- બેડરૂમમાં આવીને અંકિતાએ વિકાસનું લેપટોપ ખોળામાં લીધું અને એમએડનો કોર્સ ઓફર કરતી કોલેજોની યાદી પર નજર કરવા માંડી. આજે એના શરીરમાં અને મગજમાં એક નવી ચેતનાનો સંચાર થયો હતો. એ ચેતના જ પોતાને સ્વયંસિદ્ધા બનાવશે એની અંકિતાને ખાતરી થઈ ગઈ હતી.
'જોતી નથી, આટલો મોટો સોફા સેટ ઘરમાં આવે છે. કમસે કમ દરવાજો તો પુરો ખોલ. જરાક તો કોમન સેન્સ વાપર..... આટલી સાંકડી જગ્યામાંથી કઈ રીતે સોફા અંદર આવશે? આ બધુ મારે તને કહેવું પડે! તારું ચિત્ત ક્યાં ભટક્યા કરે છે કોણ જાણે! ' વિકાસે સોફા લઈને આવેલા મજુરોની સામે વંદનાને ખખડાવી નાખી. એને કોડીની કરી નાખી. વંદના દરવાજાની બીજી સ્ટોપર ખોલીને ચુપચાપ કિચનમાં ચાલી ગઈ. એને માટે આ રીતે પતિ દ્વારા હડધૂત થવું કોઈ નવી વાત નહોતી. છેલ્લા બાર વરસથી ઘરમાં આ જ થતું આવ્યું છે. વંદના તો હવે વિકાસના આવા અપમાનજનક વ્યવહાર સામે રિએક્ટ કરતી પણ બંધ થઈ ગઈ હતી. કદાચ એની અંદરની આદર્શ ભારતીય નારીએ આ બધુ દાંપત્યજીવનના ભાગ તરીકે સ્વીકારી લીધું હતું.
હવે તો વંદનાના બાળકો પણ મોટા અને સમજણા થઈ ગયા હતા. ઓમ ૧૦ વર્ષનો અને અર્પિતા ૮ વર્ષની થઈ ગઈ હતી. ઘરની વાણી પોપટ બોલે એ ન્યાયે હવે ઓમ અને અર્પિતા પણ વંદનાનું કહ્યું માનવાને બદલે એની સામે છણકા કરતા થઈગયા હતા. હજુ બે દિવસ પહેલાની જ વાત છે. રવિવાર હતો અને ઓમ મિત્રો સાથે મેદાનમાં ક્રિકેટ રમવા ગયો હતો. બપોરના સાડા બાર થયા અને ડાઇનિંગ ટેબલ પર બધી વાનગીઓ ગોઠવાઈ ગઈ હતી. વિકાસ અને અર્પિતા જમવા માટે ટેબલ પર ગોઠવાઈ ગયા હતા. એટલામાં ઓમ આવ્યો અને તરત ટેબલ પર ગોઠવાઈ ગયો. 'મમ્મી, જલ્દી જમવાનું આપ..... બહુ ભૂખ લાગી છે! ઓમે અંકિતાને હુકમ કર્યો. એટલે અંકિતાએ બહુ સહજતાથી ઓમને પૂછ્યું, 'તે બહારથી આવીને હાથ-પગ ધોયા? સીધો જમવા બેસી ગયો! મેં તને કેટલી વાર કહ્યું છે કે હાથ ધોયા વિના નાસ્તો કરવા કે જમવા નહિ બેસવાનું. થોડા મેનર્સ શીખતો જા, હવે તૂ નાનો નથી!' અંકિતાએ ઓમ સામે કડકાઈથી જોયું. અંકિતા બાળકોને સારા સંસ્કાર આપવા અને એટીકેટ શીખવવા જરૂર પડે ત્યારે આવી ટકોર કરતી. પરંતુ વિકાસને મન એનું કોઈ મહત્ત્વ નહોતું. એ અંકિતાની વાત કાપી નાખતો અને બાળકોને ઉછાછળા, નિરંકુશ અને અવિવેકી બનવા પ્રોત્સાહન આપતો. આ પ્રસંગે પણ એમ જ બન્યું. હાથ ધોવા ઉભા થતા ઓમને વિકાસે એની ચેર પર પાછો બેસાડી દીધો અને અંકિતા પર તાડુક્યો, 'તું કેવી મા છો? છોકરો બહારથી ભૂખ્યો તરસ્યો આવ્યો છે ત્યારે તૂ એની થાળી પીરસવાને બદલે એને મેનર્સ શીખવાડે છે! મારી બાએ તો મને ક્યારેય હાથ ધોઈને જમવા બેસવાનું કહ્યું નથી તો મારું શું બગડી ગયું? ઘોડા જેવો તારી સામે બેઠો છું. બાળકો સામે પોતાનું અપમાન થતું જોઈ અંકિતા તુરત ત્યાંથી નીકળી બેડરૂમમાં ચાલી ગઈ.
વિકાસના કડવા વેણ આમ તો અંકિતા માટે એક રૂટીન બની ગયું હતું. પરંતુ એને એક વાતનો બહુ અફસોસ થતો કે વિકાસ માટે રહીને ઓમ અને અર્પિતાને બગાડી રહ્યો છે. એક મા તરીકે સંતાનોને સારા સંસ્કાર આપવાની અંકિતાની ફરજ હતી. પણ કમનસીબે વિકાસ એમાં રોડા નાખતો. એ છાશવારે અંકિતાની વાત કાપી છોકરાવને મનસ્વી રીતે વર્તવા ઉત્તેજન આપતો. બાળકોના ઘડતરના વરસો હતા પણ વિકાસને એની કોઈ પરવા નહોતી. એ પુરુષ તરીકે પોતાનો અહમ પોસવા પોતાના બાળકોનું ભાવિ દાવ પર લગાડી રહ્યો હતો. અંકિતા નિસહાય બનીને ઘરમાં ઘણું બધું ખોટું થતા જોઈ રહેતી.
અર્પિતા વિકાસની બહુ લાડકી હતી. એ દીકરીની સાચી-ખોટી દરેક ઈચ્છા પૂરી કરતો. વિકાસની હાજરીમાં અર્પિતાને કોઈ કાંઈ કહી નહોતું શકતું. એક મા તરીકે અંકિતાને પણ એનો અધિકાર નહોતો. હજુ હમણાંની જ વાત છે. એક દિવસ ઘરની નોકરાણીથી સાફસફાઈ દરમિયાન વોલ યુનિટ પર રાખેલી અર્પિતાની ડોલ પડીને તૂટી ગઈ. ખલાસ! અર્પિતાએ રડીરડીને આખું ઘર માથે લીધું. અંકિતા દીકરીને છાની રાખી એને નોકરાણીને એલફેલ બોલતી રોકવા ગઈ તો વિકાસ વચ્ચે પડયો, 'તુ તો રહેવા જ દે! એની ડોલ તૂટી છે અને વાંક બાઈનો છે તું શા માટે એને બાઈને કાંઈ કહેતા રોકે છે? ભૂલ કરી હોય તો સાંભળવું પણ પડે,' આટલું બોલી વિકાસ પોતાની વ્હાલી પુત્રીને પોતાના બેડરૂમમાં લઈ ગયા. એને છાની સખી ૫૦૦ રૂપિયાની નોટ એના હાથમાં મુકી, 'ડિયર, મમ્મી સાથે જઈ નવી ડોલ લઈ આવજે. રોવાનું નહિ, તારા પપ્પા બેઠા છે ને!'
અંકિતાએ પોતે ઈંગ્લીશ લિટરેચર સાથે એમએ કર્યું હતું. અને છતાં એ બાળકોને ઘરે ભણાવી નહોતી શકતી. અથવા તો એમ કહોને કે ઓમ અને અર્પિતા એની પાસે ભણવા બેસવા તૈયાર નહોતા. ખોટા લાડ-પ્યાર અને બેફામ પોકેટમનીને લીધે બંને વધુને વધુ બગડતા જતા હતા. તેઓ ભણવામાં પણ નબળા પડતા જતા હતા. હવે તો સ્કૂલના ટીચરોની પણ ફરિયાદ આવવા માંડી હતી. બધા એક જ વાત કરતા કે એ અને અર્પિતા ક્લાસમાં ભણવામાં ધ્યાન જ નહોતા આપતા. પેરેન્ટ્સ- ટીચર્સ મિટીંગમાં જ્યારે એની ચર્ચા થતી ત્યારે અંકિતાનું માથું શરમથી ઝુકી જતું. પરંતુ વિકાસને એ બધુ જોવા કે સાંભળવા ક્યાં આવવું હતું! એ તો બસ પોતાના બિઝનેસમાં અને મિત્રોની મહેફિલમાં જ વ્યસ્ત રહેતો. જે થોડો સમય ઘરમાં રહેતો એ દરમિયાન બંને બાળકને મોં માગ્યા પૈસા આપવા સિવાય એને બીજું કંઈ સૂઝતું નથી. અંકિતા સાથે તો એ કામ પૂરતી જ વાત કરતો. એની નાની અમથી ભૂલ કે શરતચુકને મોટો ઈસ્યુ બનાવી એને ટાણે- કટાણે ગમે ત્યારે ખખડાવી નાખતો.
એ વખતે અંકિતાને થતું કે આવો જીવનસાથી પસંદ કરીને પોતે કેટલી મોટી ભૂલ કરી છે. પછી એને થતું કે મારી પસંદગીનો સવાલ જ ક્યાં હતો? વિકાસને મુરતિયા તરીકે એના પપ્પાએ જ પસંદ કર્યો હતો. અંકિતાની મોટી ફઈએ આ ઠેકાણુ બતાવ્યું હતું. અંકિતા ત્યારે એમએના છેલ્લા વર્ષમાં હતી. એને એમએ પૂરું કર્યા બાદ એમએડ કરી કોલેજમાં પ્રોફેસર બનવું હતું. ઈંગ્લીશ લિટરેચર એનો ફેવરીટ વિષય હતો. હજુ તો એની ઉંમર માંડ ૨૧ વર્ષ હતી અને આટલી નાની વયે લગ્ન કરવાની એને બિલ્કુલ ઈચ્છા નહોતી. એટલે એણે મમ્મી -પપ્પા સમક્ષ દિવસો સુધી દલીલ કરી વિકાસનું માગુ પાછુ ઠેલવાનો પ્રયાસ કર્યો સામે પક્ષે એની ફોઈએ બરાબરનો મોરચો માંડયો હતો. 'એકનો એક દીકરો છે અને કરોડપતિ ખાનદાન કુટુંબ છે. આવું ઠેકાણું તો ગોતતા પણ ન મળે. એ તો જ્ઞાાતિના વાર્ષિક પ્રોગ્રામમાં વિકાસની મમ્મીએ અંકિતાને જોઈ અને એને એ એટલી ગમી ગઈ કે સામે ચાલીને માગુ નાખ્યું. નહિંતર વિકાસ માટે તો છોકરીવાળા લાઈન લગાવીને ઉભા છે,' ફઈબા અને મમ્મી-પપ્પા એક જ દલીલ કરતા. વિકાસ પોતાના કરતા ઓછું ભણ્યો છે એવા અંકિતાના તર્કને પણ તેઓ ધ્યાનમાં લેવા તૈયાર નહોતા. એમની સામે એવી દલીલ રહેતી કે કરોડપતિના દીકરાએ બહુ ભણીને શું કરવાનું? અંતે તો એણે ફેમિલી બિઝનેસ જ સંભાળવાનો હતો. એટલે વિકાસ ગ્રેજ્યુએટ થયો એટલું એના માટે પુરતું છે. દિવસોની દલીલબાજી પછી અંકિતાએ મા-બાપ સામે હથિયાર હેઠાં મૂકી દીધા અને વિકાસ સાથે ફેરા ફરવા તૈયાર થઈ ગઈ. ભવિષ્યમાં એ ફેરા એના માટે પોતાની ઈચ્છા- આકાંક્ષાઓની ફાંસીથી કમ પુરવાર નહોતા થવાના.
પછી તો અંકિતાએ જેનો ડર રાખ્યો હતો એવું જ થયું. ચાર દિનની ચાંદની બાદ વિકાસે પોતાનો અસ્સલ રંગ દેખાડવા માંડયો. કરોડપતિનો એકનો એક પુત્ર હતો. નાનપણથી પાણી માગે ત્યાં દૂધ મળ્યું હતું. લાડકોડમાં ઉછરેલા વિકાસે કોલેજનું શિક્ષણ પણ માંડ માંડ પૂરું કર્યું હતું. એને માત્ર ડિગ્રીમાં જ રસ હતો. સાચા શિક્ષણ સાથે એને સ્નાન સૂતકનોય સંબંધ નહોતો. આવો યુવાન અભિમાની ન હોય તો જ નવાઈ કહેવાય. ઉપરાંત વિકાસને અંકિતા પોતાનાથી વધુ ભણેલી હતી એ પણ બહુ ખટકતું હતું એટલે એને વારંવાર ઉતારી પાડી પોતાનો અહમ સંતોષતો.
આ બધા વચ્ચે અંકિતા પોતાની જાતને કોસ્યા કરતી. હવે તો એની આંખ પણ ભીની નહોતી થતી. પિંજરે પુરાયેલા પંખીની જેમ સતત છૂટવા વિચાર્યા કરતી પણ કોઈ રસ્તો નહોતો મળતો. કદાચ એને બીજા માધ્યમથી માર્ગ મળવાનો હતો. બજારમાં એક દિવસ અંકિતાને એની સ્કૂલ ફ્રેન્ડ રાજશ્રી મળી ગઈ. એ એને હાથ ખેંચીને પોતાના ઘરે લઈ ગઈ. બંને બહેનપણીઓ ચા-પાણી પીને વાતોએ વળગી. વિકાસ ધંધાર્થે બહારગામ ગયો હોવાથી અંકિતાને પણ ઘરે જવાની ઉતાવળ નહોતી.
રાજશ્રીએ પોતાના પતિ અને બાળકો વિશે વાત કર્યા બાદ અંકિતા પાસે એના સંસારની વિગત જાણવા માગી. અંકિતાએ કચવાતા મને પોતાની અંગત વાતો માંડી અને વાત પૂરી થતા સુધીમાં તો એ ભાંગી પડી.
રાજશ્રીએ એને પાણી આપી શાંત પાડી અને કહ્યું, 'અંકિતા, તું તે પહેલેથી જ ભણવામાં હોશિયાર હતી. અમે બધા ક્લાસમાં સ્કોલર કહીને જ બોલાવતા. તારી સાથે જે બન્યું એમાં તારો બિલ્કુલ દોષ નથી પણ એમાંથી બહાર આવવા તારે જ પ્રયાસ કરવાનો છે. કોઈ બીજી વ્યક્તિ તારી મદદ નહિ કરી શકે. તૂ એમએડમાં એડમિશન કેમ નથી લઈ લેતી? હજુ પણ તારી પાસે તક છે. એમએડ કરીને પ્રોફેસર બનવાની તારી મહત્ત્વાકાંક્ષા પૂરી કર. તારા હસબંડને તારા કૌવતના દર્શન કરાવવા તારુ વજુદ પુરવાર કર. પણ એ માટે તારે સ્વયંસિદ્ધા જ બનવું પડશે. બેસ્ટ ઓફ લક.'
રાજશ્રીના ઘરેથી પોતાના ઘરે પાછી ફરી ત્યારે અંકિતાની ચાલમાં એક પ્રકારની મક્કમતા હતી. અર્પિતા અને ઓમ એની રાહ જોતા બેઠા હતા. 'મમ્મી, ડિનર માટે શું બનાવ્યું છે? જલ્દી આપને ભૂખ લાગી છે, બંને ભૂખ્યા હતા. પણ અંકિતાએ એમની ભૂખનો વિચાર કર્યા વિના ફટ થઈને કહી દીધું, 'મેં કોઈ બનાવ્યું નથી. તમે સ્વિગી કરીને જે ખાવું હોય એ મગાવી લો. અને હા, મારા માટે પાસ્તા ઓર્ડર કરજો!' આટલું કહીને એણે બેડરૂમ તરફ ડગ માંડયા. અર્પિતા અને ઓમ આજે મમ્મીનું નવું જ સ્વરૂપ જોઈ રહ્યા હતા. બંને અવાચક બનીને મમ્મીને બેડરૂમમાં જતી જોઈ રહ્યા.
બેડરૂમમાં આવીને અંકિતાએ વિકાસનું લેપટોપ ખોળામાં લીધું અને એમએડનો કોર્સ ઓફર કરતી કોલેજોની યાદી પર નજર કરવા માંડી. આજે એના શરીરમાં અને મગજમાં એક નવી ચેતનાનો સંચાર થયો હતો. એ ચેતના જ પોતાને સ્વયંસિદ્ધા બનાવશે એની અંકિતાને ખાતરી થઈ ગઈ હતી.


