- સંજય સારી રીતે જાણતો હતો કે સાસુવહુ બંનેને જરા પણ ફાવતું નથી. એકબીજાને ખાઈ જશે કે શું એવું જોતા લાગે. એ બંનેની વચ્ચે ફસાયો હતો. જો પત્નીનો સાથ આપે તો મમ્મી ગુસ્સે થઈ જતી અને મમ્મીનો પક્ષ લઈ આરતીને કંઈ કહે તો આરતી ઘર છોડી ચાલી જવાની ધમકી આપતી. કદાચ આના કારણે જ તેને તેની સાસુ તરફ ભારે ચીડ હતી.
રિસીવરને ક્રેડલ પર મૂકી આરતીએ પતિને ત્રાંસી નજરે જોયો. તે જાણતી હતી કે આ વાત સાંભળતાં જ સંજયનો મૂડ બગડી જશે. ન જાણે કેમ સાસરીનું નામ સાંભળતાં જ તેના મગજનો પારો આસમાન સુધી પહોંચી જાય છે. સંજય છાપામાં નજર નાખીને બેઠેલો હતો.
'માએ મને બોલાવી છે. તેની તબિયત સારી નથી. મારે જવું પડશે એટલે ત્યાં થોડા દિવસ રોકાવું પણ પડશે.'
'મમ્મીને પૂછી જો.' સંજયે ખભા ઊંચકી કહ્યું.
'સવારમાં જ મારો મૂડ ખરાબ ન કર.' આરતી ચિડાઈને બોલી, 'પૂછવાનું જ હોય તો તું જ પૂછી લે. મને ઊલટુંસીધું સાંભળવું ગમતું નથી.'
સંજય સારી રીતે જાણતો હતો કે સાસુવહુ બંનેને જરા પણ ફાવતું નથી. એકબીજાને ખાઈ જશે કે શું એવું જોતા લાગે. એ બંનેની વચ્ચે ફસાયો હતો. જો પત્નીનો સાથ આપે તો મમ્મી ગુસ્સે થઈ જતી અને મમ્મીનો પક્ષ લઈ આરતીને કંઈ કહે તો આરતી ઘર છોડી ચાલી જવાની ધમકી આપતી. કદાચ આના કારણે જ તેને તેની સાસુ તરફ ભારે ચીડ હતી. તે સારી રીતે જાણતો હતો કે આરતી જ્યારે પણ તેની માને મળવા જતી અને પાછી ફરતી ત્યારે ઘરમાં ઝઘડા કરવાની નવી રીતો શીખીને આવતી.
'સારું. હું પૂછી લઉં છું.' અચાનક સંજયનું વર્તન બદલાઈ ગયું. તે કહે, 'તારી મા કાયમ તને જ શા માટે બોલાવે છે? શું હું તેમનો કશો સગો નથી?'
'તને બોલાવીને શું કરશે? જ્યારે પણ જાય છે ત્યારે ચૂપચાપ બેસી રહે છે. સાળી અને સાળો તારી ખુશામત કરતાં થાકતાં નથી, પરંતુ તું તો બસ પૂતળાંની જેમ બેસી રહે છે.' આરતીએ ફરિયાદ કરી, 'જો તું તેમને માન આપીશ તો સામે તને પણ માન મળશે.'
'શું ખરેખર હું એવો છું?' સંજયે હસીને સવાલ કર્યો. પછી કહ્યું, 'મારે કશુંક કરવું પડશે.'
'શું કરીશ?' આરતી ચિડાઈ, 'બંદૂક લઈને જઈશ?'
'હા, આંખોથી ગોળી મારીશ.' સંજય હસ્યો, 'હું પણ તારી સાથે આવું છું. સાસુમાને ફોન કરી કહી દે કે જમાઈરાજા પણ આવી રહ્યા છે.'
'માફ કર. તને કોઈ સહન નહીં કરી શકે. બહુ નખરાં કર્યાં છે તે,' આરતી ગુસ્સામાં બોલી.
પોતાની પ્રશંસા સાંભળી સંજય જોરથી હસી પડયો. પછી કહે, 'જોઉં છું કયો માઈનો લાલ મને જવા માટે રોકે છે. આખરે મારી સાસુ સાથે જૂનો હિસાબ ચૂકતે કરવાનો છે. પ્રશંસાના કેવાં ફૂલ ચઢાવ્યાં હતાં..'
'એ તો હું પણ કરી શકું તેમ છું.' આરતી ગુસ્સામાં બોલી.
'કોઈ પ્રયત્ન બાકી રાખ્યો નથી.' સંજયે કટાક્ષ કર્યો, 'શું કશું બાકી રહ્યું છે? એટલે તો તારી સાથે આવું છું.'
'ના.' આરતી ગુસ્સા સાથે બોલી.
'હા, હું આવીશ.' એટલી જ જોર સાથે સંજય પણ બોલ્યો.
'તો હું નહીં જાઉં.'
'તો પછી ઝઘડો શાનો? ચાલ એક કપ ગરમ ગરમ કોફી થઈ જાય.' સંજયે હસીને કહ્યું.
'ખૂબ જ ચાલાક છે.' આરતી બોલી, 'સારું ચાલ, પણ ત્યાં કોઈ આડીઅવળી વાત કરી છે તો મારાથી ભૂંડું કોઈ નહીં.'
'તારાથી વધારે ભૂંડાને તો હું હજુ શોધું છું.' સંજયે ગંભીરતાથી કહ્યું.
'શું કહ્યું?' આરતીએ આંખોમાં તીખાશ લાવી પૂછ્યું.
'કશું નહીં. બસ, તારી પ્રશંસા કરી રહ્યો છું.' સંજયે હસીને વાત ટલ્લે ચડાવી.
સંજયે જે ધાર્યું હતું એ જ મુજબ મમ્મીએ જવા માટે અણગમો બતાવ્યો, મોં મચકોડયું, બબડી અને પોતાના પતિના રૂમમાં જઈ બબડાટ કરવા લાગી.
'અને તું શા માટે જાય છે?' મમ્મીએ સવાલ કર્યો, 'અરે, જ્યાં રોટલી પર ઘી નથી ચોપડાતું, દાળમાં ઘી આપવાનો રિવાજ નથી ત્યાં તને શું મોતી ચરવા મળશે? વહુ જ્યારે પણ જાય છે ત્યારે પોતાની માને જાણે શું શું કાન ભંભેરી પાછી આવે છે.'
આરતી આ સાંભળી તરત ફૂંફાડો મારી બોલી, 'તમે તમારા દીકરાને ચોવીસે કલાક આડુંઅવળું ભરાવો છો એનું શું?'
સાસુએ આ વાક્ય સાંભળ્યું નહીં, જો સાંભળ્યું હોત તો ઘરમાં મહાભારત રચાયું હોત. સાસુને ખાસ તો એ વાત નહોતી ગમતી કે આરતી પિયર જાય એટલે ઘરનાં તમામ કામ તેને કરવાં પડતાં. સંજય તો નોકરી પર ચાલ્યો જતો અને પતિ જુનવાણી વિચારોનો હતો. ઘરમાં કશું કામ કરવામાં તે નાનમ અનુભવતો હતો. બસ તેને તો બેસીને હુકમ ચલાવતાં આવડતું હતું.
આરતીના જવાનું નામ સાંભળતાં જ સાસુને બધી બીમારી લાગુ પડી જતી.
'તું ચિંતા ના કર મમ્મી.' સંજયે કહ્યું, 'હું એક નોકરની સગવડ કરું છું. તને આરામ મળશે.'
'ખબર નથી કે નોકર મારા માટે હશે કે વહુ માટે.' સાસુએ કટાક્ષ કર્યો.
સંજયના આવવાના સમાચાર મળતાં જ સાસરીમાં એક અજબ પ્રકારનો સન્નાટો છવાઈ જતો હતો. આ વખતે પણ એમ જ થયું. જ્યારે ટેક્સી દરવાજા પાસે આવી ઊભી રહી ત્યારે આવકાર આપવા કોઈ બહાર ન આવ્યું. સંજય જાતે સમાન ઊંચકી અંદર લઈ ગયો. સસરા ખુરશી પર બેસી રહ્યા અને સાસુમા રસોડામાં ઊભા ઊભા ચા બનાવતાં હતાં. રિંકુ નિશાળે જવાનું નાટક કરતી હતી અને બંટી ક્રિકેટ રમવા માટે તૈયાર થઈ ગયો.
સંજયે સસરાને નીચે નમી પ્રણામ કર્યા. આ જોઈ આરતી પહેલીવાર ચમકી ગઈ. અગાઉ આરતી તેને કહેતી કે તે જે રીતે તેનાં સાસુસસરાને પ્રણામ કરે છે તેવી રીતે તેણે પણ કરવા જોઈએ.
ત્યારે સંજય કડક અવાજે કહેતો કે અમારા ખાનદાનમાં જમાઈ સાસરીમાં કોઈને પગે પડતો નથી.
ત્યારથી આરતીએ પણ સાસુસસરાને પગે લાગવાનું છોડી દીધું હતું. માત્ર ઔપચારિકતા માટે જરા નમતી હતી.
સસરાનો મીઠો આશીર્વાદ લઈ સંજય સીધો રસોડામાં ગયો. માનપૂર્વક સાસુને પગે લાગ્યો ત્યારે સાસુ પણ અચંબામાં પડી ગયા. આશ્ચર્યમાં તેમનું મોં ખુલ્લું જ રહી ગયું.
'અરે મમ્મી, ચા બનાવો છો? તમારા હાથ જેવી ચા તો કોઈપણ બનાવી શકતું નથી. મને પણ ચા બનાવતાં શીખવોને.' સંજયે શ્વાસ અંદર ખેંચી કહ્યું, 'અરે શું સરસ સુગંધ આવે છે. કઈ ચા વાપરો છો?'
પોતાની પ્રશંસા સાંભળી સાસુ હસી પડયાં, 'બેટા, તું બહાર જઈને બેસ. હું હમણાં જ ચા લઈને આવું છું. નાસ્તામાં શું લઈશ?'
'અરે મમ્મી, તમે શા માટે ચા લઈને આવશો? લાવો, હું ચા ગાળી લઉં છું. નાસ્તો કરીને નીકળ્યા હતા પણ અમને રસ્તામાં તમારા હાથના બનેલાં પાલખનાં ભજિયાં બહુ યાદ આવતાં હતાં.' આમ બોલી સંજયે સાસુએ ના કહેવા છતાં ચા પ્યાલામાં ભરી.
'લાવો, બાપુજી માટે પણ ચા લઈ જાઉં.' સંજયે કપ ઉપાડવતાં કહ્યું.
'અરે બેટા તું શા માટે તકલીફ લે છે. રિંકુ દીકરી તો છે જ ને?' સાસુએ વિરોધ કર્યો.
'મમ્મી, હું તમારો દીકરો જ છું ને?'
'હા.. હા, કેમ નહીં.' સાસુ બોલ્યાં. પેલી તરફ આરતી આંખો ફાડીને આ બધું જોઈ રહી હતી અને સાંભળતી હતી. તેને તો વિશ્વાસ જ નહોતો બેસતો.
સંજયના જતાં જ આરતી મા પાસે ગઈ. માએ પૂછ્યું, 'આજે તો મિજાજ ઘણો બદલાયેલો લાગે છે. શું સમજાવીને લાવી છે?'
'ના મા, આ બધું નાટક છે. હજુ અસલી રૂપ સામે આવશે.' આરતી બોલી, 'તું જોયા કર શું થાય છે તે.'
સંજય સસરા સાથે ચા પીતાં પીતાં તેમનાં ખબરઅંતર પૂછવા લાગ્યો. સસરાને પણ ગમ્યું. સંજયે પોતાની બેગ ખોલી એક શાલ કાઢી સસરાને બતાવી, 'કહો જોઈએ કેવી લાગી?'
'સરસ છે.' સસરાએ શાલ હાથમાં લઈ જોયા પછી કહ્યું, 'ખૂબ જ મોંઘી લાગે છે.'
'તમારા માટે છે.' સંજયે હસીને કહ્યું, 'આ વખતે જ્યારે હું બેંગ્લોર ટૂર પર ગયો હતો ત્યારે બે શાલ લઈને આવ્યો હતો. એક તમારા માટે અને મારા બાપુજી માટે.'
'ભાઈ, તારે લાવવાની જરૂર ક્યાં હતી?' સસરા મનમાં ખુશ થતાં બોલ્યાં, 'મારી પાસે આમ પણ શાલ તો છે.'
'જરૂર હશે, ડેડી. પણ મેં આપેલી શાલ તો નહીં હોય ને.' સંજયે કહ્યું.
'વાત તો સાચી. ભાઈ તારો ખૂબ આભાર.' સસરા બોલ્યા અને પછી ભજિયાં લઈને આવતી પત્ની તરફ નજર નાખી બોલ્યા, 'જો સંજય મારા માટે શું લાવ્યો છે?'
'વાહ, આ તો સરસ છે.' સાસુએ આનંદમાં આવી કહ્યું, 'કેટલી કિંમતની છે?'
'અરે મમ્મી, કિંમત પૂછીને મને શરમાવો નહીં.' સંજય બેગમાંથી બીજી શાલ કાઢી સાસુને આપતાં કહ્યું, 'આ તમારા માટે છે.'
'વાહ.. કેટલી સરસ છે.' સાસુની આંખો પહોળી થઈ ગઈ.
'પરંતુ મમ્મી, તમારા હાથના બનાવેલાં ભજિયાં જેટલી સારી તો નથી જ.' સંજયે હસીને કહ્યું.
'અરે બેટા, ક્યાં ભજિયાં અને ક્યાં શાલ.' સાસુ આનંદમાં આવી બોલ્યાં.
એકાંત મળતાં જ આરતીએ સંજયને શંકા કરતાં સવાલ કર્યો, 'આ શાલ ક્યારે ખરીદેલી? મને કહ્યું પણ નહીં?'
'તારે એનો શો મતલબ?' સંજયે સવાલ કર્યો, 'શું એ જરૂરી છે કે મારે તને બધી વાત કરવી?'
જો કે સંજયે શાલ સેલમાંથી ખરીદી હતી. એને આરતીને બતાવવાનું યોગ્ય નહોતું લાગ્યું. આરતી મોં મચકોડી મૂંગી થઈ ગઈ.
સંજય જ્યારે ભોજન કરવા બેઠો ત્યારે તેણે દરેક વાનગીની એટલી પ્રશંસા કરી કે જે આ પહેલાં ક્યારે પણ કરી નહોતી.
'આરતી, તું મમ્મીની જેમ આ બધું કેમ નથી શીખતી? અને મમ્મી, તમે એટલી સરસ રસોઈ બનાવો છો કે બસ ખાતાં જ રહીએ. આરતી, જરા અડદની દાળ આપજે ને. આવી દાળ ખાધે તો વરસો વીતી ગયાં.' સંજય આનંદમાં દેખાતો હતો.
સંજયમાં આવેલા આ ફેરફારથી બધાં ખુશ હતાં સાથે તેમને આશ્ચર્ય પણ થયું હતું. આરતીને ડર હતો કે હવે સંજય કોઈ જબરજસ્ત નાટક કરશે. તેઓએ આ વાતનો સામનો કરવા ઘણી રાહ જોઈ, પરંતુ એવું કશું બન્યું નહી.
ભોજન કર્યા પછી જ્યારે બધાં આરામ કરવાં ચાલ્યાં ગયાં ત્યારે માદીકરીને સંજય અને તેની મા વિશે વાત કરવાની તક મળી. સંજયની મા વિશે ઘણી કડવી વાતો કરી. ભાષા પણ એવી જ વાપરી, પરંતુ આજે સંજય વિરુદ્ધ કશું કહેવાનું મળતું નહોતું અને એ વાત તેને ચચરતી હતી.
સંજયે રિંકુ અને બંટીને પાસે બોલાવી બેસાડયાં અને તેમના ભણતરમાં રસ લેવા લાગ્યો. તેણે ઘણીબધી વાતો પણ કરી.
'ભાઈ, વાતો તો ઘણીબધી કરી.' સંજયે હસીને કહ્યું, 'પત્તા ઘરમાં છે ખરાં?'
'હા, મારી પાસે છે.' બંટીએ આનંદમાં આવી કહ્યું.
'તો પછી રાહ કોની જોવાની છે? આવો હું તમને નવી રમત બતાવીશ અને જાદુ પણ શીખવીશ.' સંજયે જાણે મિત્ર ન હોય તેવી રીતે વાત કરી.
બંટી દોડીને કબાટમાંથી પત્તાં લઈ આવ્યો. આજે તેને જીજાજી ઘણા સારા લાગતા હતા. રિંકુને સંજય ખૂબ જ હસાવતો હતો. એને એવી જોક્સ કહેતો હતો કે તે હસીહસીને બેવડ વળી જતી હતી.
આરતી વચ્ચે વચ્ચે આવી ડોકિયું કરી જતી હતી. તેની સમજમાં નહોતું આવતું કે આ વળી શું ચક્કર છે? તે ખૂબ જ ગૂંચવાયેલી હતી. તેને દરેક ક્ષણે લાગતું હતું કે સંજય કાંઈક કરવાનો છે. જો તમાશો કરવો હોય તો શા માટે એ બધાંને અંધારામાં રાખે છે?
'હા, તો મારી વહાલી સાળી અને મારા પ્રિય સાળા સાહેબ.' સંજયે પત્તાં હાથમાં લેતાં કહ્યું, 'તમે કદી પિક્ચરબિક્ચર જોવા જાવ છો ખરાં?'
'કોઈ જવા દે તો જઈએ ને?' રિંકુએ મોં મચકોડી કહ્યું, 'મારી બધી સાહેલી જાય છે, બસ હું જ જતી નથી. ઘણું ખરાબ લાગે છે.'
'હું તો નિશાળમાંથી નાસીને ક્યારેક ફિલ્મ જોઈ આવું છું.' બંટી ધીમેથી બોલ્યો, 'કોઈને ખબર પડતી નથી. તમે તો ચાડી નહીં ખાઓ ને?'
'હું વળી શા માટે કહું? પણ એક ખાનગી વાત કરું? હું પણ નિશાળમાંથી ગુટલી મારી ફિલ્મ જોવા ભાગી જતો હતો. એકવાર પકડાઈ ગયો ત્યારે સારો એવો મેથીપાક પડયો.' આમ બોલી સંજય ખડખડાટ હસ્યો તો એ બંને પણ હસી પડયાં.
આજે તો સાસુએ ચા સાથે ગરમ સમોસાં અને ગુલાબજાંબુ પણ નાસ્તામાં આપ્યાં.
'અરે મમ્મી, વાહ, મજા પડી ગઈ. આટલી સરસ ચા સાથે મનપસંદ નાસ્તો જોઈને થાય છે કે સાસરું છોડીને ક્યારેય કશે ન જાઉઁ.' સંજય બોલ્યો.
'હા, હા બેટા, આ ઘર પણ તારું જ છે.' સાસુએ સંજયના શબ્દોમાં કટાક્ષ શોધવાનો પ્રયાસ કરી જોયો, પરંતુ એમાંથી કશું મળ્યું નહીં. 'મમ્મી તમને એક વિનંતી છે. તમે ના ન કહેશો.' સંજયે હસીને કહ્યું.
'કાલે તમારે બધાંએ મારી સાથે ફિલ્મ જોવા આવવું પડશે.' સંજયે કહ્યું, 'ટિકિટ હું લઈ આવીશ.'
'ના, એવું કેવી રીતે બની શકે?' સાસુએ વિરોધ કર્યો, 'આમ પણ હું ફિલ્મ જોવા ક્યારેય પણ જતી નથી. તમે લોકો જાઓ.'
'મમ્મી, તમને તો અમે લઈ જ જઈશું. જો તમે નહીં આવો તો કોઈ નહીં જાય.' સંજયે પોતાનો નિર્ણય સંભળાવ્યો.
'અરે મમ્મી, ચાલોને.' બંટી અને રિંકુ એકસાથે બોલ્યાં.
'જુઓ મમ્મી, આટલું કહે છે તો..' આરતીએ જરા અટકી સંજયના ચહેરાના ભાવ જાણવા પ્રયાસ કર્યો પછી બોલી, 'તો પછી નીકળવું જ પડશે.'
આરતીને યાદ હતું કે શરૂશરૂમાં જ્યારે પણ સંજયને બળજબરી કરીને ફિલ્મ જોવા લઈ જતી ત્યારે જતો, પરંતુ તે તો સીટ પર બેસીને ઊંઘી જતો હતો. એકાદબેવારમાં બધાં એટલાં કંટાળી ગયા કે ફિલ્મ જોવાની વાત જ બંધ કરી દીધી હતી.
જ્યારે સાસુએ હા કહી ત્યારે બધાંએ તાળી પાડી આનંદ વ્યક્ત કર્યો. સંજય બંટી અને રિંકુને લઈને બહાર ફરવા નીકળી ગયો. માદીકરી કામમાં લાગી ગયાં સાથે મનમાં મૂંઝાવા લાગ્યાં કે આખરે સંજયને આવું નાટક કરવા પાછળનો હેતુ શો હશે? ક્યાંક મોટી રકમનું બિલ તો હાથમાં નહીં પકડાવી દે ને?
બાળકોને આનંદમાં જોઈ કોઈ કશું બોલ્યું નહીં. માત્ર ઔપચારિકતા ખાતર કહ્યું, 'આ લાવવાની જરૂર શી હતી?'
'લ્યો, મમ્મી રસમલાઈ. મને ખબર છે તમને અને ડેડીને આ ખૂબ જ પસંદ છે.' સંજયે રસમલાઈનો ડબ્બો આપતાં કહ્યું.
'અરે બેટા આટલી મહેનત તું કેમ કરે છે? જમાઈના પ્રેમ અને આદર સિવાય અમારે બીજું જોઈએ પણ શું?' સાસુએ દુઃખી અવાજે કહ્યું, 'હવે કશું ન લાવીશ અને કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો એ પણ કહેજે.'
આ સાંભળી ફિલ્મી ઢબે સંજય બોલ્યો, 'મમ્મી, તમે મને દીકરો કહો છો ને? અને દીકરો આપે તે કશું રાખવા ઇચ્છતા નથી. એ બે વાત કેવી રીતે બની શકે?'
આરતી મનમાં ને મનમાં મૂંઝાતી હતી કે આજે આટલો દેખાડો શા માટે? ક્યારેક તો અસલી ચહેરો સામે દેખાશે.
આ રીતે ચારપાંચ દિવસ મોજમસ્તીમાં વીતી ગયા. હવે સંજયે પાછા ફરવાની રજા માગી. રિંકુએ હઠ કરી કે તે હમણાં ન જાય.
'ના જાવ જીજાજી. તમે અમને ખૂબ જ ગમો છો.' આમ બોલી સંજયના બંને હાથ પકડી લીધા.
'જો બધાં આગ્રહ કરે છે તો રોકાઈ જાવ.'
'જરૂર રોકાઈશ મમ્મી.' સંજયે જરા કટાક્ષમાં હસીને કહ્યું, 'હવે તમારી દીકરી માનતી નથી. એ કહે છે કે સાસરીમાં બહુ દિવસ રોકાવાનું બરાબર ન કહેવાય.'
'મેં વળી એવું ક્યાં કહ્યું છે?' આરતી ગુસ્સે થતાં બોલી.
'અરે તો આ સામાન શા માટે બાંધે છે?' સંજયે સવાલ કર્યો.
'જ્યારે નીકળ્યા હતા ત્યારે મમ્મીની તબિયત સારી નહોતી. ખબર નથી અત્યારે કેવી હશે. તને તો કોઈ વાતની ચિંતા નથી.' આરતી ખોટું બોલી.
'હા, તારી વાત તો સાચી છે.' સંજયે વાત સ્વીકારી અને જૂઠાણાંને પકડી પાડયું.
જતી વખતે સાસુએ કપડાં અને ઘણી બધી મીઠાઈ આપી. બંનેને પાંચસો પાંચસો રૂપિયા પણ આપ્યા. આરતીએ ગર્વ સાથે જોયું અને આંખો દ્વારા કહ્યું, 'જોયું, મારી મા કેટલી ઉદાર મનની છે.'
સંજય માત્ર હસ્યો. બંટી અને રિંકુને પ્રેમ કર્યો પછી જલદી આવવાનો વાયદો કર્યો. અંદર જઈ સાસુસસરાને પગે લાગી આશીર્વાદ પણ લીધાં.
જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે સાસુની નારાજગી સ્પષ્ટ દેખાઈ આવતી હતી. એ કશું કડવું બોલે તે પહેલાં આરતી નમીને ચરણ સ્પર્શ કરતાં જોઈ સાસુનું મોં આશ્ચર્યથી ખુલ્લું રહી ગયું. એક શબ્દ ના નીકળ્યો મોંમાંથી.
'અરે મમ્મી, વહુને આશીર્વાદ નહીં આપે?' સંજયે મમ્મીનું ધ્યાન ખેંચ્યું.
'હા.. હા, કેમ નહીં.' મમ્મીએ અચાનક સભાન બની કહ્યું, 'ખૂબ જીવો અને સદા સૌભાગ્યવતી રહો.'
આરતીને લાગ્યું કે સાસુએ જાણે તેના પર અમૃતવર્ષા કરી છે. તે વિચારવા લાગી કે સાસુના શબ્દકોશમાં આવા શબ્દો તો છે નહીં.
આરતીએ માએ આપેલાં કપડાં સાસુસસરાને આપ્યાં. મીઠાઈ પણ સામે મૂકી દીધી. સાસુનો આનંદ છુપાવવા છતાં છુપાઈ શકતો નહોતો.
જ્યારે સસરાને, માથે સાડીનો છેડો નાખી પ્રણામ કર્યા ત્યારે તેઓ પણ આશ્ચર્યથી તેને તાકી રહ્યાં. તેમના મોંમાંથી આશીર્વાદના શબ્દો સરી પડયા.
સંજયે કટાક્ષભરી નજરથી આરતી તરફ નજર કરી અને માથું હલાવી મૂંગા મૂંગા સવાલ કર્યો, 'જો તું નાટક કરી શકે છે તો હું ન કરી શકું?'
જ્યારે સાસુ રસોડામાં જવા લાગી ત્યારે આરતીએ તેમને રોકી કહ્યું, 'તમે બેસો મમ્મી. તમારી તબિયત બરાબર લાગતી નથી. હું હમણાં જ નાસ્તો બનાવી લાવું છું.'
સાસુએ અવિશ્વાસભરી નજરે વહુ તરફ જોયું પછી જવાબ શોધવા પતિ તરફ નજર કરી. તે માત્ર હસતાં હતા કે જીવનમાં જે પણ સારી પળ મળે તેને સહજ રીતે સ્વીકારી લો. ક્યારેય પણ કામ આવી શકે છે.
સાસુસસરાની સેવા કરવી અને તેમનું સંપૂર્ણ ધ્યાન રાખવાની ટેવ આરતીને પડતી જતી હતી. હજુ થોડા દિવસ પહેલાં જ્યારે સાસુને વાઇરલ ફીવર આવ્યો હતો ત્યારે આરતીએ કોઈ પરવા કરી નહોતી. બધી સંભાળ સસરાએ જ રાખી હતી. એ પછી સસરા બીમાર પડયા, તાવમાં પટકાયા ત્યારે સાસુ શારીરિક રીતે અશક્ત હોવા છતાં ખાંસતાં ખાંસતાં તેમણે સેવા કરી હતી. એ બહુની ઉપર ગુસ્સો કર્યા કરતી હતી. કેટલો ગુસ્સો કરતી હતી આરતી પર?
આ વાત માટે આરતી અને સંજય વચ્ચે ઝઘડો પણ થતો હતો. બંનેના મનમાં કડવાશ વધી ગઈ હતી. ઘણા દિવસ બંને વચ્ચે અબોલા પણ થઈ ગયા હતા.
આજે સાસુસસરાને આરતીએ સોજીનો ગરમ શીરો, મેવા નાખી બનાવી આપ્યો ત્યારે બંનેને ઘણું ગમ્યું.
'અરે વહુ, તારાં મમ્મીપપ્પા કેમ છે? અને તારા ભાઈબહેન? હા.. શું નામ છે? રિંકુ અને બંટી. તે બંને કેમ છે?' સાસુના શબ્દોમાં મીઠાશ હતી.
'બધાં મજામાં છે. તમને ખૂબ યાદ કરતાં હતાં.' આરતીએ કહ્યું.
'હવે જ્યારે બાળકોને રજા પડે તો થોડા દિવસ માટે અહીં બોલાવજે.' સાસુએ પ્રેમથી કહ્યું.
જ્યારે આરતીના હિસાબે તો સાસુએ વાતાવરણ એટલું ગંદું કરી મૂક્યું હતું કે આરતીની ઇચ્છા હોવા છતાં એ ભાઈબહેનને બોલાવવાની હિંમત કરી શકી નહોતી.
'જરૂર બોલાવીશ.' આરતીએ ધીમેથી જવાબ આપ્યો.
'હા, બાળકોને મળે ઘણો સમય થઈ ગયો.' સસરાએ પણ હામાં હા ભેળવી કહ્યું.
સંજય તરત બોલ્યો, 'હું ફોન કરી દઈશ. રજા પડતાં તેઓ અહીં આવવા તૈયાર થઈને રહે.'
આરતી કશું ન બોલી. તેની આંખો જરા ભીની થઈ ગઈ.
બેડરૂમમાં બેડ પર પાછળ તકિયો ગોઠવી સંજય આરામથી બેસી છાપું વાંચતો હતો. આરતીએ જ્યારે પ્રવેશ કર્યો ત્યારે તેના હાથમાં ચાનો કપ હતો.
'અરે, તારા માટે ન લાવી?' સંજયે કપ હાથમાં લેતાં પૂછ્યું.
'બાએ કહ્યું કે આ ચા મને આપી દે, તારા માટે બીજી બનાવી લેજે.' આરતી હસી.
'કશો વાંધો નહીં. આજે ઘણા દિવસ પછી જૂના દિવસોની યાદ તાજી કરી આપણે બંને એક કપમાંથી ચા પીશું. મારી પાસે આવીને બેસ.' સંજયે આરતીને બેસવા માટેની જગ્યા કરતાં કહ્યું.
'ખૂબ જ હસો છો. શું થયું છે આજે?' આરતી અડોઅડ બેસતાં બોલી.
'મને મારા મિત્ર ચતુરની વાત યાદ આવી ગઈ.' સંજય હસીને બોલ્યો.
'ચતુર?' આરતી આશ્ચર્ય પામતાં પૂછી બેઠી, આ વળી ક્યો મિત્ર આવ્યો? અત્યાર સુધી તો મેં આ નામ સાંભળ્યું નથી. લગ્નમાં આવ્યો હતો?'
'લગ્નમાં આવી શક્યો હોત તો સારું થાત. ખૂબ જ દીર્ઘદ્રષ્ટિવાળો છે.' સંજયે ચાનો ઘૂંટડો લેતાં કહ્યું.
'શું કહ્યું હતું તેણે?' આરતીએ ચા પીતાં પૂછ્યું.
'તેણે કહ્યું હતું કે ઘર અને કુટુંબની સુખશાંતિ માટે જરૂરી છે કે પત્ની પોતાની સાસુને અને પતિ એની સાસુને ખુશ રાખે. આ એનો મૂળમંત્ર હતો.'
'ઉફ..' આરતીના મોંમાંથી એક જ શબ્દ નીકળ્યો. પછી માથે હાથ મૂકી બોલી, 'બસ આટલી જ વાત?'


