Get The App

વાર્તા : પુનિતા પાછી આવતી રહે

Updated: Dec 15th, 2025

GS TEAM

Google News
Google News
વાર્તા : પુનિતા પાછી આવતી રહે 1 - image

- પુનિતાને લાગતું કે સુધીરની સાથે અને પાસે હોવા છતાં તેનાથી તે માઈલો દૂર હતી. એકલતાની ગૂંગળામણથી તે મનોમન ઘૂંટાતી રહેતી. વળી આ કંઈ ઈન્ડિયા નહોતું કે સગાવહાલા કે પાડોશીઓ પાસે જઈને પોતાનું દુ:ખ હળવું કરી શકાય. અહીં તો  સૌ  પોતપોતાની પ્રાઈવસીનું જતન કરવામાં વ્યસ્ત હતું અને બીજાનું ડિસ્ટર્બન્સ તમને ગમતું નહોતું.

ફ્લેટમાં પ્રવેશતાં જ સુધીરે લાઈટ ઓન કરી અને ચાવીઓ કી-હોલ્ડર પર લટકાવીને સીધો બેડ પર લેટી ગયો. જોકે દરરોજ તે ઘરે આવીને સૌથી પહેલાં બાથરૂમમાં ઘૂસતો અને પછી ડ્રિન્ક લેતો. પરંતુ આજે તે થાકીને લોથપોથ થઈ ગયો હતો. તનથી જ નહિ, મનથી પણ.

આજે તેને ડ્રિન્ક લેવાની ઈચ્છા જ ન થઈ. આવા મૂડની તેન પણ નવાઈ લાગતી હતી, કારણ કે આ પહેલાં તેણે ક્યારેય આવી લાગણી અનુભવી નહોતી. 

કાયમ મોજમાં રહેતો અને પોતાની ધૂનમાં મસ્ત સુધીર તેના દોસ્તોમાં એક ઝિંદાદિલ અને દિલફેંક મિજાજના મિત્ર તરીકે મશહૂર હતો. 

સાતેક વરસ પહેલાં ભારતથી તે લંડન આવ્યો હતો ત્યારે તેણે સપનામાં પણ વિચાર્યું નહોતું કે વિદેશી ધરતી પર તે પોતાની માલિકીનું એક ઘર વસાવી શકશે અને વૈભવશાળી તેમજ સુખસુવિધાઓથી છલોછલ જિંદગી જીવી શકશે. 

એક મિડલ ક્લાસ પરિવારનો હોવાને લીધે કંઈપણ હાંસલ કરવાની ચાહત તો થતી. તોપણ તેના મનમાં એક ફફડાટ રહ્યા કરતો કે જે કંઈ હાથમાં છે તે પણ કદાચ ગુમાવવાનો વારો ન આવે તો સારું.

આથી જ તે મહેનત કરવામાં કદી પાછી પાની ન કરતો અને તેને પરિણામે 'સ્વિફ્ટ મિડિયા' નામની એક કંપનીમાં એન્જિનિયરના પ્રતિષ્ઠિત પદે કામ કરી રહ્યો હતો.

પરંતુ પ્રગતિનાં સોપાનો સર કરતાં કરતાં સુધીરના વ્યવહારમાં એકાએક પરિવર્તન આવવા લાગ્યું. લંડનની લાઈફસ્ટાઈલમાં તેણે પોતાની જાતને પૂરેપૂરી ઢાળી દીધી. પદ, પૈસો અને પ્રતિષ્ઠાને ભરપૂર માણવા માંડયો. 

દિવસ આખો ઓફિસમાં વિતાવ્યા બાદ ઘરે આવીને ટાઈમપાસ કરવા માટે ઈન્ટરનેટ પર સર્ફિંગ કરવા માંડતો. ધીરે ધીરે નેટની લગની એવી લાગી કે લગાતાર એમાં ગળાડૂબ રહેવા લાગ્યો. અધરાત-મધરાત સુધી તે ચેટિંગ કર્યા કરતો. ઘરના સ્વજનો એના પર લગ્ન કરી લેવાનું દબાણ લાદતાં રહેતાં અને કહેતાં કે એનઆરઆઈ યુવક માટે કન્યાવાળા રોજ ઘરે આવે છે. 

પરંતુ સુધીર પોતાની કારકિર્દી કંડારવામાં એટલો બધો બિઝી હતો કે ૩૬ વરસ વીત્યા છતાં પરણવાનો વિચાર હજી તેના મનમાં ફરક્યો જ નહોતો.  કંટાળો અને એકલતા ટાળવા માટેનો તેનો સૌથી નિકટનો અને એકમાત્ર સાથી હતો 'નેટ'. ચેટિંગને પ્રતાપે એનો મિત્રો વધી ગયા હતા અને એનો ખાલીપો પણ. ચેટિંગના ચસકામાં જાણે એ ચકચૂર બની ગયો હતો. 

એવામાં એક દિવસ ફેસબુક પર ચેટિંગ કરતાં કરતાં  ભારતમાં વસતી બોલકણી અને બ્યુટિફુલ પુનિતા સાથે એનો પરિચય થયો અને જોતજોતાંમાં બન્નેની સમાન રસ-રુચિ, એકસરખી આદતો કે પછી ઈક્વલ માઈન્ડ-સેટને કારણે અને સુધીરની નિખાલસતાથી બન્નેનો પરિચય આત્મીય મિત્રતામાં પરિણમ્યો. 

પુનિતા ઈન્ડિયામાં એક કોલેજમાં લેક્ચરર હતી અને હજી તેણે પ્રભુતામાં પગલાં નહોતાં માંડયાં. ચાર મહિનાના લાગલગાટ ચટિંગ બાદ તેમની વાતચીતમાં એટલી મોકળાશ આવી ગઈ હતી કે કોઇપણ વિષય વિશે બોલવામાં તેઓ કશો સંકોચ કે અકળામણ નહોતાં અનુભવતાં.

'લંડન ખરેખર એક વન્ડરફુલ સિટી છે, નહિ?'

એક દિવસ પુનિતાએ ચેટિંગ દરમિયાન પૂછ્યું તો સુધીરે તરત જવાબમાં લખ્યું :

'ઇફ યુ કમ હિયર, ધેન ઈટ વિલ બી મોર વન્ડરફુલ.'

'પણ હું કેવી રીતે આવી શકું ? કેન આઈ ગેટ જોબ ધેર ?'

'વ્હાય નોટ ? શું જોબ મળે તો જ તું આવી શકે ? તું જસ્ટ હરવાફરવા માટે પણ આવી શકે છે. ટિકિટનો બંદોબસ્ત હું કરી દઈશ.'

વેબ-કેમ ઉપર પુનિતાનો લજ્જાથી લાલ થયેલો ચહેરો જોઈને સુધીર હસી પડયો હતો. તેણે લખ્યું કે 'તું શરમાય છે ત્યારે ખૂબ જ ક્યુટ અને ચાર્મિંગ લાગે છે.'

'ઓહ નો. તું પણ કંઈ ઓછો સ્માર્ટ અને હેન્ડસમ નથી.'

ધીમે ધીમે બન્ને વચ્ચે એક અતૂટ ઈન્ટીમસી રચાઈ ગઈ. સુધીરનાં મમ્મી-પપ્પાએ તેને અનેક કન્યાઓના ફોટા ઈ-મેલ કર્યા હતા. પરંતુ તેણે એ તમામ રિજેક્ટ  કર્યા હતા. તેને ખાતરી થઈ ગઈ હતી કે માત્ર પુનિતા તેની લાઈફ-પાર્ટનર બની શકે તેવી છે. 

'જો તું ખરેખર લંડન આવવા માગતી હોય તો મારી પાસે એક સરસ પ્રપોઝલ છે. શું તું મારી સાથે મેરેજ કરવાનું પસંદ કરીશ કે ?'

પણ સુધીરના આ સવાલનો જવાબ પુનિતએ ઘણા દિવસો સુધી ન આપ્યો. બે-ત્રણ દિવસ સુધી તે ઓનલાઈન પણ ન આવી. સુધીરે ઘણા ફોન કર્યા. પરંતુ પુનિતાએ ફોન રિસીવ જ ન કર્યા. 

સુધીર આતુર હૈયે તેના જવાબની વાટ જોઈ રહ્યો હતો. મોડી રાત સુધી તેની આંખો લેપટોપના સ્ક્રીન પર મંડાયેલી રહેતી. એવી ઝંખનામાં કે ક્યારે પુનિતા ઓનલાઈન પર આવે.

એવામાં થોડાક દિવસો બાદ પુનિતાનો ચહેરો વેબકેમ પર જોતાંવેંત સુધીર ગણગણવા લાગ્યો : 'શું તને મારી પ્રપોઝલ ગમી નથી કે પછી યુ નીડ સમ મોર ટાઈમ ટુ થિન્ક ?'

'આઈ લાઈક યુ વેરી મચ, બટ... એક એન.આર.આઈ. યુવક સાથે લગ્ન કરતાં ફફડાટ થાય છે.'

'ડોન્ટ વરી. ટૂંક સમયમાં હું ઈન્ડિયા આવવાનો છું. મને જોઈને જ તારો બધો ફફડાટ પાંખો ફફડાવતો ઊડી જશે. આઈ પ્રોમિસ,ઓ.કે. ?'

બન્નેના પરિવારો પરસ્પર મળ્યા અને વાતચીત બાદ સુધીર ભારત આવ્યાના એકાદ મહિનામાં જ બન્ને પરણી ગયાં અને પુનિતા ખુશખુશાલ જિંદગીનાં સપનાં મમળાવતી સુધીર સાથે લંડન પહોંચી આવી.

સુધીરની મુલાકાત બાદ એના મનમાંથી ખરેખર ફફડાટ શમી ગયો હતો અને તેની પ્રેમવર્ષામાં તે તરબતર બની ગઈ હતી.

પુનિતા માટે લંડનની રોનક અને સુધીરનો સહવાસ એક સપના સમાન હતાં. બન્ને જાણે 'એક દૂજે કે લિયે' સરજાયાં હોય એમ એકમેક-સંગે ઉમંગરંગે રંગાઈ ગયાં હતાં.

નવાસવા પ્યાર અને રોમાન્સની ખુમારીમાં તેમજ હરવાફરવામાં બે-ત્રણ મહિના તો પાણીની માફક વહી ગયા. ઘણીવાર બન્ને રાત્રે ફરવા નીકળી પડતાં અથવા લેટ-નાઈટ પાર્ટીમાં મોજમસ્તી માણતાં. 

સુધીર જ્યારે પુનિતાને બાહુપાશમાં જકડીને હળવેકથી કહેતો કે 'પુનિ, વી આર મેડ ફોર ઈચ અધર' ત્યારે પુનિતાનો સમગ્ર ચહેરો લવની લાલિમાથી ચમકી ઊઠતો અને સુધીરના હોઠ પર તસતસતું ચુંબન ચોડીને ત્વરિત સમર્થન આપતી. 

'આપણા આ મધુર મિલનનું શ્રેય ઈન્ટરનેટને આપવું જોઈએ, જેના પ્રતાપે તું મારા જીવનમાં પ્રવેશી. નહિતર હું તો અહીં સાવ એકલોઅટૂલો જીવતો હતો.'

આવાં વાક્યો સાંભળીને પુનિતા પણ રોમાંચિત થઈ ઊઠતી. પોતે કેટલી ખુશનસીબ છે એવો અહેસાસ તેને થતો.

સમય વીતતાં રોમાન્સના ઊભરો શમવા લાગ્યો અને રૂટિન જિંદગી શરૂ થઈ ગઈ. લેટ-નાઈટ પાર્ટીઓ અને હરવાફરવાની મોજનાં મોજાં ઓસરવા લાગ્યાં. પાછા ફર્યા બાદ થોડાક દિવસ સુધીર પૂરો સમય પુનિતા સાથે જ વિતાવતો. 

પરંતુ ધીમે ધીમે ચેટિંગનો ચસકો અને કલાકો સુધી ઈન્ટરનેટ પર બેસવાની આદત દિલોદિમાગ પર સવાર થવા લાગી. ઓફિસેથી ઘરે આવીને તે થોડુંક ડ્રિન્ક લીધા બાદ તરત ઈન્ટરનેટમાં બિઝી થઈ જતો. પુનિતા બહુ આગ્રહ કરતી ત્યારે ક્યારેક તેની સાથે જમી લેતો. બાકી મોટેભાગે તો સર્ફિંગ કરતાં કરતાં જ ખાવાનું પતાવી દેતો. 

શરૂઆતમાં પુનિતાને લાગ્યું કે હવે તે સુધીરની પાસે અને સાથે જ હોવાથી તેની આ ટેવ છૂટી જશે. પરંતુ હવે તેને ખાતરી થવા માંડી કે સુધીર માટે ઈન્ટરનેટ તેની બીજી 'વાઈફ'  હતી અને ચેટિંગ તેને માટે ચેઈન-સ્મોકિંગ જેવો નશો હતું. તે જ્યારે જ્યારે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરતી, ત્યારે સુધીર માથું ઊંચું કર્યા વગર અને તેની સામે નજર સુધ્ધાં માંડયા વગર  માત્ર 'હાં-હૂં' જેવા ટૂંકા અને એકાક્ષરી જવાબો આપતો. 

ક્યારેક વધુ શબ્દો સાંભળવા માટે અથવા સુધીર તેને કોઈ સામો સવાલ કરે એવી આશામાં પુનિતા તેની સામે જોતી ઊભી રહેતી. પરંતુ સુધીર તેની હાજરીની નોંધ  સુધ્ધાં નહોતો લેતો. 

લંડનમાં પુનિતાને પોતાનું કહી શકાય એવું બીજું કોઈ નહોતું. સુધીર તેને માટે સર્વેસર્વા હતો. એટલે એને આ એકલતા હવે સાલવા લાગી. પોતાની એકલતા અને બોરડમ દૂર કરવા માટે તે ક્યારેક એકલી શોપિંગ કરવા કે લટાર મારવા નીકળી પડતી. પરંતુ વિદેશી ધરતી પર આમ એકલાઅટૂલા ક્યાં સુધી ભમવું-ભટકવું ? આ અમૂંઝણની હૈયાવરાળ તેણે ઘણીવાર સુધીર સમક્ષ ઠાલવી હતી.  

'જો પુનિતા, તારે લંડનની લાઈફસ્ટાઈલ અપનાવવી પડશે. ફ્રેન્ડ્સ બનાવ, કોઈક બેનપણીની કંપની શોધ અને તેમની સાથે  પાર્ટી-પિકનિકો મનાવ અથવા કોઈક જોબ ગોતી લે.'

સુધીરનો આવો શુષ્ક-લાગણીહીન જવાબ સાંભળીને તે વધુ એકલવાયી બની જતી. તેને થતું કે સુધીર તેની ઉપેક્ષા કરી રહ્યો છે. 

તે ચિડાઈને કહેતી, 'સુધીર, તમે સમજતા કેમ નથી ? મને માત્ર 'કંપની' નહિ, પરંતુ 'તમારી કંપની' જોઈએ છે. આઈ નીડ યુ બેડલી, ડિયર. તમારા સાથ વગર એ મિત્રો-સખીઓ પણ મને મારાં પોતાનાં નહિ, પરંતુ પારકાં જ લાગશે.'

પરંતુ પુનિતાની આ પરવશતા સામ ઝૂક્યા વગર સુધીર તો બસ પોતાની અન્મેરિડ લાઈફના એ વીતેલા દિવસોને જ સજીવન રાખવા માગતો હોય એમ મશગૂલ હતો. 

દોઢેક વરસ સુધી આ સિલસિલો જારી રહ્યો. પુનિતાને લાગતું કે સુધીરની સાથે અને પાસે હોવા છતાં તેનાથી તે માઈલો દૂર હતી. એકલતાની ગૂંગળામણથી તે મનોમન ઘૂંટાતી રહેતી. વળી આ કંઈ ઈન્ડિયા નહોતું કે સગાવહાલા કે પાડોશીઓ પાસે જઈને પોતાનું દુ:ખ હળવું કરી શકાય. અહીં તો  સૌ  પોતપોતાની પ્રાઈવસીનું જતન કરવામાં વ્યસ્ત હતું અને બીજાનું ડિસ્ટર્બન્સ તમને ગમતું નહોતું. 

''આખરે દરેક વાતની કોઈક હદ હોય છે.  તું ઓફિસેથી આવીને આખો દિવસ બસ નેટ પર જ બેઠો રહે અને હું ભૂતની માફક બેઠી રહું ?'' પુનિતાએ એક દિવસ અકળાઈને સુધીર સમક્ષ હૈયાવરાળ ઠાલવી.

''વોટ ડુ યુ મીન ? શું તું એમ ઈચ્છે છે કે આખો દિવસ હું તારો પાલવ પકડીને બેઠો રહું ?' ''ના, તું આ નિર્જીવ કમ્પ્યુટર સાથે ચીપકીને બેઠો રહે. પરંતુ હું જીવવા માગું છું. હું ઈન્ડિયા પાછી જઈ રહી છું અને ડાઈવોર્સનાં પેપર તને મોકલી આપીશ.'' પુનિતાએ ધડાકો કર્યો.  અચાનક મોબાઈલની રિંગ વાગતાં સુધીર ચોંકી ઊઠયો. કોણ જાણે કેટલી વારથી તે આમ જ પડી રહ્યો હતો. તે કોઈની સાથે વાત કરવાના મૂડમાં નહોતો. એટલો ફોન કટ કરી દીધો. પુનિતાને ઘર છોડયે  એક મહિનો વીતી ગયો હતો. શરૂશરૂમાં તો ઘરે આવીને પોતાના રૂટિનમાં ખોવાઈ જવાનું અને કોઈની રોકટોક વગર ઈન્ટરનેટમાં વ્યસ્ત રહેવાનું તેને સારું લાગ્યું. પરંતુ કેટલાક દિવસો બાદ તેને પણ એકલતા મહેસૂસ થવા લાગી.  પુનિતાનો પ્રેમ, તેનો સાથ-સહકાર અને હંમેશાં તેની કાળજી, આ બધું યાદ આવવા માંડયું. આટલી પ્રેમાળ, સુંદર અને કાળજીસભર લાઈફ પાર્ટનર ક્યાં ખોવાઈ ગઈ ? આવી એકલતાથી આખરે મને શું મળ્યું ? આવા સવાલો તે જાતને પૂછતો.

ઘરમાં પ્રવેશતાં જ તેન સન્નાટો ઘેરી વળતો. પુનિતાવિહોણું ઘર ટયુબલાઈટોના ઝગમગાટમાં પણ તેને અંધારી ગુફા જેવું લાગતું. લંડનની જિંદગી હવે તેને નીરસ, મોનોટોનસ લાગવા લાગી હતી. પોતાની આ એકલતા કોની સાથે શેર કરવી ?

ચેટિંગમાંથી પણ રસ ઊડી ગયો હતો. પુનિતા સાથે તેણે ઓનલાઈન સંવાદ સાધવાની કોશિશો કરી. પરંતુ તે દર વખતે ઓફલાઈન જ રહેતી. આખરે ભૂલ તો પોતાની જ હતી. સુધીરની આંખોમાંથી પસ્તાવાનુ ઝરણું વહેવા માંડયું. ''આઈ કાન્ટ અફોર્ડ ટુ લિવ વિધાઉટ યુ, પુનિતા.'' તેનું અંતર ગણગણવા લાગ્યું. 

કોઈપણ વસ્તુ જરૂરતથી વધારે મન ઉપર હાવી થઈ જાય તો જિંદગીની બીજી ખુશીઓ સ્વાભાવિક રીતે જ નજરઅંદાજ થઈ જાય છે. પુનિતાની ગેરહાજરીના ગમમાં ક્યારે સવાર પડી ગઈ તેનો કોઈ ખ્યાલ જ ન રહ્યો. સુધીર આંખો ચોળતો ઊઠયો અને તરત ટ્રાવેલ એજન્ટને ફોન લગાડયો : ગેટ મી વન ટિકિટ ફોર ઈન્ડિયા એજ સૂન એઝ પોસિબલ.

પછી પુનિતાને ઈ-મેલ કર્યો : પ્લીઝ કમ બેક પુનિતા... અને લેપટોપ બંધ કરીને ભારતથી આવનારી ફ્લાઈટોની દિશામાં મોં ફેરવીને પડી રહ્યો.