Get The App

વાર્તા : લક્ષ્મણ રેખા .

Updated: May 18th, 2026

GS TEAM

Google News
Google News
વાર્તા : લક્ષ્મણ રેખા                                            . 1 - image

- હોટેલમાં શિવરાજ શેઠે વિશાખાને પાસે બેસાડીને તેની રામકહાણી સાંભળી. હાદકે તેની સાથે કરેલી બેવફાઈ બદલ ખૂબ સહાનુભૂતિ દર્શાવી. વિશાખાની આંખોમાં આંસુ ઉભરાયાં. શેઠે તેની પીઠ પસવારતાં દિલાસો આપ્યો : 'અભી તો સારી જિંદગી પડી હૈ. પિતા કે રહતે હુએ ભી તુમ લાવારિસ કી તરહ પલી-બઢી. હાદકને ભી ધોખા દિયા. મગર હિંમત મત હારના.'

વિશાખા અને તેની મમ્મી એક દુકાનમાં બેઠાં બેઠાં શાલ જોઈ રહ્યાં હતાં. એવામાં અચાનક વિશાખા ઊભી થઈ ગઈ અને બોલી: 'ચાલો, મમ્મી. અહીંથી જલદી નીકળી જઈએ. હવે આપણે અહીંથી કાંઈ જ લેવું નથી.'

આટલું કહેતાં જ વિશાખા દુકાનનાં પગથિયાં ઊતરીને આગળ ચાલવા માંડી એટલે ચોંકી ગયેલી નલિની પણ તેની પાછળ ચાલતાં ચાલતાં બબડવા માંડી:

'અરે ? પણ થયું શું?'

'જે દુકાનમાં બજારુ સ્ત્રીઓ આવતી હોય એવી દુકાનમાંથી આપણે કશું ખરીદવું નથી. દુકાનના એક કાઉન્ટર પર ઊભીઊભી સાડી જોઈ રહેલી એક યુવતી પર રોષપૂર્ણ નજર નાખતાં વિશાખાએ કહ્યું.

'ઓહ. હવે સમજી. પણ બેટી, દુકાન પર કોઈપણ આવે-જાય એનાથી આપણે શી લેવા-દેવા?'

'આ સ્ત્રીને જૌતાંવેંત મને કાળ ચડે છે. એમ થાય છે કે એનું મોઢું તોડી લઉં. તેં એની બેશરમી જોઈ? કેવી અકડાઈથી ઊભી હતી એ?'

બેટી, એને સારી કે ખરાબ કહેવાથી શો ફાયદો? જ્યારે આપણો રૂપિયો જ ખોટો હોય પછી બીજાઓને દોષ કેમ આપવો?'

'બસ-બસ. તારી ફિલસૂફીભરી વાતો રહેવા દે. તારી આવી ભલમનસાઈનો જ ફાયદો પપ્પા ઉઠાવી રહ્યા છે. તારી છાતી પર સોતન લાવીને બેસાડી દીધી છે. છડેચોક તેની સાથે ઘર વસાવી રહ્યા છે અને તું મૂગે મોઢે બધું વેઠી રહી છે.'

એકાએક કંઈક યાદ આવ્યું હોય તેમ નલિની બોલી: 'અરે, વાતવાતમાં આપણે કેટલાં દૂર નીકળી ગયાં. શાલ લેવાનું તો ભુલાઈ જ ગયું.'

'જવા દે. ફરી કોઈકવાર.'

બંને ઘરે પહોંચ્યાં તો જોયું કે પિતા હાથમાં થેલી લઈને ઊભા હતા.

'ક્યાં જતાં રહ્યાં હતાં તમે બન્ને? આ લે નલિની, થોડાંક સીતાફળ લાવ્યો છું. તને સીતાફળ ખૂબ ભાવે છે ને?'

નલિની મલકી ઊઠી. વિશાખાએ મોઢું બગાડયું : વાહ, ક્યા બાત હૈ, તે મનોમન બોલી: 'પત્ની માટે સીતાફળ અને પ્રેમિકા માટે મોંઘીદાટ ભેટ.'

તે પોતાના રૂમમાં જઈને એક પુસ્તકમાં મોં છુપાવીને બેસી ગઈ. રસોડામાં માતા કોઈક વાનગી બનાવી રહી હતી. 'શું બનાવે છે?'

'આજે આલુ-પરોઠા બનાવ્યા છે.' 'વાહ. તારા હાથનાં આલુ-પરોઠા તો લાજવાબ હોય છે.'

માનું મંદ સ્મિત સંભળાયું. વિશાખાએ રોષભેર પુસ્તક પટક્યું. તેને થયું : ખરેખર, પપ્પાને તો બેઉ હાથમાં લાડવા છે. એકતરફ સેવાચાકરી ક૨વા માટે પત્ની છે, જ્યારે બીજી બાજુ જિંદગીના મોજશોખ માણવા માટે પેલી ચુડેલ મલ્લિકા છે.

પિતા જેવા ઘરની બહાર નીકળ્યા કે તરત વિશાખા વાવાઝોડાની માફક આવી અને છણકો કરતાં બોલી: 'મમ્મી, હમણાં ને હમણાં આ સીતાફળ કચરાપેટીમાં ફેંકી દે.'

'અરે? પણ શા માટે?'

'આપણને નથી જોઈતી આવી ફાલતુ ભેટસોગાદો. પપ્પા એમના મનમાં આપણને શું સમજી બેઠા છે? બે કોડીની ચીજો માટે શું આપણે હાથ ફેલાવતાં રહીએ છીએ? આપણા મોઢાંમાંથી કોળિયો છીનવીને પેલી છિનાળને ખવડાવી રહ્યા છે. આપણા ભાગના પૈસામાંથી પેલી આપણા ભોગે જલસા કરી રહી છે. અહીં આપણે કેટલી ભીંસમાં જીવી રહ્યાં છીએ. અરીસામાં જરા તારું મોં તો જો. ટી.બી.ના દરદીની જેમ ઠંડીમાં તું થરથર કાંપી રહી છો. તારો ગરમ ધાબળો તા૨-તાર થઈ ગયો છે. મને હતું કે આજે તારે માટે એક શાલ લઈ લઈશ. પરંતુ એ પણ ખરીદી ન શકાઈ.'

વિશાખાના સ્વરમાં ગુસ્સાના આવેશનો કંપ હતો.

'જેવાં જેનાં નસીબ.' નલિનીએ નિસાસો નાખતાં કહ્યું.

'નસીબ-ફસીબ કાંઈ નહિ. તેં જાતે જ તારા પગ પર કુહાડી મારી છે. તારા ઠેકાણે બીજી કોઈ મા હોત, તો ધણીને છૂટાછેડા આપી દીધા હોત. પોતાના ભરણપોષણ માટે કોર્ટમાં દાવો માંડયો હોત. પણ તને તો અખંડ સૌભાગ્યવતી અને પતિવ્રતા કહેવડાવવાના અભરખા છેને? જે પતિને તા૨ા સુખ-દુખની લગીરે ય ૫૨વા નથી, તેની મંગળકામના માટે તું મંદિરે જાય છે અને વ્રત-ઉપવાસ કરે છે.'

'વિશાખા, આ બધી વાતો તને નહિ સમજાય, બેટા.'

'કેમ નહિ સમજાય? હવે હું કાંઈ નાની બાળકી નથી રહી. બધું સમજું છું. જ્યારથી સમજણી થઈ ત્યારથી જોતી રહી છું કે પપ્પા એક મહેમાનની માફક ઘરમાં આવે છે, જમે છે અને બહાર ચાલ્યા જાય છે. રાતોની રાતો પેલી ચુડેલ સાથે વિતાવે છે. જો આવું જ વર્તન તેં એમની સાથે કર્યું હોત, તો હોબાળો મચી ગયો હોત. પણ પુરુષોનાં સો ખૂન માફ છે. એ લોકો ન કરે એટલું ઓછું. ખુલ્લેઆમ રખાત રાખી, છતાં સમાજના રખેવાળોનું રૃંવાડુંય ફરકતું નથી. નૈતિકતાનાં આવાં બેવડાં ધોરણોથી જ આપણી સ્ત્રીઓનું શોષણ થાય છે, છતાં આપણને જંજીરો એટલી વહાલી છે કે આપણે તે છોડી શકતાં નથી. અન્યાય- અત્યાચા૨ સહેવાની આપણને આદત પડી ગઈ છે. કોઈક પુરુષના નામનું પૂંછડું આપણા નામ સાથે ન જોડાય, ત્યાં સુધી આપણને ચેન જ નથી પડતું. ખેર, જવા દે આ બધી વાત. આ રોદણાં તો રોજનાં છે, અત્યારે તો આપણી સામે દાલ-રોટીનો સવાલ છે. વિચારું છે કે કોઈ નોકરી ગોતી લઉં.'

'પણ પછી તારા ભણતરનું શું થશે?'

'પ્રાઈવેટ પરીક્ષા આપીશ. અને કદાચ ન અપાય તોપણ શું ફરક પડવાનો છે?'

'ના, ના. વિશાખા, મારી ઈચ્છા છે કે તું બી.એ. પાસ થઈ જા. પછી કોઈ સારો છોકરો જોઈને તારાં લગ્ન કરાવી દઉં.'

'સારો છોકરો?' વિશાખા ઉપહાસમાં હસતાં હસતાં બોલી, 'સારો છોકરો મેં શોધી લીધો છે, મમ્મી.'

'કોણ છે એ? અચ્છા પેલો હાદક? દીકરી, એ તો લાખોમાં એક છે. પણ એનું કુટુંબ તો શ્રીમંત છે. શું હાદક તને પરણવા રાજી થશે?'

'એનું ચાલે તો એ કાલે જ જાન લઈને આવી જાય. પરંતુ એના પરિવારની કેટલીક શરતો છે.' વિશાખાએ વટથી કહ્યું. 

'કેવી શરતો?'

'ગભરાઈશ નહિ. એમને દહેજ નથી જોઈતો. તેઓ ઈચ્છે છે કે હાદક અમેરિકા જઈને બે-ત્રણ વ૨સ હજી વધુ ભણીગણીને આવે.'

'બે-ત્રણ વરસ તો બહુ કહેવાય.' નલિનીએ ચિંતા વ્યક્ત કરી.

'નહિ મમ્મી. બે-ત્રણ વરસ તો ચપટીમાં વીતી જશે. મને હાદક પર પૂરો ભરોસો છે. તે મારા પ્રેમનો દિવાનો છે. એ પાછો આવશે કે તરત અમે પરણી જઈશું અને આપણે આ મેલા માહોલથી દૂર જતાં રહીશું. હું, તું અને હાદક.'

'લે. કેવી વાત કરે છે આ છોકરી? તું શું મને દહેજમાં લઈ જવાની છો?' નલિનીએસહેજ ઠપકાના સૂરમાં કહ્યું.

'નહિ તો શું હું તને આ નરકમાં સડવા માટે છોડી જઈશ?' વિશાખાએ માની સામે આંખો કાઢતાં કહ્યું.

'ના વિશાખા. આ ઘરમાં મેં કંકુ પગલાં કર્યાં હતાં. હવે મર્યા પછી જ આ ઘર છૂટશે.'

ઠીક છે. જવા દે એ વાત. મારી એક બહેનપણી મોડેલિંગ કરે છે. સારા પૈસા કમાય છે. હું પણ નસીબ અજમાવી જોઉં.'

'જેવી તારી મરજી.'

વિશાખા 'વિનસ મોડેલિંગ એજન્સી'માં જોડાઈ ગઈ. તેના માલિક તેજપાલ તેના રૂપથી ખૂબ જ પ્રભાવિત થઈ ગયા હતા. હાદકના ફોન નિયમિત આવતા હતા. બે વરસ ક્યાં નીકળી ગયાં કશી ખબર ન પડી. એવામાં એક દિવસ હાદકના આવવાના સમાચાર આવ્યા. હરખઘેલી વિશાખાએ માને ખુશખબર આપતાં કહ્યું, 'હાદક આવી રહ્યો છે, મમ્મી. હવે આપણા દુખના દિવસો પૂરા થઈજશે.'

મોડેલિંગ કરીકરીને તે થાકી ગઈ હતી.

પિતાએ ઘરનો બધો બોજ વિશાખા ૫૨ ઢોળી દીધો હતો. માતા દમની બીમારીથી ઘેરાઈ ગઈ હતી.

હાદક આવ્યો. પણ તેનામાં બદલાવ આવી ગયો હતો. વિશાખાને તેણે કહી દીધું કે તેના પ્રત્યે હવે પહેલાં જેવું ખેંચાણ રહ્યું નહોતું. તે લગ્ન માટે તૈયાર નહોતો.

વિશાખા હચમચી ગઈ. તેનાં સપનાં ચૂર ચૂર થઈ ગયાં. હાદક પાછો અમેરિકા જતો રહ્યો. વિશાખા પાનખરના વૃક્ષની જેમ જડવત્ બની ગઈ.

સવારે ઊઠી તો ફોન રણકી રહ્યો હતો. તેણે રિસીવ૨ ઊંચક્યું. સામેથી તેજપાલનો અવાજ સંભળાયો : 'કહાં હો તુમ વિશાખા? અભી તક ઓફિસ નહીં પહુંચી? ભૂલ ગઈં કિ આજ 'સલોની' શેમ્પૂ કા શૂટિંગ હૈ?'

'સર, મેરી તબિયત ઠીક નહીં હૈ.'

'ઐસે કૈસે ચલેગા? હજારોં કા નુકસાન હો જાયેગા. ઉસ રોજ સેઠ શિવરાજ ને ફેશન શો તુમકો દેખા, તો અપની સાડિયોં કે ઈશ્તહારકે લિયે તુમ્હેં કોન્ટ્રેક્ટ દેનેકા તય કર લિયા, તુમ્હેં આનાહી હોગા. સેઠજી અપની ગાડી ભેજ રહે હૈ.'

ઓફિસમાં કદાવર બાંધાના શિવરાજ શેઠ બેઠા હતા. વિશાખાને જોતાંવેંત તે બોલ્યા: હમેં આપકા ચેહરા બેહદ પસંદ હૈ. હમારી મિલ કી સાડિયોં કે ઈશ્તહાર કે લિયે હમ પૂરે સાલ કે લિયે આપકે સાથ ૨૫ લાખ કા કરાર કરતે હૈ. વિશાખા માટે આ રકમ કલ્પના કરતાં વધુ હતી. તે સ્તબ્ધ થઈ ગઈ.

પછી શેઠે કહ્યું, 'લેકિન ઈસકે બદલે મેં આપકો હમારા એક કામ કરના હોગા, તુમ્હેં હમારે સાથ સોના પડેગા.'

વિશાખાના અંગેઅંગમાં ભય અને ક્રોધનું લખલખું વ્યાપી ગયું. હાથમાંથી રિસીવર સરકી ગયું.

'વિશાખા, ચૂપ ક્યોં હો ગઈ? ક્યા મેરી બાત તુમ્હેં બૂરી લગી?'

'સસ. સર. આપ મેરા અપમાન કર રહે હૈં. મૈં ભલે ઘર કી લડકી હૂં.'

'જાનતા હૂં. મુઝે માફ કર દો. વ્યાપારી આદમી હૂં. ગોલ-ગોલ બાતેં કરના નહીં જાનતા. અસલ મેં જબસે તુમ્હેં દેખા હૈ, તુમ પર ફિદા હો ગયા હૂં. તુમ્હારે સામને કુછ કહને કી હિમ્મત નહીં હુઈ, તો ફોન કા સહારા લિયા. મુઝે એક મૌકા દો, માફી માંગને કા. કલ શામ છ બજે મુઝે બંગલે મેં આકર મિલો.'

હોટેલમાં શિવરાજ શેઠે વિશાખાને પાસે બેસાડીને તેની રામકહાણી સાંભળી. હાદકે તેની સાથે કરેલી બેવફાઈ બદલ ખૂબ સહાનુભૂતિ દર્શાવી. વિશાખાની આંખોમાં આંસુ ઉભરાયાં. શેઠે તેની પીઠ પસવારતાં દિલાસો આપ્યો : 'અભી તો સારી જિંદગી પડી હૈ. પિતા કે રહતે હુએ ભી તુમ લાવારિસ કી તરહ પલી-બઢી. હાદકને ભી ધોખા દિયા. મગર હિંમત મતહારના.'

વિશાખાની ધીરજ ખૂટી ગઈ હતી. તે હીબકાં ભરવા લાગી. શેઠે તેનાં આંસુ લૂછીને તેને હળવેથી પલંગ પર સુવાડી અને પોતે બાજુમાં બેસી તેના માથે હાથ ફેરવતા રહ્યા.

'તુમ નાહક પરેશાન હોતી હો. મૈને સોચ લિયા હૈ. તુમ ઈસી બંગલે મેં રહોગી. યહ બંગલા મૈને તુમ્હારે નામ લિખદિયા હૈ. નૌકર-ચાકર, ગાડી, ડ્રાઈવર સબ તુમ્હારી સેવા મેં હાજિર રહેંગે. ચાહો તો અપની મા કો ભી પાસ બુલા લેના. કેવલ એક હી ચીજ મૈં તુમ્હેં નહીં દે સકતા ઔર વહ હૈ પત્ની કા દર્જા.'

'પર પત્ની બને બિના મૈં મા કૈસે બનૂંગી? કુંવા૨ી મા બનૂંગી તો સમાજ મુઝ પર થૂંકેગા.'

'સમાજ કી તુમ ચિંતા મત કરો. હમ જૈસે લોગોં સે હી સમાજ હૈ. મેરી પત્ની મુઝ તલાક દેને સે ઈન્કાર કરતી હૈ. નહીં તો મૈં કભી કા તુમ્હેં અપના લેતા.'

'ઔર ઉસ જીવ કા ક્યા હોગા જો મેરી કોખ મેં પલ રહા હૈ?'

'ઉસે તુમ જન્મ દોગી પ્લીઝ, વિશાખા. મના મત કરો. યહ બચ્ચા મેરે લિએ એક અનમોલ ભેંટ હોગા.'

વિશાખાની હાલત કફોડી થઈ ગઈ. તેને થયું : પુરુષો આવા સ્વાર્થી કેમ હોય છે? બાળપણનો એક કિસ્સો તેને યાદ આવી ગયો, જ્યારે ઘરમાં મહાભારત જામ્યું હતું. પિતા એક પ્રેમિકાને ખાતર ઘર છોડીને જવા તૈયાર થયા હતા. મા કલ્પાંત કરી રહી હતી. બધા તેમને ઘર નહિ છોડવા મનાવી રહ્યાં હતાં. બીજો એક હાદક, જેણે દસ વરસની દોસ્તીને એક ઝાટકે ઠુકરાવી દીધી હતી. અને હવે શિવરાજ શેઠ એક હિતેચ્છુના રૂપમાં તેના જીવનમાં આવ્યા હતા. તેમની સમૃદ્ધિ વિશાખા માટે એક રક્ષાકવચ સમાન હતી. તેમના બાહુપાશમાં તેણે પોતાને સલામત માની હતી.

તે શેઠના જૂહુના બંગલે રહેવા લાગી હતી. એવામાં તેને મા સાંભરી આવી. જે એક ત્યક્તાની માફક મૂગે મોઢે બધું સહન કરતી હતી. પોતાની દીકરીને પાછી એજ રસ્તે જતી જોઈને એનું હૈયું વલોવાઈ ગયું હતું. એક દિવસ તેણે વિશાખાને કહી દીધું કે હવે પછી તું મને મળવા નહીં આવતી. 

વિશાખાનું હૃદય ઘવાયું. તેના પિતાએ એક રખાત રાખી ત્યારે કશું ન થયું અને તેણે સમાજની મર્યાદા ઓળંગી તો હોહા મચી ગઈ. તેને થયું : શું લક્ષ્મણરેખા માત્ર સ્ત્રી માટે જ હોય છે?

એકવાર તે પોતાના આવનારા પુત્રના સ્વેટર માટે ઊન ખરીદવા ગઈ તો દુકાનમાં એક મહિલા સાથે ટકરાઈ. તેણે કહ્યું : સોરી. એ મહિલાએ વિશાખાના મોટા પેટ સામે ઘૃણાની નજરે જોયું. તે ઝડપભેર પોતાની કારમાં બેઠી અને ડ્રાઈવરને પૂછયું કે આ સ્ત્રી કોણ છે?

'મેડમ, એશિવરાજ શેઠની પત્ની છે.'

વિશાખાના પગ તળેથી ધરતી સરકતી લાગી. ઓહ, હું આ સ્ત્રીની અપરાધી છું. મેં એના પ્રેમને, એના અધિકારને છીનવી લીધો છે. પણ મેં તો એક ગૃહિણી બનવાની આશા રાખી હતી. 

હાદકે એને ઠુકરાવી દીધી હતી અને તેના રૂપ-યૌવનના સમર્પણરૂપી બાળકનો ઈન્કાર કરી દીધો હતો. શિવરાજ શેઠે તેની ઊંચી કિંમત આપીને તેને ખરીદી લીધી હતી.

પરંતુ જે રસ્તે એ જઈ રહી હતી ત્યાંથી પાછા વળવું અસંભવ હતું. સમાજે તેના માથે રખાતનું કલંક લગાડીને તેને જીવવા મજબૂર કહી હતી.

આજે પહેલીવાર વિશાખાને પિતાની પ્રેમિકા પ્રત્યે સહાનુભૂતિ જાગી. તેની શી લાચારી હશે? પેટની આગ કે દેહની ભૂખ? શું એ પણ મારી જેમ પરિસ્થિતિનો શિકાર થઈ હશે?

 સમાજની ઉપેક્ષાવશ તેનું બળતું મન, અને દાઝેલું તન પિતાનો આશરો લેવા માટે વિવશ બન્યું હશે? આવા કૈંક સવાલો આંધીની જેમ તેને ઘેરી વળ્યા હતા. કાર સૂમસામ સડક પર વેગથી દોડી રહી હતી અને વિશાખા શૂન્ય મનસ્ક થઈને પસાર થતા રસ્તાને તાકી રહી હતી.