Get The App

વાર્તા : જીવન સંગિની .

Updated: Dec 22nd, 2025

GS TEAM

Google News
Google News
વાર્તા : જીવન સંગિની                                         . 1 - image

- આખો દિવસ રાહુલની નજર આંચલને શોધતી રહી. તેની સાથે વાત કરવાની એક પણ તક તે ચૂકતો નહોતો. તે જ્યારે રાહુલની નજીક આવતી ત્યારે તેનું દિલ ઝડપથી ધબકારા મારવા લાગતું. રાત્રે સંગીત અને નૃત્યનો કાર્યક્રમ થયો.  આંચલે આ કાર્યક્રમને જીવંત બનાવ્યો. ગજબની લચક હતી તેના શરીરમાં. તેને નૃત્ય કરતી જોઈને  મહેમાનો પર એનો જાદુ છવાઈ ગયો.  

આંચલને જોતાં જ રાહુલથી બોલી પડાયું, ''જો આની સાથે લગ્ન થાય તો મઝા  આવી જાય.''

રાહુલના સૌથી નજીકના મિત્ર વિવેકના લગ્ન બે દિવસ પછી હતાં. ઘરમાં અને બહાર ચહલપહલનું વાતાવરણ હતું. શોરબકોર વચ્ચે આંચલનું નામ અવારનવાર કાને સાંભળવામાં આવતું. પોતાની દરેક જવાબદારી પૂરી કરવા માટે તે દોડાદોડી કરતી હતી.

''મારી મમ્મીની સાહેલી વિમલામાસીની દીકરી છે આંચલ. ફેશન ડિઝાઈનિંગનો કોર્સ કરે છે,'' રાહુલને રસ લેતા જોઈ વિવેકે તેનો પરિચય આંચલ સાથે કરાવી આપ્યો.

''આ મારો મિત્ર રાહુલ છે. આમ તો મારી જેમ એમ.બી.એ. કરે છે, પણ નોકરી ક્યારેય નથી કરવાનો.''  આંચલને કહેતાં કહેતાં વિવેક મસ્તીમાં હસ્યો.

''નોકરી નહીં કરે તો ઘરગૃહસ્થી કેવી રીતે ચલાવશે?'' આંચલના કપાળે કરચલીઓ પડી.

''તેના પપ્પાએ એટલો પૈસો કમાઈને રાખ્યો છે કે તેને સાત પેઢી સુધી કમાવાની જરૂર નથી.''

''છતાં કામ તો બધાંએ કરવું જ જોઈએ ને. નહીં તો શરીર અને દિમાગ બંનેને કાટ ચડી જાય છે.'' આંચલની વાત પર રાહુલ હસી પડયો.

વિવેક થોડીવાર પછી તેમને એકલા મૂકીને જતો રહ્યો. પછી રાહુલે ગંભીરતાથી કહ્યું, ''હું એક કામ હમણાં પણ કરું છું. મને ઈન્ટરવ્યૂ લેવાનો શોખ છે.''

''અખબાર માટે?''

''હા, તું આપીશ તારો ઈન્ટરવ્યૂ?''

''શું સવાલ કરશો મને?''

''પહેલો સવાલ તો એ છે કે તારી ચુસ્તીસ્ફૂર્તિનું રહસ્ય શું છે?''

''અને બીજો સવાલ?''

''એ જ કે તારા અવાજ અને હાસ્યને આટલું મીઠું રાખવા તું રોજ કેટલું મધ ખાય છે?''

''અને ત્રીજો?''

''જો તું તારી ભારોભાર સુંદરતાનું રહસ્ય જણાવી દેશે તો હજારો છોકરીઓનું ભલું થઈ જશે.''

જે પ્રેમભરી નજરથી રાહુલ આંચલના ચહેરાને નીરખતો હતો તે જોઈને તે શરમાઈ ગઈ.

''મારે નથી આપવો આવો બેકાર ઈન્ટરવ્યૂ. કોઈ બીજી છોકરીને તમારી વાતોથી મૂર્ખ બનાવો, રાહુલ સાહેબ.'' આમ બોલીને આંચલ રસોડા ભણી ચાલી. 

''હવે તારા સિવાય મરતાં સુધી મને કોઈ બીજી છોકરીમાં રસ પેદા થવાની શક્યતા જ નથી, આંચલ.'' તેની વાત સાંભળી આંચલે પાછળ ફરીને વિચિત્ર નજરે તેના તરફ જોયું અને રસોડામાં ચાલી ગઈ.

રાહુલને તેની આંખમાં ન તો ગુસ્સાના ભાવ જોવા મળ્યા કે નહીં નારાજગીનો. તેને લાગ્યું કે  આંચલ તેની આંખમાં તાકીને તેના દિલના ભાવ સમજવાનો પ્રયત્ન કરી રહી હતી. તે આંચલના હૈયાને જીતી લેવામાં જરૂર સફળ થશે તેવું તેને લાગ્યું.

* * * * * *

આખો દિવસ રાહુલની નજર આંચલને શોધતી રહી. તેની સાથે વાત કરવાની એક પણ તક તે ચૂકતો નહોતો. તે જ્યારે રાહુલની નજીક આવતી ત્યારે તેનું દિલ ઝડપથી ધબકારા મારવા લાગતું. રાત્રે સંગીત અને નૃત્યનો કાર્યક્રમ થયો.  આંચલે આ કાર્યક્રમને જીવંત બનાવ્યો. ગજબની લચક હતી તેના શરીરમાં. તેને નૃત્ય કરતી જોઈને  મહેમાનો પર એનો જાદુ છવાઈ ગયો. આ ત્રણ કલાકમાં રાહુલની તેના પ્રત્યેની દીવાનગી ટોચ પર પહોંચી ગઈ.

તે પૂરા જોશ સાથે તાળી પાડી નાચનારા-ગાનારાને ઉત્સાહ આપવા લાગ્યો. જ્યારે તેનાથી રહેવાયું નહીં ત્યાપે બેઠા બેઠા જ તે પગથી તાલ આપવા લાગ્યો.

આ કાર્યક્રમ દરમિયાન આંચલ તેની સાથે ખૂબ જ મિત્રતાભરી રીતે હસી બોલી.

જાનમાં નાચનારાની ઘણી ભીડ હતી. રાહુલે ઊછળતાં કૂદતાં સૌની નજર ચૂકવી આંચલનો હાથ પકડી લીધો.

આંચલે થોડીવાર સુધી હાથ છોડાવવાનો પ્રયત્ન કર્યો.

''હું તને મારા હૈયાના ઊંડાણથી પ્રેમ કરવા લાગ્યો છું.'' માથું ઝુકાવીને રાહુલે જ્યારે તેના કાનમાં પ્રેમની કબૂલાત કરી ત્યારે આંચલનો હાથ ઢીલો પડી ગયો.

આંચલની નજરમાં તેના માટે પ્રેમના ભાવ ઊભરાયા.

''મારો હાથ છોડો, કોઈ જોઈ જશે.'' તેણે ધૂ્રજતા અવાજે રાહુલને વિનંતી કરી.

''પહેલા વચન આપ કે  મારી સાથે લગ્ન કરીશ.'' રાહુલે તેની આંખમાં નજર કરી પોતાની ઈચછા વ્યક્ત કરી.

આંચલે  આંખોથી 'હા' કહ્યું અને શરમાઈને નજર ઢાળી દીધી. રાહુલે તેનો હાથ છોડી દીધો.

* * * * * *

ઘરે આવીને રાહુલે મમ્મીને અને બંને ભાભીઓને પોતાના દિલની વાત કહી સંભળાવી.

''કેટલી સુંદર છોકરી છે આંચલ, આખા દેશમાં દીવો લઈને વહુ શોધવા નીકળો છતાં આવી પરી નહીં મળે. સુંદર મીઠો સ્વભાવ, કામકાજમાં એટલી હોશિયાર કે ચાર સ્ત્રીનું કામ એકલે હાથે કરી નાખે.'' આંચલની પ્રશંસા કરતાં કરતાં રાહુલનું ગળું સુકાતું  નહોતું.

''પ્રેમનું તીર બહુ ઊંડે જઈને વાગ્યું છે, રાહુલભાઈ. આવી લાજવાબ છોકરીનો કોઈ ફોટો નથી લાવ્યા? મોટી ભાભી અનિતાએ મશ્કરી કરી.

''ફોટો તો તેમણે તેમના દિલમાં વસાવી લીધો છે, ભાભી. આવી અપ્સરાને જોવા માટે આવતા રવિવારની આપણે રાહ જોવી પડશે.'' નાની ભાભી  નિશાએ નાટકીય ઢંગથી પોતાની વાત કરી.

''આવતા રવિવારે શું છે'' રાહુલે આશ્ચર્યથી પૂછ્યું.

''તારો જન્મદિવસ. આંચલને બોલાવવાનો આનાથી સારો મોકો બીજો કયો હોઈ શકે?''

રાહુલે તેની મમ્મી તરફ આશાભરી નજરે જોયું.

''એને બોલાવી લેજે મારા દીકરા. જે છોકરીની તું આટલી પ્રશંસા કરે છે તે ખરેખર સારી જ હશે.'' મમ્મીએ પ્રેમભર્યો હાથ તેના માથા પર ફેરવીને કહ્યું.

''થેંક્યુ મમ્મી. હું સાચું કહું છું કે તમારા બધા લોકોની આંખો અંજાઈ જશે એને જોઈને.'' રાહુલ  આનંદમાં આવીને મમ્મીને ભેટી પડયો.

''એ રૂપાળીના ડેડી શું કરે છે?'' અનિતાએ આતુરતાથી પૂછ્યું.

''તેમનું ત્રણ વરસ પહેલાં અવસાન થઈ ચૂક્યું છે. તેની મમ્મી  શિક્ષિકા છે. એક નાનો ભાઈ છે, જે સ્કૂલમાં ભણે છે. આંચલ પોતે ફેશન ડિઝાઈનિંગનો કોર્સ કરી રહી છે.'' રાહુલે ઉત્સાહમાં માહિતી આપી.

''ગર્ભશ્રીમંત છે એ લોકો?''

''ભાભી, મધ્યમવર્ગની છોકરી છે આંચલ, પરંતુ એવા હીરા જેવી છે જે સહેલાઈથી જોવા નથી મળતા.''

''એ બધું તો જાણે બરાબર છે ભાઈ, પરંતુ ઘરબાર સારું હોય તો સારું. પ્રતિષ્ઠિત કુટુંબોમાં આપણું નામ અને આબરૂ છે, એની બરોબરીવાળા સાથે સંબંધ બાંધવો જોઈએ.'' અનિતાએ કાંટો વાગે એવી વાત કહી અને બેડરૂમભણી પગલાં ભર્યાં.

''ભાભી, મારે પૈસા માટે નહીં, પરંતુ દિલનાં સુખ અને આનંદ માટે લગ્ન કરવાં છે અને આંચલ લખોમાં એક છે.'' રાહુલની આ વાતના જવાબ માટે અનિતાએ પાછળ ફરીને નજર પણ ન કરી.

''તેં જેને પસંદ કરી છે એ પરીને રવિવારે અહીં બોલાવવાનું ભૂલતો નહીં. હું  થોડીવાર આરામ નહીં કરું તો માથું દુખવા લાગશે.'' કાન ચોળતી નિશા પણ ઊભી થઈને તેના રૂમમાં ગઈ.

થોડીવાર પછી રાહુલે તેની મમ્મીને જરા મૂંઝવણમાં પૂછ્યું, ''મમ્મી, તને પણ પૈસાદાર કુટુંબની વહુ મેળવીને સુખ મળશે?''

''હું એવું નથી વિચારતી. છોકરી સારી હશે તો તરત સંબંધ માટેની 'હા' કહીશ.'' મમ્મીનો જવાબ સાંભળીને રાહુલ ફરી એકવાર મમ્મીને વળગી પડયો.

રાહુલ આંચલને મળ્યો અને રવિવારે ઘરે આવવા માટે મનાવી લીધી.

* * * * * *

રાહુલનો પ્રિય રંગ આસમાની હતો  અને એ જ રંગનું શર્ટ ભેટમાં લઈને આંચલ રવિવારે તેના બંગલે આવી. આછા ભૂરા રંગના સલવારસૂટમાં તે ઘણી સુંદર દેખાતી હતી.

રાહુલ તેને જોઈ એકદમ આનંદમાં આવી ગયો. ભારે ઉત્સાહ સાથે આંચલનો પરિચય સૌની સાથે કરાવ્યો. દરેકની સામે તેની પ્રશંસાનાં બેચાર વાક્યો તો જરૂર બોલતો.

તે ઘણો આનંદમાં હતો, પરંતુ આંચલ મનમાં ને મનમાં સંકોચાતી ગઈ. તે જેને પણ મળી તે દરેક જાણે તેને માપતું હોય તેવું અનુભવ્યું. કોઈના સ્મિતમાં તેને પોતાપણું ન દેખાયું કે ન તો આંખોમાં આવકારનો ભાવ જોવા મળ્યો.

તેની હાજરીએ સૌને જાણે ટેન્શનમાં નાખી દીધા હતા. આના કારણે આંચલ આકુળવ્યાકુળ થઈ ગઈ. તેણે સ્પષ્ટ અનુભવ્યું કે તે આ કુટુંબ માટે યોગ્ય નથી.

પાર્ટીમાં રાહુલની મમ્મી અને ભાભીઓએ ઘણી મોંઘી સાડીઓ પહેરી હતી. બધી દાગીનાથી લદાયેલી હતી. તેમણે છાંટેલા સ્પ્રેથી આખો હોલ સુગંધથી ભરાઈ ગયો હતો.

ઘરના પુરુષો ગંભીર અને પ્રભાવશાળી વ્યક્તિત્વવાળા હતા. તેમનામાંથી કોઈએ પણ આંચલ વિશે જાણવા કે તેની સાથે વાત કરવામાં રસ ન બતાવ્યો.

જે અભિમાનથી રાહુલથી ભાભીઓએ તેને સવાલજવાબ કર્યા તે પોતાના વિશે વાત કરવા માટે કદી હીનભાવનાનો શિકાર બની નહોતી, પરંતુ તે દિવસ સૌની સામે પોતાને ઊતરતી સમજવા લાગી.

 મોટી ભાભી અનિતાએ તેની ભેટની મશ્કરી કરતાં કહ્યું, ''શર્ટ તો તું રાહુલને મનપસંદ કલરનું લાવી છે, પણ ચારસો-પાંચસોથી ઓછા રૂપિયાનું શર્ટ તેમણે ક્યારેય પહેર્યું નથી. 

કબાટના કોઈ ખૂણે દબાયેલું પડયું રહેશે આ શર્ટ.''

ઈચ્છા હોવા છતાં આંચલ જવાબમાં કશો તીખો પ્રતિભાવ ન આપી શકી. આવી ખોટી અને અન્યાયભરી વાત તેને માન્ય નહોતી, પરંતુ તે દિવસે તેની જીભને જાણે તાળું લાગી  ગયું હતું.

જ્યારે રાહુલ તેને મમ્મી અને ભાભીઓ વચ્ચે એકલી મૂકીને જતો ત્યારે આંચલ મશ્કરી  અને કટાક્ષનો ભોગ બનતી.

રાહુલ દર વખતે જ્યારે પાછો ફરતો ત્યારે આંચલ તેને વધુ મૂંગી અને ઉદાસ થયેલી દેખાતી હતી.

''તું તો ઘણું હસે બોલે છે તો પછી આજે આટલી મૂંગી શા માટે છે? મારી પાર્ટીમાં મઝા નથી આવતી?''

''પાર્ટી ઘણી સરસ છે, પરંતુ મારી તબિયત જરા બરાબર નથી.'' રાહુલને ચિંતામુક્ત કરવા આંચલે હસીને કહ્યું.

''હું હમણાં જ તારી તબિયતનો ઈલાજ કરું છું.'' શરારતી અંદાજમાં હસીને રાહુલે તાળી પાડીને સૌનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું.

''મારા જન્મદિવસના આનંદમાં તમને સૌને આંચલ તેના સુમધુર કંઠે ગીત સંભળાવશે. આંચલ, અમને તારી પસંદગીનું સૌથી સારું કોઈ ગીત સંભળાવ.''

આંચલને જરા સરખો પણ અણસાર નહોતો કે રાહુલ અચાનક ગાવા માટેની ફરમાઈશ કરશે.

''મારું ગળું ઠીક નથી, મારાથી નહીં ગાઈ શકાય.''

તેના બહાનાંને સાંભળ્યું ન સાંભળ્યું કરીને રાહુલે ગીત સાંભળવાની હઠ પકડી રાખી.

તેનું મન રાખવા માટે આંચલે ગાવાનું શરૂ કર્યું. તેનો કંઠ સરસ હતો. અજાણ્યા લોકો વચ્ચે તેને ગાવાનો અનુભવ પણ હતો, પરંતુ તે દિલથી ગાઈ ન શકી.

માત્ર બે લાઈન ગાયા પછી તેને લાગ્યું કે માત્ર ઔપચારિક્તા ખાતર તેનાં ગીતને સૌ સહન કરી રહ્યા છે. ગાવાનો પ્રયત્ન કરવા છતાં તે આગળ ગાઈ ન શકી.

''આઈ એમ સોરી. મારાથી આગળ નહીં ગાઈ શકાય.'' આંચલ માફી માંગતા તેનો ચહેરો લાલ થઈ ગયો.

રાહુલ તેની પાસે આવીને ઊભો રહ્યો. બાકીના લોકો ફરી વાતો કરવામાં એવા લાગી ગયા જાણે કોઈ ન ગમતાં કામથી બચી ગયાં હોય!

''ખરેખર, આજે તારી તબિયત બરાબર નથી લાગતી.'' તેનો મૂડ સરખો કરવા રાહુલ હસ્યો.

''હું ઘરે જવાનું કહું તો તને ખોટું તો નહીં લાગે ને?'' આંચલની આંખોમાં એકાએક આંસુ ઝળહળી ઊઠયાં.

''કોઈએ તને કાંઈ ખરાબ શબ્દો તો નથી કહ્યા ને?'' રાહુલે તેની આંખમાં આંખ મેળવીને પૂછ્યું.

''ના, એવું કશું નથી. મને જરા સારું નથી લાગતું.''

''જમીને જજે.''

''મને ભૂખ નથી. ઘરે જઈને આરામ કરીશ.''

''ચાલ, હું તને ઘરે મૂકી આવું.''

''ના, પાર્ટી છોડીને કશે જઈશ નહીં. હું રિક્ષા કરી લઈશ.''

સૌની વિદાય લઈ આંચલ બંગલામાંથી બહાર આવી. રિક્ષા સ્ટેન્ડ સુધી રાહુલ પણ તેની સાથે આવ્યો.

''હું વિચારતો હતો કે આજે પાર્ટી તારા કારણે ઘણી રોનકવાળી રહેશે, પરંતુ તારી તબિયત બગડતાં બધી ગરબડ થઈ ગઈ. તું મારા માટે સરસ શર્ટ લાવી તે માટે આભાર આંચલ. કાલે તને મળવા આવીશ.'' હાથ હલાવીને રાહુલે આંચલને વિદાય કરી.

* * * * * *

રાહુલ ભારે હૈયે પાર્ટીમાં જોડાયો. તેની મોટી ભાભી અનિતા મોટેથી બોલી, ''રાહુલ, શું આંચલની તબિયત ખરાબ થઈ ગઈ હતી? કોઈની સાથે ભળીને વાત પણ ન કરી.''

નાની ભાભી નિશા મોં મચકોડી કહેવા લાગી, ''આમણે તો હસમુખા સ્વભાવની છે એવાં વખાણ કર્યાં હતાં, પણ વર્તનમાં તેની અસલિયત એવી ન નીકળી, કદાચ આંચલને આપણે ગમ્યાં નહીં હોઈએ.''

''ભાભી, એવી વાત નથી. મને પણ આશ્ચર્ય થાય છે કે આજે તે શા માટે આટલી ઉદાસ લાગતી હતી.''

તેણે આંચલને પોતાની જીવનસંગિની બનાવવા માટેનો નિર્ણય કરી લીધો હતો. તેના વ્યક્તિત્વ અને ગુણોની ભરપૂર પ્રશંસા પોતાનાં કુટુંબીજનો સામે કરી હતી.

આંચલને જન્મદિવસની પાર્ટીમાં બોલાવી તે સૌનાં તરફથી પોતાની શાનદાર પસંદગી બદલ શાબાશી અને પ્રશંસા મેળવવા ઈચ્છતો હતો.

પરંતુ રાહુલનાં ઘરનાં લોકો તેના વ્યક્તિત્વથી જરા પણ પ્રભાવિત થયાં નહોતાં. તે પોતે પણ આંચલના બદલાયેલા રૂપને જોઈ  આશ્ચર્ય પામ્યો હતો.

નક્કી કરેલા સમયે બીજા દિવસે સાંજે તે આંચલને મળ્યો. તે વખતે તે  સ્વસ્થ  અને પ્રસન્ન હતી.

''આજે તો સ્વસ્થ દેખાય છે.'' આંચલને હસતી જોઈને રાહુલ પણ ઓનંદમાં આવી ગયો.

''હા, આજે હું બિલકુલ સ્વસ્થ  છું.''

આંચલના ચહેરા પર તાણની એક પણ રેખા ન દેખાઈ.

''મારી ઈચ્છા હતી કે મારા ઘરના બધા લોકો ગઈકાલની પાર્ટીમાં તારા શાનદાર વ્યક્તિત્વ પર વારી જાય, પરંતુ તારી તબિયત સારી ન હોવાથી બધી ગરબડ થઈ ગઈ. એકવાર ફરી તારી સૌ સાથે મુલાકાત કરાવવી પડશે.''

આંચલ તેની વાત સાંભળીને થોડી ગંભીર થઈ ગઈ પછી થોડું ખચકાતાં બોલી, ''રાહુલ, મારી વાતનું ખોટું ન લગાડીશ. હું હવે તારા ઘરે નહીં આવું.''

''કેમ? કઈ વાતે તેમનાથી નારાજ છે?'' રાહુલ ટેન્શનમાં આવી ગયો.

''મને કોઈના તરફથી નારાજગી નથી, પણ ગઈકાલે મારા અનુભવ પછી હું એવા નિર્ણય પર આવી છું કે મારા અને તારા લગ્ન નહીં થઈ શકે.''

''આવું ન કહીશ,  આચંલ. હું તને ખૂબ ચાહું છું.'' રાહુલ બોલ્યો.

''એ બધું તો બરાબર છે રાહુલ, પરંતુ લગ્ન કર્યા પછી હું તારી સાથે તારા ઘરના દરેક સભ્ય સાથે જોડાઈશ અને એટલે જ લગ્ન માટે ના કહી રહી છું.''

''શું મારા ઘરના લોકો તને ગમ્યા નથી? કાલે કોઈએ તારું અપમાન કર્યું છે?'' રાહુલે  ઉત્તેજિત થઈ પૂછ્યું.

* * * * * *

''એવું કશું બન્યું નથી, પરંતુ ફૂલોને ખીલવા માટે ખાતર, તડકો, પાણી અને હવાની જરૂર હોય છે. એ જ રીતે વ્યક્તિત્વના વિકાસ માટે મારે પણ કશું જોઈએ.

હું સાધારણ ઘરની છોકરી છું. મારા વ્યક્તિત્વના કેટલાક ગુણોથી પ્રભાવિત થઈને તેં મારી સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો, પરંતુ  તારા ઘરમાં મારા બધા ગુણો દબાઈને ખોવાઈ જશે.

જે લોકો મને ઓળખે છે તે બધા મને પ્રેમ કરે છે. મન મૂકીને મારા વ્યક્તિત્વની પ્રશંસા કરે છે. તેમની નજરમાં મારી જે સારી છાપ છે તે મને શક્તિ અને ઉત્સાહ આપે છે, પ્રસન્નતા અને ચુસ્તીસ્ફૂર્તિથી ભરેલી રાખે છે.

હું શ્રીમંત પિતાની  પુત્રી નથી. ફક્ત  આ જ કારણે તારાં ઘરનાંને  મારા અન્ય ગુણોને જોવામાં રસ નથી. તેમણે મને હલકી નજરોથી જોઈ અને હંુ મારા સ્વભાવ વિરુદ્ધ નિરાશ, હતાશ અને  ઉદાસ બની ગઈ, કારણ કે લોકોના આવા વર્તનથી હું ટેવાયેલી નથી.

તું મને ગમે છે રાહુલ, પરંતુ તારી પત્ની બનીને મારું વ્યક્તિત્વ તારા ઘરના લોકોના વર્તનથી પોતાનું અસલી રૂપ ખોઈ બેસશે. આજે નહીં તો કાલે હું તારો પ્રેમ પણ ખોઈ બેસીશ. આ બધાંને નજરમાં રાખી હું તારી સાથે લગ્ન કરવા માટેની ના કહી રહી છું.'' પોતાના મનની લાંબી વાત કહેતાં આંચલે પોતાના અવાજની દ્રઢતા એકવાર પણ ન ગુમાવી.

''તને જાણ્યા પછી સૌની તારી તરફની દ્રષ્ટિ બદલાઈ પણ તો શકે છે.'' ઉદાસ હૈયે રાહુલે દલીલ કરી.

''મારા કરતાં તું તારા ઘરનાંઓને સારી રીતે જાણે છે, રાહુલ. હું પૈસાદાર ઘરની પુત્રી નથી એ વાત તેઓ ક્યારેય ભૂલી શકે કે મને ભૂલવા દે ખરા?''

રાહુલનો હાથ પોતાના હાથમાં લઈ આંચલે પ્રેમથી કહ્યું, ''આપણાં લગ્ન ભલે ન થઈ શકે  તો કંઈ વાંધો નહીં, પરંતુ આપણે સારા મિત્રો તો બની શકીએ ને? હું મનથી ઈચ્છીશ કે તને  મારા કરતાં પણ વધુ સારી જીવનસંગિની મળે. ગુડબાય એન્ડ ગુડલક, રાહુલ.''

રાહુલ પળે પળે દૂર જતી આંચલને સ્થિર ઊભો રહીને જોતો રહ્યો.