- આલોક તેની અગાસીમાં ઊભો ઊભો કિન્નરીના સૌંદર્યનું પાન કરતો હતો ત્યારે અચાનક જ કિન્નરીએ હાથ ઉંચો કરી તેના તરફ કંઇ ફેક્યું. તેની પગ પાસે આવેલી આ વસ્તુ પથ્થરમાં લપેટેલો એક કાગળ હતો. ''મારા પતિ બહારગામ ગયા હોવાથી આજે હું ઘરમાં એકલી જ છું. શું તમે મને સાંજે પાંચ વાગ્યે મારા ઘરમાં મળી શકશો?
સામેની બારીમાં ઉભેલી રૂપયૌવનાને જોઇને આલોકને તેની આંખો પર વિશ્વાસ જ બેઠો નહીં. આંખો ચોળીને તેણે ખાતરી કરી. આમ છતાં પણ તેનું મન માન્યું નહીં. આથી તેણે પોતાની જાતને ચીમટો ભરીને ખાતરી કરી લીધી કે તે સ્વપ્નલોકમાં નહીં પરંતુ મૃત્યુલોકમાં જ છે. મૃત્યુલોકમાં સ્વર્ગલોકની અપ્સરા જોઇ તે અવાચક જ થઇ ગયો. બાળપણના વર્ષોને બાદ કરતા ૨૯ વર્ષના આયુષ્યમાં તેણે પ્રથમ વાર જ આવું કાતિલ સૌંદર્ય નિહાળ્યું હતું. ૨૫ વર્ષની આ યોવનાને જોઇ આલોકનું રસિક હૃદય ઘાયલ થઇ ગયું.
એ પછી તો બારીમાં ઊભેલી સુંદરીને જોવાનો તોનો નિત્યક્રમ થઇ ગયો. પણ એ રૂપયૌવના છે કોણ? આ પ્રશ્નનો ઉત્તર પણ તેને મળી ગયો.
આ રૂપયૌવનાનું નામ કિન્નરી. આલોકની સામે રહેવા આવેલા ૪૫ વર્ષના કર્નલ રાઠોડની તે બીજી પત્ની તેની સામેનો પ્લોટ વેચાતો લઇ ત્યા નવો બંગલો બાંધી કર્નલ તેની યુવાન પત્ની અને ૨૭ વર્ષના ભત્રીજા રૂપિન સાથે રહેવા આવ્યાહતા.
૨૫ વર્ષની રૂપરૂપની અંબાર સમી કિન્નરી ફાંદવાળા અને મૂછો ધરાવતા કર્નલની પત્ની હોવાની વાત જાણી આલોકનું મન ખાટું થઇ ગયું. તેનું કવિ હૃદય આ વાત હજમ કરી શક્યું નહીં. કાગડાને દહીંથરાનો સ્વાદ માણતા જોઇ તેનું મન ખાટું થઇ ગયું. પરંતુ તે લાચાર હતો. આ બાબતે કંઇ કરી શકે તેમ નહોતો.
આ જાણ્યા પછી પણ કિન્નરીની એક નજર માટે તેનું મન તરસતું. રોજ સવારે તે બારી પાસે ઊભો રહી કિન્નરીના સૌંદર્યનું પાન કરતો. ક્યારેક કિન્નરી તેના સુંવાળા કાળા કેશ સૂકવતી તો ક્યારેક તે તેને લોભામણું સ્મિત આપી બારીના પડદા પાછળ છૂપાઇ જતી તો ક્યારેક તે ઉદાસ નજરે સામે આવેલા વૃક્ષ તરફ તાકી રહેતી. તેની દરેક અદા આલોકની નસનસમાં ઉન્માદ પેદા કરી દેતી અને રાત્રે તેને કામદેવ અને રતિના સપના આવતા પોતાની જાતને કામદેવ અને કિન્નરીને રતિના અવતારમાં કલ્પી તે સ્વપ્નલોકમાં વિહાર કરતો.
''અરે, આજે તો મારી સામે હસી અને તેણે મારી સામે આંખ પણ મીંચકારી. ના, આ શક્ય નથી. આ મારો ભ્રમ જ હશે. આજકાલ હું એનામાં એવો ખોવાઇ ગયો છું કે મને તેના સિવાય બીજું કોઇ દેખાતું નથી. પરંતુ એ હસી હતી ખરી. અત્યાર સુધી તો તે માત્ર એક સ્મિત જ ફરકાવતી હતી. પરંતુ આજે તો તેણે તેણે હાસ્ય ફરકાવી તેના શુભ્ર મોતી જેવા દાંત દેખાડયા. આજે તો મારો દિવસ જ ઉઘડી ગયો. મને ખાતરી છે કે તેણે હસીને આંખ મીંચકારી એ મારો ભ્રમ નહોતો. તેણે ખરેખર જ આંખ મીંચકારી હતી. આજે તો મારું મન મારા કાબુમાં રહેતું નથી. તેને મારા બાહુપાશમાં સમાવી એક તસતસતું ચુંબન આપવાની ઇચ્છા થાય છે. તે બારીમાં પણ મારી ખાતર જ આવતી હશે. ૪૫ વર્ષના બુઢ્ઢા સાથે પરણીને બિચારીનું જીવન જ કરમાઇ ગયું છે. એની સાથે એને શું સુખ મળતું હશે. તેના અંતરની પ્યાસ બૂઝાતી નહીં હોય એટલે બિચ્ચારી આમ તેમ નજર દોડાવે એમા એનો શું વાંક?
રોજ બારી પાસે આવી કિન્નરી આલોકને પોતાના સૌંદર્યની જાળમાં ફસાવતી હતી. આલોક તેની જાળમાં પૂરેપૂરો ફસાઇ ગયો છે. એ જાણ્યા પછી એક દિવસ......
આલોક તેની અગાસીમાં ઊભો ઊભો કિન્નરીના સૌંદર્યનું પાન કરતો હતો ત્યારે અચાનક જ કિન્નરીએ હાથ ઉંચો કરી તેના તરફ કંઇ ફેક્યું. તેની પગ પાસે આવેલી આ વસ્તુ પથ્થરમાં લપેટેલો એક કાગળ હતો. ''મારા પતિ બહારગામ ગયા હોવાથી આજે હું ઘરમાં એકલી જ છું. શું તમે મને સાંજે પાંચ વાગ્યે મારા ઘરમાં મળી શકશો? મને ખાતરી છે કે તમે મારી આ વિનંતીનો અસ્વીકાર નહીં કરો. હું તમારી રાહ જોઇશ'' પત્ર પર કોઇ સંબોધન કે લખનારનું નામ નહોતું.
આ પત્ર વાચી આલોકનું દિલ ધડકવા લાગ્યું. પાંચ વાગ્યા સુધીનો સમય તે કેવી રીતે પસાર કરશે? ંકિન્નરીની નજીક જતા તેના કેવા હાલ થશે? તે કિન્નરીને શું કહેશે? કિન્નરી તેને શું કહેશે? આ બધા વિચારમાં પાંચ ક્યા વાગી ગયા તે એને ખબર પડી નહીં. કિન્નરીને પ્રથમ નાર મળવાની હોંશમાં ને હોંશમાં તેણે માંદગીનું બહાનું કાઢીને ઑફિસમાંથી પણ રજા લઇ લીધી. અને આમ પણ તે બીમાર જ હતો. પ્રેમરોગમાં સપડાયો હતો. અને આ બીમારી કંઇ જેવી તેવી નહોતી.
પાંચ વાગતા જ તે કિન્નરીના ઘરે પહોંચી ગયો. દરવાજો ખોલી કિન્નરી તેને ડ્રોઇંગરૂમમાં લઇ ગઇ. આજે તેણે રોજ કરતા વધુ સાજ-શણગાર સજ્યા હતા. કિન્નરીનું આ સૌંદર્ય તેને દઝાડી ગયું. ચાલાક કિન્નરી આલોકની દશા પારખી ગઇ. પંખી જાળમાં સપડાઇ ગયું છે બસ, હવે થોડી વાર છે.
આલોકને બેસાડી કિન્નરી રસોડામાં ગઇ. આલોકને પાણીનો ગ્લાસ આપી તે બોલી, ''અહીં રહેવા આવી ત્યારથી હું તમને જોઉં છું. કોણ જાણે કેમ મને તમારી માયા બંધાઇ ગઇ છે. મારી પરિસ્થિતિ તો તમે જાણો જ છો. મારી દશા હું કોઇને કહી શકતી નથી. બમણી ઉંમરના પુરુષને પરણી મારા અરમાનો કચડાઇ ગયા છે. ગરીબીને કારણે લાચાર માતા-પિતાએ મને આ બીજવર સાથે પરણાવી.....'' આટલું કહેતા કહેતા તેની આંખો સજળ થઇ ગઇ. તેને ડૂમો બાઝી ગયો. તે આગળ બોલી શકી નહીં. તેની પાસે આવી આલોક તેના રૂમાલથી તેની આંખો લૂંછવાનો પ્રયાસ કર્યો. પરંતુ સંકોચને કારણે તેનો હાથ અટકી ગયો. તેણે રૂમાલ કિન્નરીને આપી દીધો. કિન્નરીએ આંખો લૂંછી. ભોળો આલોક કિન્નરીના મગરમચ્છના આંસુ ઓળખી શક્યો નહીં. તેનું હૃદય કિન્નરીની હાલત જાણી દ્રવી ઉઠયું હતું. કિન્નરીની વિવશતા જોઇ તેને બાહુમાં સમાવી ચસચસતું ચુંબન ચોડવાની તેની ઇચ્છા મરી પરવારી. મદદરૂપ થવાનું વચન આપી તે પોતાને ઘરે પાછો ફર્યો.
આમ કિન્નરી સાથે તેની અવાર-નવાર મુલાકાત થવા માંડી. દરેક મુલાકાતમાં કિન્નરીના આંસુ તેને પીઘળાવી દેતા. દર મુલાકાતમાં કિન્નરીના તેના પતિના જુલમની વાત કરી આંસુ સારતી. કિન્નરીના આંસુ આલોકને તેની વધુને વધુ નજીક લાવતા હતા. કિન્નરીએ તેના પ્રેમનો એકરાર કર્યો. આલોકે પણ તેનો પ્રેમ જાહેર કર્યો.
ધીરે ધીરે બંને એકબીજાની નજીક આવતા ગયા. હવે કિન્નરી શેહ શરમ વિના આલોકના બાહુઓમાં સમાઇ જતી. પરંતુ આલોક જરા આગળ વધવા જતો તો તે તેના પડખામાંથી સરી જતી. કિન્નરીને ચુંબન કરવાની આલોકની અભિલાષા પૂરી થતી નહોતી.
આલોક હવે પોતાની જાળમાં સપડાઇ ગયો છે. હવે ચાલ ચાલવાનો સમય પાકી ગયો છે. બાજી પોતાના હાથમાં છે એ વાતની ખાતરી કિન્નરીને થઇ ગઇ અને હવે તેણે તેની યોજના અમલમાં મૂકવાનું નક્કી કર્યું.
કર્નલ રાઠોડ બહારગામ ગયા છે અને આજે રાત્રે પાછા ફરવાના નથી. એ જાણી આલોકે સામેથી કિન્નરીને ત્યાં તેને કંપની આપવા રોકાઇ જવાનો સૂઝાવ કર્યો. કિન્નરીને તો ભાવતું તું ને વૈદે કહ્યું જેવો ઘાટ થયો અને તેણે આલોકનો આ પ્રસ્તાવ સ્વીકારી લીધો.
તે રાત્રે બંને સોફા પર બેઠા બેઠા ટીવી જોઇ રહ્યા હતા. સાથે સાથે કોલ્ડડ્રીંકના સીપ ભરી રહ્યા હતા. કિન્નરી આજે રોજ કરતા પણ વધુ સુંદર દેખાતી હતી. તેની અદાઓ પણ આજે વધુ મારકણી બની ગઇ હતી. ડ્રીંંક પીતા-પીતા આલોકને ઝોંકા આવવા લાગ્યા. તેના પોપચાં ઢળી પડતા હતા. આંખો સામે અંધારું છવાઇ ગયું હતું. સામે કોણ ઊભું છે એ પણ એને દેખાતું નહોતું. એવામાં દરવાજાની ડોરબેલ વાગી. ''મારા પતિ આવી ગયા હવે શું મારું શું થશે? મારી સાથે તને જોશે તો મને મારી નાખશે'' પરંતુ કિન્નરી આ શબ્દો પૂરા કરે એ પૂર્વે જ આલોક ઢળી પડયો.
તે ભાનમાં આવ્યો ત્યારે.....જમીન પર એક લાશ પડી હતી. કિન્નરી ચોધાર આંસુએ રડતી હતી. આલોકના હાથમાં એક ચાકુ હતું અને કપડા પર લોહીના ડાઘા હતા. શું થયું છે એ તે સમજે પૂર્વે જ, ''તે મારા ધણીનું ખૂન કર્યું. મેં સપને પણ ધાર્યું નહોતું કે તુ આમ કરશે.'' એમ કહી કિન્નરી રડવા લાગી. થોડી જ વારમાં પોલીસ ઘટના સ્થળે આવી. કિન્નરીનું નિવેદન લીધું. '' આ ભાઇ મારી પાડોશમાં રહે છે. હું ઘરમાં એકલી હતી. ત્યારે ટીવી જોવાને બહાને તેઓ મારા ઘરમાં આવ્યો. મારા પતિ બેડરૂમમાં સૂતા હતા. મારો ભત્રીજો બહાર ગયો હતો. મને એકલી જોઇ આલોકે મારી છેડછાડ કરવાનો પ્રયાસ કર્યો. મેં બચાવો બચાવોની બૂમ પાડી. મારી બૂમ સાંભળી મારા પતિ ડ્રોઇંગરૂમમાં દોડી આવ્યા. તેમણે મને છોડાવાનો પ્રયાસ કર્યો. પરંતુ એમા એમને સફળતા મળી નહીં. આલોકે તેમને નીચે પછાડી દીધા અને ટેબલ પડેલું ચાકું ઊઠાવી તેમના પેટમાં હુલાવી દીધું.'' કિન્નરીનું આ બયાન સાંભળી આલોક સ્તબ્ધ થઇ ગયો. કિન્નરીના ભત્રીજાએ પણ આલોકને આરોપી સાબિત કરતું બયાન આપ્યું, ''હું બહારથી ઘરે આવ્યો ત્યારે મેં જોયું કે આલોકભાઇના હાથમાં ચાકું હતું અને અંદર આવી કાકાને બચાવું એ પૂર્વે જ તેમણે એ ચાકુ કાકાના પેટમાં હુલાવી દીધું.''
લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી અને સાક્ષીઓના વિનેદન પરથી આલોકની ધરપકડ કરવામાં આવી. પોતે નિર્દોષ હોવાનું આલોક કહેતો રહ્યો પરંતુ કોઇએ તેની વાત માની નહીં.
પોલીસે તેની રૂટિન કાર્યવાહી શરૂ કરી. શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું અને આલોકને કસ્ટડીમાં રાખ્યો.
પૂછપરછ દરમિયાન આલોકે જે હકીકત હતી તેનું વિસ્તાર પૂર્વક વર્ણન કર્યું. પરંતુ તેને નિર્દોષ સાબિત કરે એવો એક પણ પૂરાવો પોલીસને મળ્યો નહીં. પૂછપરછ દરમિયાન આલોકે ઠંડા પીણાની વાત કરી હતી. પરંતુ ટેબલ પરથી ગ્લાસ અલોપ હતા. આલોકને ચારે બોજુ અંધારું દેખાવા લાગ્યું. કિન્નરી તેને ઝેરી નાગણ સમી લાગવા માંડી. ભવિષ્યમાં કોઇ પણ યુવતી સામે આંખ ઊંચી કરી ન જોવાના તેણે મનોમન સમ ખાધા. આ બદનામીને કારણે તેના પરિવારને સહન કરવો પડેલો આઘાત તેને મનોમન મારી નાખતો હતો. ભગવાન જ તેને બચાવી શકશે તેઓ જ સત્ય પ્રકાશમાં લાવી શકશે એવી આસ્થાએ તેણે ભગવાનનું નામ લેવાનું શરૂ કરી દીધું.
આલોકની આસ્થાએ તેને સાથ આપ્યો. સત્ય લાંબા સમય સુધી છૂપું રહી શકતું નથી. એકને એક દિવસ સત્ય પ્રકાશમાં આવે જ છે. 'સત્યમેવ જયતે' નો ખરેખર તેને અનુભવ થયો.
પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવતા જ પોલીસ ઇન્સપેક્ટર ચોંકી ગયા. તેમણે ફરી એક વાર કિન્નરી અને રૂપિનને પૂછપરછ માટે બોલાવ્યા. પૂછપરછ દરમિયાન કિન્નરી ગભરાઇ ગઇ. ટેબલ પર ચાકુ કેવી રીતે આવ્યું એનો સંતોષકારક ઉત્તર તે આપી શકી નહીં.
આ પછી ઇન્સ્પેક્ટરે આ બંનેને તેમના બયાન પર સાઇન કરવાનું કહ્યું. રૂપિને ડાબા હાથે સહી કરતા જ ઇન્સ્પેક્ટરે 'યુ આર અન્ડર અરેસ્ટ' કહી રૂપિનને તેમના કબજામાં લઇ દીધો.
શરૂઆતમાં તો રૂપિને તેના મોમાં મગ જ ભરી રાખ્યા હતા. પરંતુ પોલીસે થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરતા જ તે સીધો થઇ ગયો.
''મારા કાકા મારી કાકી કરતા ઘણા મોટા હતા. તેઓ મારી કાકીને સંતોષ આપી શકતા નહોતા. આ ઉપરાંત તેઓ મારી કાકીને મારતા પણ હતા. અમારી ઉંમર એક સરખી હોવાથી અમે એકબીજા તરફ આકર્ષાયા. અમારો સંબંધ ઘણો આગળ વધી ગયો હતો. મારા કાકા પાસે અઢળક દોલત હતી. આથી અમે તેમનો સાથ છોડી શકીએ તેમ નહોતું. તેમના મૃત્યુ પછી બધી જ દોલત કિન્નરીને મળે તેમ હતું. આ પછી અમે લગ્ન કરી સુખેથી જીવી શકીએ. પરંતુ કાકા સ્વસ્થ હતા અમે તેમના મૃત્યુની રાહ જોવા તૈયાર નહોતા. અમે બંને આમા સંડોવાત તો કોઇને અમારા પર શક જાત. આથી અમે કોઇ ત્રીજી વ્યક્તિને આમા સંડોવવાની યોજના બનાવી. આલોક કિન્નરી પર મોહિત હતો. એ જાણ્યા પછી કિન્નરીએ આલોકને તેની જાળમાં ફસાવ્યો.
સમય આવતા જ અમે પ્લાન બનાવ્યો. આલોકને ઘરે બોલાવતા પૂર્વે જ મેં કાકાનું ખૂન કરી તેમને બેડરૂમમાં રાખ્યા હતા. ઠંડા પીણામાં આલોકને ઘેનની દવા આપી તે બેહોશ થયા પછી અમે બંનેએ કાકાની લાશને બેડરૂમમાંથી બહાર લાવી જમીન પર સૂવાડી દીધા. અને આલોકના હાથમાં ચાકુ પકડાવી દીધું.
રૂપિનના આ બયાન પછી પોલીસે કિન્નરીને પણ તેમની કસ્ટડીમાં લઇ લીધી અને આલોકને નિર્દોષ જાહેર કરી મુક્ત કર્યો.
''સાહેબ, તમને હું નિર્દોષ છું એ વાત ખબર કેવી રીતે પડી?''
''આલોક તુ જમણેરી છે જ્યારે ખૂન કોઇ ડાબોડીએ કર્યું હતું. આ ઉપરાંત રાઠોડની હત્યા રાત્રે નહીં પણ મોડી સાંજે થઇ હતી. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા પછી અમને આમા કોઇ કાવતરાની ગંધ આવી અને અમે કિન્નરી અને રૂપિનને પૂછપરછ માટે બોલાવ્યા, બયાનમાં સહી કરતી વખતે રૂપિને ડાબા હાથનો ઉપયોગ કરતા જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયું.''


