- કેતકી ચંદ્રકાંતને બાર વર્ષ પછી પહેલી જ વાર રૂબરૂ જોતી હતી. એ હજી એવો જ હતો, પણ લમણાં પાસેના વાળ થોડા સફેદ થવા લાગ્યા હતા. જેમ માખણના પિંડામાં છરી ઊતરી જાય તેમ છેક અંત:મનમાં ઊતરી જતી. તેમની વેધક નજર, ખાદીના સફેદ કુરતા-પાયજામા ઉપર સિલ્કનું જેકેટ પહેરેલા ચંદ્રકાંતના વ્યક્તિત્વમાં કશો જ ફેર પડયો નહોતો.
પાર્ટીનું આયોજન ખૂબ મોટા પાયા પર કરવામાં આવ્યું હતું. શહેરના સહુથી મોટા વેપારી અજયકુમારે પોતાની નવી ફેક્ટરીના મુહુર્ત વખતે આ પાર્ટી યોજી હતી અને તેમાં શહેરના તમામ નામાંકિત વ્યક્તિઓને નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
બંગલાની વિશાળ લોન મહેમાનોથી જાણે ઊભરાઈ ઊઠી હતી. નયનરમ્ય રોશનીથી વરંડો અને બંગલાની દીવાલો રંગબેરંગી લાગતી હતી. નાના-મોટાં વૃક્ષો અને ફૂલના છોડ ઉપર પણ નાનકડા વાદળી રંગના બલ્બ આગિયાની જેમ ચમકતા હતા. હાથમાં કોલ્ડ ડ્રિંકની ટ્રે લઈને વેઈટરો આમ તેમ દોડાદોડી કરતાં હતા. વાતાવરણમાં સિતારની ધુન ધીમા સ્વરે ગુંજતી હતી. વાતાવરણ ખૂબ સોેહામણું લાગતું હતું. ચારે બાજુ હાસ્ય અને આનંદ લહેરાતા હતા...
આ બધામાં પણ 'પાની મેં ચીન પિયાસી'ની જેમ કેતકીના મનને શાંતિ નહોતી. એ તેના પતિ અજય સાથે મહેમાનોનું સ્વાગત કરવામાં વ્યસ્ત હતી. તેના ચહેરા ઉપર ઔપચારિક હાસ્ય હતું, પરંતુ તેની નજર બેબાકળી બનીને વારંવાર કમ્પાઉન્ડના ગેટ પર જઈને અટકતી હતી. કારણ કે આજના મુખ્ય મહેમાન ચંદ્રકાંત હવે ગમે તે ક્ષણે આવી પહોંચે તેવી શક્યતા હતી.
ચંદ્રકાંત સત્તાધારી પક્ષના આગળ પડતા નેતા હતા. એમનો પક્ષ સત્તા પર આવ્યો ત્યારથી એક પછી એક ધુરંધર નેતાઓને ધૂળ ચાટતા કરી દઈને ચંદ્રકાંતે ઉદ્યોગ અને વાણિજ્ય પ્રધાનપદ હાંસલ કર્યું હતું. જ્યારે તેઓ વિરોધપક્ષમાં હતા ત્યારે પણ વિધાનસભામાં વિરોધી દળના નેતા તરીકે આગળ હતાં. ચંદ્રકાંત જ્યારે વિધાનસભાની બેઠકમાં ગરજી ઊઠતા ત્યારે સત્તાધારી પક્ષને નીચું ઘાલી જવું પડતું હતું. આ કારણે તેમના વિરોધીઓની સંખ્યા પણ બહુ મોટી હતી. તેમના વિરોધીઓએ ઘણીવાર તેમની આબરૂને બટ્ટો લાગે અને તેમને નીચું ઘાલી જવું પડે તેવું કંઈક શોધી લાવવા માટે ખાનગી જાસૂસો પણ પાછળ ગોઠવ્યા હતા.
પણ હોશિયાર જાસૂસ અને ધુરંધર પત્રકારોય ચંદ્રકાંતના દર્પણ જેવા ચોખ્ખા ભૂતકાળમાંથી એક નાનકડો ઘસરકો કરી શકે તેવું પણ કશું શોધી નહોતા શક્યા. તેમની ઓળખ એક કર્મઠ અને ઝઝૂમનાર યોદ્ધાની હતી.
અજયની ફેક્ટરીનો શિલાન્યાસ ચંદ્રકાંતના વરદ્હસ્તે બપોરે થયો હતો. સાંજની પાર્ટીમાં હાજરી આપવા માટે મહામુશ્કેલીથી અજય તેમની પાસે હા પડાવી શક્યો હતો. હવે બધા મહેમાનો તેમની જ રાહ જોતા હતા.
અજય કેતકીનાં લગ્ન થયે બાર વર્ષ વીતી ગયાં હતાં. તેમને બે બાળકો હતાં, જે હોસ્ટેલમાં રહીને ભણતાં હતાં. કેતકી ત્રીસ વર્ષની વય વટાવી ચૂકી હતી, પરંતુ તેણે પોતાનું શરીર ખૂબ જાળવીને રાખ્યું હતું. ભાજી અને નારંગીનો રસ પીને તેણે પોતાના શરીરે ચરબીના થર ચડવા નહોતા દીધા. નિયમિત વ્યાયામ, સ્વિમિંગ અને યોગાસનોને લીધે તેનું શરીર બે બાળકો થવા છતાં સુડોળ હતું.
જરિયાન સાડી પહેરીને તે પાર્ટીમાં ચંદ્રની જેમ સોહતી હતી. બસરાનાં કિંમતી મોતીઓનો હાર તેની સુરાહી જેવી કમનીય ગરદનને વધારે કમનીયતા આપતો હતો. કાન અને હાથોમાં પણ મોતીના મેચિંગ આભૂષણો તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવતાં હતાં...
ચંદ્રકાંત આવી ગયાના સમાચારથી તે ખળભળી ઊઠી હતી. બપોરે શિલાન્યાસ વખતે તો માથાના દુખાવાનું બહાનું કાઢીને હાજર રહેવાનું ટાળી ગઈ હતી. પરંતુ આંગણે આવેલા અતિથિને સત્કારવામાં અત્યારે કેવી રીતે બચી શકે? બાર વર્ષ પહેલાં પોતાના પ્રિયતમની રાહ જોતા ધડકતું હતું, બરાબર તેમ આજે પણ તેનું હૃદય એ જ રીતે ધબકવા લાગ્યું હતું. એ એનો પ્રાણપ્રિય પ્રિયતમ ચંદ્રકાંત જ તો હતો!
વિચારોમાં ડૂબેલી તે મહેમાનોનું સસ્મિત સ્વાગત કરતી હતી. એટલામાં સાયરનના અવાજ સાથે ઝંડો ફરકાવતી કાર ઝાંપે આવીને ઊભી રહી ગઈ. પ્રધાનશ્રીના સ્વાગત માટે અજયની સાથે મહેમાનો પણ મુખ્ય દરવાજા તરફ આગળ વધ્યા. કેતકી જાણીજોઈને થોડી પાછળ રહી હતી. તેના હૃદયના ધબકાર તીવ્ર બની ગયા હતા... તે ચંદ્રકાંતનો કેવી રીતે સામનો કરી શકશે? તેના ચહેરાના બદલાતા ભાવ ઉપર તે કાબૂ રાખી શકશે? બાજુમાંથી પસાર થતા વેઈટરને રોેકીને તેણે ઠંડા પાણીનો ગ્લાસ ઉઠાવી લીધો અને એક શ્વાસે તે ગટગટાવી ગઈ. ધીમે ધીમે તેના ધબકારા સામાન્ય થઈ ગયા અને તેનામાં હિંમત આવતી પણ તેણે અનુભવી લીધી.
એટલામાં સામે ભીડથી ઘેરાયેલાં ચંદ્રકાંત આવતા દેખાયા. કેતકી તેમને બાર વર્ષ પછી પહેલી જ વાર રૂબરૂ જોતી હતી. એ હજી એવા જ હતા, પણ લમણાં પાસેના વાળ થોડા સફેદ થવા લાગ્યા હતા. જેમ માખણના પિંડામાં છરી ઊતરી જાય તેમ છેક અંત:મનમાં ઊતરી જતી. તેમની વેધક નજર, ખાદીના સફેદ કુરતા-પાયજામા ઉપર સિલ્કનું જેકેટ પહેરેલા ચંદ્રકાંતના વ્યક્તિત્વમાં કશો જ ફેર પડયો નહોતો. હા, પહેલાં એ ચશ્મા નહોેતા લગાવતા પણ હવે સોનેરી ફ્રેમનાં ચશ્માં તેના વ્યક્તિત્વને વધારે ઓપ આપતાં તાં. હજી આજે પણ તે પોતાના વ્યક્તિત્વ સામે ગમે તેના વ્યક્તિત્વને ઝાંખુ પાડી દેવાની અદ્ભૂત શક્તિ ધરાવતાં હતા!
''આમને મળો, સર! આ મારી પત્ની કેતકી...'' અજયનો સ્વર સાંભળીને અન્ય કોઈના અભિવાદનનો જવાબ દેતાં ચંદ્રકાંતે ફરીને જોયંું તો સામે કેતકીને જોેતાની સાથે જ ક્ષણભર માટે તે અવાક્ બની ગયા. ક્યારેક કેતકી સાથે આમ અચાનક મુલાકાત થશે એવી તો તેને કલ્પના પણ નહોતી, જો કે હવે એ પહેલાનાં ભાવુક ચંદ્રકાંત નહોતો રહ્યા, આથી રાજકારણના ચતુર ખેલાડીની જેમ ચહેરાના ભાવો છુપાવતાં તેને ખૂબ જ ફાવી ગયું હતું. તેમણે સ્મિત મઢેલા ચહેરે હાથ જોડયા. તેના જવાબમાં કેતકીએ પણ નમસ્કાર કર્યા અને તેમને સોફા પર બેસવા વિનંતી કરી. ચંદ્રકાંત સોફા પર બેઠા એટલે અજયે કેતકીને સંકેત કરીને ચંદ્રકાંતની પડખે બેસી જવા જણાવ્યું. અને પોતે જુદા સોફામાં બેઠો. એ વખતે કેતકીના મનની સ્થિતિનો અંદાજ લગાવવો મુશ્કેલ હતો. તેણે કદી વિચાર્યું પણ નહીં હોય કે ચંદ્ર સાથે આમ ઓચિંતા મળવાનું બનશે. તેના અણુએ અણુ પોતાના પ્રિયતમને પોેકારતો હતો. તેનો ચંદ્ર અત્યારે તેની સાવ નિકટ હતો પણ એ કેટલી લાચાર હતી! તેને થયું કે જો એકાદ ક્ષણ માટે પણ ચંદ્રને સ્પર્શવાનું મળે તો કેવું સારું! પણ સામાજિક બંધનોના દબાણ હેઠળ એ બાર વર્ષ પહેલાં હતી, તેટલી જ આજે પણ હતી....
..... ત્યારે એ ચંદ્રકાંતને 'ચંદ્ર' જ કહેતી હતી.
ચંદ્ર તેને અંગ્રેજી ભણાવવા આવતો હતો. સાધારણ શિક્ષકનો પુત્ર ચંદ્રકાંત પોતાનો અભ્યાસ પૂરો કરીને નોકરીની શોધમાં બૂટના તળિયા ઘસતો હતો. ધનકુબેર પિતાની એકની એકપુત્રી કેતકીને અંગ્રેજી ભણાવવા માટે તેના એક ઓળખીતાએ ભલામણ કરી હતી. આમ શેલી, કીટ્સ અને બાયરન ભણાવતાં ભણાવતાં ક્યારે એ બંને એકબીજાની દ્રષ્ટિની ભાષા વાંચીને સમજવા લાગ્યા, એનો એ બંનેમાંથી કોઈનેય ખ્યાલ ન રહ્યો.
કેતકીની માતા નાનપણમાં જ ગુજરી ગઈ હતી અને પિતાએ જ માતાની તમામ ફરજો નિભાવી હતી. તેમણે ઘાટઘાટનાં પાણી પીધા હતાં. કેતકી પોતાના ટ્યુટરની રાહમાં કેવી બની ઠનીને રહેવા લાગી છે, નોકરોને દોડાવી દોડાવીને કાજુકતરી, ચમચમ, સમોસાં, કચોરી અને રસમલાઈ જેવી સામગ્રી તેના સત્કારમા પીરસવા લાગી છે, આ બધું પારખી લેવામાં તેમને બહુ વાર ન લાગી. પ્રતિબંધો લાદવાથી દીકરી બળવાખોર બની જવાનો ભય હતો. આથી તેમણે ચૂપચાપ પોતાના લંગોટિયા મિત્ર લીલાધરના યુવાન અને તેજસ્વી પુત્ર અજયની કેતકી માટે પસંદગી કરી લીધી. ચંદ્રકાંતને બે મહિનાનો પગાર હાથમાં પકડાવીને કેતકીના પિતાએ બે હાથ જોડીને કહ્યું કે, તેમની દીકરીનું સગપણ દસેક દિવસ પછી થવાનું થયું છે, તેથી હવે તેને ભણવાની જરૂર નથી.
એક વખત પોતાની શિષ્યાને મળી લેવાનો ચંદ્રકાંતનો આગ્રહ પણ તેમણે ઠુકરાવી દીધો. અપમાનની ભાવના અનુભવતાં ચંદ્રકાંતને પાછા ફરી જવું પડયું હતું. કેતકીએ આખું ઘર માથે લીધું પણ પિતા ટસમના મસ ન તયા. કુટુંબની આબરૂ અને મર્યાદાના સોગંદ આપીને તેમણે કેતકીને વિવશ કરી દીધી. આખરે એ પરણીને સાસરે પણ આવી ગઈ.
અજય એક સારો પતિ પુરવાર થયો. કેતકીનું એ પૂરતું ધ્યાન રાખતો હતો. હનીમૂન માટે એ લોકો સ્વિત્ઝર્લેન્ડ ગયાં. વિદેશી હવામાનમાં અને મનમોહક સ્થળોએ માદક પરિસ્થિતિમાં અજયના બાહુપાશમાં જકડાયા પછી ક્યારેક ચંદ્રનોે ચહેરો તેની નજર સામે આવી જતાં તે ઉદાસ બની જતી. તેને લાગતું કે શરીર અહીં છે, પણ હૃદય તો આજેય ચંદ્રના કદમોમાં છે. બે વ્હાલસોયા બાળકોેની માતા બન્યા પછી પણ એ ચંદ્રને ક્યારેય ભૂલી નહોતી.
ચંદ્રકાંત દિનપ્રતિદિન પ્રગતિ કરતો જતો હતો, તેના સમાચાર છાપામાં તે વાંચતી હતી. એ જાણતી હતી કે પ્રેમમાં સાંપડેલી નિષ્ફળતાની ચિનગારીએ તેનામાં કશુંક કરી બતાવવાનો જ્વાળામુખી પેટાવી દીધો હતો. અત્યારે હવે એ જે સ્થાન પર છે, તેના મૂળમાં પ્રણયની નિષ્ફળતા જ કદાચ ધરબાયેલી હતી, પરંતુ તેણે ભૂલથીયે પોતાના વાણી કે વર્તનથી બંને પક્ષે અતળ પ્રેમ હતો તેની ગંધ સુદ્ધાં કોઈને નહોતી આવવા દીધી.
કેતકીના પતિ જાતે ચંદ્રકાંત માટે ડિશ પીરસી લાવવા માટે ઊભા થઈને ગયા. અન્ય મહેમાનો પણ જમવા માટે આમ તેમ વીખરાવા લાગ્યા હતા. એ ક્ષણે કેતકી અને ચંદ્ર ઘડીભર એકલાં પડયાં.
''કેમ છે કેતુ?'' ચંદ્રનો ધીમો સ્વર જાણે દૂર દૂરથી આવતો હોય તેમ લાગતું હતું. ચંદ્રકાંત કેતકીને કેતુના લાડકા નામે સંબોધતો હતો, તે નામે જ અત્યારે પણ સંબોધી એટલે કેતકીને મનોમન ખાતરી થઈ ગઈ કે ચંદ્રકાંત ક્યારેય તેને ભૂલ્યો નથી. આ સંબોધન સાંભળવા કેતકી કેવી તરફડી હતી. આ ક્ષણ થંભી જાય અને બન્ને એકબીજાની અડોઅડ બેસી રહ્યાં હોય, એમ તેને ઘડીભર મનમાં થઈ આવ્યું.
''કેતકી...!'' જાણે તેની હાલતનો તેને અંદાજ આવી ગયો હોય તેમ ચંદ્રે ફરીથી તેને બોલાવી.
''હું.. હું... ઠીક છું, ચંદ્ર... પણ તમે કેમ છો?''
''મારું પણ ગાડું ગબડયે જાય છે...''
ચંદ્રકાંત વધારે કંઈ બોલે તે પહેલાં જ ભોજન પીરસેલી ડિશ લઈને અજય આવતો દેખાયો, એટલે બંને ચૂપ થઈ ગયાં.
અજયને પોતાનો કાર્યક્રમ જણાવતાં ચંદ્રકાંતે ક્યું કે રાતના સરકીટ હાઉસમાં રોકાણ છે. સવારે પક્ષના કાર્યકરો સાથે મિટિંગ છે. તે પતાવીને પાટનગર જવા નીકળી જવું છે.''
ત્યારે કેતકીએ વિનંતી કરતાં કહ્યું, ''સવારની ચા અને નાસ્તો અમારી સાથે જ લેજોને?'' ''સવારે નવ વાગ્યે કાર્યકરો સાથે મિટિંગ છે, તેથી માફ કરો...'' ચંદ્રકાંતે બે હાથ જોડતાં કહ્યું.
''એથી શું થયું? અમે સાડા સાત વાગ્યે તમારી રાહ જોઈશું.'' કેતકીના અવાજમાં પોતીકાપણું હતું.
ચંદ્રકાંતે, જાણે કોઈ વિકલ્પ ન હોય તેમ કહ્યું. ''ભલે, જેવી તમારી ઇચ્છા..!''
કેતકીના ચહેરા પર ગૌરવભર્યું સ્મિત ચમકી ઊઠયું. આજે પણ ચંદ્ર મારી ઇચ્છાનો અનાદર નથી કરી શકતા. આ ભાવ તેને હર્ષોન્મત્ત કરવા પૂરતો હતો.
રાત્રે અજય ઊંઘી ગયા પછી પણ કેતકી જાગતી જ હતી. વારંવાર તેની આંખો સામે ચંદ્રનો સ્મિત મઢ્યો ચહેરો ઉપસી આવતો... તેનો ધીમો અવાજ પોતાના ચેતાતંત્રને પસવારી રહ્યો હોય એમ લાગતું હતું. કીટ્સના કાવ્યનો રસાસ્વાદ સમજાવતાં કેતકીના બંને હાથ પકડીને, તેની આંખોમાં ડૂબી જતો અને નદીકિનારે ખડક ઉપર કેતકીને બાહુઓમાં ઉઠાવીને નીચે ઊતરતો ચંદ્ર... 'અરેરે, ચંદ્ર! તમારા વિના કેમ જીવી શકશે?' કેતકી તરફડતી હતી. એને થતું હતું કે ચંદ્ર હવે એક ભુલાયેલી વાત બની ગયો છે પણ તેને જોતાં જ અંતરના જખમો ફરીથી તાજાં થઈ ગયાં હતાં. ચંદ્ર તેને આજે પણ એટલી જ ઉત્કટતાથી ચાહે છે, એ તેના હાવભાવથી સ્પષ્ટ થઈ જતું હતું. પોતે પણ ચંદ્રને કેટલી ઉત્કટતાથી ચાહે છે! સમાજનો ડર ન હોત તો એ હમણાં જ દોડીને તેના બાહુપાશમાં સમાઈ જાત...
જેમ તેમ કરતાં સવાર પડી. કેતકીએ નિત્યક્રમથી પરવારીને ચંદ્રને મનગમતા સફેદ રંગનો સલવાર-સૂટ પહેર્યો. ગળામાં પ્લેટિનમની પાતળી હાંસડી અને કાનમાં સાચા હીરાની ઊડીને આંખે વળગે તેવી ચમકદાર બુટ્ટીઓ પહેરી. આ બધાનો સરવાળો કરતાં કેતકીના વ્યક્તિત્વ અને લાવણ્યમાં, ભલભલાના માન મુકાવે તેવું આકર્ષણ ઊભું થઈ ગયું હતું. વર્ષો પહેલાં પોતાના જન્મદિવસે ચંદ્રે ભેટ સ્વરૂપે આપેલ કોલ્હાપુરી ચાંદીનું બ્રેસલેટ કેતકીએ પોતાના જમણા હાથમાં યાદ કરીને પહેર્યું હતું... તેણે ખાસ તૈયાર કરાવેલ ચંદ્રને ભાવતી વસ્તુઓ ડાઇનિંગ ટેબલ ઉપર રુચિપૂર્વક ગોઠવાઈ ગઈ હતી.
રાહ જોતાં જોતાં નવ વાગી ગયા પણ ચંદ્રકાંત ન દેખાયા, એટલે કંઈક વિચારીને કેતકીએ સરકીટ હાઉસ પર ફોન જોડયો. ત્યાંથી કોઈ જવાબદાર વ્યક્તિ બોલતી હતી. કેતકીએ પ્રધાનજી જોડે વાત કરવા માગણી કરી તેના જવાબમાં તેણે કહ્યું, ''સાહેબ તો સવારના પાંચ વાગ્યે પાટનગર જવા નીકળી ગયા.''
કેતકી જાણે ઊંચાઈએથી અચાનક ગબડી પડી. તે માંડ પોતાનો અવાજ કાબૂમાં રાખીને બોલી શકી, ''પણ સવારનો બ્રેકફાસ્ટ અમારે ઘેર લેવાનું ગઈ કાલથી નક્કી હતું. પછી આમ અચાનક શા માટે ઊપડી ગયા?''
''રાતના મેડમનો ફોન આવ્યો હતો. તેમને ભારે ઝાડા-ઊલટી અને તાવ છે. તેથી સાહેબશ્રી તમામ કાર્યક્રમો રદ કરીને તાબડતોબ પાછા ચાલ્યા ગયા...''
''મેડમ એટલે કોણ?'' કેતકીએ મૂંઝવણભર્યા સ્વરે પૂછ્યું.
''તેમનાં પત્ની...!'' જવાબ રૂપે સંભાળતા શબ્દો પીગળેલા સીસાની જેમ કેતકીના કાનમાં રેડાયાં. તેણે ધીમેથી રીસિવર ક્રેડલ પર મૂકી દીધું અને બાજુની ખુરશીમાં બેસી પડી. આંખો બંધ કરી તે સાથે જ તેના વિચારોની વણઝાર વહેવા લાગી. 'તો ચંદ્રકાંત પરણી પણ ગયો અને પત્નીનો અતિ આજ્ઞાાકારી પણ છે. એક જરા જેવી સામાન્ય માંદગીના સમાચાર સાંભળીને સઘળા કાર્યક્રમો રઝળતા મૂકીને પાછો ચાલ્યો ગયો...' સામેની દીવાલ પરના આયનામાં કેતકીએ પોતાનું પ્રતિબિંબ જોયું તો તેને જાણે પરાયું લાગ્યું. એને લાગ્યું કે અચાનક એ કેટલી પ્રૌઢ દેખાવા લાગી છે. કેતકી બરાબર જાણતી હતી કે પોતાની ચોખ્ખી ઇમેજ ખરડાઈ ન જાય એ માટે ચંદ્ર ખૂબ સજાગ હતો. માટે જો તે વારંવાર અહીં આવે તો વિરોધપક્ષો તેના વિશે જાતજાતની વાતો અને અટકળો વહેતી કરે, તેના કરતાં એવી પરિસ્થિતિ જ ઊભી ન થવા દેવી. બસ, એવો જ વિચાર કરીને કદાચ એ પોતાનો કાર્યક્રમ ટૂંકાવીને જતો રહ્યો હશે... તેનો પ્રેમી આવો ડરપોક કદી ન હોઈ શકે, એમ વિચાર કરતાં જ કેતકી ક્રોધથી કંપી ઊઠી.
પછી તરત પોતાની જાતને સંભાળી લેતાં, એકદમ પોતાના વિચારનો પ્રવાહ બદલી નાખ્યો. કેતકીના ઘરની મુલાકાત સામે ચંદ્ર જો તેની પત્નીને વધારે મહત્ત્વ આપતો હોય તો, એમાં પોતાને માઠું લગાડવાની શી જરૂર? 'હું પણ મારા નાનકડા કુટુંબ વચ્ચે કેટલી સુખી છું. તો, ચંદ્રને પણ આવું સુખ પામવાનો અધિકાર છે. હું એની વચ્ચે શા માટે આવું? આમેય હવે અમારી વચ્ચે ક્યાં કશો સંબંધ રહ્યો છે...?'
આવા વિચારો મનમાં આવતાં જ કેતકીના મન ઉપરથી જાણે એક ભારે બોજ ઊતરી ગયો. અનાયાસ તે એક અપરાધભાવથી મુક્ત થઈ ગઈ અને હવે પછી ચંદ્રના વિચારને પણ તેના જીવનમાં ક્યાંય કશું સ્થાન નથી.


