Get The App

વાર્તા : અમાસનું અંધારું .

Updated: Mar 2nd, 2026

GS TEAM

Google News
Google News
વાર્તા : અમાસનું અંધારું                               . 1 - image

- સંજોગો એવા હતા કે સુરેશ અને સુનીતાની પીઠ મારા તરફ હતી. મારા અચાનક આગમનથી તેઓ અજાણ હતા. હું મારી જાતને લગભગ ઘસડીને ડ્રોઇંગરૂમમાં લઈ ગયો. સોફા પર મેં મારી જાતને લગભગ નાખી દીધી. મગજમાં જાતજાતના સવાલો સળવળવા લાગ્યા. કાપો તો પણ લોહી ન નીકળે તેવી સ્થિતિ મારી હતી.  

'ના, ના, આ બરાબર નથી.' સુનીતાના શબ્દો સાંભળતાં હું ધ્યાનભંગ થયો. નજર ઊંચી કરી જોયું તો જોતો જ રહી ગયો. સુરેશ-સુનીતાના અધરો ચૂમી લેવાની ઇચ્છા રાખતો હતો અને સુનીતા તેને ના કહી દૂર જઈ ઊભી રહી ગઈ હતી.

કાપો તો પણ લોહી ન નીકળે તેવી સ્થિતિ મારી હતી. આ શું કરે છે સુરેશ, જેના પર મેં આટલો વિશ્વાસ મૂક્યો તે જ શું આવું કરશે, એ તો મેં સપનામાં પણ વિચાર કર્યો નહોતો. 

સંજોગો એવા હતા કે સુરેશ અને સુનીતાની પીઠ મારા તરફ હતી. મારા અચાનક આગમનથી તેઓ અજાણ હતા. હું મારી જાતને લગભગ ઘસડીને ડ્રોઇંગરૂમમાં લઈ ગયો. સોફા પર મેં મારી જાતને લગભગ નાખી દીધી. મગજમાં જાતજાતના સવાલો સળવળવા લાગ્યા. 

'અરે, તમે ક્યારે આવ્યા?' સુનીતાના શબ્દોએ મને જાગૃત કર્યો.

મારી જાતને સહજ કરવાનો પ્રયાસ કરતાં મેં ટૂંકમાં કહ્યું, 'હમણાં જ આવ્યો, તબિયત થોડી ખરાબ છે એટલે ઓફિસેથી વહેલો ચાલ્યો આવ્યો છું.'

'મને બૂમ મારી હોત તો... સુરેશ આવ્યો હતો એટલે હું લોનમાં હતી. આમ બોલી સુનીતા મારી નજીક આવી બેસી ગઈ. 

મને ઇચ્છા થઈ કે સુનીતાની અત્યારે જ હત્યા કરી નાખું. કેવાં સ્ત્રીચરિત્ર બતાવી રહી છે. થોડીવાર પહેલાં તો તે સુરેશની બાથમાં હતી અને કહે છે કે મને બોલાવવી તો હતી.

સુરેશને ના નહોતી કરી શકતી. તેની એટલી હિંમત છે કે મારી પત્નીને ચુંબન કરવાનો પ્રયાસ કરે.

બીજી જ પળે મને વિચાર આવ્યો કે આમ ઉતાવળ કરવાથી વાત બગડી શકે છે. જો કશું આડુંઅવળું થઈ જાય તો બંનેનાં જીવન બરબાદ થઈ જશે. આવો વિચાર આવતાં હું મૂંગો રહ્યો.

'તમારા માટે ચા બનાવી લાવું છું.' આમ બોલી સુનીતા ઊભી થઈ. મને મૂંગો જોઈ મારી તબિયત બરાબર નથી એવું તેણે માની લીધું, પરંતુ મારા પર શું વીતી રહ્યું હતું તે મારા સિવાય વધુ સારી રીતે બીજું કોણ જાણી શકે તેમ હતું?

હું ઓફિસના કામ પછી પણ મારા કામમાં ડૂબેલો રહેતો હતો. એટલે સુનીતાનાં મનમાં મારા તરફ કશી શંકા હતી નહીં. ચા પીને હું સૂઈ ગયો. 

સુનીતા ફરી બોલી, 'ડોક્ટરને ફોન કરી બોલાવું? દવા લઈ લો.'

'સામાન્ય માથાનો દુખાવો છે. સારું થઈ જશે.' આમ કહી મેં વાતને ટાળી દીધી. 

'શું જમશો?'

'જમવાની ઇચ્છા  નથી.'

'કશું ખાશો નહીં તો સારા કેવી રીતે થશો?

ડોક્ટરને પણ બોલાવવા માટે ના પાડો છો. આખરે થયું છે શું?' સુનીતાના અવાજમાં થોડી ચીડ હતી.

હું મારી જાતને રોકી શક્યો નહીં. આખરે ગુસ્સામાં મેં કહ્યું, 'વધુ બકવાસ ના કર, કહ્યું ને કે નથી ખાવું એટલે નથી ખાવું.'

મારો ગુસ્સો જોઈ સુનીતા ડરી ગઈ. તેણે મૂંગા રહેવામાં જ ભલાઈ સમજી.

કશું ખાધા વિના અમે બંને સૂઈ ગયા. પથારીમા પડતાંની સાથે જ સુનીતા ઊંઘી ગઈ જ્યારે મારી આંખોની ઊંઘ ઘણી દૂર હતી. વારંવાર સુરેશ-સુનીતાનું પેલું આલિંગનબદ્ધ દ્રશ્ય નજર સામે આવતું હતું અને હું ક્રોધ અને દુઃખમાં ડૂબતો જતો હતો. આ શું થઈ ગયું? કેવી રીતે થયું?

આવા સવાલો મન સાથે કરતો હું ભૂતકાળમાં સરી પડયો...

આશરે ચારેક વર્ષ અગાઉ મેં આ મોટા શહેરમાં પગ મૂક્યો હતો. પપ્પાની ઇચ્છા હતી કે હું કોમ્પિટિશનની તૈયારી કરી આઇએએસ બનું. પરંતુ મારો રસ પત્રકારત્વને મારી કારકિર્દી બનાવવાનો હતો.

એટલે મેં સ્પષ્ટ કહી દીધું હતું. 'પપ્પા, હું પત્રકારત્વમાં ઉજ્જવળ ભવિષ્ય બનાવવા ઇચ્છું છું. જો તમે રજા આપો તો કોઈ પત્રકારત્વ સંસ્થામા હું અભ્યાસ કરું.'

'જેવી તારી મરજી' આટલું બોલી પપ્પા મૂંગા થઈ ગયા હતા. મેં મુંબઈની એક પ્રતિષ્ઠિત પત્રકારત્વ સંસ્થામાં પ્રવેશ લઈ લીધો. કોલેજથી આવ્યા પછી હું પત્રકારત્વમાં ખોવાઈ જતો અને અખબાર, મેગેઝિનોમાં મારી રચના મોકલવા લાગ્યો. પરીક્ષાનું પરિણામ પણ મારા પક્ષમાં આવ્યું. મેં સૌથી વધુ ગુણ મેળવ્યા હતા. સંસ્થા અને સાથે અભ્યાસ કરનારા સહાધ્યાયીઓ તથા શિક્ષકોને મારી તરફથી ઘણી  આશા હતી. 

એક પ્રકાશન-સંસ્થામાં ઉપસંપાદકની નોકરી મળતાં જ મારું સપનું પૂરું થઈ ગયું હતું. હવે હું લોકો વચ્ચે મારી પ્રતિભાનો સારો દેખાવ કરી શકતો હતો.

મને નોકરી મળતાં જ પપ્પા મારા તરફથી નિશ્ચિંત બની ગયા હતા. હવે તે મારા લગ્ન કરી પોતાની ફરજ પૂરી કરવાની ઇચ્છા રાખતા હતા. ચટ મંગની પટ બ્યાહની જેમ હું સુનીતા સાથે લગ્નબંધનથી બંધાઈ ગયો. સુનીતા જેવી સુંદર પત્ની મળતાં જ મારી જાતને ધન્ય સમજવા લાગ્યો હતો.

હવે ભાડાના એક રૂમમાં રહેવું અશક્ય હતું એટલે મેં બોરીવલીમાં ગ્રાઉન્ડ ફ્લોરનું એક મકાન ભાડે લીધું. પત્રકારના જીવનમાં હું વધુ ને વધુ રમમાણ થતો જતો હતો. પરંતુ સુનીતાનો સથવારો મારા મનને રોમાંચિત કરનારો હતો. હું ઝટપટ ઓફિસનું કામ આટોપી સુનીતા પાસે પહોંચી જતો હતો. કેટલા આનંદભર્યા એ દિવસો હતા બીજી બાજુ પત્રકારની સાથે લેખક બનવાનું ઝનૂન મારા પર સવાર થયું હતું. હવે હું આખો દિવસ નોકરી કરતો અને રાત્રે મેગેઝિન-અખબારોનું વાંચન કરી લખતો રહેતો હતો.

સફળતાનો એક નશો હોય છે. રોજ કશું લખવું, છપાવવું અને પોતાનું નામ છપાયેલું જોવું એ બધું સારું લાગતું હતું. કોઈ વરિષ્ઠ લેખકે મારી રચના વિશે શું લખ્યું અને શું કહ્યું એ જાણવા હું આતુરતાપૂર્વક રાહ જોતો રહેતો હતો.

સફળતાના આ નશામાં હું મારી પત્ની અને ઘરને ભૂલી બેઠો હતો. હવે પત્ની સાથે ફિલ્મ જોવાનો સમય મારી પાસે નહોતો કે નહીં શોપિંગ કરવાનો. પત્ની મન મારીને રહેતી. હું માત્ર મારી પત્નીને હાથમાં પૈસા પકડાવી મારી ફરજ પૂરી થયેલી સમજતો હતો.

ધીરેધીરે લગ્નને બે વર્ષ થઈ ગયા. સુનીતાના ખોળામાં હજુ બાળક રમતું નહોતું. સુનીતાએ એકાદ  બે વાર ફેરવી ફેરવીને પોતાના મનની વાત કરી હતી, પરંતુ મારી પાસે એ સાંભળવાનો સમય ક્યાં હતો. એક જ બિછાનામાં સૂતાં હોવા છતાં મહિનામાં એકાદવાર શરીર સંબંધ થતો હતો.

મોટાં નગરોની જિંદગીનો એ મોટો ત્રાસ છે કે લોકોને પોતાના માટે તો કશો સમય હોતો જ નથી. ત્યાં વળી અજાણ્યા પાડોશીઓને કોણ પૂછવાનું હતું? ફ્લેટોમાં તો બાજુના ફ્લેટમાં કોણ રહે છે એની જાણ પણ થતી નથી. સુનીતા ઘરની સાફસૂફી, ટીવી જોવામાં, ઘરની જરૂરી ચીજવસ્તુની ખરીદી વગેરેમાં પોતાની જાતને ભૂલવાનો પ્રયાસ કરતી હતી.

સફળતા અને મહત્ત્વાકાંક્ષા પોતાની કિંમત માગે જ છે સુનીતા મારા બદલામાં પોતાનાં દામ્પત્યજીવનની કિંમત તો ચૂકવી રહી હતી. પરંતુ વધતી જતી મહત્ત્વાકાંક્ષા મારા પર હવે અસર કરવા લાગી હતી. કામ એ મારા જીવનનો એક માત્ર મંત્ર બની ગયો હતો. ન ખાવાનું ભાન હતું, નહીં સૂવાનું કે નહીં પહેરવા ઓઢવાનું. શરીર દિવસે દિવસે નબળું પડતું જતું હતું. મારી નવલિકાઓનું પુસ્તક બજારમાં આવી ચૂક્યું હતું. મારી એક નવલકથા પરથી એક ફિલ્મ બનાવવાની વાત ચાલતી હતી. 

લગભગ પાંચ મહિના પહેલાં અચાનક પ્રકાશન સંસ્થાના સંચાલકોને નુકસાન થતાં પ્રકાશન બંધ કરવાનો નિર્ણય લેવાયો. હું બેકાર બની રસ્તા પર આવી ગયો હતો. અચાનક આવેલી આ બેકારીએ મારી કમર તોડી કાઢી હતી. હું હતાશાનો શિકાર બની ગયો.

એકઠી કરાયેલી રકમ થોડી થોડી કરીને સરકતી જતી હતી. હું તો આખો દિવસ દવાના જોર પર પથારીમાં પડી રહેતો. સુનીતા જ ઘરનું બધું કામકાજ સંભાળવા લાગી હતી. તે જ બહારથી ચીજવસ્તુ લાવતી. મને ડોક્ટર પાસે ચેકઅપ કરાવતી, દવાઓ લાવી મારી સેવા કરતી.

આ દરમિયાન સુરેશની મારા ઘરમાં આવજા શરૂ થઈ. શરૂઆતમાં તો તે માત્ર મારી તબિયતના ખબર અંતર પૂછવા આવતો. ધીરે ધીરે તે ઘરના કામમાં મદદ કરવા લાગ્યો હતો. તેનું આવવાજવાનું વધી ગયું. હજુ તે અપરિણીત હતો એટલે સુનીતા તેને બહાર ક્યાં જશો, અહીં જ જમી લેજો, એમ કહી રોકી લેતી. તે જમી પરવારી તેના ઘરે જતો. ઘર બાજુના ફ્લેટમાં તો હતું. એટલે તેના માટે કશી મુશ્કેલી પણ નહોતી. તે ઓફિસથી સીધો મારા ઘરે આવતો મને મોટાભાઈ અને સુનીતાને ભાભી કહેતો.

બીમારી દરમિયાન જ મેં એક દૈનિકમાં ઉપસંપાદક તરીકેની અરજી કરી. મારો રેકોર્ડ સારો હોવાના કારણે મને તરત નોકરી મળી ગઈ. આ નોકરીએ મને હતાશામાંથી ઉગારી લેવામાં મદદ કરી. ચાર મહિનાની બીમારી પછી છેલ્લા એક મહિનાથી હું ફરી ઓફિસનાં કામમાં લાગી ગયો. 

હવે મેં નવેસરથી નોકરી શરૂ કરી અને લેખનમાં લાગી ગયો. ઓફિસની નોકરી પછી મોડી રાત સુધી લખવા-વાંચવાની દિનચર્યા પાછી આવી ગઈ હતી. હું ઝડપથી આ બીમારી દરમિયાન લેખનમાં થયેલા નુકસાનને પૂરું કરી લેવા ઇચ્છતો હતો.

ક્યારેક ક્યારેક જ્યારે ઓફિસેથી પાછો ફરતો ત્યારે સુરેશને સુનીતા સાથે વાતો કરતાંં અથવા ચા પીતા જોતો એટલે મેં આ વાતને બીજી કોઈ રીતે લીધી નહોતી. બીમારી દરમિયાન તેની સેવાથી હું ઘણો પ્રભાવિત થયો હતો. તેણે મારો વિશ્વાસ  પણ મેળવી લીધો હતો. હું કામમાં ડૂબેલો રહેતો એટલે, મને કદી વિચારવાનો સમય મળ્યો નહોતો કે સુરેશ અપરિણીત છે અને સુનીતા યુવાન અને સુંદર છે.

પરંતુ આજે જે મેં જોયંુ તેનાથી મારો વિશ્વાસ ડગી ગયો. આજે તો સુનીતાએ 'આ બરાબર નથી' એવું કહી સુરેશને અટકાવ્યો હતો, પરંતુ આ રીતે જો હું સુનીતા પ્રત્યે બેધ્યાન રહીશ અને સુરેશને આવી આઝાદી મળતી રહી તોસુનીતા ક્યાં સુધી ના કહેતી રહેશે? યુવા તન અને મનને બહેકી જવામાં વાર ક્યાં લાગે છે?

આવો વિચાર આવતાં હું ડરી ગયો. પછી શું થશે? તો હું સુનીતાને છૂટાછેડા આપીશ અથવા સુનીતા મને છોડી સુરેશ સાથે નાસી જશે. બંને સ્થિતિમાં નુકસાન તો મારું જ થશે. મારો સંસાર ઉજ્જડ બની જશે. હું પણ કેટલો મૂર્ખ હતો કે વાર્તાના કાલ્પનિક પાત્રોમાં ખોવાયેલો રહ્યો.

જો સુનીતાને કશું કહી તો કદાચ વાત વધી જશે અને કહેશે કે તમે મારા પર ખોટો આક્ષેપ કરો છો. તેનો જવાબ આપવાનું કે ઝઘડવાનું તે શરૂ કરી દેશે તો વાત બગડી જશે. એવું પણ બની શકે છે કે તેનાથી અમારી વચ્ચેની ખાઈ વધુ ઊંડી બનશે, જેને પૂરવાનું ઘણું મુશ્કેલ બની રહેશે.

જો સુરેશ બગડયો તો પણ વાત વધી જશે. તે સુનીતા વિશે ગમે તેવી આડીઅવળી વાત કરી શકે છે. પણ સુરેશ સામેની કઠોરતા અહીં કામ નહીં આવે. સુરેશનો પણ શો વાંક? જો સુંદર યુવાન સ્ત્રી કોઈના પણ હાથમાં આવી જાય તો તે લાભ લેવાની ઇચ્છા નહીં કરે?

પણ આ આખી વાતમાં હું સુનીતા કે સુરેશને શા માટે દોષિત ગણું છું? શું મારી ભૂલ નથી? સાચી વાત તો એ છે કે બધો વાંક મારો જ છે. મેં જ મારી પત્ની પર ધ્યાન આપ્યું નથી. મારી સફળતા અને કારકિર્દીની ધૂનમાં મેં મારી પત્નીના દામ્પત્ય અધિકારની ભાવનાને જાણે પગ તળે કચડી કાઢી છે. જો મેં તેની ભાવના સમજી હોત, તેના માટે સમય ફાળવ્યો હોત તો આજે આ નોબત શા માટે આવી હોત?

હજુ પણ સમય છે. સ્થિતિને સંભાળી શકાય તેમ છે. આખરે મેં નિર્ણય કર્યો કે હવેથી હું ઓફિસમાંથી સમયસર ઘરે આવીશ. પત્નીને એટલો પ્રેમ આપીશ કે તે બીજાના વિશે વિચારી પણ ન શકે. સમજણ તો એમાં જ છે કે પ્રેમ અને સહયોગથી પત્નીને રસ્તે ભટકતી રોકી શકાય. જો પત્નીને મારા તરફથી  બધું મળશે જેની તેને ઇચ્છા છે તો તે પોતે સુરેશને ઘરમાં આવવા નહીં દે.

આવો વિચાર કરતાં કરતાં ન જાણે ક્યારે રાત્રીના બે વાગી ગયા તેનું ભાન ન રહ્યું. ટોયલેટ જવા માટે પથારીમાંથી ઊભો થયો. પાછો ફર્યો ત્યારે નાઇટ લેમ્પના દૂધિયા અજવાળામાં સુનીતાની ગુલાબી મેક્સી પગની ઉપર ચડી ગઈ હતી. માંસળ શ્વેત પિંડી ચમકતી હતી. કાલથી શા માટે, આજથી અને અત્યારથી જ કેમ સુનીતાને પ્રેમ કરવાનું શરૂ ન કરવું જોઈએ? આવો વિચાર કરી મેં હળવેથી સુનીતાનું એક લાંબુ ચુંબન લીધું.

'અડધી રાતે આ શું સૂઝ્યું છે?' આમ બોલી તે વેલની જેમ મને બાઝી પડી. પછી ઘણા દિવસ પછી અમે એકમેકમાં ખોવાઈ ગયા.

સવારે ઓફિસ જવાના સમયે મેં સુનીતાને કહ્યું, 'સાંજે ફિલ્મ જોવા જઈશું, તૈયાર રહેજે.'

મારા મોંમાંથી નીકળેલી શબ્દો સાંભળી સુનીતાના ચહેરા પર આશ્ચર્ય ફેલાઈ ગયું. તેના ચહેરા પરથી લાગતું હતું કે તેને આ ખૂબ ગમ્યું છે. એ પછી તો અમારી દિનચર્યા જ બદલાઈ ગઈ. સવારસાંજ પત્ની સાથે મસ્તીમજાક, ક્યારેક ફિલ્મ, તો ક્યારેક શોપિંગનો પ્રોગ્રામ. 

એક દિવસ સુનીતાને કશો વિચાર આવ્યો, 'પત્રકાર મહાશય, તમારા લખવાવાંચવાના કાર્યક્રમનું શું થયું? છેલ્લા એક અઠવાડિયાથી તો તમે કલમકાગળ હાથમાં લીધાં જ નથી.'

'લખીશ. વહાલી, એેટલી ઉતાવળ પણ ક્યાં છે. હાલ તો હું મારી સુંદર પત્નીમાં ખોવાઈ જવાની ઇચ્છા રાખું છું.' આમ કહી મેં પત્નીને બાથમાં પકડી તેના હોઠ પર હોઠ ચાંપી દીધા. અમારા જીવનમાં જાણે ફરી વસંત આવી ગઈ હતી. રજાના દિવસોમાં અમે બહાર ફરવા જવાની તૈયારી કરતા હતા. ત્યાં સુરેશ દેખાયો. આવતાં જ તેણે સુનીતાને કહ્યું, 'શું વાત છે, ભાભી. છેલ્લા ઘણા દિવસોથી રોજ સાંજે આવું છું, પરંતુ ઘરને તાળું હોય છે?' 

સુરેશના શબ્દો હું સાંભળતો હતો પણ તેની વાત તરફ ધ્યાન ન આપતાં મેં રુક્ષ અવાજમાં કહ્યું 'શું ભાઈ સુરેશ, કેમ આવવું થયું?'

'બસ એમ જ,વિચાર્યું કે આજે રજા છે. જો ભાભીને ચીજવસ્તુ મગાવવી હોય તો લાવી આપું.' સુરેશ જરાક ખચકાતાં બોલ્યો.

'હમણાં તો અમે બહાર ફરવા જોઈએ છીએ. જો કશુ મગાવવાનું હશે તો અમે તને બોલાવીશું.' આમ કહી મેં સુનીતા તરફ નજર કરી.

સુરેશને ન તો બેસવા કહ્યું અને ન તો ચા પીવાનું કહ્યું, પરંતુ અમે હાથમાં હાથ પરોવી તેની તરફ નજર કરી ચાલવા લાગ્યા.

સુરેશને ખુદને આમાં અપમાન જેવું લાગ્યું. મેં વિચાર્યું કે તે સમજી ગયો હશે, કદાચ જ તે ફરી આવશે. હવે અમે અમારો કાર્યક્રમ એવો બનાવ્યો કે સુરેશને ક્યારેય સુનીતાને મળવાનો મોકો જ ન મળે તે ઘણીવાર સાંજે સાત વાગ્યે આવતો જ્યારે અમ ેસાંજે સાડાછ વાગ્યે બહાર ફરવા માટે ચાલ્યા જતા અમે જમી પરવારીને  પાછા આવી સૂઈ જતા હતા.

ધીરે ધીરે ત્રણ મહિના વીતી ગયા.સારી વાત તો એ હતી કે સુનીતાએ સુરેશની એક વાર પણ વાત કરી નહોતી.

જે દિવસે ડોક્ટરે સુનીતા સગર્ભા છે એવું કહ્યું ત્યારે અમારા આનંદનો પાર રહ્યો નહીં. આનંદમાં આવી અમે એકબીજાને ચુંબન કર્યા. પછી આખી રાત અમે એકબીજામાં ખોવાયેલા રહ્યાં. માત્ર એજ વાત કરતા રહ્યા કે બાળકનું નામ શું રાખીશું, કઈ શાળામાં તેને દાખલ કરીશું વગેરે.

ગયા રવિવારે અમે પતિ પત્ની એકબીજામાં મગ્ન હતા ત્યાં ડોરબેલ વાગી.

 'આ વળી કોણ આવ્યું.' મેં ગુસ્સામાં કહ્યું. સુનીતા પથારીમાંથી એકદમ ઊભી થઈ.

દરવાજો ખોલ્યો ત્યારે સામે સુરેશ ઊભો હતો. સુનીતા તેના પર ગુસ્સે થતાં બોલી, 'શું છે? અહીં કેમ આવ્યો છે?' અને સુરેશના જવાબની રાહ જોયા  વિના દરવાજો બંધ કરી દીધો. સુનીતાનો અવાજ મને સંભળાતો હતો. પાછા ફરી તેણે સામાન્ય થવાનો પ્રયાસ કરતા કહ્યું, 'સોરી યાર. આ સુરેશે તો સાવ મૂડ બગાડી કાઢ્યો. આટલો મોટો થયો છતાં સમજતો નથી કે આપણે પતિપત્ની છીએ, ગમે તે કરતાં હોઈએ, આવીને ડિસ્ટર્બ કરી દીધા. મેં તો ધમકાવી કાઢ્યો. હવે ફરી ક્યારેય પાછો નહીં આવે.' 'ડાર્લિંગ, મૂડ શા માટે ખરાબ કરે છે? અહીં તો કાયમ મૂડ બની રહે છે.' આમ બોલી મેં સુનીતાને ગલીપચી કરી તો તેનું હાસ્ય વેરાઈ ગયું.

મને વિશ્વાસ બેસી ગયો કે સુરેશ નામનું ગ્રહણ જે મારા સંસારમાં લાગેલું હતું, તે દૂર થયું છે અને ગ્રહણ પછીનો રૂપાળો ચાંદ મારી બાથમાં સમાઈ, તેનું હાસ્ય વેરી રહ્યો છે. હવે મારા આ ચાંદ પર ક્યારેય ગ્રહણ નહીં લાગવા દઉં. અમાસનું અંધારું હવે કાયમ માટે ટળી ગયું છે.