Get The App

વાર્તા : વાતનું વતેસર .

Updated: Apr 6th, 2026

GS TEAM

Google News
Google News
વાર્તા : વાતનું વતેસર                                          . 1 - image

- મિતા તો સ્પષ્ટ આગ્રહ  રાખતી હતી કે છોકરો સારું ભણેલો-ગણેલો હોય, એ ઉપરાંત સારી નોકરી પણ કરતો હોવો જોઇએ. પણ સારા છોકરાઓ ભાગ્યે જ હાથ લાગતા હોય છે. સારી નોકરી કરતા છોકરી પણ વધારે અભ્યાસ કરેલી અને નોકરી કરતી છોકરી  માગતા હોય છે. આ સિવાય સારી નોકરી કરતા છોકરાની માગણી પણ લાખોના આંકડામાં રહેતી હોય છે.

''હેલો......., ના, ના........, અમારી ફિકર રાખવાની કોઇ જરૂર નથી.......તું અને આકાશ કેમ છો, એ કહે......આકાશને બોલાવ, તેની સાથે પણ થોડી વાત કરું......એમ? અત્યારમાં બહાર જતો રહ્યો છે? પલક તેના સાસરે મજામાં છે. તારે એની ફિકર કરવાની જરૂર નથી, બેટા! અહીં કંઇ એવું અંધેર નથી કે ગમે ત્યારે. ગમે તેને સળગાવી મુકાય તારો પત્ર મળ્યો કે તરત જ અમે જવાબ લખી નાખ્યો છે. તારા પપ્પા એ સ્પષ્ટ લખ્યું છે કે પલક મજામાં છે અને અહીં અમે થોડાં મરી પરવાર્યા છીએ? તારું કામકાજ કેમ ચાલે છે? પારકો દેશ છે બેટા, બેઉ તબિયત જાળવીને રહેજો....... આવજે..........''

 એવું લાગે છે. તેની પડોશમાં કોઇ મદ્રાસી રહેતું હશે, એટલે આજે તેણે ઇડલી બનાવી છે તેમ કહેતી હતી. હા, પણ એ સળગાવી મૂકવાની શી વાત કરતી હતી? પલકને કંઇ તકલીફ છે?''

''નારે ના બહેન, એવું કશું જ નથી, પણ પેલા અમેરિકાનાં છાપાં અને ટેલિવિઝન વાળા આપણા દેશના આતંક, હુલ્લડ, વહુઓને બાળી  મૂકવાના ને એવા જાતજાતના સમાચાર વધારે આપ્યા કરે એટલે અમારી  મિતા અકળાઇ ઉઠતી હશે. બાકી પલકને તો લીલાલહેર છે. આ તો બેઉ બહેનો વચ્ચે વધારે પડતી માયા ખરીને,  એટલે મિતા ભારતના આવા સમાચાર જોઇ-વાંચીને ગભરાઇ જાય. ''તે હમણાં પાછી દેશમાં આવવાની કશી વાત કરે છે કે નહીં? મેં તો તેને કહી જ દીધું છે કે જ્યારે દેશમાં આવવાની હોય, ત્યારે બીજું કંઇ નહીં લાવે તો ચાલશે પણ મારા છેલ સાટુ ફોરેનના રમકડાં ભૂલ્યા વિના લેતી આવજે. 

''ઠીક ત્યારે, હું નીકળું બહેન! અમારી મિતાના પપ્પા ઉભડક મને રાહ  જોતા હશે. હજી તો બારણામાં પગ નહીં મુકું ત્યાં પૂછશે કે દીકરી શું કહેતી હતી?'' મિતાની બાએ કંચન બહેન પાસેથી જવાની અનુમતિ માગી.

મિતાની બાને  એક રીતે દીકરી પ્રત્યે થોડો અણગમો એટલા માટે જાગતો હતો કે એ છોકરી વિનાકારણે પલકની ચિંતા કરીને પરેશાની ભોગવતી હતી......તે વિચારતાં, 'એ તો ઠીક છે કે અહીં માત્ર કંચન બહેન જ હતાં. બીજું કોઇ હોય, તો ઘડીના છઠ્ઠા ભાગમાં ફોનવાળી સળગાવી મૂકવાની વાતનું વતેસર  કરી નાખ્યું હોય અને એ વાત જોતજોતામાં તો જંગલ દવની પેઠે આખી કૉલોનમાં ફેલાઇ ગઇ હોય, તો શું થાય!'

મોટી બહેન અમેરિકામાં સ્થિર થઇને નોકરી કરે છે અને પોતાની મરજી મુજબનું સ્વતંત્ર જીવન જીવે છે. એજ બાબત પલકના અસંતોષ રહ્યા કરતો. પોતાનાં સાસરિયાં અને પલક લગભગ હંમેશા  નારાજી જ પ્રગટ કરતી, ''સાસુ આવા સ્વભાવના છે ને તેવા સ્વભાવના છે, દરેક નાની નાની બાબતની પણ લીધી  લત મૂકતાં નથી. ફોન પણ કરવા નથી દેતાં, દરેક પગલે આમ કરો અને તેમ  ન કરોની ટક-ટક અટકે જ નહીં. ' પણ પલક શા માટે અમેરિકા ન ગઇ? જ્યારે મિતા કેટલીય રાતોના ઉજાગરા કરીને અવિરત અભ્યાસનું વાંચતી, ત્યારે પલક ઉંઘવામાંથી ભાગ્યે જ નવરી પડતી. વાર્તાઓ-નવલકથાઓ વાંચવાનો ચસકો તો પાછો અલગ! માંડ કરીને કૉલેજનું ફર્સ્ટ ઇયર પાસ કર્યું, પછી તો લગ્ન ગોઠવાય ત્યાં સુધી એક પ્રવૃત્તિ તરીકે જ તેણે  આગળ અભ્યાસ ચાલુ રાખ્યો હતો.

મિતા તો સ્પષ્ટ આગ્રહ  રાખતી હતી કે છોકરો સારું ભણેલો-ગણેલો હોય, એ ઉપરાંત સારી નોકરી પણ કરતો હોવો જોઇએ. પણ સારા છોકરાઓ ભાગ્યે જ હાથ લાગતા હોય છે. સારી નોકરી કરતા છોકરી પણ વધારે અભ્યાસ કરેલી અને નોકરી કરતી છોકરી  માગતા હોય છે. આ સિવાય સારી નોકરી કરતા છોકરાની માગણી પણ લાખોના આંકડામાં રહેતી હોય છે.

લોકોની ધારણા અનુસાર પલકને આટલું સમૃધ્ધ કુટુંબ સારા નસીબે  જ મળી ગયું હતું. છોકરો પણ સારું ભણેલો અને નરમ સ્વભાવનો હતો. તેના પિતાને કાપડનો  જથ્થાબંધ વ્યવસાય હતો. હેમેન્દ્રે બી.કોમ. પાસ કરી લીધા પછી તેને દુકાનના  કામમાં જ બેસાડી દીધો હતો. દુકાનમાં નોકર-ચાકર, વાણોત્તર-ગુમાસ્તાઓ તો ઘણા હતા, પણ દેખરેખનું એટલું દબાણ રહેતું કે બાપ-દીકરો બંને આખો દિવસ કામમાંથી ભાગ્યે જ મો  ઊંચું કરી શકતા હતા.

પત્નીને પાછી આવતી જોતાંવેત જ મિતાના પિતાએ આતુરતાથી પૂછ્યું. ''આપણી દીકરી શું કહેતી હતી?''

''ખાસ કશું નહોતું. તેના કાગળનો હજી જવાબ કેમ નથી લખ્યો. તેની પૂછપરછ કરતી હતી. એ સિવાય આપણી તબિયતના સમાચાર પૂછતી  હતી. પલકની તેને સતત ચિંતા રહે છે એમ પણ કહેતી હતી. મને કહે કે તેનાં સાસરિયાં તેને શા માટે ફોન પણ નથી કરવા દેતા?''

''આ બધાં એ પલુના જ કારસ્તાન છે. સાચું ખોટું મનમાં આવે તે બધું જ ભરડયા કરતી હોય છે. આ વખતે  મળે એટલી વાર છે, તેની બરાબર ખબર લઇ નાખીશ. અમેરિકા ફોન કરવાનું બિલ કેટલું બધું આવે, એનું કશું ભાન તેને છે?''

''પછી કહેતી હતી કે ટીવી પર સમાચાર અપાયા હતા કે આખા દેશમાં થઇને એક જ રાતમાં એક ડઝન વહુઓને સળગાવી મૂકવાનો વિક્રમ વટાવી દેવામાં આવ્યો છે, તેની સાચી હકીકત શી છે?''

મિતાના પિતા થોડી ક્ષણ ચૂપ રહ્યા પછી ફરી  આગળ બોલ્યા, ''પલક તો જેવી છે, તેવી છે જ, પણ મિતાએ ત્યાં  બેઠી બેઠી તેને ભડકાવતી રહે છે, એ માટે આ વખતે મેં તેને કડક પત્ર પણ લખી નાખ્યો છે. ભલા માણસ, કશાય વાંકગુના વિના તે કાંઇ સાસરિયાં તેને સળગાવી મૂકે? 

વળી એક રાતી પાઇ પણ દહેજ તરીકે લેવાની તેમની ચોખ્ખી ના જ હતી. હા, સાસુ તેની વહુને પોતાના કાબૂ બહાર જવા નથી દેતી, એટલી જ વાત છે એ તો ખૂબ જ સ્વાભાવિક છે. ''

''આકાશ જોડે કંઇ વાત થઇ?'' વૃધ્ધ પિતાએ પોતાની પત્નીને સવાલ કર્યો.

''ના, મિતા કહેતી હતી કે એ ક્યાંક બહાર ગયો છે,''  મા એ જવાબ આપ્યો.

''મને કંઇ ગોટાળો લાગે છે. તેના પત્ર પણ હવે  આવતા બંધ થઇ ગયા છે અને ફોન પર પણ વાત નથી કરતા'' વૃધ્ધ  પિતાએ કહ્યું.

આકાશ અને મિતાનાં લગ્નની ઘણા સમયથી વાત ચાલતી હતી. આકાશ એમ.એસ. પુરું કરીને એક પ્રોજેક્ટમાં વ્યસ્ત હતો. પણ એ જ યુનિવર્સિટીમાં  મિતાનું એડમિશન થઇ ગયું હતું. એ દરમિયાન જ તેમનાં લગ્ન થઇ ગયાં. થોડા મહિના બંને એક સાથે યુનિવર્સિટી હોસ્ટેલમાં જ રહ્યાં. પછીથી સારી  નોકરી મળી  એટલે આકાશ ન્યુપોર્ટ ચાલ્યો ગયો.  આ સમય દરમિયાન બંનેના અલગ અલગ પત્ર અને ફોન આવતા હતાં. ત્યારબાદ તો એમ.એસ. પૂરું કરીને મિતા પણ ન્યુપોર્ટ પહોંચી ગઇ. મિતાને પણ ત્યાં સારી  નોકરી મળી ગઇ. આમ છેલ્લા બે વર્ષથી એ લોકો અમેરિકામાં હતાં.

મિતાની બા નાના જમાઇથી સંતુષ્ટ હતી. બલકે ક્યારેક  ક્યારેક તો તેના પર તેને દયા પણ આવી જતી. પલકતો એક વખત અહીં જ તેની સાથે ઝઘડો કરી બેઠી હતી, ત્યારે એ બિચારો કહેતો હતો, ''માજી! મારે ક્યાં નોકરી કરવી, એ તમે જ કહો,  વળી, મારે નોકરી કરવાની જરૂર જ શી છે? ઘરનો આટલો મોટો ધંધો મારે જ માથેે નથી?  બાપુજીએ પણ હવે ધીમે ધીમે તમામ કામનો બોજો મને સોંપવાનું શરૂ કરી દીધું છે. પલક હંમેશા કહ્યા કરતી હોય છે પણ હું ડૉક્ટર કે ઍન્જીનિયર ન હોવાથી અમેરિકામાં મને કોણ નોકરીએ રાખે? તમે જ કહો!''

''કેમ? દીદી તો કહેતી હોય છે કે ત્યાં એકાઉન્ટની પણ ઘણી જ ડિમાન્ડ છે.'' પલકે વચ્ચે પડતાં કહ્યું.

''ભલે, જો એમજ હોય, તો તું  મારાં બધાં સર્ટિફિકેટ દીદીને મોકલીને મારા લાયક કોઇ નોકરી ગોઠવી આપવાનું જણાવજે. ''

''પણ બા-બાપુજી તમને જવા દેશે ?'' પલકે શંકા રજૂ કરતાં કહ્યું.

''નહીં જવા દે તો, તે બંનેને પણ સાથે  લઇ જઇશું. અને બાપુજીને ત્યાં જઇને કાપડની દુકાન કરાવી આપીશું.'' હેમેન્દ્ર બોલ્યો. 

''તમે અમેરિકા જઇ રહ્યા. કાપડની દુકાન સિવાય કશું સૂઝતું જ ન હોય, છતાં અમેરિકા નોકરી કરવા જવું છે!'' પલક સહેજ ગુસ્સાથી બોલી.

''ચાલો, એ તો વખત આવ્યે જોઇ લેવાશે. અત્યારે માજી સામે  ઝઘડવાની જરૂર નથી''

મિતાનો  ફોન  આવ્યોને લગભગ દસ દિવસ  વીતી ગયા હતા. સવારનો સમય હતો. મિતાના પિતા વરંડામાં બેસીને અખબાર વાંચતા હતા, એ વખતે તેમના મકાન સામે એક કાર આવીને અટકી તેમાંથી એકલા હેમેન્દ્રને જ નીચે ઉતરતો જોઇને તે સહેજ ચમક્યા પછીથી તેની વાત સાંભળી તેનુ મન આશંકાથી ઊભરાઇ ગયું.  તેમણે  ફેરવી-ફેરવીને હકીકત કઢાવવા પ્રયત્ન કર્યો, પણ જમાઇ તો બસ એક વાત પોપટની જેમ રટયે જતો હતો કે, ''ફિકર કરવાની કોઇ જ જરૂર નથી. પલકની તબિયત થોડી નરમ થઇ ગઇ છે. એટલે બાપુજીએ તમને તેડવા મને મોકલ્યો છે.''

અંદર જ્યારે પલકની બાને સમાચાર આપ્યા, ત્યારે એમને ગભરાટ  વછૂટી ગયો. તેમણે વિચાર્યું મિતાની વાત માનીને પલકને અહીં લઇ  આવ્યા હોત, તો આ બનાવ  ન બનત' ઝટપટ કપડાં બદલતાં તેમણે પતિને કહ્યું, ''લાગે છે મારી ફૂલ જેવી છોકરીને પેલી ચૂડેલે સળગાવી મૂકી હશે.... ચાલો, પહેલાં પોલીસને  ખબર આપતાં  જઇએ.''

''તારું મગજ તો ઠેકાણે છે ને? વાત પૂરી જોયા-જાણ્યા વિના પોલીસને ખબર આપવાની વાત કેમ  કરે છે?'' પલકના પિતા બોલ્યા.

''પણ પહેલાં જોષી સાહેબને મળતા જઇએ. એ પોલીસ ખાતામાં હોવાથી આપણને યોગ્ય દોરવણી તો આપી શકશે ને?''

પહેલાં ત્યાં જઇને પરિસ્થિતિ તો જોઇ લઇએ કશું ચિંતાજનક નહીં હોય. તું ખાલી ચિંતા કરે છે. 

હેમેન્દ્રની કારમાં બેસતાં પહેલાં, તેમનું મન ઝાલ્યું ન રહેવાથી તે બોલ્યા, ''બેટા હેમેન્દ્ર! પલકને શું થયું છે, એ તમે કહેતા કેમ નથી?''

''માજી! મેં કહ્યું તો ખરું કે જરા પણ ચિંતા કરવા જેવું નથી તમને મારા પર ભરોસો નથી? શહેર પહોંચતાં વાર કેટલી લાગે? તમે તમારી જાતે જ જોઇ લો એટલે સમજાઇ જશે.''

આખરે કાર વેવાઇના બંગલા સામે આવીને અટકી. પલકનાં મા-બાપે મનોમન વિચાર્યું હતું કે કમ્પાઉન્ડમાં માણસોની ભીડ હશે. એકાદ બે પોલીસવાન હશે......એકાદ એમ્બ્યુલન્સ ઊભી હશે...... પણ ત્યાં તો સન્નાટો હતો. કારમાંથી ઝડપભેર ઉતરીને પલકનાં બા લગભગ દોડતાં દોડતાં ઘરમાં દાખલ થયા. અત્યાર સુધી બાંધી રાખેલો  ધીરજનો બંધ તૂટી ગયો હોય. તેમ  આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યાં. બહાર બગીચામાં ઊભેલા નારાયણભાઇના નમસ્તેનો જવાબ દીધા વિના જ એ અંદર દોડી ગયા. કદાચ નારાયણભાઇના  અભિવાદન તરફ તેમનું ધ્યાન  જ નહીં ગયું હોય. બને તેટલી જલદી મુખ્ય દ્વાર વટાવીને અંદર ગયાં, ત્યારે તેમનું અંદરનું દ્રશ્ય અલગ જ જોવા મળ્યું. સાસુના ખભા પર માથું ઢાળીને પલક અધૂક્ડી બેઠી હતી. સાસુનો હાથ પલકના માથા પર ફરતો હતો. સતત રુદનને કારણે પલકની આંખો  લાલધૂમ થઇ ગઇ હતી  એટલું જ નહીં, પણ સૂજી ગઇ હતી. માતાને જોઇને પલક તેને વળગીને ધૂ્રસકે ધૂ્રસકે રડવા લાગી. તેના મોંમાથી રહી રહીને એક ''દીદી'' શબ્દ જ નીકળતો હતો.

આ દરમિયાન પલકના બાપુજી સાથે હેમેન્દ્રના પિતા પણ  અંદર આવી ગયા હતા. તેમણે સહુને બેસાડીને ટૂંકમાં આખી વિગત સમજાવતાં કહ્યું, ''અમેરિકામાં તમારી  દીકરી અને જમાઇ વચ્ચે ઝઘડો થયો છે, તેવા સમાચાર તેમના પડોશમાં રહેતા મદ્રાસી કુટુંબે ફોનથી આજે સવારે આપ્યા. તમારા પડોશના નંબર પર એ લોકોએ પ્રયત્ન કર્યો હતો, પણ કોન્ટેક્ટ ન થયો.

સવારના સવા સાત વાગ્યાનો સમય હતો. પલક એ વખતે બાથરૂમમાં નહાતી હતી. એટલે મેં જ વાત  કરી હતી. પોતાનું નામ તેણે લક્ષ્મી જણાવ્યું હતું. અને પોતાનો નંબર પણ લખાવ્યો છે...... તેનું કહેવાનું એમ હતું કે મિતાને થોડી ઘણી ઇજાઓ થઇ છે, એટલે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, પણ જરાય ચિંતા કરવાની જરૂર નથી. અમે પછીથી પલક પાસે ફોન કરાવ્યો હતો, પણ એ વાતચીત કરવાને બદલે રડયા જ કરતી હતી. હવે તમે જ જુઓ, તેણે પોતાના કેવા હાલ-હવાલ કરી નાખ્યાં છે! મેં તમને અહીં બોલાવી લેવાનો ફેંસલો કર્યો. અહીંથી તમે પોતે પણ ફોન પર વાતચીત કરી શકશો. મિતાની વાત જાણીને તમે ભાંગી પડયા હોત. એટલે પલકની બીમારીના બહાને તમને અહીં લઇ આવવા માટે જ મેં હેમેન્દ્રને મોકલ્યો હતો.''

નારાયણભાઇએ લક્ષ્મીનો અમેરિકાનો સેલફોન નંબર લગાવી ને પોતાના વેવાઇના હાથમાં  ફોન આવ્યો. પહેલો ફોન આવ્યાને અત્યાર સુધીમાં લગભગ પાંચ કલાક થઇ ગયા હતા. લાંબો સમય વાતો ચાલતી રહી. ઘટનાચક હવે સ્પષ્ટ થઇ ગયું હતું.

શનિવારનો દિવસ હોવાથી મિતા અને આકાશ બંને ઘેર જ હતાં. ઘણા દિવસોથી તેમનાં સંબંધોમાં કડવાશ  આવી ગઇ હતી. કોઇ બાબત અંગે મતભેદ પડતાં વાત ઝઘડા સુધી પહોંચી ગઇ હોવી જોઇએ. મિતાના ગળા પર ગળાચીપનાં નિશાન નજરે પડતાં હતાં. તે બે ભાન થઇને  ફસડાઇ પડી એટલે આકાશને કંઇક વહેમ પડવાથી તે બીકનો માર્યો નાસી છૂટયો. આ તરફ મિતાને ભાન આવતાં તેણે એલાર્મ વગાડીને ચોકીદારને ખબર આપી. પડોશીઓની મદદથી તેને હોસ્પિટલે લઇ જવામાં આવી. લક્ષ્મીએ પહેલો ફોેન એ વખતે કર્યો હતો. મિતાએ આજની રાત હૉસ્પિટલમાં જ રહેવાનું છે. આવતી કાલે સવારે તે ઘેર પાછી આવશે, માટે જરા પણ ચિંતા કરવાની જરૂર નથી.

આ બાજુ આકાશે જાતે જ પોલીસમાં ખબર આપી દીધી હતી. ડૉક્ટરોની ભલામણના આધારે મિતા પોલીસની મદદથી પડોશના ઘેર પહોંચી ગઇ હતી ત્યાં તેને ઘેનની ગોળી આપીને સુવાડી દેવામાં આવી હતી. સવારે ફરીથી પોલીસ આવશે. બધો જ આધાર હવે મિતાના સ્ટેટમેન્ટ પર અવલંબે છે.

પલકના સાસરેથી પાછા  ફરતી વખતે નારાયણભાઇએ પલકને પણ તેના માબાપ સાથે મોકલી. ''બિચારીએ આખો દિવસ રડયા જ કર્યું છે, એટલે તમારી સાથે રહેશે તો જલદી સ્વસ્થ થઇ જશે. ત્યાંથી કોઇ ખબર આવશે, તો હું તરત જ જણાવીશ, નહીં તો રાતના હું જાતે જ માહિતી મેળવી લઇશ, પછી સવારે હેમેન્દ્રને મોકલીશ, ત્યારે તમે  લોકો આવીને મિતા સાથે વાત કરી લેજો....''

પલકના પિતાના કાનમાં રહીરહીને લક્ષ્મીએ ફોન પર કહેલા શબ્દો પડઘાતા હતા કે, ''અહીં બે વ્યક્તિઓ વચ્ચેના ઝઘડામાં નાનકડી વાત પણ વિરાટ સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. ભારતની જેમ અહીં સંયુક્ત કુટુંબ ક્યાંય જોવા જ નથી મળતું, તેને કારણે જ આમ બનતું હોય છે.''