વાર્તા : રૂપાની ચતુરાઈ
- રઘાની કામુક નજર રૂપાના અંગો પર ફરી રહી હતી. શરાબનાં નશામાં ચકચૂર રઘા પટવાને સુંદરી મળતા વધુ ભૂરાટો થયો. રૂપાનાં ખભા પર હાથ મૂકતા તેણે રૂપાને પૂછ્યું, 'તું મારી નજરથી આજ સુધી શી રીતે બચી શકી? હે, રૂપા!'
- હાજર જવાબી રૂપાએ ખીલ-ખીલાટ હસતા જવાબ આપ્યો. 'માલિક, એ તો તમારી નજરની ખામી છે. તેમાં મારો શો દોષ?'
આજે પહેલી જ વાર રૂપા પોતાની પડોશમાં રહેતી બહેનપણીઓ તેમજ પડોશણો સાથે ગામમાં બહોળી જમીન ધરાવતા અને તે પરગણાંમાં સૌથી વધુ ખેતી ઉપજનાં માલીક એવા રઘા પટવાનાં ખેતરમાં કામ કરવા ગઈ હતી. ખેતરની અંદર કામ કરતાં કરતાં આ સ્ત્રીઓ મીઠા મધુર અવાજે ગ્રામ્ય લોકશૈલીનાં ગીતો ગાઈ રહી હતી.
જમીન માલિક રઘા પટવા મેડા પર ઊભો રહીને આ સ્ત્રીઓની પાસે કામ કરાવી રહ્યો હતો. સાંજ થવા આવી હતી. છતાં પણ હજુ સુધી કામ બાકી રહેતું તે પૂરું કરવાને તથા આ કામ જલ્દી જલ્દી ખતમ કરવાને માટે રઘા પટવા વચ્ચે વચ્ચે સ્ત્રીઓને ટકોર કરી રહ્યો હતો. કામને પૂરું કરવા ધાક કરતો હતો.
અચાનક રઘા પટવાની નજર તેનાં ખેતરમાં કામ કરતી રૂપા પર પડી. તે જે નજરે જોઈ રહ્યો તે ત્યાં જ થંભી ગઈ. તેણે કદી ન જોયેલ આ ખૂબસુરત ચહેરો, ઉગતી જુવાની, સુડોળ બાંધો અને ભલભલાને માત કરનાર તેની નજરને લીધે રૂપા ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. ત્યારે રૂપા તો પોતાનાં કામમાં મશગુલ હતી. તેને ખ્યાલ પણ ન હતો કે તેનાં પર કામુક રઘા પટવાની નજર ટીકી રહી છે. આ નજર રૂપાનાં ઉરપ્રદેશ પરથી હટી ગયેલાં સાડલાનાં છેડાને લઈને દેખાતાં ઉરપ્રદેશ પર કામુક નજરે રઘો જોઈ રહ્યો હતો. રૂપાને કમરનાં થાકથી પોતે આરામ મેળવવા ઊભી થઈ ત્યારે તેણીની નજર કામુકતા ભરી નજરથી જોઈ રહેલાં રઘા પટવા પર પડી. રૂપાની નજર સાથે નજર મળતા રઘાએ મૂછે તાવ દીધો.
રૂપા, રઘા પટવાના આ બેશરમી ભર્યા વર્તનને જોઈ સ્તબ્ધ બની ગઈ. ઝડપથી પોતાનાં સાડલાંના પાલવ વડે ઉર પ્રદેશને ઢાંકતા તે પોતાનાં કાર્યમાં ઝૂટી ગઈ. રઘા પટવા આ વિસ્તારનો એક સમયનો જમીનદાર હતો. પરંતુ સમયના તકાજાથી તેની તમામ મિલકત વેંચાઈ ગઈ. જે કંઈ થોડું ઘણું બચ્યું હતું તે તેને માટે તો પૂરતું જ હતું.
ગામનાં એક તરફનાં ભાગમાં તેની હવેલી આવેલી હતી. તે હવેલી અતિતનાં સોનેરી સોણલાની યાદ અપાવતી હતી. રઘા પટવાની પત્ની ઘણાં સમયથી પરલોક સિધાવી ચૂકી હતી. તે માત્ર એક સંતાન મૂકી ગઈ હતી. તે પણ ભણી-ગણીને કોઈ એક શહેરમાં સરકારી નોકરી પર લાગી ગયો હતો. ક્યારેક ક્યારેક તે પોતાના પિતાને મળવા માટે ગામ આવી જતો હતો. તે પોતે પોતાના પિતાનાં કરતૂતોથી સંપૂર્ણ વાકેફ થતાં દુ:ખી હતો, પોતાના બાળ-બચ્ચાંને લઈને તેણે શહેરમાં વસવાટ કરી લીધો હતો.
રઘો, સુરા અને સુંદરીનો ખૂબ જ શોખીન હતો. ગામમાં નજર પડતી જે કોઈ યુવતીઓને તે પોતાની હવેલીએ ઉપડાવી લાવી હવસને સંતોષતો. તેની નજરમાં વસી જતી યુવતીઓને તે હવસનો શિકાર બનાવતો હતો. આ માટે જો કોઈ પણ યુવતી પ્રતિકાર કરતી તો તે હવેલીમાંથી જ ગાયબ થઈ જતી...! યુવતીના માતા-પિતા માથા-પછાડતા રૃંદન કરતાં રહી જતાં...! ન દાદ...! ન... ફરિયાદ...! પણ, આજ સુધી આ યુવતીની તેને જાણ કેમ ન થઈ? જે યુવતીઓનાં માતા-પિતા રઘાને વશ થતા નહીં. તેઓને રઘાનાં રાખેલ ગુંડાઓ મારી મારી મરણતોલ બનાવી દેતાં. આ કૃત્યોમાં જ્યારે રઘાનું મન ગામની યુવતીઓ તરફથી કંટાળતું ત્યારે તે શહેર સાથેનાં સંપર્કથી ત્યાંથી યુવતીઓને બોલાવતો. આ પ્રકારે હવેલીમાં રોજનાં જલસાઓ થતાં રહેતાં પટવા પોતાનાં વિષયાભોગમાં ખૂંપી રહેતો. આખા વિસ્તારમાં પટવાનો હાકોટો હતો. પોલીસ થાણાને તો તે જરા પણ દાદ આપતો નહીં. કોઈ તેનાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકતું નથી.
સાંજ પડતાં રૂપા ઘેર આવી. ઘરડા મા-બાપની આ એક માત્ર સંતાન હતી. તે પોતાનાં સાસરિયાથી અહીં આવતાં થોડાંક દિવસો થયાં હતાં. આજ સવારે જ પોતાની વૃદ્ધ માતાએ રઘા પટવાનાં ખેતરમાં કામ કરવા જવાની ના પાડી હતી. પરંતુ રૂપા પોતાની માતાની ના ને સમજી શકી ન હતી. આમ, અસમજણથી રૂપા રાતનું વાળુ કરી સૂવા જતી હતી. ત્યાં જ પડોશમાં રહેતી તેની કાકી કમલી આંગણામાં આવીને ઊભી રહી.
આ કમલી, આખાં ગામમાં રઘા પટવાના લોહીનાં વેપારમાં સાથ આપતી હતી. આવા કુટણ કામ માટે તે ગામમાં જાહેર થયેલી હતી. તેને આવી આંગણામાં ઊભી રહેતાં જોઈને જ રૂપાનું હૃદય ધબકવા લાગ્યું, તેણે રૂપાની હડપચી પોતાનાં હાથનાં આંગળાથી ઉપર ઉઠાવીને આંખો નચાવતી બોલી, 'અરે!રૂપા! તારું તો નસીબ ઉઘડી ગયું!' રૂપા ધૂ્રજી ઊઠી. તે કમલીને જોતાં જ સમજી ગઈ હતી કે, કમલીનું અહીં આવવાનું કારણ શું હોઈ શકે? રૂપાએ એક દ્રષ્ટી મા-બાપ પર નાંખી. તેઓ બન્ને ખાઈને સૂઈ ગયા હતાં. રૂપાને વિચારતી જોઈને કમલીએ કહ્યું, 'રઘો પટવા!, તારા અંગે પૂછતો હતો. તો મેં કહ્યું કે એ તો આપણા દશા રાઉતની દીકરી છે. આ છોડી થોડાં દિવસથી પોતાનાં સાસરવાસથી અહીં આવી છે.'
'જ્યારે મેં એમ કીધું કે, રૂપા થોડું ઘણું એટલે સાત ધોરણ સુધીનો અભ્યાસ કરેલ છે. તો તે ખૂબ જ રાજી થયો, ત્યારે તેણે કહ્યું તો, તો રૂપા આપણને ઉપયોગી થાય તેમ છે. તેને કાલથી હવેલીમાં કામ કરવાને માટે લઈ આવજે. તે ભણેલ-ગણેલ છે તો હવેલીનો હિસાબ-કિતાબ રાખશે!'
સજ્જડ થઈ ઊભી રહેલી રૂપા આ બધું સમજી શકી નહીં. તે વિહ્વળતાપૂર્વક કમલી સામે તાકી રહી. તો ફરી કમલી બોલી, 'તું ચિંતા શા માટે કરે છે?' હે!રૂપા! રઘા પટવાએ તને હવેલીમાં બોલાવીને માન આપેલ છે. નહિતર જો રઘાને જે છોકરી પસંદ પડે છે. તેને તો તે ઉઠાવીને લઈ આવે છે. રઘા પટવા તારી ઉપર તો એવો ઓળઘોળ થઈ ગયો છે. તે તને પોતાની રાણી બનાવીને રાખશે. તને ઘરેણાઓથી મઢી દેશે.
રઘા પટવાનાં આ સમાચાર સાંભળી રૂપાની આંખોમાં આંસુનાં ઝળ ઝળિયા આવી ગયા અને થરથર ધુ્રજવા માડી.
'જો, રૂપા! કમલી તેને ધીરજ આપતાં કહેવાં લાગી, હું તો તારાં ભલા માટે કહું છે. સ્ત્રી જાતનું તો એકમાત્ર કાર્ય બને છે... પુરુષોને સંતોષ આપવો અને તેમની માટે બને ત્યાં સુધી સાર સંભાળ કરવી તો હવેલીની માલકણ બનીશ.
જહોજલાલીભર્યો વૈભવ ભોગવીશ, તારી દરિદ્રતા દૂર થઈ જશે. મારું તો માનવું છે કે, આ આવેલી તકને સ્વીકારી લેવી. નહીંતર તો પછી રઘા પટવા તેની પરંપરાઓ મુજબ બળપૂર્વક તને ઉઠાવી જવાનો તો છે જ!
આ સાંભળીને રૂપાનાં હૃદયમાં એક ધારદાર છૂરાનો જાણે કે વાઢ પડયો હોય તેવો અનુભવ થયો. આ અંગે શું નિર્ણય કરવો એ તેનાં મગજ પર છવાઈ ગયો. આખી રાત તે આજ વિચારનાં વમળમાં ઘૂમ્યા કરી અને રાત્રીને પસાર કરી. અચાનક તેણે મનમાં ગાંઠ વાળી. એક વિચાર સ્ફૂર્યો અને મનોમન નિર્ણય કરી લીધો. હા.., હું જરૂરથી હવેલીએ જઈશ. મન દ્રઢ કરી લીધું. સવારે આ બાબત પોતાની માતાને તેણીએ વાત જણાવી.
રૂપા, પોતાનાં સાસરિયાથી આવાં જ કારણોને લઈને તો પોતાના પિયર આવતી રહી હતી. અહીં પણ એ જ પરિસ્થિતિનો સામનો કરવાનો થયો. હિંમત રાખી, દ્રઢ સંકલ્પ કરી રૂપા પોતાનાં આવા બદનસીબ સમય માટે મનોમન દુ:ખી તો થઈ પણ, સામનો કરવા નિશ્ચિંત બની. સવાર પડતાં જ રઘા પટવાનાં ગુંડાઓ લાકડી પછાડતા રૂપાનાં ઘરનાં દરવાજે આવીને ઊભા રહ્યાં અને ત્રાડ પાડી 'રૂપા, અરે ઓ... રૂપા!' રૂપાની ઘરડી મા લાકડીના ટેકાથી બહાર નીકળી, તેમને ઓછી નજરને લઈને જોવામાં તકલીફ પડતી હતી. તે બોલી. 'કોણ છે? સવાર... સવારમાં આટલી ત્રાટો નાખવાનું કારણ શું? ત્યારે રઘા પટવાનાં ગુંડાઓએ સત્તાવાહી અવાજે કહ્યું, 'રૂપા ક્યાં છે? માલિકે તેને હવેલીમાં બોલાવેલ છે.' વૃદ્ધ મા રઘા પટવાનું નામ સાંભળતા જ ઠંડીગાર બની ગઈ, તે પોતે પણ એક સમયે તેની આબરૂ ત્યાં મૂકી આવી હતી. જેથી રૂપાને હવેલીથી કહેણ આવતા તેને સમજાઈ ગયું. તેણે કડક શબ્દોમાં સૂણાવી દીધું. 'જાવ, તારા માલિકને કહેજે રૂપા હવેલીએ નહીં આવે.'
ગુંડાઓએ ઘરડી માને કહ્યું, 'સમજી વિચારીને જવાબ આપ'. નહિતર તેનું પરિણામ ખરાબ આવશે.
રૂપા આંગણામાં લપાઈને બધી વાતો સાંભળી રહી હતી. હવે વાતનું વતેસર થાય તો તેનું દુષ્પરિણામ આવશે. તેમ લાગતા તે ઝડપથી બહાર આવી, પોતાની વૃદ્ધ માતાને રોકતાં તેણીએ કહ્યું, 'મા! તૂં નકામી તેની જોડે જીભાજોડી કરી રહી છો. એણે રઘાનાં માણસોને સંબોધીને કહ્યું, 'જાવ, તમારા માલિકને કહી દીજો કે, હું સાંજનાં આવી જઈશ.'
રઘાનાં માણસો જતાં રહ્યાં. રૂપાની મા દુ:ખી થઈ તેની દીકરીને લાગણીભરી નજરે જોઈ રહી હતી. રૂપાએ માતાની નજરને પારખી લીધી. તે બોલી, 'મા! તું તારી દીકરી પર વિશ્વાસ રાખ. રૂપા એવું કોઈ પગલું નહી ભરે જેથી તને આંચ આવે. તમારી બે ઇજ્જતી થાય.' મા! આવી કામી નજરનાં વરૂણોની સાથે કેમ સંભાળીને કામ લેવું, તે હું બરાબર સમજું છું. તે માટે તું હવે મારી ચિંતા કરતી નહીં.' મા, આ વ્યભિચારી, નરપિશાચ સાથે બુદ્ધિપૂર્વક, યુક્તિથી કામ લેવું પડશે. જેથી તે ભવિષ્યમાં પણ આપણાં ઘર તરફ નજર સુધ્ધા ન નાખે. ખો ભૂલી જાય.'
રાત થવા આવી, હવેલીમાં રઘા પટવાની ધીરજ ખૂટવા લાગી હતી. મનમાં એક જ રટણ ચાલતું હતું. રૂપા ક્યારે આવે...! રૂપાની ભરયુવાની તેની નજર સમક્ષ ઉભરી આવતી હતી, મદીરાના નશામાં તેની આંખો લાલધૂમ થઈ ગઈ હતી.
ત્યાં જ બંગડીઓનો રણકાર તેનાં કાને સંભળાયો, તે તંદ્રામાંથી જાગી ગયો. સામે જ રૂપા ઊભી હતી.
રૂપાનાં બાજુઓ પકડી તેને નજીક બેસાડી દીધી. રઘાની કામુક નજર રૂપાના અંગો પર ફરી રહી હતી. શરાબનાં નશામાં ચકચૂર રઘા પટવાને સુંદરી મળતા વધુ ભૂરાટો થયો. રૂપાનાં ખભા પર હાથ મૂકતા તેણે રૂપાને પૂછ્યું, 'તું મારી નજરથી આજ સુધી શી રીતે બચી શકી? હે, રૂપા!'
હાજર જવાબી રૂપાએ ખીલ-ખીલાટ હસતા જવાબ આપ્યો. 'માલિક, એ તો તમારી નજરની ખામી છે. તેમાં મારો શો દોષ?' જવાબ આપી વધુ હસી.
'તું તો ખરેખર નિડર છો. નહિતર આજ સુધી મારી સામે આવનાર કોઈ પણ યુવતી, પોતાનાં હોંશહવાસ ખોઈ બેસે છે. પણ, તું તો ખરેખર મારા લાયક જ છો.'
'રૂપા પોતાની મજબૂરી માટે લાચાર બની હતી. આંખમાં આંસુ આવી ગયા. રઘો, આગળ વધુ કંઈ પૂછે. તે પહેલાં જ ચેતી ગઈ, રઘો, રૂપાનેે બાથમાં લેતાં બોલ્યો, સાંભળ્યું છે કે, તું તારા સાસરિયાથી ભાગી આવી છો?'
'માલિક ભાગુ નહીં તો શું કરું? મારો ઘરવાળો મુંબઈમાં કામ કરતો હતો. મારો ધણી બીમાર થયો ત્યારે ઘરે પાછો આવ્યો. બીમારી વધી ગઈ હતી. ખૂબ જ દવા દારૂ કરાવ્યા પરંતુ કોઈ ફાયદો થયો નહીં. દિવસે દિવસે તેની તબિયત લથડવા માંડી. શરીરથી તે સૂકાવા લાગ્યો. થાકી હારીને આખરે શહેરનાં ડોક્ટરને ત્યાં નિદાન કરાવવા લઈ ગયા. તેમણે લોહીની તપાસ કરાવી અને કહ્યું કે, આ બીમારીનો કોઈ ઉપાય થઈ શકે તેમ નથી. આ બીમારી થવાનું કારણ પરસ્ત્રી ગમનને લઈને છે. પછી તેમનાં મિત્રોની પાસેથી જાણવા મળ્યું કે, તે દરરોજ કોઠા પર જતો હતો.
રઘો, એઇડઝ વિશે પૂરેપૂરી માહિતીથી વાકેફ હતો. એ એટલું પણ જાણતો હતો કે, જેને આ બીમારી લાગુ પડે છે તો તેની કોઈ દવા જ નથી. કોઈ ડોકટર પણ કંઈ સહાય કરી શકે તેમ નથી. તે તરત સમજી ગયો કે, રૂપાના ધણીને એઈડ્ઝની બીમારી છે. તો રૂપાને પણ...!
રઘા પટવાનો નશો ગૂલ થઈ ગયો. ભવા ચઢી ગયાં. રોવટાં ખડા થઈ ગયાં. જે બાહુમાં રૂપાને જકડી રાખી હતી. તેની પકડ એકાએક ઢીલી પડી ગઈ. આથી ધીમે રહી રૂપા તેનાં બાહુમાંથી સરકી ગઈ, પોતાના કપડાંને ઠીકઠાક કરવા લાગી.
રઘાએ પૂરી જાણકારી મળ્યા પછી હકીકત જાણવા તેને પૂછ્યું, 'તું તારા પતિ સાથે સૂતી હતી. તે તારી તપાસ કરાવી ખરી?'
'મેં ડોક્ટરને કહ્યું કે, હું તો બીમાર નથી. તો પછી મારી શા માટે તપાસ કરાવવી? તેની જરૂર પણ શું છે? પરંતુ ડોક્ટર સાહેબ ભલા અને માયાળુ હતાં. તેણે મને સમજાવતાં કહ્યું, 'રૂપા તારે માટે તપાસ કરાવવાની જરૂર છે.'
'તને તપાસી ડોક્ટરે શું કહ્યું?'
રૂપા, ડૂસકા ભરી રોવા લાગી. જ્યારે છાની રહી ત્યારે બોલી, મારા ધણીએ મને ક્યાંયની રહેવા ન દીધી. ડોક્ટરે કહ્યું કે, તારા ધણીની માંદગી તને પણ લાગુ પડી છે. મારા પર આભ તૂટી પડયું. હું કરી પણ શું શકું? 'જે થવાનું હતું તે થઈ ચૂક્યું હતું. મને પણ ક્યારેક ક્યારેક તાવ આવે છે. થાક લાગે છે. અને પેડૂમાં ધીમું દુખ્યા કરે છે.' રૂપા પોતાની આ માંદગીનું વર્ણન ખૂબ ચતુરાઈથી કરી રહી હતી. જ્યારે પટવાની સ્થિતિ એ અધઘાયલ થયેલાં વરૂ જેવી થઈ ગઈ! તેના હોંશ કોશ ઊડી ગયા. રૂપા, તેને મોતનો સામાન જેવી લાગવા માંડી અને એ જોરથી રાડ નાખી બોલ્યો, 'છાની મર શું બક બક કરે છે?'
રઘા પટવાનાં આવા વર્તનથી રૂપા હેબતાઈ ગઈ. અને સીસકતા, સીસકતા બોલી, પણ હું શું કરું માલિક! તમે જ મને બોલાવી છે. મારી બીમારીની વાત મૂકો, અને જે કારણસર મને અહીં બોલાવી છે. તે માટે તો હું તૈયાર જ છું.'
રઘો, ફરી ત્રાડ પાડતા બોલ્યો, 'હરામજાદી, તૂં તો સ્વયં મોત છો અને હવે તું મને તારી સાથે મારવા બેઠી છો? ભાગ... અહીંથી? જો, ક્યારેય તે તારું મોં બતાવ્યું છે, તો હું તને જાનથી મારી નાખીશ. તારી ચામડી ચીરી નાખીશ.
રૂપા ત્યાંથી મૂઠીઓ વાળી ભાગી, જાણે કેમ તેને પાંખો આવી ન હોય. રૂપા આજ ઇચ્છતી હતી. તેણે મનથી નક્કી કરેલી યોજના સફળ બની. તે ઘરે આવી તેની માતાને સઘળી હકીકત કહી સંભળાવી પોતાની દીકરીની બુદ્ધિ બળની ચતુરાઈથી માતા ખુશ થઈ.
રઘા પટવાની ભડક ઓછી થતાં જ રૂપા સામાન્ય રહેવા લાગી. એક વખત તેનાં ઘરનાં આંગણામાં બારણા પાસે ઊભી મા-દીકરી બન્ને વાતો કરતી હતી. ત્યારે રૂપાની નજર રસ્તા પરથી પસાર થતાં રઘા પટવા પર પડી તે પોતાની મોટર સાયકલ પર જઈ રહ્યો હતો. ત્યાં તેની નજર રૂપા પર પડતાં જ નજર ફેરવીને મોટર સાયકલ મારી મૂકી...
રૂપા આ જ ઇચ્છતી હતી, તે તેની યોજના માટે સફળ થઈ અને ત્યાર બાદ રઘાએ કદી તેમનાં ઘર તરફ નજર સુધ્ધા ન કરી...!