Get The App

વાર્તા : પુન:મિલન

Updated: Jan 12th, 2026

GS TEAM

Google News
Google News
વાર્તા : પુન:મિલન 1 - image

- એક દિવસ રાજે રચનાને કહ્યું, ''રચના, હું વિચારું છું કે તું નોકરી છોડી દઈશ તો અમર પાછળ પૂરતું ધ્યાન આપી શકીશ. આમ પણ તારે નોકરી કરવાની જરૂર શી છે? હું સારું એવું કમાઈ લઉં છું.''

- આ સાંભળી રચનાએ કહ્યું, ''ના રાજ, હું નોકરી નથી છોડવા માગતી. અમરને સાચવવા માટે કોઈ આયા રાખી લઈશું. ચાર વાગે તો હું ઘેર આવી જ જઉં છું ને.''

 રાજને ખબર પડી કે રચનાએ  એની બદલી વડોદરા કરાવી લીધી છે. એ વડોદરા જવાનો હતો એટલામાં એને રચના તરફથી છૂટાછેડાના કાગળ મળ્યા. એનું મોં ગુસ્સાથી લાલચોળ થઈ ગયું. વડોદરા પહોંચ્યો એવો એ તરત રચના પર વરસી પડયો, ''તું સમજે છે શું જાતને? એક નાની વાતને આટલું મોટું સ્વરૂપ આપી દીધું... મને છૂટાછેડાના કાગળ મોકલી દીધા. હું જિંદગીભર એના પર સહી નહીં કરું'' કહીને રાજે છૂટાછેડાના કાગળ રચનાના મોં પર માર્યા.

રચના ચાની ટ્રે લઈને રસોડામાંથી બહાર નીકળી કે અચાનક પગમાં સાડી ભરાઈ જતાં એ ગોથું ખાઈ ગઈ. વાગવાના લીધે એની આંગળીમાંથી લોહી વહેવા લાગ્યું.

''તોડી નાખ્યાને બધા કપ? મારો આખો સેટ ખરાબ કરી નાખ્યો. પોતાનું ઘર તો બરબાદ કરી નાખ્યું, હવે આ ઘર પણ બરબાદ કરી મૂકશે.'' રચનાની ભાભી ગુસ્સામાં બોલી. રચના દોડીને બીજા રૂમમાં જતી રહી અને પલંગ પર પડી ઓશીકામાં મોં નાખી રડવા લાગી.

એ પછી રચના અમરને લઈ પોતાના ભાડાના મકાન પર આવી. રચના બેંકમાં સર્વિસ કરતી હતી. એ ચાર વાગે છૂટતી હતી, જ્યારે અમર સ્કૂલેથી ૧૨ વાગે છૂટી જતો હતો. એટલા માટે એ છૂટીને નાનાના ઘેર જતો રહેતો હતો. એ પછી રચના એને લઈને પોતાના મકાન પર જતી રહેતી. છેલ્લા એકાદ વર્ષથી આ જ ક્રમ ચાલતો હતો.

બહુ ધામધૂમથી રાજ સાથે એનાં લગ્ન થયાં હતાં. રાજ એન્જિનિયર હતો. એ રચનાને હાથમાં ને હાથમાં રાખતો હતો. રચનાએ જેવા પતિની કલ્પના કરી હતી એવો જ રાજ હતો.

વર્ષ પછી જ્યારે અમર જન્મ્યો ત્યારે બંનેની ખુશીનો કોઈ પાર નહોતો.

એક દિવસ રાજે રચનાને કહ્યું, ''રચના, હું વિચારું છું કે તું નોકરી છોડી દઈશ તો અમર પાછળ પૂરતું ધ્યાન આપી શકીશ. આમ પણ તારે નોકરી કરવાની જરૂર શી છે? હું સારું એવું કમાઈ લઉં છું.''

આ સાંભળી રચનાએ કહ્યું, ''ના રાજ, હું નોકરી નથી છોડવા માગતી. અમરને સાચવવા માટે કોઈ આયા રાખી લઈશું. ચાર વાગે તો હું ઘેર આવી જ જઉં છું ને.''

''મેં બહુ સમજીવિચારીને કહ્યું હતું. બાકી તને જેમ યોગ્ય લાગે તેમ.'' કહીને રાજ ઓફિસે જતો રહ્યો.

ઘણી વાર આયા ના આવે ત્યારે રચના અને રાજ વચ્ચે બોલાચાલી થઈ જતી. જરૂરી કામ હોવા છતાં રાજને ઘેર રહેવું પડતું, કારણકે એ રચનાને નારાજ કરવા નહોતો માગતો.

એક વખત રાજ ઓફિસના કામથી બહારગામ ગયો હતો. અચાનક અમરની તબિયત બહુ બગડી ગઈ અને એને હોસ્પિટલમાં દાખલ કરવો પડયો. રચના બહુ ગભરાઈ ગઈ. એણે રાજને ફોન કરીને જલદી આવી જવા કહ્યું. રાજ પણ જલદી પહોંચવાનું આશ્વાસન આપી ત્યાંથી તરત નીકળી ગયો.

આખી રાત પસાર થઈ ગઈ પણ રાજ ન આવ્યો. રચના બહુ જ ગુસ્સે થઈ ગઈ. બીજા દિવસે એ અમરને લઈ એના પિયર વડોદરા જતી રહી.

રાજ ઘેર પહોંચ્યો ત્યારે પડોશીઓએ કહ્યું કે અમરની તબિયત સવારે સારી હતી એટલે હોસ્પિટલમાંથી આજે સવારે રજા મળી ગઈ એ પછી રચના તરત જ એને લઈને વડોદરા જતી રહી.

રાજ તાબડતોબ વડોદરા પહોંચ્યો પણ રચનાએ એની સાથે વાત જ ન કરી. રાજે ખુલાસોય કર્યો કે, તે તરત જ ત્યાંથી નીકળી ગયો હતો, પણ રસ્તામાં બસ બગડી ગઈ હતી. એટલે એને મોડું થઈ ગયું.

રચનાનાં માતાપિતાએ રાજને કહ્યું, ''રચના થોડા દિવસ ભલે અહીં રહે. પછી આવીને લઈ જજો. ત્યાં સુધીમાં એનો ગુસ્સો પણ ઉતરી જશે.''

રાજને એમની વાત બરાબર લાગી. આથી એ અમદાવાદ પાછો આવી ગયો. એ પછી રાજ એને લેવા ઘણી વાર વડોદરા ગયો પણ રચના દર વખતે  આવવાની ના પાડી દેતી.

રચનાનાં માતાપિતાએ પણ એને બહુ સમજાવી, પણ એ રાજ સાથે જવા તૈયાર જ નહોતી. એણે એનાં માતાપિતાને પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, એ લોકો જો એને પોતાની સાથે રાખવા માગતા ન હોય તો એ બીજે મકાન લઈ અલગ રહેવા લાગશે.

એક દિવસ રાજને ખબર પડી કે રચનાએ  એની બદલી વડોદરા કરાવી લીધી છે. એ વડોદરા જવાની તૈયારી કરી રહ્યો હતો એટલામાં એને રચના તરફથી છૂટાછેડાના કાગળ મળ્યા. એનું મોં ગુસ્સાથી લાલચોળ થઈ ગયું.

વડોદરા પહોંચ્યો એવો એ તરત રચના પર વરસી પડયો, ''તું સમજે છે શું જાતને? એક નાની વાતને આટલું મોટું સ્વરૂપ આપી દીધું... મને છૂટાછેડાના કાગળ મોકલી દીધા. હું જિંદગીભર એના પર સહી નહીં કરું'' કહીને રાજે છૂટાછેડાના કાગળ રચનાના મોં પર માર્યા.

માતાપિતાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે એમણે પણ રચનાને બહુ સમજાવી, ગુસ્સે થયાં પણ એ એકની બે ન થઈ.

આ ઘટના પછી લગભગ એક વર્ષ સુધી ન તો રાજ વડોદરા આવ્યો કે ન એનો કોઈ પત્ર આવ્યો. હા, દર મહિને અમરના નામે હજાર રૂપિયાનો મનીઓર્ડર આવી જતો. સંદેશો લખવાના સ્થાને હંમેશા એ એક જ વાત લખતો કે અમરને અમરના પિતા તરફથી ખૂબ ખૂબ વહાલ.

લગભગ એક વર્ષ પછી રચનાના ભાઈ સુરેશનાં લગ્ન થયાં ત્યારે લગ્નમાં રાજ પણ આવ્યો.

''કેમ છે રચના?'' રાજે પૂછયું.

''ઠીક છું.'' કહીને એ ત્યાંથી ચાલી ગઈ. આખા પ્રસંગ દરમિયાન બંને વચ્ચે બીજી કશી વાતચીત થઈ નહીં.  અમર 'પપ્પા પપ્પા' કહેતો રાજની આગળપાછળ ફરતો હતો.

ઘરમાં નવી વહુએ આવતાવેંત રચનાને જેમ ફાવે તેમ બોલવાનું શરૂ કરી દીધું. છતાં ઘરમાં વહુને કોઈ કશું કહેતું નહીં.

રોજનાં મહેણાંટોણાથી કંટાળી રચનાએ એક મકાન ભાડે રાખી લીધું.

હવે એને બહુ એકલું એકલું લાગતું હતું. એને રાજની બહુ યાદ આવતી હતી.

રાજ પાંચ-છ મહિને એક વાર અમરને મળવા આવતો હતો. રચનાને મનમાં થઈ આવતું કે બસ એક વાર રાજ સાથે આવવાનું કહે તો એ તરત એની સાથે જતી રહેશે.

પરંતુ રાજ રચનાને  માત્ર એટલું જ પૂછતો હતો, ''કેમ છે રચના?''

રચના પણ એક જ જવાબ આપતી હતી. ''ઠીક છું.''

એ સિવાય બંને વચ્ચે કોઈ વાતચીત થતી નહીં.

એટલામાં એલાર્મ લાગ્યું. ભૂતકાળમાં સરી પડેલી રચનાનો ધ્યાન ભંગ થયો. એણે જોયું કે  એનાં આંસુથી  ઓશીકું ભીનું થઈ ગયું હતું.

એણે એલાર્મ બંધ કર્યું અને પલંગ પર સૂતાં સૂતાં વિચારવા લાગી કે કાશ, આજે રાજ  અહીં હોત તો એ એના પગ પકડીને માફી માગી લેત.

એણે ઊઠીને અમરને જગાડયો અને એને તૈયાર કરી સ્કૂલે મૂકી આવી. એ પછી એ પોતે ઓફિસે જવા નીકળી.

બેન્કથી છૂટીને એ રોજની જેમ અમરને લેવા ભાઈના ઘેર પહોંચી ત્યારે એણે જોયું કે રાજ આવ્યો છે. અમર એના ખોળામાં બેસી બિસ્કિટ ખાતો હતો.

રચનાને મન થયું કે રાજ પાસે માફી માગી લે, પરંતુ એના મનમાં એ સવાલ થયો કે શું રાજ મને માફ કરશે, કદાચ ક્યારેય નહીં.

''કેમ છે રચના?'' રાજે પૂછ્યું.

''ઠીક છું.'' કહીને રચના રસોડામાં ચાલી ગઈ.

થોડીવાર પછી રચના રસોડામાંથી બહાર આવી ત્યારે એણે જોયું કે રાજ નીકળવાની તૈયારી કરી રહ્યો હતો.

''સાંભળો.'' રચનાએ રાજને ધીમેથી કહ્યું.

રાજે આશ્ચર્યથી એની સામે જોયું. આજે વર્ષો પછી રચનાએ રાજ સાથે વાત કરી.

રાજે એ જ આશ્ચર્યથી એની સામે જોઈ પૂછ્યું, ''તેં મને કંઈ કીધું?''

રચનાએ મોં નીચું કરી કહ્યું, ''હું તમારે લાયક તો નથી પણ શું મને એટલો હક મળી શકે કે હું તમારી સાથે જવાની જબરજસ્તી કરી શકું?''

રાજે બંને હાથથી એનું મોં ઊંચું કરી એની આંખોમાં જોયું ત્યારે રચનાની આંખોમાંથી આંસુ ટપકી પડયાં.

રાજે ધીમેથી કહ્યું, ''મેં તારો હક ઝૂંટવ્યો જ ક્યાં છે, રચના?''

રચના રાજને વળગી પડી.