- સપનાએ એમની નજીક જઈ પોતાનું માથું એમના ખભા પર ઢાળી દીધું, 'ડેડ, યૂ આર રિયલી ગ્રેટ. આઈ હેવ ધ ગ્રેટેસ્ટ પાપા ઈન ધ વર્લ્ડ. થેન્ક્સ ફોર એવરીથિંગ....' સપનાની આંખમાં આનંદાશ્રુ છલકાયાં હતાં. એને સંદીપભાઈ પોતાના હાથરૂમાલથી લૂછવા લાગ્યા, 'યૂ આર વેલ્કમ, સ્વિટી. મારી પાસે પણ દુનિયાની સૌથી ડાહી અને સમજુ દીકરી છે. બસ, બીજું શું જોઈએ?'
'સંદીપ, તારી છોકરીએ તો કમાલ જ કરી નાખી. એન્જિનિયરિંગનું ભણવાની છૂટ આપી એટલે હવે કહે છે કે કેટની પરીક્ષા આપીને મારે આઈઆઈએમમાં બિઝનેસ મેનેજમેન્ટનો કોર્સ કરવો છે. મેં તો તને પહેલાં જ ના પાડી હતી. દીકરીની જાતને વળી એન્જિનિયરિંગનું ભણવાની શું જરૂર? છોકરીઓ તો બી.એ.બી.એડ. કરીને ટીચર બની જાય તોય ઘણું. એન્જિનિયરિંગ તો પુરુષોનું ક્ષેત્ર કહેવાય. છતાં જિદ કરીને સપનાએ ટેલિકોમ્યુનિકેશન અને ઈલેક્ટ્રોનિક્સમાં બી.ઈ. કર્યું. હવે કહે છે કે આઈ આઈ એમમાં મેનેજમેન્ટ ભણીને મારે કોઈ કોર્પોરેટ કંપનીના સીઈઓ થવું છે. બોલો! છોકરી આટલું બધું ભણશે તો ન્યાતમાં આટલું બધું ભણેલો છોકરો ગોતતાં નાકે દમ આવી જશે. આપણી ન્યાતમાં ભણેલા છોકરા જ ક્યાં છે? સપના ૨૩ વરસની તો થઈ ગઈ છે. હજુ કેટલાં વરસ ભણશે? દીકરી પર થોડો દાબ રાખો, નહિતર હાથમાંથી નીકળી જશે...'
સંદીપ ભાટિયાએ હજુ તો ઓફિસેથી ઘરે આવીને સાંજની ચા પણ નહોતી પીધી ત્યાં એમના પિતાશ્રી દશરથભાઈનું લેક્ચર ચાલુ થઈ ગયું. દશરથભાઈ બોલતા હતા એ દરમિયાન જશોદાબેન સતત એમના ટેકામાં માથું ધુણાવ્યે જતાં હતાં. સંદીપભાઈ સમજી ગયા કે મારી પુત્રી સપના આગળ ભણવા દેવાની બા-બાપુજી તમે બંનેની બિલકુલ ઈચ્છા નથી. ખાસ કરીને એટલા માટે કે આઈઆઈએમમાં એડમિશન મળે તો સપનાએ મુંબઈની બહાર બીજા શહેરમાં હોસ્ટેલમાં રહેવું પડે. યુવાન દીકરીને પારકા ગામમાં એકલી રહેવા દેવાનું વડીલોની પેઢીને માન્ય નહોતું. આજ સુધી સંદીપભાઈએ પોતાનાં માબાપનું વેણ ઉથાપ્યું નહોતું. એટલે વાતને વાળી લેવા તેમણે દશરથભાઈને ફક્ત એટલું કહ્યું, 'બાપુજી, જો ચિંતા નહિ કરતા. હું સપનાને સમજાવી દઈશ. તમે અને બા બેડરૂમમાં જઈને આરામ કરો.'દશરથભાઈ અને જશોદાબેન હોલમાંથી પોતાના બેડરૂમમાં ગયાં એટલે રંજનબહેન સંદીપભાઈ માટે ગરમાગરમ મસાલાવાળી ચા અને બિસ્કિટ લઈ આવ્યાં. તેઓ પોતાના પતિને ઓફિસેથી આવતાંવેંત ઘરનું કોઈ ટેન્શન આપવા માગતાં નહોતાં. પરંતુ સંદીપભાઈ પોતાના પિતાનો સ્વભાવ જાણતા હતા. એટલે એમણે ચા પી લીધા પછી રંજનબહેનને સામેથી જ પૂછ્યું, 'રજ્જુ, બાપુજીએ આજે આખો દિવસ ઘરમાં ધમાલ બોલાવી લાગે છે. સપના અને વ્રજ ક્યાં છે? કેમ દેખાતાં નથી?'
'બાપુજીએ બપોરે જમતી વખતે જોરજોરથી બોલવાનું ચાલુ કરી દીધું. એમણે એટલો બધો બબડાટ કર્યો કે સપના અને વ્રજ જમતાં ઊઠીને પોતાના રૂમમાં ચાલ્યાં ગયાં. કલાકો સુધી ભાઈ-બહેન અડધાં ભૂખ્યાં રૂમમાં ભરાઈ રહ્યાં. મેં માંડ સમજાવીને બંનેને થોડીવાર પહેલાં ચા-નાસ્તો કરાવ્યો અને પછી બહાર આંટો મારવા મોકલી દીધાં. મેં તો ગઈ કાલે અમસ્તાં જ બાને સપનાની ઈચ્છા જણાવી હતી. એમણે બાપુજીને વાત કરી દીધી અને બિચારી સપનાનું આવી બન્યું! છોકરી બિચારી ભણવામાં રાત-દિવસ એક કરી નાખે છે. લોકો પોતાનાં છોકરાંવને ભણાવવા રીતસર એમને ધક્કા મારે છે ત્યારે આપણે તો બંને છોકરાંવને ક્યારેય ભણવા બેસ એમ કહેવું નથી પડયું. સપનાને આગળ વધવા માટે પ્રોત્સાહન આપવાને બદલે ઉલટાના આપણે એના પગમાં બેડીઓ નાખી રહ્યા છીએ. ક્યા જમાનામાં જીવીએ છીએ આપણે કોણ જાણે!' રંજનબહેને પોતાની હૈયાવરાળ ઠાલવી. સંદીપભાઈની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ. એ ન તો પોતાનાં માબાપને કશું કહી શકે તેમ હતા અને ન પોતાની પત્ની અને બાળકોને. એટલે એમણે મધ્યમ માર્ગ કાઢ્યો, 'હજુ તો કેટની પરીક્ષાને પૂરા પ મહિના છે. સપનાને જો કેટમાં સારા પર્સન્ટાઈન મળે અને આઈઆઈએમમાં એડમિશનની પ્રોસેસ આગળ વધે તો જોઈશું. અત્યારથી ટેન્શન લેવાની શું જરૂર છે?'
'આ તો પ્રોબ્લેમનો ઉકેલ લાવવાને બદલે એને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દેવા જેવી વાત થઈ. હું તમારી મુશ્કેલી સમજું છું. તમારે ઘરમાં વડીલ અને યુવાન - બન્ને પેઢીને સાચવવાની છે. તમે બંનેમાંથી કોઈને અન્યાય ન કરી શકો. પણ આ રીતે વાત ટાળી દેવાથી વાતનો ઉકેલ નથી આવી જવાનો.' રંજનબહેને ડહાપણની વાત કરી. એમની વાતનો સંદીપભાઈ પાસે કોઈ જવાબ નહોતો એટલે એમણે ચૂપ થઈ જઈ સાંજના છાપામાં મન પરોવ્યું. તેઓ છાપું લઈને બેઠા હતા, પણ એમનું મન બીજા વિચારોમાં ખોવાયેલું હતું. એમને રહીરહીને દીકરી સપનાનો વિચાર આવતો હતો. એનો જન્મ થયો ત્યારે પોતે કેટલા ખુશ હતા! સંદીપભાઈનાં ભાઈ-ભાભીઓ અને બા-બાપુજીએ પણ કુટુંબમાં બબ્બે પેઢી પછી દીકરીના જન્મને હોંશથી વધાવી લીધો હતો. સંદીપભાઈઅને રંજનબહેને સપનાને પહેલા સંતાન તરીકે બહુ લાડકોડથી ઉછેરી હતી. એમનું ચાલત તો તેઓ સપના પછી બીજું સંતાન થવા જ ન દેત, પણ બા-બાપુજીના હઠાગ્રહ સામે એમનું કાંઈ ચાલ્યું નહિ. તેઓ એવું માનતાં કે વંશવેલો આગળ ચલાવવા એક દીકરો તો જોઈએ જ. સંદીપભાઈ પોતે પણ બહુ ચુસ્તપણે નહિ, પણ ઉપરછલ્લું એવું માનતા ખરા કે પુત્ર હોય તો માબાપનું ઘડપણ પાળે. જોકે રંજનબહેન દીકરા અને દીકરીમાં કોઈ ફરક નહોતાં સમજતાં. તેઓ એક સુધારાવાદી અને પ્રગતિશીલ પરિવારમાંથી આવતાં હતાં. એટલે એમની ઈચ્છા તો સપનાના જન્મ બાદ બીજું બાળક થવા દેવાની બિલકુલ નહોતી. પરંતુ સપના મોટી થતી ગઈ એમ એની નાના ભાઈ કે બહેન માટેની હઠ વધતી ગઈ. એટલે રંજનબહેને નમતું જોખ્યું અને દસ વરસ પછી એમને બીજા સંતાનરૂપે પુત્ર અવતર્યો. સપનાને પહેલેથી ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે પ્રેમભાવ હતો. એટલે એણે નાના ભાઈનું નામ 'વ્રજ' રાખ્યું.
સપના નાનપણથી બહુ ડાહી અને સમજુ હતી. ભણવામાં પણ એટલી જ હોંશિયાર અને હજી તો નર્સરીમાં હતી ત્યાં એની બંગાળી ટીચરે એક દિવસ એના ભાવિની આગાહી કરતાં રંજનબહેનને કહ્યું હતું કે 'આપકી લડકી બડી હોકર જરૂર કુછ બનેગી, દેખના. શી ઈઝ સો ગુડ એટ એવરીથિંગ શી ડઝ.' સપના ભણવા ઉપરાંત સ્કૂલની દરેક એક્ટિવિટીમાં આગળ રહેતી. રંજનબહેન સાજાં-માંદાં હોય તો એ ઘરકામમાં પણ એમને મદદ કરતી. એને કોઈ કામ ચીંધવાની જરૂર નહોતી પડતી. સામાન્યપણે છોકરીઓને માબાપ એસએસસી પછી આર્ટ્સ અથવા કોમર્સમાં મોકલે છે. પણ સપનાનાં સાયન્સ અને મેથ્સ પાવરફુલ હોવાથી એણે સાયન્સ લીધું. રંજનબહેનને સપનાને ભણાવવાની બહુ હોંશ હતી. તેઓ પોતે તો એક ગૃહિણી બનીને રહી ગયાં હતાં, પણ દીકરી પોતાની રીતે પોતાનું પ્રોફેશનલ કરીઅર બનાવે એવી એમની હાર્દિક ઈચ્છા હતી. સંદીપભાઈને પણ દર વરસે સપનાની માર્કશીટ જોઈને બહુ આનંદ થતો. તેઓ એને ભણાવવામાં કોઈ કચાશ રાખતા નહિ. ઊંચી ફી ભરીને સારામાં સારા કોચિંગ ક્લાસ કરાવતા. તેઓ માત્ર બી.કોમ. થયા હતા અને એક ટ્રાન્સપોર્ટ કંપનીની હેડ ઓફિસમાં કેશિયર હતા. પગાર સારો હતો, પણ એટલો ઊંચો નહીં કે દીકરીને એન્જિનિયર બનાવવા પ્રતિષ્ઠિત કોલેજમાં રમતાં રમતાં એડમિશન લઈ લે. છતાં એમણે પોતાના પ્રોવિડન્ટ ફંડમાંથી લોન ઉપાડીને સપનાને એન્જિનિયરિંગમાં એડમિશન અપાવ્યું હતું.
સપના ઘરની આર્થિક પરિસ્થિતિથી વાકેફ હતી. એટલે એ ક્યારેય મમ્મી-પપ્પા પાસે કોઈ મોંઘી વસ્તુની માગણી નહોતી કરતી. પોતાનો બર્થ-ડે હોય ત્યારે પણ પપ્પા જે ગિફ્ટ આપે એને આનંદથી વધાવી લેતી. એના મિત્રો વરસમાં એકાદ-બેવાર પિકનિકનું આયોજન કરતા. પણ સપના ભાગ્યે જ પિકનિકમાં જોડાતી. વરસે એન્જિનિયરિંગના અભ્યાસ માટે ૮૦થી ૮૫ હજારની ફી ભરતા પપ્પા પર વધુ આર્થિક બોજ ન આવે એનું એ સતત ધ્યાન રાખતી. રંજનબહેન આ બધું જોતાં અને સમજતાં. એમને પુત્રીના ગુણો માટે મનોમન ગર્વ થતો, પણ ક્યારેક જુવાન દીકરીના પહેરવા-ઓઢવાના અને હરવા-ફરવાના શોખ પૂરા ન કરી શકવા બદલ અફસોસ પણ થતો. છતાં તેઓ એ વાત ક્યારેય સંદીપભાઈ સમક્ષ ઉખેળતાં નહિ. પત્ની તરીકેનો પોતાનો ધર્મ પણ તેઓ સમજતાં હતાં.
'ડેડી, બોન્સાઈ આર્ટ એટલે શું? મને જરા સમજાવોને. મારે કાલે ટીચરને બોન્સાઈ વિશે નોટ લખીને બતાવવાની છે, વ્રજે સંદીપભાઈ પાસે એકાએક આવીને એમનો ધ્યાનભંગ કર્યો. એમણે થોડું વિચાર્યું અને પછી વ્રજને પાસે બેસાડી એના માથે હાથ ફેરવતાં ફેરવતાં સમજાવવા લાગ્યા, 'જો બેટા, બોન્સાઈ વિશે મને બહુ ડિટેલમાં ખબર નથી, પણ એટલું જરૂર જાણું છું કે બોન્સાઈ એક જાપાનીઝ આર્ટ છે. એ વૃક્ષોને મિની સ્વરૂપમાં ઉગાડવાની કળા છે. વૃક્ષ નાનું હોય ત્યારે જ એના મૂળને વારંવાર કાપી નખાય છે અથવા તો એને તારથી બાંધી દેવાય છે. એટલે વૃક્ષનાં મૂળ ફેલાય નહિ અને એ વામન સ્વરૂપમાં જ રહે. આ રીતે મોટાં મોટાં વૃક્ષોને મિની સ્વરૂપે જાળવી પછી એને કૂંડામાં રોપી દેવાય છે. બસ, મને આટલી જ ખબર છે. પણ બેટા, તું તારા ફ્રેન્ડ્સ સાથે આ બધી ડિટેલ વિશે ક્રોસ-ચેક કરી લેજે. નહિતર દીદીને પૂછી લેજે.'
સંદીપભાઈ પાસેથી બોન્સાઈ વિશે આટલું જાણીને પણ વ્રજ ખુશ થઈ ગયો, 'થેન્ક યુ, ડેડી. બોન્સાઈ એટલે શું એ હું બરાબર સમજી ગયો. એ રીતે તો આપણા દાદા પણ બોન્સાઈ આર્ટના એક્સપર્ટ ગણાય. તેઓ પણ દીદીને આગળ વધવા દેવા નથી માગતા. એટલે જ દીદીને કહેતા કે તને પાંખો આવી ગઈ લાગે છે. તારી પાંખો અત્યારથી જ કાપી નાખવી પડશે.' 'શીશશશ.....એવું ન બોલાય. દાદા સાંભળી જાય તો એમને ખરાબ લાગે,' સંદીપભાઈએ વ્રજને સાનમાં સમજાવી એના રૂમમાં મોકલી આપ્યો. વ્રજના ગયા પછી સંદીપભાઈ ફરી વિચારે ચડી ગયા, 'બાર વરસનો છોકરો પણ સાચા-ખોટાનો ભેદ કેટલી જલદી સમજી જાય છે. એણે બોન્સાઈ વિશે જાણ્યા બાદ તરત કેવું બાપુજીને બોન્સાઈ એક્સપર્ટનું બિરુદ આપી દીધું! હું બાપુજીના સપનાને આઈઆઈએમમાં આગળ ભણવા નહિ મોકલવાના નિર્ણયને ટેકો આપીશ તો વ્રજ મનોમન મને પણ બાપુજીની કેટેગરીમાં સામેલ કરી દેશે. એ તો સાલું ખોટું કહેવાય!'
સંદીપભાઈ સોફા પરથી ઊભા થઈ રંજનબહેન પાસે કિચનમાં ગયા, 'રજ્જુ, મેં એવું નક્કી કર્યું છે કે સપનાને આગળ ભણવા માટે પૂરેપૂરો સપોર્ટ આપવો. એને આઈઆઈએમમાં જવા કેટ આપવી હોય તોય ભલે આપે. આવતી કાલે સવારે જ મારે સવારની ચા સાથે ડાઈનિંગ ટેબલ પર એને આ સરપ્રાઈઝ આપવું છે....'
'પણ તમે બાપુજીનો વિચાર કર્યો છે?


