Get The App

વાર્તા : પ્રેમનો પ્રતિકાર .

Updated: May 11th, 2026

GS TEAM

Google News
Google News
વાર્તા : પ્રેમનો પ્રતિકાર                                               . 1 - image

- ઉમા, જે તેની સહકર્મી હોવાની સાથેસાથે તેની અંગત સાહેલી પણ હતી, તેણે પ્રશાંત સાથે પ્રગાઢ થઈ રહેલા તેના સંબંધોને અનુભવીને તેને ચેતવતા શરૂઆતમાં જ તેને જણાવી દીધું હતું કે પ્રશાંતના લગ્ન થઈ ચૂક્યાં છે અને તે એક પુત્રનો પિતા પણ છે. તેમ છતાં તે પ્રશાંત તરફના ખેંચાણથી પોતાને મુક્ત કરી શકી ન હતી.

ઘરમાં પ્રવેશ કરતા જ નંદિની આમતેમ જોયા વિના દોડતી પોતાના રૂમમાં આવી ગઈ અને બેગ ટેબલ પર ફેંકીને કપાયેલા વૃક્ષની જેમ પલંગ પર પડી. તેના મનમાં એક આંધી જેવું ઊઠી રહ્યું હતું. અગાઉ તેણે પોતાની જાતને ક્યારેય એકલી અને નિ:સહાય અનુભવી ન હતી. આજે તેને પોતાની તમામ સફળતાઓ, ઊંચો હોદ્દો, માનસન્માન બધું જ નિરર્થક લાગી રહ્યું હતું. પ્રેમમાં જે દગો મળ્યો હતો, તેને તો એવું લાગી રહ્યું હતું કે જાણે સઘળું સમાપ્ત થઈ ગયું. જે બાકી રહી ગયું હતું તે તો હતી ઘનઘોર સૂમસામ ઘેરાયેલી તેની એકલી જિંદગી.

જે પ્રેમને કારણે તેના તમામ સંબંધો સમાપ્ત થઈ ગયા હતા, તે જ પ્રેમને કારણે આજે તે સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગઈ હતી. શરૂશરૂમાં તો કેટલું સમજાવ્યું હતું. પોતાની જાતને કે એક પરિણીત વ્યક્તિને પ્રેમ કરવો ખોટું છે. તેમ છતાં પણ પ્રશાંત સામે આવતાં જ તેના તમામ તર્કવિતર્ક જાણે ક્યાં ખોવાઈ જતા હતા. ત્યાર બાદ એક સમય એવો આવ્યો જ્યારે તે પોતાના તમામ સગાંસંબંધીઓને ભુલાવી દઈને પ્રશાંતની સાથે એક અતૂટ બંધનમાં બંધાઈ જવા માટે વ્યાકુળ થઈ ઊઠી હતી.

થોડાક જ દિવસો અગાઉ સુધી મમ્મી અને પોતાના નાના ભાઈ આદિત્ય સાથે પોતાની નાનકડી દુનિયામાં તે કેટલી ખુશ હતી. તેની કેવળ એક જ ધૂન અને એક જ સપનું હતું, કે આદિત્યને ભણાવીગણાવીને સફળતાનાં શિખરો પર પહોંચાડી દેવો અને પોતાની મમ્મીને એવી તમામ સુખસગવડો આપવી, જે તેને અત્યાર સુધી કદી મળી શકી નથી.

તેની મહેનત અને ઉત્સાહે તેના તમામ સપનાં એકએક કરીને પૂરાં કરી દીધાં હતાં. મેનેજમેન્ટની ડિગ્રી મળતાં જ તેને એક મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી મળી ગઈ હતી. નોકરી મળતાં જ, જીવનની તમામ મુશ્કેલીઓ સરળ બનતી ગઈ. આદિત્યના અભ્યાસની સારી વ્યવસ્થા થઈ જવાની સાથેસાથે સુખસુવિધાના તમામ સાધનો પણ આપમેળે એકઠા થતા ગયા.

તે દિવસોમાં તેની મુલાકાત પ્રશાંત સાથે થઈ. પ્રશાંત પૂનાથી ટ્રાન્સફર થઈને તેના વિભાગના અધ્યક્ષના પદ પર આવ્યો હતો. ઊંચો શારીરિક બાંધો ધરાવતો પ્રશાંત તેને પ્રથમ નજરે જ ગમી ગયો હતો. પ્રશાંતે કાર્યભાર સંભાળતાં જ ઓફિસના કામકાજ અર્થે અવારનવાર  નંદિનીની મુલાકાત પ્રશાંત સાથે થવા લાગી. ત્યાર બાદ થોડા જ દિવસોમાં નંદિની અનુભવવા લાગી કે જ્યારે પણ તે પ્રશાંત પાસે જતી ત્યારે તે પણ તેને જોઈને ખીલી ઊઠતો હતો. કદાચ આ જ પ્રારંભ હતો તે નામ વગરના મીઠા ઝેર જેવા સંબંધનો, જેને ટૂંક સમયમાં જ રોજબરોજની મુલાકાતોએ ઘનિષ્ઠ બનાવી દીધો. આ જ ઘનિષ્ઠતા ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ, તેની તેને જાણ સુઘ્ધાં થઈ નહીં. જ્યારે અનુભૂતિ થઈ ત્યાં સુધીમાં તો પ્રશાંત તેની દુનિયામાં સંપૂર્ણપણે સમાઈ ચૂક્યો હતો.

ઉમા, જે તેની સહકર્મી હોવાની સાથેસાથે તેની અંગત સાહેલી પણ હતી, તેણે પ્રશાંત સાથે પ્રગાઢ થઈ રહેલા તેના સંબંધોને અનુભવીને તેને ચેતવતા શરૂઆતમાં જ તેને જણાવી દીધું હતું કે પ્રશાંતના લગ્ન થઈ ચૂક્યાં છે અને તે એક પુત્રનો પિતા પણ છે. તેમ છતાં તે પ્રશાંત તરફના ખેંચાણથી પોતાને મુક્ત કરી શકી ન હતી.

પરંતુ ક્યારેક ભવિષ્યની અનિશ્ચિતતા તેને ડગમગાવી દેતી હતી, તો ક્યારેક બીજાનો હક છીનવી લેવાનું પોતાનું અવિવેકી આચરણ તેને આતંકિત કરતું રહેતું હતું. ક્યારેક એમ વિચારીને તેનું હૃદય ગભરાઈ ઊઠતું હતું કે જો કોઈ કારણસર પ્રશાંત તેના જીવનમાંથી ચાલ્યો ગયો, ત્યારે શું થશે તેના જીવનનું? જ્યારે પણ પોતાના હૃદયમાં ઊઠતી આ આશંકાને તે પ્રશાંત સમક્ષ રજૂ કરતી, ત્યારે તે હસીને તેને સાંત્વના આપતો કે તે ટૂંક સમયમાં જ પોતાની પાગલ અને અભણ પત્નીને છૂટાછેડા આપી દેશે, જેને કારણે તેનું જીવન જીવવું મુશ્કેલ બની ગયું હતું અને પછી તે નંદિની સાથે કાયદેસર લગ્ન કરી લેશે.

પ્રશાંતની આવી જ વાતો તેને હિંમત આપતી હતી. આ જ વિશ્વાસને સહારે તે પ્રશાંતના પ્રેમમાં એટલી હદે ડૂબતી ગઈ કે તેણે પોતાના સ્વજનોથી લઈને દોસ્તી સુધીના સંબંધો તેના પ્રેમના સંબંધો સામે ગૌણ થતા ગયા.

આજે પોતાના પ્રેમને ગુમાવીને હતાશા અને નિરાશાની ઘડીમાં તેનું મન ઈચ્છતું હતું કે પોતે મમ્મીના ખોળામાં માથું ઢાળીને ભરપેટ રડી લે અને આંસુઓના પૂરમાં તેની વ્યથાને વહાવી દે, જે આ દિવસોમાં તેના જીવને તેને આપી હતી.

પરંતુ તેણે તેનો અવકાશ ક્યાં બાકી રહેવા દીધો હતો. જે મમ્મીએ તેને ભણાવીગણાવીને કાબેલ બનાવવામાં પોતાની આખી જિંદગી હોમી દીધી, તે જ મમ્મીને તેણે એટલાં દુ:ખ આપ્યાં કે તે હસવું સુઘ્ધાં ભૂલી ગઈ હતી. તેના પપ્પાના મૃત્યુ બાદ પરિવાર અને સમાજની સાથે સંઘર્ષ કરતી અને શરતો તથા સમાધાનો સાથે જીવતી તેની મમ્મી ગાયત્રીબહેને મુશ્કેલમાં મુશ્કેલ સમયે પણ હાર માની ન હતી, પરંતુ તે ત્યારે જ તૂટીને વિખેરાઈ ગઈ, જ્યારે તેના બંને બાળકોમાંથી સૌથી વધુ સમજદાર અને જવાબદાર એવી દીકરીએ તેમના પ્રેમ અને વિશ્વાસના લીરેલીરા ઉડાવ્યા.

લોકો સાચું જ કહે છે કે આપણે જેના પર સૌથી વધુ વિશ્વાસ મૂકીએ છીએ, મોટાભાગે તેઓ જ આપણા પ્રેમ અને વિશ્વાસના લીરેલીરા કરી જતાં હોય છે. જેવી ગાયત્રીબહેનને પ્રશાંત અને નંદિનીના પ્રેમસંબંધની માહિતી મળી ત્યારે તેમણે નંદિનીને સમજાવવાની ભરપૂર કોશિશ કરી.

''નંદિની, તું આ કેવી મૃગતૃષ્ણા પાછળ દોડી રહી છે? મને તારા પ્રેમ સાથે કોઈ જ વાંધો નથી. વાંધો તો કેવળ એ જ વાત પર છે કે તે એક પરિણીત વ્યક્તિને પસંદ કર્યો છે. તું જાણે પણ છે કે એક પરિણીત વ્યક્તિ સાથે પ્રેમ કરવાનું શું પરિણામ આવે છે. તું તારી જિંદગીને તો બરબાદ કરીશ જ, સાથે અન્ય સ્ત્રીની વેદનાનું પણ તું જ કારણ બનીશ.''

''જો પ્રશાંત તેને છૂટાછેડા આપીને તારી સાથે લગ્ન પણ કરી લે તો તેં વિચાર્યું છે પણ ખરું કે ઘરેલુ જીવન વ્યતીત કરનાર તેની પત્ની પાસે ન તો એટલું શિક્ષણ છે કે ન તો એટલો અનુભવ કે તે તેની આ ઉંમરમાં પોતાનું જીવન નવેસરથી શરૂ કરી શકે, તે નિ:સહાય સ્ત્રી ફરીથી શું પોતાની ઘરગૃહસ્થી વસાવી શકશે? લોકોનાં મહેણાંટોણાં આજે નહીં તો કાલે તને અને તારાં બાળકોને શરમમાં મૂકશે જ.''

''આજે તો તને પ્રશાંતમાં ફક્ત સદ્ગુણ જ દેખાઈ રહ્યા છે, કારણ કે તેના તમામ દોષ ઢંકાયેલા પડયા છે. તારા મગજ પરથી પ્રેમનો પડદો જરા ખસેડી લઈને વિચારીશ ત્યારે તારી સમજમાં સત્ય આવશે.''

''આટલા દિવસો સુધી સાથે રહ્યા છતાં પણ પોતાની પત્નીના તમામ અધિકારો છીનવીને એ નિર્દોષને સંપૂર્ણપણે એકલી છોડી દેનાર વ્યક્તિના વ્યવહારથી શું તને લાગતું નથી કે તે એવી વ્યક્તિ છે કે તેની સાથે જીવનભરનો સંબંધ જોડી શકાય? હજુ પણ કશું બગડયું નથી નંદિની, હવે આ માર્ગ પર વધુ આગળ પગલાં ભરીશ નહીં.''

પોતાના ખભા પર મમ્મીના હાથનું દબાણ તેને નબળું પાડી રહ્યું હતું અને તેણે તેની મમ્મીને એક સ્વસ્થ અને યોગ્ય જીવનની શરૂઆતનું વચન આપી દીધું હતું, પરંતુ બીજા દિવસે ઓફિસ પહોંચતાં જ મમ્મીને આપેલાં વચનોની નિષ્ઠા ઘટવા લાગી હતી અને થોડા જ દિવસોમાં મમ્મીએ આપેલી તમામ શિખામણો વ્યર્થ સાબિત થઈ ગઈ. પ્રશાંતના પ્રેમમાં ગળાડૂબ ડૂબી ચૂકેલી નંદિનીને એ અહેસાસ પણ થયો નહીં કે તેના આવા વર્તનથી કંટાળીને તેની મમ્મીની સાથેસાથે ભાઈએ પણ તેનાથી અંતર કરી દીધું હતું.

આજે જો પ્રશાંતની પત્ની સાથે તેની મુલાકાત થઈ ન હોત, તો ક્યારેય હજુ પણ તેને પોતાની ભૂલની અનુભૂતિ થાત નહીં. ઘણા દિવસોથી પોતાની ઓફિશિયલ ટૂર પરથી પરત ફરીને ઓફિસ પહોંચતાં જ તેને જાણ થઈ કે પ્રશાંતની બાઈક ઓટોરિક્ષા સાથે અથડાઈ હતી અને તે ૩ દિવસથી હોસ્પિટલમાં છે. તે દોડીને હોસ્પિટલ પહોંચી ગઈ, ત્યારે ત્યાં પ્રશાંતને ઠીકઠાક અને ભાનમાં જોઈને તેના જીવમાં જીવ આવ્યો. તેના કેવળ એક જ પગ પર પ્લાસ્ટર હતું.

તેની પર નજર પડતાં જ પ્રશાંતે હસીને તેને આવકારતા, ત્યાં બેઠેલા લોકો સાથે તેનો પરિચય કરાવ્યો. પરિચય થતાં જ જે રીતે પ્રશાંતના પરિવારજનોએ તેનું સ્વાગત કર્યું, ત્યારે તેને સમજતા વાર ન લાગી કે પ્રશાંતે અગાઉથી જ તેના સંબંધની પોતાના પરિવારજનોને જણાવી દીધું છે. એટલામાં તેની નજર એ સ્ત્રી પર પડી, જે સામે બારી પાસે ઊભી રહી જતાઆવતા લોકોને જોતાં મૌન ઊભી હતી.

નંદિનીની પ્રશ્નાર્થવાચક નજરોને સમજતા જ પ્રશાંતે ધીમેથી કહ્યું, ''તે આરતી છે.''

પ્રશાંતની પત્ની આરતીનું નામ સાંભળતાં જ પળવાર તો નંદિનીનું હૃદય ધ્રુજી ઊઠયું. ખૂબ જ સાધારણ નાકનકશો અને શ્યામ રંગ ધરાવતી સ્ત્રીના નિર્દોષ અને સૌમ્ય ચહેરા પર ઉદાસીભરી અગાધ શાંતિ પથરાયેલી હતી. જેવી આરતીએ પોતાની નજર આકાશ તરફથી હટાવી, ત્યારે બંનેની આંખો ટકરાઈ ગઈ. એ સમયે એક અર્થહીન, ઉદાસીનતાભર્યું સ્મિત આરતીના હોઠ પર તરી આવ્યું, જેમાં ન તો કટાક્ષ હતો કે પછી ન તો આવકાર હતો. કદાચ જીવનમાં તેને પોતાના જ લોકો તરફથી મળેલી પીડાને બધાથી દૂર કરી દીધી હતી. 

માથાથી લઈને પગ સુધી ઉદાસીનતામાં ડૂબેલી પોતાની પ્રતિદ્વંદ્વીના મૌન અને આત્મસંયમે નંદિનીના વાક્ચાતુર્યને જાણે એક જ પળમાં નિષ્ક્રિય કરી નાખ્યું. તે એક વિચિત્ર અપરાધબોધથી ઘેરાવા લાગી. તેને અત્યંત સાધારણ રંગરૂપ ધરાવતી ગ્રામ્ય સ્ત્રી સામે પણ પોતાની સુંદરતા, પદ અને રૂપિયા તમામ ચીજોનું સઘળું અભિમાન વ્યર્થ લાગવા લાગ્યું. એક કાંટા જેવું તેના હૃદયમાં ઊંડે સુધી ખૂંપી ગયું અને ભારે સંવેદના તેની અંદર ઉભરાવા લાગી.

થોડી જ વારમાં આરતી ૨ પ્લેટોમાં સફરજન કાપીને લઈ આવી. એક પ્લેટ તેણે પ્રશાંતને પકડાવી, જ્યારે બીજી નંદિની તરફ લંબાવી. ક્ષણ માત્રમાં તો તેમની નજર ફરીથી ટકરાઈ. આરતીની નજરમાં ન જાણે એવું તો શું હતું કે નંદિનીને તે અંદર સુધી ચીરતું ગયું. એક ઊંડા દુ:ખમાં તેનું મન ડૂબવા લાગ્યું. આરતીની નજર કહી રહી હતી કે તેને નંદિની વિશે તમામ માહિતી છે.

જે પ્રેમ, ચિંતા અને લાગણીથી આરતી પ્રશાંતની સેવા કરી રહી હતી, તેની કદર પ્રશાંતને ભલે ન હોય, પરંતુ પોતાની થનાર શોક માટે મૌન સ્વીકૃતિ જોઈને નંદિની સ્તબ્ધ બની ગઈ હતી. એક સ્ત્રી બીજી સ્ત્રીના કારણે એટલી વિવશ થઈ ગઈ હતી કે તેના સુખદુ:ખ તેમજ ગુસ્સોઆવેગ સઘળું ખડકમાં પરિવતત થઈ ગયા હતા. કેટલી નિર્દય અને નિષ્ઠુર હોય છે આ સ્ત્રી જાત, બીજી સ્ત્રીને આ સ્થિતિમાં લાવીને ઊભી કરી દે છે. નંદિનીનું હૃદય પોકારી ઊઠયું, ''નહીંનહીં... પોતે આટલી નિષ્ઠુર હોઈ શકે જ નહીં.''

નંદિનીને તો ક્યારેક પ્રશાંતના બીજાં લગ્નનો અને આરતીના ભરણપોષણનો ખર્ચો ઉઠાવવાનો સ્વાર્થી નિર્ણય પણ યોગ્ય જ લાગ્યો હતો, પરંતુ આજે તે વિચારવા માટે મજબૂર હતી કે કેટલી લાચાર છે આરતી. પોતાનું સઘળું અને માનસન્માન સુઘ્ધાં ગુમાવીને પણ તેને તેના ઘરના એક ખૂણામાં પડી રહેવું મંજૂર હતું.

પોતાના સ્વાર્થ માટે પશ્ચાત્તાપના અગ્નિમાં શેકાઈ રહેલી નંદિનીનું મન આરતીને શક્ય એટલી મદદરૂપ બનવા માટે ઉતાવળું થઈ ઊઠયું. ક્યારેક-ક્યારેક સારાં કામો માટે અંતર્મનથી સ્વયંભૂ જ પ્રેરણા મળતી હોય છે. આવા સમયે જો કોઈ વ્યક્તિ કોઈ કામ કરવાનો દૃઢ નિશ્ચય કરી લે, તો તેની અંદર સંઘરાયેલી તમામ પ્રતિબંધિત ઊર્જાને એક યોગ્ય દિશા મળી જતી હોય છે. નંદિનીને પણ કદાચ આ જ દિશા એ જ ક્ષણે મળી ગઈ હતી.

તે પ્રશાંતની નજીક સ્ટૂલ ખેંચીને બેસતાં બોલી, ''એ વાત સાચી છે પ્રશાંત કે તમારા વિના જીવન જીવવાની કલ્પના પણ હું કરી શકતી નથી, તેમ છતાં પણ આજે અને હમણાં જ હું હંમેશાં માટે તમારો ત્યાગ કરું છું. હું મારા પોતાનાં સુખો માટે કોઈ અન્ય વ્યક્તિ સાથે થતા અન્યાયને સહન કરી શકતી નથી. જો તમે મને ક્યારેય જરા જેટલો પણ પ્રેમ કર્યો હોય તો તમને આ પ્રેમના સોગંદ છે. તમે આરતીને અપનાવી લો. એકમાત્ર તમે જ છો જેનો પ્રેમ મેળવીને તે આ વિષાદભરી સ્થિતિમાંથી બહાર આવી શકે છે. જો તમે આમ નહીં કરો તો એક લાંબી કાયદાકીય લડાઈ માટે તૈયાર રહો. આરતીને સાથ હું આપીશ.''

પોતાની વાત સમાપ્ત કરીને તે આરતીની નજીક આવીને ઊભી રહી ગઈ અને કહ્યું, ''હું તમારા પ્રશાંતને છોડીને, હંમેશાં માટે તેમના જીવનમાંથી જઈ રહી છું, પરંતુ જતાંજતાં હું તમને એક સલાહ આપવા ઈચ્છું છું. પોતાનું માનસન્માન સઘળું ગુમાવીને કેવળ પતિની દાસી બની રહેવાથી સ્ત્રી પતિવ્રતા નથી બની જતી. આ તો પોતાના સ્વાભિમાનને ગિરવે મૂકીને અન્યાયને પ્રોત્સાહન આપવા જેવું છે. આપણે સ્ત્રીઓ કેવળ સહન કરવા માટે જ જન્મી નથી. આપણી પાસે પણ લાગણીશીલ મગજ અને આત્મસન્માન છે. વિના પ્રતિકાર કર્યો હથિયાર હેઠાં મૂકી દેવાં કાયરતા છે. એક વાર હથિયાર ઉઠાવીને તો જુઓ, જીવન જીવવાનો  હેતુ મળી જશે. અન્યથા આપણને ગમે તેટલા અધિકારો મળ્યા હોય, પરંતુ તેનું રક્ષણ કરવાની ક્ષમતા ન હોય, ત્યારે તે અધિકારોનું કોઈ ઔચિત્ય રહેતું નથી.''

તેની વાતોથી અચંબિત થઈ ગયેલા પ્રશાંત અને આરતીને ત્યાં જ છોડીને, એક ક્ષણ માત્ર ગુમાવ્યા વિના તે હોસ્પિટલના રૂમમાંથી બહાર નીકળી આવી અને હવે તે પોતાના રૂમમાં આડી પડી હતી, એટલામાં કોઈના પગરવથી તે ચોંકીને બેઠી થઈ ગઈ. તે તેની મમ્મી હતી, જે તેને ઘેર પરત ફરેલી જાણીને ચા બનાવીને લાવી હતી. લાઈટ ચાલુ કરતાં જ આંસુઓથી ભીંજાયેલો નંદિનીનો ઉદાસ અને કાળની થપાટો ખાધેલો ચહેરો જોઈને, ચાનો કપ બાજુમાં પડેલા ટેબલ પર મૂકતા તે ચુપચાપ નંદિનીની પાસે, પલંગ પર આવીને બેસી ગયા. નંદિની કૂદકો મારીને ઊઠી અને પોતાની મમ્મીને ગળે વળગીને હૈયાફાટ રડી પડી. નંદિનીની આંખમાંથી વહી રહેલાં આંસુઓના ઘોડાપૂરે મમ્મીને કહી ન શકાય તેવી તમામ વાતો કહી નાખી. તેમ છતાં જે કંઈ થોડીઘણી જિજ્ઞાાસા તેની મમ્મી સરળ શંકાહીન આંખોમાં બાકી રહી ગઈ હતી, તેને પણ નંદિનીએ આજે બનેલી ઘટના જણાવીને શાંત કરી દીધી.

તેની મમ્મીનું ૪ મહિના લાંબું મૌનવ્રત હવે જઈને તૂટયું, ''હવે બસ પણ કર. ખૂબ પશ્ચાત્તાપ કરી લીધો તેં. તારી જિંદગી કેવળ પ્રશાંતથી જ શરૂ થઈને પ્રશાંત પર જ પૂરી નથી થઈ જતી. રસ્તાઓ બીજા અનેક છે, મંજિલો પણ અનેક છે. ભવિષ્યની અતિસુંદર જિંદગી તારી રાહ જોઈ રહી છે. બસ કેવળ જરૂર છે, હિંમતથી કામ લેવાની. સૌથી મોટી દવા તો સમય જ છે જે તારા ઘાને રુઝાવી દેશે.''

''મારા કારણે તમે લોકોએ પણ ઘણાં દુ:ખ ઉઠાવ્યા છે મમ્મી, તે વાતને હું કેવી રીતે ભૂલી શકું છું?''

''તને હવે ખરાખોટાની ઓળખ થઈ ગઈ છે, એટલું શું ઓછું છે અમારા માટે. બસ હવે જલદીથી પ્રયત્ન કરીને તારી બદલી અમદાવાદથી ક્યાંક દૂરના સ્થળે કરાવી લે.''

મમ્મીની વાત માનીને રજાઓ લઈને નંદિનીએ પોતાની બદલી પ્રશાંતને સારું થયા અગાઉ જ મુંબઈ કરાવી લીધી, જેને લીધે તેના તમામ સંપર્ક અમદાવાદ સાથે તૂટી ગયા.

હવે પોતાની તમામ નબળાઈઓને પાછળ છોડીને, નંદિની એક મજબૂત મનોબળ ધરાવતી નંદિની બની ગઈ હતી. એક નવા વિચાર સાથે, એક નવી દિશામાં અગ્રેસર. ક્યારેક-ક્યારેક તે પોતાની સહકર્મી અને સાહેલી એવી ઉમાને ફોન કરી લેતી હતી. ૪-૫ મહિનામાં જ આરતીમાં ન જાણે કોઈ શક્તિનો પ્રાદુર્ભાવ થઈ ગયો છે કે ઉમાએ જ તેને જણાવ્યું હતું કે તે પોતાના અધિકાર પ્રત્યે કેવળ સજાગ જ બની ન હતી, પરંતુ તેણે પ્રતિકાર કરવો પણ શીખી લીધો હતો. આ નવા મિજાજ સામે ઝૂકીને પ્રશાંતે હવે પોતાની પત્ની આરતીને અપનાવી લીધી હતી.