Get The App

વાર્તા : દહેજની દીવાલ .

Updated: Mar 16th, 2026

GS TEAM

Google News
Google News
વાર્તા : દહેજની દીવાલ                                    . 1 - image

- પાછલા 4 દશકોમાં વિશ્વએ વિકાસની ઊંચાઈઓને સ્પર્શ કરી લીધો, પરંતુ સદીઓથી જીવિત રહેલ દહેજના હેવાનના ખૂની પંજાઓના નખોની તીક્ષ્ણતા દીકરીઓનાં માબાપની ઈજ્જતને ફાડી ખાવા માટે જેવી હતી તેવી જ રહી છે, સમાજ બદલાયો, વિચાર બદલાયા, પરંતુ દહેજનો દૈત્ય બદલાયો નથી.

મારી એકમાત્ર એવી દીકરી ઉમા માટે એન્જિનિયર છોકરાનું માગું આવ્યું, ત્યારે છોકરાનો ફોટો અને બાયોડેટા જોઈને મેં ઉજમાની ઈચ્છા જાણવાનો પ્રયત્ન કર્યો. શોખીન, ચુલબુલી અને હંમેશાં કોયલની જેમ ટહુકા કરતી ઉમા માગાની વાત સાંભળીને તદન શાંત જ થઈ ગઈ. ફોટો જેમનો તેમ ટેબલ પર ૨ દિવસ સુધી પડયો રહ્યો. સામાન્ય છોકરીઓની જેમ જ ઉમાએ તેમાં કોઈ જ રસ દાખવ્યો નહીં.

કમ્પ્યૂટર સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલ દીકરી ઉજમા સાથેનું મારું વર્તન હંમેશાં મિત્રતાભર્યું જ રહ્યું છે. ક્યાંક તે મારાથી શરમાઈ કે ગભરાઈ તો નથી રહી ને? પરંતુ આમ બની શકે જ નહીં. જીવનના પ્રત્યેક તબક્કા પરના તેના વિચારો બિલકુલ સ્પષ્ટ છે. તે એટલી પ્રેક્ટિકલ છે કે પ્રત્યેક વાતનું વધતુંઓછું મહત્ત્વ સમજીવિચારીને જ પોતાનાં પગલાં આગળ વધારતી હોય છે. કદાચ અમારી જિંદગીની પરિસ્થિતિએ તેને મજબૂત અને સંપૂર્ણ બનાવી દીધી છે.

''ઉજમા આ છોકરા વિશે તેં શું વિચાર્યું છે?'' ડાઈનિંગ ટેબલ પર રાત્રી ભોજન લેતા મેં પૂછયું.

પરંતુ જવાબમાં એ જ લાંબું મૌન.

''છોકરો સ્માર્ટ છે, સારા હોદા પર કાર્યરત છે, પોતાનું મકાન છે, પગાર પણ સારો છો. તેમ છતાં તું...''

કદાચ મારા અવાજમાંનો અણગમો ઉજમાને ઘોંચાઈ ગયો. આખરે ગુસ્સાભેર બોલી ઊઠી, અમ્મી, શું કોઈ વ્યક્તિના કદકાઠી, ચહેરો અને પે-સ્લિપને જોઈને તેના સ્વભાવ અને દ્રષ્ટિકોણનો આગળ અંદાજ લગાવી શકાય છે? જેની સાથે ક્યારેય વિચારોની આપ-લે જ થઈ ન હોય, જેની પસંદ નાપસંદની જાણકારી જીવનભર રહેવાનો નિર્ણય તરત જ ભલા કેવી રીતે લઈ શકાય?''

''પરંતુ દીકરી, આ જ આપણા ખાનદાનનો પરંપરાગત રિવાજ છે.'' મેં ઉમાના ખભા પર હાથ મૂકીને ધીરેથી કહ્યું.

''લગ્ન એક એડજસ્ટમેન્ટ છે દીકરી. અપરિચિત લોકો સાથે સંબંધ સારી રીતે નિભાવવો એ જ તો માનવીય સમજદારીનો પુરાવો છે.'' મેં મારી દીકરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો.

''અમ્મી, તમે પણ ભણેલાગણેલા હોવા છતાં તમારા માબાપના નિર્ણયને માથે ચઢાવીને એક અજાણ્યા વ્યક્તિ સાથે લગ્ન કરીને દુનિયાદારીનો રિવાજ નિભાવ્યો હતો, પરંતુ શું ખરેખર તમે અબ્દુની સાથે એક દિવસ પણ ખુશ રહી શક્યા છો?''

પરિસ્થિતિનું કડવું સત્ય તીખો સવાલ બનીને તીરની જેમ મારા હૃદયમાં ઊતરી ગયું. મારી દીકરીએ મારા ભૂતકાળના પુસ્તકના કાળાં પાનાં મારી સામે જ ખોલીને મૂકી દીધાં.

ભારે થઈ ગયેલી આંખોની સામે ૨૫ વર્ષ અગાઉના એ નાસૂર જેવા સંબંધો પરેશાન કરનાર દિવસો તરી આવ્યા, જ્યારે મુસ્લિમ સમાજના રીતરિવાજ અને સ્વાર્થી વિચારધારાએ મારી ખુશીઓ અને અરમાનોની કળીઓને પીંખીપીંખીને ફેંકી દીધા હતા...

મેં મારા સોનેરી ભવિષ્યનાં સપનાં નાનપણથી જે પાડોશી મિર્ઝા સાહેબના દીકરા સઈદ અનવર સાથે જોયાં હતાં. પરંતુ યુવાવસ્થાએ પહોંચીને ઊંચા હોદ્દા પર પહોંચતાં જ મિર્ઝા સાહેબે પોતાના દીકરાની બોલી લગાવવી શરૂ કરી દીધી હતી. એક લેટેસ્ટ મોડલની કાર અને રૂ. ૮ લાખ કેશ. મારા નોકરિયાત અમ્બુ ૩ લગ્ન લાયક દીકરીઓના ભવિષ્યને પગલે પૂરી રાત ઊંઘી શકતા ન હતા. મિર્ઝા સાહેબની દહેજની ભારેભરખમ માગણીએ તેમને અંદર સુધી તોડી નાખ્યા. હું પણ આ વાત સાંભળીને દિગ્મૂઢ બની ગઈ.

સઈદને મળીને મારા વાલિદની મજબૂરીઓનો હવાલો આપ્યો, પરંતુ તે નિષ્પ્રાણ બનીને સાંભળતો રહ્યો. મેં રડીરડીને મારી અનહદ મહોબત અને વફાઓનો વિશ્વાસ અપાવ્યો, પરંતુ તેના દિલમાં જરા પણ લાગણી પેદા થઈ નહીં. મેં સ્વયં નોકરી કરીને મિર્ઝા સાહેબની દહેજની માગણીને પૂરી કરવાની હિંમત પણ દર્શાવી, પરંતુ મારાં ડૂસકાં, મારાં આંસુ, મારી યોગ્યતા, મારી સુંદરતા, મારું સઘળું દહેજના બજારમાં ખોટો સિક્કો બનીને રહી ગયું. મારા અબ્બાજાનની ગરીબાઈ કાટમાળ તળે દબાઈ ગઈ મારા સોનેરી અને સુવાસિત સપનાંઓની લાશ.

હારીને અબ્બાજાને મારો પાલવ એક અજાણી વ્યક્તિ સાથે બાંધી દીધો, પરંતુ લાચારી અહીં પણ મારી સાથે જળોની જેમ ચોંટી રહી. દારૂના પેગની વચ્ચે ખોવાઈ ગયા મારા ફૂલગુલાબી અરમાનો. એક જ છત નીચે વર્ષો સુધી સાથે રહેવા છતાં પણ હું શૌહરના પ્રત્યેક ક્ષણે બદલાતા વ્યક્તિત્વને સમજી શકી નહીં, ન તો સ્વયંને ક્યારેય ખોલી શકી. શૌહરના આળસપણાએ મને નોકરીની શોધમાં દરદર ભટકતી કરી દીધી. શંકાશીલ અને આરામપ્રિય શૌહર મારી લોહીપરસેવાની કમાણીને જુગારના અડ્ડાઓમાં દારૂની સાથે પી જતો હતો, પરંતુ મારા મહત્ત્વ અને મહેનતને સ્વીકારવાથી ઈન્કાર કર્યા કરતો. ઉમાના જન્મએ મારી સૂની ગોદ તો ભરી દીધી, પરંતુ મારા હૃદયનો એક ખૂણો હંમેશાં પ્રેમ માટે ખાલી જ રહ્યો.

''અમ્મી.'' ઉજ્માના મીઠા અવાજે મને વિચારોના વમળમાંથી બહાર કાઢી.

''જી, દીકરા.''

''અમ્મી, દરિયો તમારી સામે જ છે અને તમે ટીપાની શોધમાં રણમાં ભટકી રહ્યા છો.'' ઉજ્મા મંદમંદ હાસ્ય વચ્ચે ધીરેથી બોલી.

હું જાણે ભરઊંઘમાંથી જાગી ગઈ.

''તારો ઈશારો ક્યાંક અલતાફ તરફ તો નથી ને?''

''જી.'' કહેતા ઉજ્માએ પોતાની નજર ઢાળી દીધી.

''એક સફળ બિઝનેસમેન રફીક સાહેબના મોટા દીકરા અલતાફ અને તેના સમગ્ર પરિવાર સાથે અમારી મજબૂત મિત્રતા રહી હતી. આ સંબંધ મારા મગજમાં કેમ આવ્યો નહીં?'' હું વિચારવા લાગી.

''તો શું અલતાફ પણ આ સંબંધ બાંધવા તૈયાર છે?'' મેં દાણો ચાંપ્યો.

''જી અમ્મી.'' ઉજ્માનો શરમાળ જવાબ પ્રેમની પૂરી કહાણી સંભળાવી ગયો.

સંબંધની વાતચીત આગળ વધી અને પછી ધામધૂમથી ઉજમા અને અલતાફની સગાઈ થઈ ગઈ. ઉમા પાંખો વિના હવામાં ઊડવા લાગી અને હું અલતાફ જેવો સજ્જન અને હોનહાર જમાઈ મેળવીને ધન્ય થઈ ગઈ. ઉજ્જા અને અલતાફની કલાકો સુધી ફોન પર થતી વાતચીત સોનેરી અને આનંદમય જીવનનો પાયો બાંધવા લાગી હતી, એટલામાં રફીક સાહેબને થયેલા અકસ્માતે તેમની યાદશક્તિ છીનવી લીધી. તેમના તમામ મિત્રો અને સગાંસંબંધીઓ માત્ર કહેવા પૂરતી લાગણી દર્શાવીને પોતપોતાના જીવનમાં ઓતપ્રોત થઈ ગયા. એટલે સુધી કે વ્યવસાયિક ભાગીદાર પણ તેમના પરિવારથી મોં ફેરવવા લાગ્યા. રફીક સાહેબે પોતાની પત્નીબાળકોને પોતાના કારોબાર વિશે કોઈ જ માહિતી આપી ન હતી. થોડા મહિનાઓ બાદ લીધેલી લોન જમા કરવા માટે બેંક તરફથી નોટિસ આવતા રફીક સાહેબના ઘરે જાણે ધરતીકંપ આવી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ. ઊડતાંઊડતાં સમાચાર મારા કાન સુધી આવ્યા કે રફીક સાહેબે ફેક્ટરી શરૂ કરવા માટે બેંક પાસેથી ૧૦ લાખ રૂપિયાની લોન લીધી હતી.

સંબંધ અને માનવીય લાગણીને પગલે હું રફીક સાહેબના લોનના હપતાની રકમ ઘટાડવા અને હપતો ચૂકવવા માટે થોડો વધુ સમય માંગવાના હેતુસર બેંકે પહોંચી. ડીલિંગ ઓફિસરની નેમપ્લેટ સઈદ અનવરનું નામ વાંચતાં જ મારાં પગલાં ક્ષણભર તો રોકાઈ ગયાં. ભૂતકાળની મુશ્કેલીઓની યાદોએ મનમાં વાવાઝોડું પેદા કરી દીધું.

'જે વ્યક્તિ રૂ. ૮ લાખ માટે તારી અત્યંત કીમતી મહોબતને ઠોકર મારી શકે છે, તેની પાસે જ તું મદદ માંગવા જઈ રહી છે? પથ્થર દિલ અને સ્વાર્થી વ્યક્તિ પાસેથી લાગણીની આશા રાખીને પોતાના સ્વાભિમાનને શરમમાં કેમ નાખી રહી છે? તું ઓગળી જનાર માટીમાંથી બનેલી ઈંટ નથી જે મુશ્કેલીઓના પ્રથમ વરસાદમાં જ વહીને જીવનની સુંદર દીવાલને બદસૂરત કરી નાખે. જા પરત ફરી જા.' ત્યારબાદ સઈદનો ચહેરો જોયા સિવાય પરત ફરવા માટે જેવી વળી કે અચાનક સઈદ અનવર્સ પોતાની ચેમ્બરમાંથી બહાર આવી ગયા. મને આમ આકસ્મિક સામે જોઈને આશ્ચર્યમાં પડી ગયા અને પછી નજર ફેરવીને બીજી ગલીમાં વળી ગયા. 

હું ઘરે પહોંચી ત્યારે ઉજ્માએ જણાવ્યું કે, ''અલતાફની અમ્મી તમારી સાથે જરૂરી વાત કરવા ઈચ્છે છે.''

મેં વિચાર્યું કે બેગમ રફીક લગ્નની વિધિઓ વિશે કોઈ ચર્ચાવિચારણા કરવા ઈચ્છતા હશે, પરંતુ ફોન પર તેમની સાથે થયેલી વાતચીતે મારા હૃદયને હચમચાવી નાખ્યું, ''જો તમે તમારી દીકરીના દહેજ પેટે રોકડા ૧૫ લાખ રૂપિયા આપશો ત્યારે જ તેના નિકાહ મારા દીકરા અલતાફની સાથે શક્ય બની શકશે.''

આ શબ્દો સાંભળીને હૃદયમાં એક ચિનગારી ઊઠી અને મારી રાતોની ઊંઘ અને દિવસભરની શાંતિ હણાઈ ગયા.

મેં ઉજમાને બેગમ રફીકે કરેલી દહેજની ગેરવાજબી માગણીની ગંધ સુઘ્ધાં આવવા દીધી નહીં, તેને લાલ રેશમી ડ્રેસમાં સૌભાગ્યવતી બનેલી જોવાની, તેના રેશમી સપનાંઓની, તેના અત્યંત કીમતી પ્રેમ અને સમર્પણની કિંમત હશે રૂ. ૧૫ લાખ? આવા અગધિત પ્રશ્નોના ડોડા ખારા મગજ પર પડવા લાગ્યા.

પાછલા ૪ દશકોમાં વિશ્વએ વિકાસની ઊંચાઈઓને સ્પર્શ કરી લીધો, પરંતુ સદીઓથી જીવિત રહેલ દહેજના દેવાનના ખૂની પંજાઓના નખોની તીક્ષ્ણતા દીકરીઓનાં માબાપની ઈજ્જતને ફાડી ખાવા માટે જેવી હતી તેવી જ રહી છે, સમાજ બદલાયો, વિચાર બદલાયા, પરંતુ દહેજનો દૈત્ય બદલાયો નથી.

પૂરા એક અઠવાડિયા સુધી મગજ કસ્યા બાદ મેં મારી દીકરીના નિર્દોષ સપનાંઓના મહેલને સજાવવા માટે મકાન, ઘરેણાં અને અન્ય કીમતી સામાન વેચીને બેગમ રફીકના લાલચુ મોંને હંમેશાં માટે બંધ કરી દેવાનો નિર્ણય કરી લીધો.

મકાનનો સોદો થતાં ૨ મહિના વીતી ગયા. તે દિવસે મારા માથા પરની છતની કિંમત રૂપિયા ૮ લાખ લઈને જ્યારે હું ખૂબ જ હતાશ થઈને ઘરે પહોંચી ત્યારે ટેબલ પર મૂકેલા સુંદર લગ્નના કાર્ડને જોઈને ચોંકી ગઈ. અલતાફના લગ્નનું કાર્ડ જોતાં જ મારા પગ નીચેની જમીન સ૨કવા લાગી અને રૂપિયાની થેલી હાથમાંથી છૂટીને ફરસ પર વિખેરાઈ ગઈ. દીકરીના વાલિદનું નામ સઈદ અનવર. વર્ષોથી દબાઈ ગયેલી પીડા વિસ્ફોટની જેમ ફૂટે નહીં, તેવું તો કેવી રીતે બની શકે? હું આ વાતને શક્ય બનવા જ દઈશ નહીં અને પછી ઉંઘાડા પગે પગપાળા જ પાગલની જેમ અલતાફના ઘર તરફ દોડતી ચાલી. ખૂબ જ ખરાબ રીતે હાંફતા હજુ તો દરવાજે જ પહોંચી હતી ત્યારે બેઠક રૂમમાંથી આવી રહેલ માદીકરાના ઊંચા અવાજે આંગણામાં જ મારા પગને અટકાવી દીધા.

''અમ્મી, તમે આ લગ્નના કાર્ડ મને પૂછયા વિના જ કેમ છપાવી દીધા?'' અલતાફના ગુસ્સાભર્યા અવાજે રૂમની શાંતિ વેરવિખેર કરી નાખી.

''તો પછી શું હવે ઘરના નિર્ણયો માટે મારે તારી મંજૂરી લેવી પડશે એમ ને?'' અલતાફની અમ્મીનો વિસ્ફોટક અવાજ સંભળાયો.

''બેશક... આ મારા જીવનનો મામલો છે... મારી ઈચ્છા જાણ્યા વિના તમે મારા નસીબનો નિર્ણય કેવી રીતે લઈ શકો છો અને તે પણ એ છોકરી સાથે જેના વિશે મને કોઈ જ જાણકારી તો દૂર, જોઈ સુઘ્ધાં નથી. જેના વાલિદે મને રૂ. ૧૫ લાખમાં ખરીદવાની કોશિશ કરી છે? શું હું તમારી માટે બેંક ચેક છું. જેની પર તમે મનગમતી રકમ લખીને કોઈપણ દીકરીના બાપ પાસે હસ્તાક્ષર કરાવી લો? રૂપિયા, રૂપિયા, રૂપિયા. શું તમારી નજરમાં રૂપિયા જ તમારે માટે સર્વસ્વ છે? દિલોની, અરમાનોની, હૃદયના પ્રેમની, ભરપૂર વફાદારીની તમારી નજરમાં કોઈ જ મહત્તા નથી. મેં ઉમાને પ્રેમ કર્યો છે... અને લગ્ન પણ તેની સાથે જ કરીશ.''

''પરંતુ અલતાફ, જિંદગીની કડવી વાસ્તવિકતાઓની સામે લાગણીઓની કોઈ જ કિંમત હોતી નથી... શું તને ખબર નથી કે આપણે ગળા સુધીના દેવામાં ડૂબેલા છીએ?'' બેગમ રફીકના અવાજની કડકાઈ અલતાફના પ્રેમની છાતી ચીરી ગઈ.

''અમ્મી, આપણા ઘરની સ્થિતિ ભલે ગમે તેટલી ખરાબ કેમ ન હોય, ભલે આપણે ગળા સુધીના દેવામાં ડૂબેલા કેમ ન હોઈએ, હું બીજાના લોહીપરસેવાની કમાણીને દહેજરૂપે લઈને જીવનભર માટે તેની નજરમાં નીચો પડવા નથી ઈચ્છતો... 

મારો આત્મા મારું આત્મસન્માન વેચવાની ચીજ નથી.... સમજી ગયા તમે?'' કહેતા અલતાફે લગ્નના કાર્ડના ટુકડેટુકડા કરીને હવામાં ફંગોળ્યા.

અલતાફનો નિર્ણય સાંભળીને મેં રાહતના શ્વાસ ભર્યા. દહેજના શેતાનનું માથું પોતાના સિદ્ધાંતોથી કચડીને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ રજૂ કરનાર અલતાફ જેવો જમાઈ મેળવીને હું અત્યંત ખુશ થઈ ગઈ હતી.

સંતોષના શ્વાસ લઈને અલતાફના ઘરેથી પરત ફરવા જેવી હું વળી જ હતી કે સઈદ અનવરને મારી તરફ ઉદાસ નજરે એકીટસે જોઈ રહેતા અને પોતાની આંખને લૂછતાં હું જોઈ શકી.