- કોઈપણ સ્ત્રીના ભરાવદાર અને ભીના દેહનો સ્પર્શ પુરુષના રોમેરોમને કેવો ઉત્તેજિત કરી મૂકે છે એનાથી રોહિણી અજાણ નહોતી. નિકંુંજની કામુક નજરો રોહિણીના દિલમાં કાંટાની જેમ ખૂંચી ગઈ. પરંતુ થોડી જ વારમાં તેણે મન મનાવ્યું કે ગીતા તો શરૂઆતથી જ આવી બિન્દાસ છે. તેમાં ખોટું શું લગાડવું?
આકાશ કાળાં ડિબાંગ વાદળોેથી ગોરંભાયું હતું. ઝાડના પડછાયા અંધકારમાં પ્રસરી ગઈ હતી. વરસાદ ત્રાટકવાની તૈયારીમાં હતો. રોહિણી વરંડામાં આરામખુરશી પર બેઠી બેઠી નિરુદેશ સામે તાકી રહી હતી. બગીચામાં ચકલીનું એક નાનું બચ્ચું, જે અત્યારસુધી આમતેમ કૂદતું ફરી રહ્યું હતું તે હવે ઝાડી હેઠળ લપાઈ ગયું હતું. કદાચ તે રસ્તો ભૂલી ગયું હતું.
અચાનક વીજ ઝબૂકતાં રોહિણી ચોંકી ઊઠી. ખયાલોમાં ખોવાયેલી હોવાથી તેને લાઈટ કરવાનું પણ યાદ ન રહ્યું. તે ઊભી થઈ અને સ્વિચ ઓન કરી. પ્રાંગણમાં અજવાળું પથરાયું. સામેના ટેબલ પર કપમાં પડેલી કોફી પણ ઠરી ગઈ હતી, જે શિવાની બનાવીને મૂકી ગઈ હતી.
રોહિણીએ કપ ઉઠાવીને કિચનના સિન્કમાં મૂકી દીધો. ડાઈનિંગ રૂમમાં હળવી રોેશની ફેલાઈ ગઈ હતી. રોહિણીએ જોેયું કે શિવાનીએ ખૂબ જ કુશળતાથી ડિનર બનાવીને ટેબલ પર ગોઠવ્યું હતું. બે જણ માટેના ઈમ્પોર્ટેડ ડિનરસેટ, ચાંદીની કટલેરી અને ક્રિસ્ટલના ગ્લાસ સજાવ્યા હતા. ટેબલની વચ્ચોવચ ચાંદીનું સુંદર કેન્ડલ-સ્ટેન્ડ મૂક્યું હતું.
રોહિણી ઘડીભર ઊભી રહી ગઈ. આ કેન્ડલ-સ્ટેન્ડ તેને નિકુંજે તેમની પ્રથમ મુલાકાતની પહેલી વરસગાંઠે આપ્યું હતું. તેમાં બળતી મીણબત્તીઓની ઝળહળ થતી રોશનીમાં બંને એકમેકની આંખોમાં એવાં ડૂબી ગયાં હતાં કે ખાવાનું યાદ જ નહોતું આવ્યું!
એવામાં એકાએક લાઈટ ગઈ. રોહિણી ધીમે ધીમે બહાર આંગણામાં આવીને ફરી ખુરશી પર ગોઠવાઈ ગઈ. બહાર ઘોર અંધારું છવાઈ ગયું હતું. ક્યારેક વીજળીના ચમકારે પળભર પ્રકાશ રેલાઈ જતો. પરંતુ તેના મનમાં જે અંધકાર છવાયો હતો તે કેવી રીતે દૂર થશે?
તેને અચાનક હસવું આવ્યું. તેનું વ્યક્તિત્ત્વ એટલું હસમુખું હતું કે જ્યાં જતી ત્યાં વાતાવરણ હાસ્યની છોળોથી ગૂંજી ઊઠતું. તેના સ્મિત પર ફિદા થઈને જ નિકુંજે તેની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. પણ આજે નિકુંજને જ ખબર નહોતી કે રોહિણીનું એ મોહક સ્મિત કયાં ખોવાઈ ગયું હતું.
તેમનાં લગ્નને બાર વરસ વીતી ગયાં છે. તેનો દસ વર્ષનો પુત્ર વિરલ બોર્ડિંગ સ્કૂલમાં ભણે છે. પણ રોહિણીની બ્યૂટી હજી બરકરાર છે. તે આજેય એટલી જ સુંદર દેખાય છે જેટલી તે નિકુંજ સાથેનાં લગ્ન વખતે દેખાતી હતી.
નિકુંજ મુંબઈનો એક પ્રસિદ્ધ ડોક્ટર છે. નિકુંજ-રોહિણીની જોડી એટલી સરસ લાગતી કે જાણે બંને એક દૂજે કે લિયે જ સર્જાયા હોય. ગોરો, લાંબો નિકુંજ ડૉક્ટર કરતાં એક એક્ટર જેવો વધુ લાગતો હતો, જ્યારે સ્લિમ, સ્માર્ટ અને શ્વેતવર્ણી રોહિણી અને તેની કામણગારી કાળી આંખો જોનારને ફરીફરીને તેને જોવા લલચાવતી.
જૂહુ-તારા રોડ પરનો આલીશાન બંગલો બંનેએ હોંશભેર સજાવ્યો હતો. નિકુંજ પોતાના નર્સિંગ રૂમમાં વ્યસ્ત રહેતો અને રોહિણી પ્રેમથી ગૃહસજાવટમાં બિઝી રહેતી.
પછી એમની જિંદગીમાં મિહિરનો પ્રવેશ થયો. રોહિણી તો ન્યાલ થઈ ગઈ. ઈશ્વરે વગર માગ્યે જ તેને બધું જ દઈ દીધું હતું. બેહદ પ્રેમ કરનારો પતિ અને પ્રેમાળ પુત્ર. મિહિર મોટો થયા બાદ તેને બોર્ડિંગ સ્કૂલમાં દાખલ કર્યો. જોકે રોહિણી માટે મિહિરનો વિરહ વેઠવાનું વિકટ હતું. પરંતુ પુત્રના ઉજ્જવલ ભાવિ ખાતર તેણે એ વ્યથા વેઠી લીધી.
પણ અચાનક એની ખુશાલીને ગમગીનીનું ગ્રહણ લાગ્યું.
વરસાદનાં ભારેખમ ફોરાંના અવાજથી રોહિણી જાણે તંદ્રામાંથી જાગી ઊઠી. લાઈટ આવી ગઈ હતી. સામેનો રસ્તો પણ ચમકી ઊઠયો હતો. તેણે ઘડિયાળ પર નજર માંડી. રાતના દસ વાગી ગયા હતા. પણ નિકુંજ હજી આવ્યો નહોતો. બાર વરસમાં પહેલીવાર નિકુંજ લગ્નની વરસગાંઠ ભૂલી ગયો હતો. ઊંડો શ્વાસ લઈ રોહિણીએ ફરી ખુરશીમાં લંબાવ્યું.
રોહિણીની કોલેજની બહેનપણી ગીતા જ એની ખુશીઓને ગ્રહણની જેમ ગળી ગઈ હતી. રોહિણીને એક વરસ પહેલાં એ વરસાદી સાંજ યાદ છે, જ્યારે બજારમાંથી મીઠાઈની દુકાનમાંથી નિકુંજને ખૂબ ભાવતાં ગુલાબજાંબુ લઈને તે પગથિયાં ઊતરતી હતી તેવામાં જ કોઈકે તેના ખભા પર હાથ મૂક્યો હતો. પાછળ વળીને જોયું તો ગીતા ઊભી હતી.
વરસો પહેલાં તેનાં મા-બાપ ગુજરી ગયા બાદ તે પોતાની ફોેઈ સાથે અમેરિકા જતી રહી હતી. આજે અચાનક ગીતાને નજર સામે જોતાવેંત રોહિણીની આંખો સજળ બની ગઈ અને તે હરખભેર તેને ભેટી પડી.
આટલાં વરસો પછી પણ ગીતાનું રૂપ એવું ને એવું જ રહ્યું હતું. ટૂંકા વાળને લીધે તેને બધા 'ટોમ બોય' કહીને ચિડવતા હતા. સ્ક્રીન-ટાઈટ જિન્સ અને ટૂંકા સ્લીવલેસ ટોપ્સમાં તે હજી એવી જ બિન્દાસ દેખાતી. રોહિણી એને આગ્રહપૂર્વક કારમાં બેસાડીને ઘરે લઈ આવી.
રોહિણીનો ફ્લેટ જોઈને ગીતા ખુશ ખુશ થઈ ગઈ. શિવાની કિચનમાંથી બંને માટે મસાલા ચા અને ગરમાગરમ ભજિયાં લઈ આવી. રોહિણી એ જાણવા અધરી હતી કે આટલા દિવસ સુધી ગીતા ક્યાં રહેતી હતી. શરૂઆતમાં બંને વચ્ચે પત્રવ્યવહાર રહ્યો. પણ લગ્ન પછી રોહિણી ગૃહસ્થીમાં એટલી ગળાડૂબ રહેવા લાગી કે પત્રો લખવાનું બંધ થઈ ગયું.
'ચાલ, હવે ફટાફટ બોલવા માંડ. આટલાં વરસ તે શું કર્યું? મારા જીજાજી ક્યાં છે? શું કરે છે? તારાં બાળકો શું કરે છે? રોહિણીએ એકસામટા સવાલો કરવા માંડયા.
'બસ, બસ. તું સવાલો જ પૂછતી રહીશ કે જવાબ પણ સાંભળીશ?' હસતાં હસતાં ગીતા બોલી ઊઠી. પરંતુ તેના સ્મિત પાછળ છુપાયેલું દરદ રોહિણીની નજરથી છૂપું ન રહ્યું.
'ફોઈ સાથે અમેરિકા ગઈ. તેમણે મને પ્રેમથી સાચવી. તેમને કોઈ સંતાન નહોતું. તે વિધવા હતાં. આથી તેમણે તેમની બધી મિલકત મારા નામે કરી દીધી. એક યુવકને મેં પ્રેમ પણ કર્યો અને પરણી પણ ખરી. પરંતુ થોડા દિવસોમાં જ તેનો ઈરાદો ઉઘાડો પડી ગયો. મારી મિલકત ખાતર જ તેણે મારી સાથે લગ્ન કર્યાં. ટૂંક સમયમાં જ અમે છૂટાછેડા લીધા. ગયા વરસે ફોઈ પણ ગુજરી જતાં હું ભારત પાછી ફરી. અત્યારે મસૂરીમાં સ્કૂલમાં ભણાવું છું. બસ આટલી જ મારી રામકહાણી છે. યાર, તું તારી વાત તો કર.' કહીને ગીતા ફીકું હસવા લાગી.
રોહિણીએ પોતાના પરિવાર વિશે વાત માંડી ત્યાં જ નિકુંજે ઓરડામાં પ્રવેશ કર્યો. તેમનો એ પ્રથમ પરિચય જ આજે તેને કેવો ડંખી ગયો હતો, તે એ જ જાણતી હતી.
હવે ગીતા તેમના કુટુંબની એક સભ્ય બની ગઈ હતી. તે અવારનવાર આવીને દિવસો સુધી ઘરમાં રહી જતી. શરૂ શરૂમાં નિકુંજ પોતાના શરમાળ સ્વભાવને લીધે ગીતા સાથે બહુ નહોતો ભળતો. પરંતુ ગીતાના રમતિયાળ અને બિન્દાસ મિજાજે તેનો છોછ દૂર કરી નાખ્યો. પછી તો ત્રણે જણ સાથે પિકનિક-પાર્ટીમાં જતાં, ફિલ્મો જોતાં અને મોડી રાત સુધી પાનાં રમતાં.
અનાથ ગીતા પ્રત્યે રોહિણીને કોણ જાણે એવી રહેમ ઉપજી કે તેના જીવનમાં અકાળે આવેલી એકલતા અને ઉદાસીં દૂર કરવાની તે સતત કોશિશ કરવા લાગી. પણ એને બિચારીને ક્યાં ખબર હતી કે આ એકલતા એક દિવસ ખુદ તેના જીવનમાં ઘર કરી લેશે.
ક્યારેક ગીતાની બેફામ હરકતોથી રોહિણી અકળાઈ જતી. પત્તા રમતી વખતે નિકુંજના ખભા પર ઝૂકી જતી અને વાતો કરતાં કરતાં નિકુંજની પીઠ પર ધબ્બા મારતી તો ક્યારેક તેના ગળામાં હાથ વીંટાળી દેતી. એક દિવસ સ્વિમીંગ પુલમાં નહાતી વખતે ડરવાનો અભિનય કરીને ગીતા રીતસર નિકુંજને વળગી પડી. એ 'એક્ટિંગ' જ હતી એની રોહિણીને ખાતરી હતી, કેમ કે કોલેજમાં ગીતા સ્વિમીંગ ચેમ્પિયન તરીકે મશહૂર હતી.
કોઈપણ સ્ત્રીના ભરાવદાર અને ભીના દેહનો સ્પર્શ પુરુષના રોમેરોમને કેવો ઉત્તેજિત કરી મૂકે છે એનાથી રોહિણી અજાણ નહોતી. નિકંુંજની કામુક નજરો રોહિણીના દિલમાં કાંટાની જેમ ખૂંચી ગઈ. પરંતુ થોડી જ વારમાં તેણે મન મનાવ્યું કે ગીતા તો શરૂઆતથી જ આવી બિન્દાસ છે. તેમાં ખોટું શું લગાડવું? તેને થયું કે નિકુંજ પ્રત્યે તેનો આ માલિકીભાવ વધુપડતો કહેવાય. વળી તેને અતૂટ વિશ્વાસ હતો કે નિકુંજ મને કદી છેતરશે નહિ. તે મારો છે અને મારો જ રહેશે.
પરંતુ ત્યારપછી નિકુંજ વધુ બિઝી રહેવા લાગ્યો. મોડી રાત સુધી ઘરે ન આવતો. ગીતાની અવરજવર પણ ઘટી ગઈ. જોકે એનાથી રોહિણીને રાહત થઈ. પરંતુ એક દિવસ નિકુંજના જિગરી દોસ્ત ડૉ.આશુતોષે જ્યારે રોહિણીને કહ્યું કે 'ભાભી, નિકુંજને સંભાળો અને તમારી સહેલીને પણ સંભાળો' ત્યારે રોહિણી સ્તબ્ધ થઈ ગઈ. પહેલાં તો એને થયું કે આશુતોષ ભ્રમમાં છે. પરંતુ નિકુંજ અને ગીતાને કયાં કયાં અને કેટલીવાર તેણે સાથે જોયાં છે એની વાત આશુતોષે કરી ત્યારે રોહિણીએ તડ ને ફડ કરવાનો ફેંસલો કરી લીધો. લગ્ન બાદ પહેલીવાર નિકુંજ-રોહિણી વચ્ચે ખાસી રકઝક થઈ. નિકુંજે તમામ વાતોને વાહિયાત ગણાવી અને રોહિણીને 'વહેમી'માં ખપાવી. પણ રોહિણીને કળ ન વળી. નિકંજુનો આટલો જિગરી દોસ્ત આવું જુઠું બોલીને મિત્રના પ્રસન્નદામ્પત્યને ધૂળધાણી શા માટે કરે?
ગીતા કોલેજકાળથી જ બિન્દાસ હતી. કોલેજના યુવકોને પોતાની આંગળી પર નચાવવામાં તેને ખૂબ મજા પડતી હતી. જો કોઈ યુવાન તેને ભાવ ન આપે, તો તેને ઝુકાવીને જ તે જંપતી.
અહીં પણ નિકુંજની શરમાળ પ્રકૃતિ ગીતા માટે એક પડકાર બની ગઈ હતી. પોતાની જીદ પૂરી કરવાના નાદમાં તેણે પોતાની પ્રિય સખીની લાગણીઓ સાથે રમત રમીને તેની જિંદગી બેસૂરી બનાવી મૂકી હતી.
રોહિણીએ ગીતાને ઘરથી દૂર રાખવાની ઘણી કોશિશો કરી. પરંતુ ગીતાની આવ-જા ચાલુ જ રહી. રોહિણીની નારાજગીની પરવા કર્યા વગર તે ધરાર આવતી રહી.
રોહિણી અને નિકુંજ વચ્ચે અબોલા જેવી સ્થિતિ સર્જાઈ ગઈ. માત્ર કામ પૂરતી વાત થતી. રોહિણીને રંજ માત્ર એ જ હતો કે નિકુંજને જરાય અફસોસ થતો નહોતો. ઉલટું તે રોહિણીને દોષિત ઠરાવતો. માબાપની એકની એક લાડકી દીકરી હોવાથી રોહિણી માનભેર એકલી જીવી શકે તેમ હતી. એકવાર છૂટાછેડા લેવાનો વિચાર પણ તેના મનમાં ઝબકી ગયો. પરંતુ પુત્ર મિહિરનો ખ્યાલ આવતાં જ તેણે આવું સાહસ ખેડયાનું માંડી વાળ્યું.
એટલામાં ટેલિફોનની રિંગે રોહિણીને તંદ્રામાંથી જગાડી. 'એક ઈમર્જન્સી કેસ છે. મને આવતાં વાર લાગશે.' આટલું કહી નિકંુજે ફોન મૂકી દીધો.
નિકુંજ દર વરસે અચૂક મેરેજ-ડે પર વહેલો આવતો. બન્ને બહાર નીકળી પડતાં અને ખૂબ મોજમસ્તી કરતાં પણ આજે તે કેમ ભૂલી ગયો હશે? હશે. ખરેખર કોઈ ગંભીર કેસ આવ્યો હશે. રોહિણીએ બધું ભોજન ફ્રિજમાં મૂકી દીધું.
પણ ત્યાં જ ડોરબેલ વાગી અને રોહિણીને થયું: નિકુંજ જ હશે. કદાચ સરપ્રાઈઝ આપવા આવું કર્યું હશે. પણ દરવાજો ઉઘાડતાંવેંત ગીતાને જોઈને રોહિણીની આંખમાં રોષ ઊભરાયો. સ્કિનટાઈટ કાળો ગાઉન અને લો-કટ ગળાવાળા ડ્રેસમાંથી તેનાં ભરાવદાર સ્તન દેખાઈ રહ્યાં હતાં.
'હાય' કહેતી તે પ્રવેશી. તેની આંખોમાં દારૂના નશાનો કેફ છલકતો હતો. 'યાર, હું એક પાર્ટીમાં ગઈ હતી, પણ રસ્તામાં કાર ખરાબ થઈ ગઈ. મિકેનિક પાસે ગાડી મૂકીને રિક્ષામાં આવી છું. આજે જ પુણે પહોંચવું છે. તારી કાર લઈ જાઉં છું.' આટલું બોલીને જાતે જ કી-બોર્ડ પરથી રોહિણીની કારની ચાવી ઊઠાવીને તે ચાલતી થઈ.
'પણ, સાંભળ. કારમાં..' રોહિમી વાક્ય પૂરું કહે તે પહેલાં તો કાર સ્ટાર્ટ કરીને ગીતા રવાની થઈ ગઈ.
રોહિણીએ ગેટ બંધ કર્યો અને બેડરૂમમાં આડી પડી. રહીરહીને તેને એક જ વાત યાદ આવતી કે 'કાશ! ગીતાએ સાંભળ્યું હોત કે કારની બ્રેક બગડી ગઈ છે, તો કેટલંુ સારું થાત?'
ઓપરેશન પતાવીને નિકંુજ બહાર આવ્યો. ગંભીર કેસને કારણે જ તેણે ગીતા સાથે પુણે જવાની ના પાડી હતી. અને ગુસ્સામાં ગીતા પગ પછાડીને નીકળી ગઈ હતી. છતાં તેને વિશ્વાસ હતો કે તે ગીતાને મનાવી લેશે. જેવો તે હાથ-મોં ધોઈને બહાર આવ્યો કે સિસ્ટરે તેને કહ્યું: સર, કોઈ પોલીસ ઓફિસર તમને મળવા માગે છે.
'પોલીસ ઓફિસર અને અહીં? અત્યારે?' નિકુંજ મૂંઝાયો. અને પછી કહ્યું : તેમને અહીં જ લઈ આવ.
ઇન્સ્પેકટર સાથે હાથ મિલાવી નિકુંજે તેમને બેસવાનું કહ્યું, પણ તે બેઠો નહિ તેણે કેપ ઉતારતાં કહ્યું, 'સર, તમારી કાર ઘાટના રસ્તે અકસ્માતમાં ખીણમાં પડી ગઈ છે. ગાડી તો કદાચ સવારે બહાર કાઢી શકાશે. પણ...' નિકુંજનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. તેણે કાંપતા સ્વરે પૂછયું, 'ગાડીમાં કોણ હતું ઇન્સ્પેકટર?'
'કદાચ તમારી પત્ની, ત્યાંથી એક યુવતીનો મૃતદેહ બળેલી હાલતમાં મળ્યો છે. તમારે ઓળખ માટે મારી સાથે આવવું પડશે.'
નિકુંજના પગ ધૂ્રજવા લાગ્યા. તે જડવત્ બની ગયો હતો. રોહિણી શા માટે પુણે જઈ રહી હતી? કદાચ ગીતાને સમજાવવા ગઈ હશે. ના, ના એવું બને જ નહિ. રોહિણી તો એની પ્રાણપ્યારી હતી. એના વગર જિંદગી કેમ જિવાશે? મિહિરનું શું થશે? એક પછી એક સવાલો તીરની જેમ તેના મન-મગજ પર ભોંકાવા લાગ્યા. 'સર, શબગૃહ આવી ગયું. તમે બોડી ઓળખી કાઢો.'
ઇન્સ્પેકટરનો સ્વર સાંભળતાં નિકુંજની તંદ્ર તૂટી અને આંખો ખોલીને જોયું, તો તેણે થોડીક રાહત અનુભવી. એ રોહિણી નહિ, પણ 'ગીતા' હતી. તે ધૂ્રસકે ધૂ્રસકે રડી પડયો.
ઘરના દરવાજે ડોરબેલ વગાડીને તે વિચારતો હતો કે શું રોહિણી સાથે તે નજર મિલાવી શકશે? દરવાજો તરત ખૂલ્યો: સામે નિસ્તેજ ચહેરે રોહિણી ગૂમસૂમ ઊભી હતી. તેને થયું કે રોહિણીની આ દશા માટે હું જ જવાબદાર છું. તે ધીમે પગલે આગળ વધ્યો અને રોહિણીને બાથ ભરીને બોલ્યો : તું હજી સુધી મારી રાહ જોઈ રહી છે? જો હું પાછો આવી ગયો. હંમેશ માટે.'
રોહિણી નિકુંજની પકડમાંથી પોતાને છોડાવતાં બોલી : હું તો ક્યારની તારી રાહ જોઈ રહી છું, પણ તારા માટે નહિ, મિહિર માટે.' ગીતાના અકસ્માતની વાત સાંભળીને રોહિણી ભાંગી પડી અને ડાઇનિંગ ટેબલની ખુરશી પર બેસી ગઈ. ગીતાના ગેરવર્તન છતાં રોહિણીએ તેના પ્રત્યે કદી દ્વેષ રાખ્યો નહોતો. નિકુંજના દોષ સામે ગીતાની હરકતો નજીવી હતી. તે એકલીઅટૂલી હતી. પરંતુ નિકુંજ સામે તો સામાજિક જવાબદારીઓ હતી. તે શા માટે બહેકી ગયો?
નિકુંજ રોહિણીના ખોળામાં માથું ઢાળીને બેસી ગયો. 'મને માફ કરી દે રોહિણી. મને ભગવાને સજા કરી દીધી છે. હવે ક્યારેય તને કશી ફરિયાદનો મોકો નહિ આપું. તને ગુમાવીને હું પણ જીવી નહિ શકું.'
રોહિણીએ વિચાર્યું કે એક પતિ તરીકે નહિ પણ કમ-સે-કમ મિહિરના પિતા તરીકે તેને એકવાર માફ કરવો જોઈએ. આખરે ગીતાને પોતાના ઘરમાં આટલી છૂટ આપવા બદલ પોતે પણ દોષિત હતી. નિકુંજના આંસુમાં અને તેના શબ્દોમાં તેને પસ્તાવાનો અહેસાસ થયો. બેઉ હાથમાં નિકુંજનો ચહેરો લઈ ઝૂકીને તેની આંખોમાં આંખો પરોવતાં તે બોલી: 'હવે ક્યારેય મને આવો આઘાત નહિ આપતા.'
'ક્યારેય નહિ' બોલતાં નિકુંજે તેના હોઠ રોહિણીના હોઠ પર બીડી દીધા.
બાહર વરસાદ અટકી ગયો હતો. કાળાં વાદળાં પણ હટી ગયાં હતાં. સૂરજનાં કિરણો પણ બારીમાંથી જાણે આ મિલન-દ્રશ્ય માણી રહ્યાં હતાં.


