતી હતી ત્યાં એકદિવસ અચાનક પ્રકાશની પત્ની પણ દેશમાંથી બાળકો સાથે ફરવા આવી અને તેણે શીલાને પતિ સાથે જોઈ. દેશમાં તેને પણ પતિની ચલગતના વાવડ મળ્યા હતા. તેથી શીલાને જોઈને તે વિફરી તથા બંને વચ્ચે ખૂબ ઝઘડો થયો.
પ્રકાશે બીજે જ દિવસે નોકરીમાંથી રાજીનામું આપી દીધું તથા પત્ની-બાળકોને લઈને કાયમ માટે માતા-પિતા સાથે રહેવા જતો રહ્યો. થોેડા પ્રયત્નો બાદ ત્યાં તેને સારી નોકરી મળી ગઈ. અને તે પોતાના કુટુંબ સાથે હસી-ખુશી રહેવા લાગ્યો.
પ્રકાશ જતો રહેવાથી શીલાનું જીવન દુ:ખી થઈ ગયું. તેણે પણ નોકરીમાંથી રાજીનામુ આપી દીધું. બાદમાં તેના પતિની બદલી થતા તે પણ અન્ય શહેરમાં ચાલી ગઈ. પ્રકાશ અને શીલા ત્યારબાદ ક્યારેય મળ્યા નથી.


