Get The App

વાર્તા : નિર્ણાયક ઘડી

Updated: Feb 9th, 2026

GS TEAM

Google News
Google News
વાર્તા : નિર્ણાયક ઘડી 1 - image

- રાતનું જમવાનું બધા માટે એકસાથે પીરસવામાં આવ્યું, પણ થોેડી મિનિટો પછી રાકેશભાઈ તેમ જ  મીનાક્ષીબહેન પોતાની  પ્લેટ લઈને વરંડામાં ચાલ્યા ગયા. અંદરથી આવી રહેલો શિખા તેમ જ રવિનો હસવા-બોલવાનો અવાજ બંનેને આનંદ આપી રહ્યો હતો. તેમનો પ્લાન ચોક્કસ  સફળ થશે, બંનેના દિલોમાં આ વિશ્વાસ વધવા લાગ્યો.

પોતાની દીકરી શિખાના ૨૩મા  જન્મદિવસની ખુશીમાં  મીનાક્ષીબહેન ઓફિસે ગયા નહીં. મા-દીકરી બંને આખો દિવસ સાથે જ પસાર કરવાની ઈચ્છા ધરાવતા હતા.

વહેલી સવારે બંને મા-દીકરી નજીકના પાર્કમાં વોકિંગનો આનંદ મેળવવા ગયા. પોતાના દિલની વાત એકબીજાને કહેવા-સાંભળવા માટે આ એક સારો મોકો સાબિત થયો.

''શિખા, તારી કંપની ટ્રેનિંગ  માટે તને અમેરિકા ક્યારે મોકલશે?'' સાથે  સાથે ચાલતા મીનાક્ષીબહેન હળવા ચિંતિત અવાજમાં પોતાની દીકરીને પ્રશ્ન કર્યો.

''કદાચ આવતા મહિને. હું વિચારી રહી છું કે ટ્રેનિંગમાં ન જાઉં, મમ્મી.''

શિખાનો અવાજ ગંભીર બની ગયો.''

''એવું કેમ વિચારી રહી છે? ટ્રેનિંગ નહીં લે  તો પ્રમોશન કેવી રીતે મળશે?''

''હું કંપની છોડવાનું વિચારી રહી છું. મમ્મી.''

''બીજે ક્યાંયથી ઓફર મળી છે શું?''

''અત્યારે નહીં પણ મળી શકે છે, પણ...''

''બોલને અટકી કેમ ગઈ?''

''નવી કંપનીમાં મને પગાર સારો મળશે અને પ્રમોશનનો પણ ચાન્સ પણ ત્યાં વધારે હશે, પણ દિલ્હી છોડીને મારે બેંગ્લોર જવું પડશે.''

''ના.ના.'' મીનાક્ષી  તરત જ હેરાન થઈ ગઈ.

''બેંગ્લોરમાં  એકલા રહેવા માટે હું તને રજા નહીં આપું.''

''મમ્મી, સાંભળ તો ખરી, બેંગ્લોર દેશની આઈ.ટી. કેપિટલ છે. વહેલા-મોડા મારી લાઈનની દરેક વ્યક્તિને  ત્યાંથી નોકરી માટે ઓર્ડર મળે છે.''

''પહેલાં લગ્ન કરી લે, પછી જ્યાં જવું હોય ત્યાં  પતિની સાથે જજે.

મારી વિધવા  તરીકેની હિંમત નથી કે તને એકલી બેંગ્લોર જવા દઉં.''

મીનાક્ષીબહેને કઠોર શબ્દોમાં પોેતાનોે નિર્ણય શિખાને સંભળાવી દીધો અને મૌન બની ગઈ.

''હાય, રવિ.''

પોતાની દીકરીના મોંએ અચાનક નીકલેલા આ શબ્દો સાંભળીને મીનાક્ષીબહેને ચોેંકી ઊઠયા અને પોતાની નજર શિખા જોઈ રહી હતી તે તરફ ઘુમાવી.

તેની નજર એક યુવક અને આધેડ ઉંમરની વ્યક્તિ પર પડી. યુવક શરમાતો શરમાતો હસી રહ્યો હતો અને આધેડ વ્યક્તિની આંખોમાં કુતુહલતાનો ભાવ હતો.

નજીક આવ્યા પછી તેમની વચ્ચે પરિચયની આપ-લે થઈ. રવિ શિખાની સાથે કામ  કરતો હતો.  તે પણ  તેના પિતા  રાકેશભાઈની સાથે મોર્નિંગ વોકમાં નીકળ્યો હતો.

શિખા અને રવિ ઓફિસની વાતો કરવા લાગ્યાં. રાકેશભાઈ અને મીનાક્ષીની વચ્ચે યોગ અને તેની રોગ દૂર કરવાની ક્ષમતા અંગે ચર્ચા થવા લાગી.

''ક્યાંક આ બંને વચ્ચે પ્રેમનું ચક્કર તો નથી ચાલુ રહ્યું  ને?'' આ પ્રશ્ન રાકેશભાઈ અને મીનાક્ષીબહેનના મનમાં લગભગ એક સાથે ઉદ્ભવ્યો.

ત્યારે બંને જણાએ પોતાનું એકબીજાના સંતાનોેને ધ્યાનથી જોવામાં લગાવ્યું, કારણ કે તેઓ ભવિષ્યમાં  એકબીજાના જીવનસાથી બને તેમ હતાં.

બંને વચ્ચેની  વાતચીતમાં તેઓનું ખાસ ધ્યાન નહોતું રહ્યું.

મીનાક્ષીબહેનને રવિ સ્વસ્થ, આકર્ષક અને સમજદાર યુવક લાગ્યો. ચશ્માં હતા, પરંતુ આ કારણથી તેમના મનને કોઈ વાંધાજનક લાગ્યું નહીં, ભાવિ જમાઈ તરીકે તે તેને એકદમ 'ફિટ' લાગ્યો.

''છોેકરી થોડી જાડી છે પણ ચહેરા પર તેજ છે. સ્વભાવથી હસમુખી લાગે છે. જો એ રવિને પસંદ હોય, તો મને પણ તેને ઘરની વહુ બનાવવામાં  ઘણી ખુશી થશે.'' રાકેશભાઈને શિખા અંગે નિર્ણય લેવામાં વધારે સમય ન લાગ્યો. 

રાકેશભાઈના પરિવાર  અંગે વધારે જાણકારી મેળવવા ઈચ્છુક મીનાક્ષીબહેને હવે તેમની સાથે વધારે સજાગ થઈને વાતો કરવા લાગ્યાં.

જે છોકરી તેમના ઘરની ભાવિ  વહુ બનીને આવી શકે છે, તેની મમ્મી સાથે સંબંધ સારા બનાવવાના ઈરાદાથી રાકેશભાઈ પણ વાતચીતમાં વધારે રસ લેવા લાગ્યાં.

''તમે બંને બગીચામાં ચક્કર લગાવી આવો. અમે બંને અહીંયા બાંકડે બેસીને વાતો કરીશું.'' મીનાક્ષીબહેનના આ પ્રસ્તાવનો રાકેશભાઈએ તરત જ અમલ કર્યો અને બાંકડા પર બેસી ગયા.

રવિ અને શિખા જ્યારે દેખાતા બંધ થયા ત્યારે મીનાક્ષીબહેને વાતચીતનો દોર આગળ વધારતાં રાકેશભાઈને પૂછ્યું. ''શું રવિ પણ ટ્રેનિંગ માટે અમેરિકા  જાય છે?''

''ના, તે તો બેંગ્લોેરની એક મોટી કંપનીમાં જોડાવાનું ઈચ્છે છે?''

રાકેશભાઈની આંખોમાં દેખાયેલી હળવી ચિંતા મીનાક્ષીબહેને પારખી ગયા.

'શિખા બિલકુલ એમ જ કરવાનું ઈચ્છે છે, પણ હું વિધવા સ્ત્રી એકલી છોકરીને કેવી રીતે દૂરના શહેરમાં મોકલું?''

''શિખાના પપ્પા...''

''જ્યારે તે ૩ વર્ષની હતી ત્યારે માર્ગ અકસ્માતમાં માર્યા ગયા હતા.''

''આઈ એમ સોરી.'' દુ:ખ વ્યક્ત કર્યા પછી રાકેશભાઈએ તેમને ગંભીરતાથી જાણકારી આપી, ''રવિની મમ્મી પણ  હવે આ દુનિયામાં નથી. આશરે ૪ વર્ષ પહેલાં સ્તનકેન્સરના લીધે તે મૃત્યુ પામી હતી. રવિને એક નાની બહેન હતી, પરંતુ ૧૨  વર્ષની ઉંમરમાં તે પણ મગજના તાવનો ભોગ બનીને મૃત્યુ પામી હતી. રવિ અને હું એકબીજાના સહારો છીએ.'' 

''ત્યારે તો  તમારે રવિના લગ્ન ઝડપથી કરવા જોઈએ.''

''તમે સાચી સલાહ આપી રહ્યાં છો. પણ આજના યુવાન છોકરાઓ મા-બાપનું સાંભળે છે જ ક્યાં?'' રાકેશભાઈએ લાંબોે નિ:સાસો નાખ્યો.

''હું પણ મારી શિખાના લગ્ન બાબતે ચિંતા અનુભવું છું. આજકાલ શરીફઅને ઈજ્જતદાર મુરતિયા મહામુસીબતે મળે છે. તેને પોતાના  કરિઅરની ચિંતા છે અને મને તેનાં લગ્નની.''

મીનાક્ષીબહેનની ચિંતાએ રાકેશભાઈના દિલમાં  તેમના પ્રત્યે ઊંડી સહાનુભૂતિ પેદા કરી.

તેઓ બંને પોેતપોતાના દિલની વાત એકબીજાની સાથે ખુલ્લા મનથી તો ન કહી શક્યાં, પણ એકબીજા સાથેના સંબંધ સુધારવાની  ઈચ્છા પ્રગટ કરી શક્યાં. બંનેએ ફરી મળવાની ઈચ્છા પણ વારંવાર કરી.

અચાનક જ મીનાક્ષીબહેનના મોમાંથી નીકળી ગયું. ''આજે શિખાનો જન્મદિવસ છે.''

'વાહ, ત્યારે તો પાર્ટી થઈ  જાય.'' રાકેશભાઈએ પોતાની ઈચ્છા પ્રગટ કરી.

''બિલકુલ , તમે સાંજે ઘરે આવો.''

''હું તો એમ જ મજાક  કરી રહ્યો હતો.''

''ત્યારે હવે ગંભીર બનીને મારું આમંત્રણ સ્વીકારી લો.''

''રવિ આવી જશે.''

''ના. ના, તમારે પણ આવવું પડશે. બાળકોની સાથે સાથે આપણે વડીલોએ  પણ એકબીજા સાથે મળીને રહેવું જોઈએ.

રવિ અને શિખા પાછા ફર્યાં ત્યાં સુધીમાં તો પાર્ટીનો કાર્યક્રમ બિલકુલ પાકો થઈ ગયો. યોગ્ય સમયે પહોંચી જવાના વાયદા સાથે રાકેશભાઈ અને રવિએ તે બંને પાસેથી વિદાય લીધી.

સાંજની પાર્ટીમાં રાકેશભાઈ અને રવિ સમયસર આવી ગયા. ગુલાબનાં ફૂલનો મોટો ગુલદસ્તો ભેટમાં મેળવીને શિખાનો ચહેરો ખીલી ઊઠયો.

આજુબાજુમાં રહેતી શિખાની ૪ સાહેલીઓ પણ પાર્ટીમાં આવી. ડાઈનિંગરૂમમાંથી ખુરશી-ટેબલ હટાવીને ડાન્સ  કરવાની જગ્યા બનાવી દીધી. મ્યુઝિકની સાથે  ઝડપથી ત્યાં નવયુવાનો ડાન્સ કરવા લાગ્યા. મેજ પર સજાવીને  રાખેલું જમવાનું બધા પોતાની ઈચ્છા અનુસાર જમી રહ્યા હતા.

રાકેશભાઈ અને મીનાક્ષી ડ્રોઈંગરૂમમાં બેસીને ગપસપ કરવા લાગ્યાં. રવિ અને શિખાના એકબીજા સાથેના વર્તનને જોવા બંનેને વધારે મજા આવતી હતી. 

રવિ અને શિખા અને એકબીજા સાથે આત્મીયતાથી હસતાં-બોલતાં નહોતાં, આ વાત બંનેના ધ્યાનમાં ઝડપથી આવી ગઈ.

''શિખા પોતાની સાહેલીઓ સાથે વધારે રવિ સાથે ઓછી વાતો કરી રહી છે. લાગે છે કે તે રવિથી કોઈ વાત અંગે નારાજ છે.'' મીનાક્ષીબહેનને ચિંતિંત અવાજમાં રાકેશભાઈએ પોેતાના દિલની વાત કહી દીધી.

''આ છોકરી પણ બિલકુલ બુદ્ધુ છે.'' મિનાક્ષીબહેને થોડો ગુસ્સો આવી ગયો.

''તમે  આવું શા માટે બોલો છો?''

''મેં જ  તેને સમજવી  હતી કે રવિને વધારે બોેલવાની તક આપવા માટે તે થોડી ચૂપ રહે. મને ક્યાં ખબર હતી કે  તે મૂર્ખ બિલકુલ મૂંગી રહેશે.''

થોડો વખત ચુપ રહ્યા પછી રાકેશભાઈએ કચવાતા મને પૂછ્યું, ''મારી એક વાત પૂછતાં  તમને ખોેટું તોે નહીં લાગે ને?''

''બિલકુલ નહીં.'' મીનાક્ષીબહેને તેમને તરત અનુમતિ આપી.

''તમને લાગે છે કે રવિ અને શિખા એકબીજાને પ્રેમ કરે છે?''

તેઓ સારા મિત્ર તો ચોક્કસ છે,  પણ પ્રેમ અંગે કંઈક કહેવું થોડું અઘરું છે.'' મીનાક્ષીબહેને તેમને પોતાનો અભિપ્રાય જણાવ્યો.

''આપણે આ અઘરી બાબતને સરળ ન બનાવી શકીએ.''

''એટલે શું?'' મીનાક્ષીબહેન કંઈ સમજી ન શક્યા.

''મીનાક્ષી, હું મારા દિલની એક વાતને તમને સ્પષ્ટ કહું છું. મને શિખા ગમે  છે. તેને મારા ઘરની વહુ બનાવતાં મને આનંદ થશે.''

''તમારો દીકરો મને પણ પસંદ છે. જો આ બંને લગ્ન કરી લે, તો મારી સૌથી મોટી ચિંતા દૂર થઈ જાય.'' મીનાક્ષીબહેનને આટલું કહેતાં તો ગળે ડૂમો ભરાઈ ગયો.''

''આપણે બંને સાથે મળીને  પ્રયત્ન કરીશું, ત્યારે આવું સહેલાઈથી શક્ય બનશે.''

''આપણે શું કરવું  પડશે?'' મીનાક્ષીબહેને ઉત્સાહિત થઈને પૂછ્યું.

''રવિ અને શિખાને કોઈ ને કોઈ બહાને એકબીજાને મળતા રહે એમ કરીશું.  તેમને સાથે સાથે હસવા-બોલવા, ખાવા-પીવા તેમજ હરવા-ફરવાની તકો મળે એમ કરીશું,  ત્યારે એક દિવસ તેમની વચ્ચે પ્રેમ પાંગરશે.''

'બિલકુલ યોગ્ય રસ્તો બતાવી રહ્યા છો તમે.'' મીનાક્ષીબહેનની  આંખોમાં  પોતાના માટે પ્રશંસાનો ભાવ જોઈને રાકેશભાઈ આનંદિત થઈ ગયા.

તેઓ બંનેએ રવિ તેમ જ શિખાની વચ્ચે પ્રેમના અંકૂર ફૂટે તે માટેની યોજના બનાવી. તે સાંજથી જ યોજના પર અમલ કરવાનું શરૂ કરી દીધું.

રાકેશભાઈએ આઈસ્ક્રીમ ખાવાની  ઈચ્છા પ્રગટ કરી. રવિ બજારમાં જતો હતો તો  મીનાક્ષીબહેને શિખાને તેની સાથે મોકલી દીધી.

રાતનું જમવાનું બધા માટે એકસાથે પીરસવામાં આવ્યું, પણ થોેડી મિનિટો પછી રાકેશભાઈ તેમ જ  મીનાક્ષીબહેન પોતાની  પ્લેટ લઈને વરંડામાં ચાલ્યા ગયા. અંદરથી આવી રહેલો શિખા તેમ જ રવિનો   હસવા-બોલવાનો અવાજ બંનેને આનંદ આપી રહ્યો હતો. તેમનો પ્લાન ચોક્કસ  સફળ થશે, બંનેના દિલોમાં આ વિશ્વાસ વધવા લાગ્યો.

ભવિષ્યમાં પણ તેમણે રવિ અને શિખા એકબીજાને આરામથી મળી શકે તે માટે કેટલીયે યોજનાઓ બનાવી. ટેલિફોન પર વાતો કરીને તેઓ તેમને મળવાનો યોગ્ય અવસર ઊભો કરી દેતા હતા.

મીનાક્ષીબહેનને તાવ આવ્યો ત્યારે રાકેશભાઈ રવિની સાથે ૩ દિવસ  સતત ખબર કાઢવા આવ્યા.

શનિવાર કે રવિવારની સાંજે તેઓ બધા બજારમાં મળતા. શિખા અને  રવિને અણસાર પણ ન આવે એવી મુલવાકાત રાકેશભાઈ અને મીનાક્ષીબહેનની યોજનાના ભાગરૂપે જ થતી હતી.

કોઈપણ આનંદનો અવસર હોય તોે ચારે જણા સાથે જ ડિનર અથવા લંચ લેતા. કોઈ સારી ફિલ્મ આવી હોય તો તેની ૪ ટિકિટો મીનાક્ષી અથવા રાકેશભાઈ મંગાવી લેતા હતા.

એકવાર સવારથી જ સાંજ સુધીનો પિકનિકનો કાર્યક્રમ રાકેશભાઈની ઈચ્છાને ધ્યાનમાં રાખીને બનાવ્યો.

મીનાક્ષીબહેન પોતાના  ઘરે કોઈ ખાસ રસોઈ બનાવતા તો તેને રાકેશભાઈના ઘરે પહોેંચાડવાની જવાબદારી શિખાની રહેતી હતી. તેને પાછી ઘરે મૂકી આવવાની જવાબદારી રવિની જ  રહેતી હતી.

મીનાક્ષીબહેન અને રાકેશભાઈ કોઈને કોઈ બહાને શિખા અને રવિને એકલા મૂકી દેતાં કે ક્યાંક મોકલી દેતા હતાં. બંનેના સંબંધોમાં વધતી ઘનિષ્ઠતા જોઈને તેઓ બંને ઘણા ખુશ થતા હતા.

તેઓ બંનેને વાતો કરવાની  તક પણ આ કારણથી ઘણી મળતી હતી. ઘણા ઓછા સમયમાં જ એકબીજાના ભૂતકાળના  સારા જાણકાર બની ગયા. પોતપોતાના જીવનસાથી વિશે તેમણે  બીજા સાથે ક્યારેય આટલી ખુલ્લા દિલે વાત કરી નહોતી. એકબીજા સાથે સુખ-દુ:ખની વાતો કરવામાં તેમને કોઈ ખચકાટ થતો નહોતો.

કેટલાંક અઠવાડિયાં પછી શિખા અને રવિને બેંગ્લોેરની એક બહુરાષ્ટ્રીય કંપનીમાં સારી જોબની ઓફર એકસાથે મળી. આ તકનો ફાયદો ઉઠાવીને તે બંનને લગ્નગ્રંથિથી જોડવાનો નિર્ણય રાકેશભાઈ અને મીનાક્ષીબહેન સાથે બેસીને કર્યો.

બીજા દિવસે રવિવારની સવારે રવિને સાથે લઈને રાકેશભાઈ મીનાક્ષીબહેનના ઘરે ગયા. શિખા તેમ જ રવિને આ બંનેના પ્લાનની કોઈ ખબર નહોતી.

''શિખા, તે બેંગ્લોર જવા અંગે શું નિર્ણય કર્યો? સવા સરળતાથી રાકેશભાઈએ વાતચીતને યોેગ્ય દિશામાં આગળ વધારી.

શિખા જવાબ આપે તે પહેલાં જ મીનાક્ષીબહેને કહ્યું, ''એ તો  જવા માંગે છે, પણ હુવં તેને એકલી બેંગ્લોર મોકલવા માંગતી નથી.''

''તેને એકલી નહીં, બલકે લગ્ન કરીને બેંગ્લોર મોકલો.'' રાકેશભાઈએ સલાહ આપી.

''શિખાનાં લગ્ન થઈ જાય તો નોેકરી  કરાવવા અંગેના બધા નિર્ણયો તેના પતિ તેમ જ સાસરીવાળાને માટે માથાનો દુખાવો બનશે પરંતુ  મુસીબત એ છે કે આ જક્કી છોકરી લગ્ન કરવા માટે તૈયાર નથી.'' મીનાક્ષીબહેને નિરાશ થઈને કહ્યું.

લગ્ન કરવા માટે 'હા' કેમ નથી પાડતી, શિખા? રાકેશભાઈ શિખાની તરફ  કર્યાં.

''અંકલ, હું મમ્મીને એકલી મૂકીને બેંગ્લોર નહીં જાઉં. તેમની ચિંતામાં ત્યાં મારી તબિયત પણ બગડી જાય. રહી વાત લગ્નની, જ્યારે સારો છોકરો મળશે એટલે તે પણ થઈ જશે.''  શિખાએ હસતાં હસતાં પોતાના દિલની વાત કહી દીધી.

''પપ્પા, આ શિખા ઘણી લાગણીશીલ છોકરી છે. તેને આન્ટીની બહુ વધારે ચિંતા સતાવે છે. એ લગ્ન કરશે ત્યારે છોકરાને  ઘરજમાઈ બનીને રહેવું પડશે.'' રવિએ મિત્રભાવે શિખાની મજાક કરી.

''હું મારી સંભાળ જાતે રાખીશ. માના કારણે દીકરીનાં લગ્ન ટાળી ન શકાય.'' મીનાક્ષીબહેનના  અવાજમાં હળવો ગુસ્સો જોવા મળ્યો.

''હું તમારી સંભાળ રાખવાની જવાબદારીની ક્યારેય અવગણના કરી શકું નહીં.'' શિખાનો અવાજ પણ થોડો તેજ બની ગયો.

''શાંતિ.'' રાકેશભાઈએ પોતાના બંને હાથ હવામાં ઊંચા કર્યાં, ''હું આ સમસ્યાનો  એવો ઉકેલ  જાણું છું કે શિખા બેંગ્લોર પણ જઈ શકે અને ત્યાં તેને તેની મમ્મીની ચિંતા પણ ન સતાવે.''

રવિ, શિખા અને મીનાક્ષીબહેન ખૂબ ધ્યાનથી રાકેશભાઈ હવે શું બોલશે તેની આતુરતાથી રાહ જોવા લાગ્યા.

''મીનાક્ષીની  સંભાળ શિખાની  ગેરહાજરીમાં હું રાખીશ અને...''

''પપ્પા, ૧ મિનિટ.'' રવિએ તેમને  વચ્ચે અટકાવ્યાં, ''કોઈની આમ જવાબદારી લેવાનું કામ સહેલું નથી. કાલે અમારી  ગેરહાજરીમાં તમારે મીનાક્ષી આન્ટી સાથે અણબનાવ બની જાય  ત્યારે શિખા કોની પાસે જવાબ માગશે.''

''રવિ, મીનાક્ષી સાથે મારું સારું બને છે.  અમારી વચ્ચે કોઈ અણબનાવ બની જ ન શકે. તું આ પ્રકારની ચિંતા...''

રવિએ તેમની વાત એકવાર ફરીથી  અધવચ્ચેથી કાપી નાખી અને મીનાક્ષીબહેનને પૂછ્યું, ''આન્ટી પપ્પાનો સ્વભાવ તમને કેવો લાગે છે?  શું તેઓ  તમારી સંભાળ રાખી શકશે, શું  તમારું દિલ તેમના પર વિશ્વાસ મૂકી શકશે?''

''તારા પપ્પા દિલના ખૂબ સારા માણસ છે. જ્યારે પણ જરૂર પડશે ત્યારે હું તેમની ઉપર આંખો મીંચીને વિશ્વાસ રાખીશ.'' મીનાક્ષીબહેને વિશ્વાસપૂર્વક જવાબ આપ્યો.

''અમે તો એમ જ સમજતા હતા કે તમે બંને એકબીજાને પસંદ કરતા નથી.''  શિખાએ  આશ્ચર્યભરી  નજરે રવિ તરફ જોઈને પોતાનો વિચાર રજૂ કર્યો.

''અરે, તમને બંનેને આવો ખોટો વહેમ કેમ આવ્યો?'' રાકેશભાઈ પણ આ વાતથી થોડા પરેશાન દેખાયા.

''અમારી વચ્ચે ક્યારેય કોઈ અણબનાવ બન્યો નથી.  પછી આવો ખોટો વહેમ  તમે બંનેએ શા માટે કર્યો?'' મીનાક્ષીબહેન ચિંતામતાં હોય એમ લાગ્યું.

''વેરી ગુડ.'' રવિ કૂદકો મારીને ઊભો થયો અને ઉત્સાહમાં આવીને બોલ્યો, '' હવે હું પણ તમને જણાવું છું કે પપ્પા શિખા  અને  મારા લગ્નની વાત થોડી વાર પહેલાં જ કરવાના હતા.''

''તને મારી આ ઈચ્છાનુ  અનુમાન હતું?'' રાકેશભાઈ એકદમ ખુશ થઈ ગયા.

''બિલકુલ હતું.''

''મને પણ બિલકુલ હતું.'' હસતી-હસતી શિખા પણ ઊભી થઈને રવિની પાસે જઈને ઊભી રહી.

''અમને એ પણ ખબર છે કે મીનાક્ષી આન્ટી પણ પહેલેથી જ પપ્પાની  ઈચ્છા જાણતા હતા.'' રવિનું હાસ્ય વધારે અર્થપૂર્ણ બનીને રેલાયું.

''પરંતુ તમે બંને આગળ કંઈ પણ કહેતાં પહેલાં જરા આ તસવીર પર નજર નાખી લો.'' પોતાના પર્સમાંથી કાઢીને શિખાએ એક તસવીર રાકેશભાઈને પકડાવી દીધી.

તસવીર પર રાકેશભાઈ અને મીનાક્ષીબહેનની નજર સાથે જ પડી અને બંને જણા ખરાબ રીતે ચોંકી ઊઠયા.

''તું ...તું...  તો શિખા પાસે રાખડી બંધાવી રહ્યો છે આ તસવીરમાં.''

રાકેશભાઈ મહામુસીબતે આ શબ્દો બોલી શક્યા.

'' તેં ક્યારેય રાખડી  બંધાવી  છે એવાત કહી કેમ નહીં શિખા? મીનાક્ષીબહેનનો ચહેરો ઊતરો ગયો.

''જો હું તમને કહી દઉં કે રવિને  આ વર્ષે મેં મારો ભાઈ બનાવ્યો છે, તો શું તમને રાકેશ અંકલ અમારા બંનેના લગ્ન કરવાની  યોજના બનાવતાં ખરાં?'' શિખાની આંખોમાં મજાક વર્તાઈ.

''જો યોજના બની ન હોત તો પણ પપ્પા અને તમારીવચ્ચે મિત્રતાનો સંબંધ ન બંધાયો હોત અને તે ગાઢ પણ બનતો નહીં.'' રવિએ આગળ વધીને પિતાનો હાથ પોતાનાહાથમાં લઈ લીધો.

''મમ્મી, ંમને કરિઅરની  ચિંતા છે અને હું તમને પણ એકલી મૂકવા માગતી નથી.'' શિખાએ મીનાક્ષીબહેનનો હાથ પકડી લીધો.

''પપ્પા, બિલકુલ આવું જ   હું તમારા વિશે વિચારું છું.''

''મેં અને રવિએ આ મુસીબતનું એ કારણ શોધી  નાખ્યું કે તમે બંનેએ એકલા રહીને ઘણો સમય કાઢી નાખ્યો છે અને અમે બંને ઈચ્છતા હોવા છતાં  પણ તમારી સંભાળ માટે વધારે સમય કાઢી શકીશું નહીં.''

''ત્યારે મેં અને શિખાએ બહુ સમજીવિચારીને એક પ્લાન બનાવ્યો.''

''કેવો પ્લાન?'' મીનાક્ષીબહેન અને રાકેશભાઈએ એકસાથે આશ્ચર્યભર્યાં અવાજમાં પૂછ્યું.

''તમને બંનેને નજીક લાવવાનો અને એકબીજાને સમજીને પસંદ કરવાનો અમારો ઈરાદો બિલકુલ એ જ હતો, જે  તમે બંનેએ અમારા માટે કર્યો હતો.''

રવિના આ શબ્દો સાંભળીને મીનાક્ષીબહેન અને રાકેશભાઈ અવાક બની ગયાં.

''ફરક માત્ર એટલો જ હતો કે તમારા પ્લાનનો જન્મ શિખાના જન્મદિવસ પછી થયો અને અમારા પહેલાં એ દિવસે બગીચામાં ફરતી વખતે તમારા બંનેનો ભેટો કરવાનો પ્લાન બનાવીને  અમે બંને ત્યાં યોગ્ય સમયે સાથે જ પહોંચ્યા હતાં.''

શિખાએ હસતાં હસતાં તેમને જણાવ્યું.

મીનાક્ષીબહેને પહેલાં ક્રોધે ભારઈને દીકીરને ખખડાવી અને પછી એકદમ જ શરમાઈ ગયા. તેમણે ગભરાયેલા અંદાજમાં નજર પણ   ઝુકાવી લીધી.

''કારણ કે તમે બંને ખુલ્લા દિલે એકબીજાને પસંદ કરવાની વાત....

એકબીજાની  સંભાળ રાખવાની વાત તમારા મોંએ સ્વીકાર કરી ચૂક્યાં છો, એટલા માટે...''

રવિના અધૂરા વાક્યને શિખએ પૂરું કર્યું. ''એટલા માટે અમે ઈચ્છીએ છીએ કે તમે ંબને એકબીજાનો સહારો બનીને લગ્નના પવિત્ર  બંધનમાં બંધાઈ  જાવ અને અમારા બંનેના મનની એક મોટી ચિંતાને દૂર કરો.''

''પરંતુ...''

''પપ્પા, પરંતુ-બરંતુ કંઈ નહીં.''

રવિએ રાકેશભાઈને અટકાવ્યા, શિખા અને હું ભાઈ-બહેન છીએ અને હવે તમારે 'શિખા'ના 'પપ્પા'  તેમજ મીનાક્ષી આન્ટીને મારી 'મમ્મી' ચોક્સસ બની જવું પડે.''

''પરંતુ શું મીનાક્ષી માનશે?'' રાકેશભાઈના  હાસ્ય પાછળ  છુપાયેલું ટેન્શન બધાને દેખાયું.

'મમ્મીદાન' કરતાં આ કન્યા મમ્મીનો હાથ, તમારાહાથમાં સોંપે છે.'' ગોરમહારાજની જેમ બોલીને શિખાએ મીનાક્ષીબહેનનો હાથ રાકેશભાઈના હાથમાં પકડાવી દીધો.

મીનાક્ષીબહેને પોતાનો હાથ છોડાવવાની કોઈ કોશિશ ન કરી. આ જોઈને  રાકેશભાઈનો ચહેરો ખીલી ઊઠયો.

''તમે બંને તો શેરના માથે સવાશેર સાબિત થયા, પણ થેંક્સ. મને લાગે છે કે આપણી બધી મુસીબતોનો ઉકેલ લગ્નમાં જ છુપાયેલો છે.  તમારી બંનેની નહીં, તો  અમારી. ''બોલ, શું કહે છે, મીનાક્ષી?'' રાકેશભાઈએ મીનાક્ષીબહેનનો ચહેરો  હડપચીએ પકડીને ઊંચો કર્યો.

મીનાક્ષીબહેનના ગોરા ગાલ ગુલાબી બની ગયા. એકવાર પ્રેમથી હસ્યા પછી તેમણે  પોતાની નજર ફરીથી ઢાળી દીધી ત્યારે રાકેશભાઈને તેમના સવાલનો જવાબ મળી ગયો.

ખુશીથી ઝૂમી ઊઠેલા રવિ અને શિખાએ આ નિર્ણયને તાળીઓ પાડીને વધાવી લીધો.