Get The App

વાર્તા : શિસ્તનો આગ્રહી .

Updated: Feb 2nd, 2026

GS TEAM

Google News
Google News
વાર્તા : શિસ્તનો આગ્રહી                                     . 1 - image

અમે જુદે જુદે સ્થળે બાગમાં, દરિયાકાંઠે, પિક્ચરમાં, હોટલમાં ફરવા જતા થઇ ગયા. તે ક્યારેય ઉતાવળ કરતો નહી પણ મને તેની ધીરજ હવે અકળાવતી. હું મારો અંચળો ક્ષણાર્ધ દૂર કરી, સ્પર્શ, હસ્તમર્દન, ચુંબન આદી પ્રાથમિક ચેષ્ટાઓ કરતી, તેને તેમ કરવા પ્રેરતી. મયંક સસંકોચ પ્રત્યુત્તર આપતો. થોડા અઠવાડિયામાં અમે નિકટ આવવા લાગ્યા. 

કોલેજમાં બે વર્ષથી હું ભણી રહી છું, પણ છોકરા-છોકરીઓના મુક્ત સહચાર સામે મને પહેલેથી જ અણગમો- બલકે જુગુપ્સા. તેથી કોઇ છોકરા સામે મેં ક્યારેય ઊંચી આંખ કરીને જોયેલું નહોતું. નિયમિત કોલેજે જવું. કોલેજ પૂરી થાય, એટલે ઘેર પાછા ફરવું. એ મારો નિત્યક્રમ. નટખટ નયના, ચિવાબલી ચેતના, મસ્તીખોર મેધા, રમતિયાળ રક્ષા વગેરે સૌ બહેનપણીઓ મને આધુનિક સરસ્વતી કહી મારી મજાક ઉડાવતી. પણ મને તેની પરવા નહતી.

એક દિવસ કોલેજના એક્સટ્રા ક્લાસ ભરી ઘરે પાછા આવતા મારે ઘણું મોડું થયું. વચ્ચે બેએક કીલોમીટરનો રસ્તો થોડો ઉજ્જડ હતો. મને સ્ત્રીસહજ ભીતિ લાગી. રખેને કોઇ મને સતાવશે તો? હું ઉતાવળે પગલે ચાલતી હતી ત્યાં બાજુમાંથી મોટરસાઇકલ પસાર થઇ. તેના પર મારો સહપાઠી મયંક બેઠો હતો.

''અર્ચિતા, બહુ મોડું કર્યું?'' તેણે બાઇક થોભાવી પૂછ્યું.

''હા, એક્સ્ટ્રા ક્લાસ હતા, તેથી મોડું થયું.'' મેં જવાબ દીધો.

''રસ્તે અંધારું છે. કોઇ અવરજવર નથી. તમારી ઇચ્છા હોય તો ઘર સુધી મૂકી જાઉં.'' મયંકે ઓફર કરી.

પહેલા તો મને સાફ સંભળાવી દેવાનું મન થયું કે મારી દયા ખાવાની જરૂર નથી. જતી રહીશ. પરંતુ નિર્જન રસ્તો, અંધારું અને મારું એકાકીપણું તેમ જ મનમાં થતો ભયસંચાર. આ બધાથી હું તેવું અપમાનિત વેણ ન કાઢી શકી. બલકે મયંકની ઓફર સ્વીકારી લેવાનું મન થયું. મેં અચકાતા અચકાતા હા પાડી. મયંકે મને બાઇક પર બેસાડી, પણ તેનો વર્તાવ ઘણો સંયમશીલ હતો. ડબલસવારીમાં નજીક બેસવા છતાં તેણે મને સ્પર્શવાનો જરાય પ્રયત્ન ન કર્યો. ઉલટાનો સંકોચાઇને ચુપચાપ બેસી ગાડી ચલાવતો હતો.

થોડી મિનિટોમાં જ મારું ઘર આવતાં હું ઉતરી પડી. મેં મયંકને ઘરમાં આવવાનો વિવેક કર્યો. પણ તેણે ના કહી. મેં લિફ્ટ માટે આભાર માન્યો.

''નો મેન્શન,'' કહી તેણે વિદાય લીધી.

પછી તો ઘણીવાર અમે કોલેજમાં ભેગા થતા પણ સ્મિતોની આપલે સિવાય અમારો વ્યવહાર આગળ નહોતો વધતો. પોતે કરેલા નાનકડા ઉપકારનો લાભ લઇ વધુ નિકટ આવવા મયંકે પ્રયત્ન ન કર્યો, તેથી મને તેને માટે વધુ માન થયું.

એકવાર હું કોલેજ કેન્ટિનમાંથી નીકળતી હતી. મયંક પ્રવેશતો હતો. હું આભારવશ તો હતી જ. મેં રેવડીનું પેકેટ લઇ મયંકને ધર્યું.

''થેંક યુ'' ના જવાબ સાથે તેણી સ્વીકાર્યું. મેં કૃતાર્થતા અનુભવી.

પછી તો કોઇ વાર તે મને કંઇક ઉપહાર પેકેટ આપે. હું લઇ લઉં. વળતાં બીજીવાર હું આપું તે સ્વીકારી લે. ખાસ વાતચીત ન થાય. પણ ખાદ્યપદાર્થનું આદાનપ્રદાન થયા કરે. મારો આદર તેના તરફ વધતો ગયો.

એક વાર મયંકે શરમાતા શરમાતા મને પૂછ્યું, ''અર્ચિતા, ફરવા આવશો?''

હું માનવશ હતી જ. મેં હા પાડી. અમે ફરવા ગયા. મયંકે કશી છૂટ લેવા કોશિશ ન કરી. મને તેનું મર્યાદા મંડિત વર્તન સમભાવ પ્રેરતું હતું. પુરુષો આછકલા જ હોય છે, તેવો મારો પૂર્વગ્રહ મને સુધારવા યોગ્ય લાગ્યો.

પછી તો કોઇ કોઇ વાર અમે જુદે જુદે સ્થળે બાગમાં, દરિયાકાંઠે, પિક્ચરમાં, હોટલમાં ફરવા જતા થઇ ગયા. તે ક્યારેય ઉતાવળ કરતો નહી પણ મને તેની ધીરજ હવે અકળાવતી. હું મારો અંચળો ક્ષણાર્ધ દૂર કરી, સ્પર્શ, હસ્તમર્દન, ચુંબન આદી પ્રાથમિક ચેષ્ટાઓ કરતી, તેને તેમ કરવા પ્રેરતી. મયંક સસંકોચ પ્રત્યુત્તર આપતો. થોડા અઠવાડિયામાં અમે નિકટ આવવા લાગ્યા. મયંકના ગુલાબી ગાલ, રતુંબડા ઓષ્ઠ, ગોરો ચહેરો, કાળા ભમ્મરવાળ, વિશાળ બાહુ, પહોળું વક્ષ: સ્થળ મને આકર્ષી રહેતા. હવે મને આંશિક સ્પર્શમાં સંતોષ થતો નહતો. મારો દેહ અને મન સંપૂર્ણ આશ્લેષ ઝંખવા લાગ્યા.

એક વાર અમે ફરવા ગયા. સાંજનો આથમતો સૂરજ, આકાશી સૌંદર્ય, અનુકૂળ એકાંત, મયંકનું સાનિધ્ય- આ બધું મને વિવશ અને વિહ્વળ કરવા માટે પૂરતા હતા. મેં ઝડપથી તેની નજીક જઇ તેના કપાળ પર એક ચુંબન ચોડી દીધું. ઉરપ્રદેશ આગળ કર્યો અને મયંકના હાથને મારા હાથમાં લઇ જોરથી દાબ્યો. મારો આટલો સંકેત મયંકના પૌરુષને જાગૃત કરવા માટે પૂરતો હતો. આજ સુધીનો લજ્જાશીલ મયંક અદ્રશ્ય થયો અને આક્રમક, આવેગશીલ મયંક પ્રગટ થયો. તેણે મારા સંકેતનો વળતો પ્રતિસાદ ઉષ્મા અને ઉત્તેજનાપૂર્વક આપ્યો. ચુંબન, અંગમર્દન, અંગુલીનર્તન, ગલી-ચૂંટીની પ્રણયચેષ્ટા વડે મને ઉત્તેજિત કરી. મેં પણ હકારભર્યો પ્રતિસાદ આપ્યો. અમે બંનેએ ઉત્કટ ઉત્તેજના અનુભવી. અમને લાગ્યું કે વસ્ત્રો હવે પુરુષ-પ્રકૃતિના એકત્વમાં અંતરાયરૂપ છે. હળવેકથી અમે તે દૂર કર્યા. એકમેકના અનાવૃત્ત દેહને આંખોથી પી રહ્યા. પણ અનાવૃત મયંક મને જુદો લાગ્યો. વસ્ત્રોવૃત મયંક મને હંમેશા મૃદુ, મોહક અને મુલાયમ લાગતો. પણ વસ્ત્રવિહોણા મયંકમાંથી મૃદુતા, મુલાયમતા અને મોહિની ઓછા થઇ ગયા. પહાડની ઉત્તુંગતા, વડલાની વિશાળતા, નદીપૂરની ધસમસાટ અને યોદ્ધાની સધ્ધરતાના મને મયંકમાં દર્શન થયા. મારા સુકુમાર દેહ માટે આ પ્રચંડ પુરુષનો અજગરસમ આશ્લેષ કેટલો કષ્ટપ્રદ બનશે. તેના ભયથી હું હબડી ગઇ. મેં નજીક ધસતા મયંક તરફ હાથ આડો કર્યો. પણ મદમસ્ત ગજરાજ હસ્તિની પર આરૂઢ થવા હવે અધીરો ને ઉત્સુક હતો. મારા હકારભર્યા વિરોધને ગણકાર્યા વગર તેણે મને બળપૂર્વક બાથમાં લીધી. પ્રારંભની ક્ષણે મારાથી ધીમી ચીસ પડાઇ ગઇ. પણ તત્કાલીન મયંક સભ્યતા, સંકોચ, માર્દવ કે મુગ્ધતાના બંધનોથી મુક્ત થયેલ આક્રમક પ્રાકૃત પુરુષ હતો. તેણે મને જકડી રાખી. બીજી જ ક્ષણે મેં અનુભવેલ પહેલવહેલી સ્પર્શ વેદના મટી ગઇ. મારા દેહ મનમાં સુખ અને આનંદનો સંચાર થયો. મારો ભય અદ્રશ્ય થઇ ગયો. અરુચિ ઓસરી ગઇ અને તન-મનની તન્મયતા સાથે હું પણ મયંક સાથે કેલિમાં ગુંથાઇ ગઇ. કેટલીયવાર સુધી અમે સ્વર્ગસુખ માણ્યું.

ઉત્તેજનાની ક્ષણો વીતી જતા અમે ઊઠયા, સ્વસ્થ થયા. પ્રથમ સ્પર્શનો અનુભવ એટલો અકથ્ય અને રોમાંચકારી હતો કે કશી વાતો કરવાની જરૂર નહોતી. મનોમન અમે સુખાનુભૂતિ વાગોળતા ઘેર આવ્યા. પથારીમાં પડયા પછી પણ મોડી રાત સુધી એ અનિર્વચનીય આનંદની સ્મૃતિને હું ચગળતી રહી.

થોડા દિવસ બાદ મેં અને મયંકે વધુ એક વાર સ્પર્શસુખની પુનરાનુભૂતિ માણી. પણ આ વખતે નહોતી પ્રથમ સ્પર્શની દેહપીડા કે નહોતો કશો ક્ષોભ. અવર્ણનીય આનંદના સાગરમાં અમે સહેલ કરી. સખીઓની મશ્કરી મને સાર્થક લાગી.

પણ તે પછી કોણ જાણે કેમ પણ મયંકે મારી જોડેનો સંબંધ કાપી નાખ્યો. દિવસો સુધી મળ્યો નહિ. મળ્યો ત્યારે મોં ફેરવી જતો રહ્યો. પછીથી સાંભળ્યું કે તેની સગાઇ એક શ્રીમંત ઘરની અધિક સ્વરૂપવાન કન્યા જોડે થઇ ગઇ છે.

ગમે તેવા સ્વાદિષ્ટ જમણની સ્મૃતિ પણ થોડા દિવસ પ્રબળ રહે છે. પછીથી ઉપરાળ પાડે છે. મેં પણ મારું મન અભ્યાસમાં પરોવ્યું.

મયંક મિલનને દોઢ બે મહિના થયા. તેની માનસિક અસરથી તો હું મુક્ત થઇ, પણ દૈહિક પરિણામ વિકાસ પામતું લાગ્યું. બે મહિના થયા હું માસિક ધર્મમાં આવી નહતી. તેથી મને ચિંતા થવા લાગી. ક્યાંક કુંવારી માતૃત્વની તૈયારી તો નહીં હોય ને? મારી મૂંઝવણ વધવા લાગી.

એકવાર રીસેસમાં રક્ષા સાથે એકલા મળવાનું થયું. તેને મેં ગાર્ડનમાં લઇ જઇ મારી મૂંઝવણ જણાવી. પણ રક્ષા તો રમતિયાળ. ''અર્ચિતા, એમાં મુંઝાય છે શું? માતૃત્વ એમ કાંઇ રેઢું નથી પડયું કે એકબે વારના પુરુષમિલનથી મળી જાય. પુરુષપ્રકૃતિના વારંવારના મિલન પછીય ઘણાને તે મળતું નથી. ગભરાવાની જરૂર નથી.''

''પણ રક્ષા! મને તો બીક લાગે છે. કંઇ થશે તો નહિને?'' મારો અજંપો મેં વ્યક્ત કર્યો.

''થાય શું? આજ સુધી કરડું રહેલી, એટલે પહેલવહેલા અનુભવથી તું ગભરાય છે. બાકી અમે તો આવા કેટલાય અનુભવ કરી નાખ્યા. હવેથી કોન્ટ્રાસેપ્ટીવનો ઉપયોગ જરૂર પડયે કરવાનું રાખજે.'' રક્ષાએ અનુભવી અભિનેત્રીની અદાથી સલાહ આપી.

''પણ માન કે આ વખતે કંઇ થયું તો?'' મારી શંકાકુશંકા હજુ દૂર થતી નહતી.

''તો શું? તેનો રસ્તો પણ છેજ.''

''શો?''

''એબોર્શન. હવે તો તે પણ કાયદેસર અને ખાનગીમાં થઇ શકે છે. ચિંતા કરવાની જરૂર નથી.''

રક્ષાના ઉકેલથી મને થોડી નિરાંત થઇ. અમે છૂટા પડયા. હું ઘેર આવી. બાએ મારા હાથમાં મોટી બહેનનો આવેલો કાગળ વાંચવા મૂક્યો. મોટી બહેન લખતી હતી:

''પૂજ્ય બા તથા બાપુજી,

અર્ચિતા માટે મારા દિયરનું ગોઠવ્યું છે. બંને પક્ષ એકમેકને જાણે જ છે. ઔપચારિક વિધિપૂરતા મારા દિયર કલ્પેશભાઇને ત્યાં મોકલું છું. અર્ચિતાની અને તેમની મુલાકાત કોઇ હોટલમાં ગોઠવજો. અર્ચિતા શરમાયા વગર કલ્પેશભાઇ જોડે ભળે. બંને પરસ્પરને સારી રીતે ઓળખતા હોવાથી ફાઇનલ કરી લે. વેવિશાળ અને લગ્ન બંને દોઢ બે માસમાં કરી નાખવાના છે પછી કલ્પેશભાઇ પરદેશ જવાના છે. 

લિ. તમારી પુત્રી પ્રાપ્તિ.

કાગળ વાંચતા જ મેં એક સુખદ રોમાંચ અનુભવ્યો. મનોમન વિચારતા મારી મૂંઝવણનો તોડ પણ નીકળી ગયો.

મને થયું કે લગ્ન પછી તો સ્ત્રીએ નરભ્રમરથી ચુસાવાનું અને આદમીના અંકોડામાં આશ્લેષાવાનું છેજ. તો લગ્ન પહેલા જ તેની શરૂઆત કાં ન કરી દેવી? મોટે ભાગે માણસને પૂરી થાળી પિરસાય ત્યાં સુધી વાટ જોવી ગમતી નથી. ઝટ જમવાનું ચાલુ કરવા તે અધીરો હોય છે. હું કલ્પેશ આગળ મારા સ્ત્રીત્વનો ઉપાહાર ઝટ ધરી તેને જમાડી દઇશ. આથી તેની પુરુષસહજ ભૂખ સંતોષાશે. અને વેવિશાળ લગ્ન ઝટ આટોપાતા મારી મૂંઝવણ પણ મટી જશે પરણ્યા પછી હું પરદેશ પણ જઇશ. સુખ જ સુખ. ભાવીની સુખમધુર કલ્પનાસૃષ્ટિમાં હું રમણે ચડી.

બીજે દિવસે નિયત સમયે કલ્પેશ આવ્યો. આજ સુધી તો હું તેને બહેનના દિયર તરીકે જ જોતી અને મારા સંકોચશીલ સ્વભાવ પ્રમાણે ખાસ્સુ અંતર રાખીને વર્તતી. પણ હવે તો તે મારો સ્વામી અને સર્વસ્વ બનનાર હતો. વળી, મારી મૂંઝવણનો મુક્તિદાતા ય હતો. મેં તેને લજ્જા ઓઢણા આઘા મૂકી પૂરા દિલથી સત્કાર્યો. તેને અને ઘરનાને પણ મારા પલટાયેલ વલણથી થોડી નવાઇ લાગી. ખબર અંતર, ચાપાણી, ભોજન વગેરે પતાવી હું ને કલ્પેશ એક હોટલમાં ગયા. એક કમરો બુક કરાવ્યો. અમે અંદર પ્રવેશી બેઠક લીધી. કલ્પેશ મારી સામેની ખુરશી પર બેઠો. અમારી વચ્ચે કેટલીક ઔપચારિક વાતો થઇ. પણ તે તો કરવા પૂરતી જ હતી. બાકી તો બધું ગોઠવાયેલું જ હતું. એકમેકનો પૂરો પરિચય હોવાથી વધુ કશું પૂછવાનું હતું નહિ. મેં બાજી ખેલવી શરૂ કરી.

''હવે આમ અંતર ક્યાં સુધી રાખીશ.'' મેં લાગલો જ સવાલ કર્યો. મને બહુવચનમાંથી એકવચન પર એકાએક આવી ગયેલી જોઇ કલ્પેશ ચમક્યો. તેને એમ કે છૂટ લેવાની શરૂઆત પુરુષે જ કરવી પડતી હશે. સ્ત્રી તો શરમાતા શરમાતા આગળ વધતી કે વધવા દેતી હશે. અહીં તો મેં જ ધડાકો કર્યો.

''તું રખાવે ત્યાં સુધી.'' કલ્પેશનો જવાબ પણ ચાતુરીપૂર્ણ હતો.

''મને તો એવી આડયવાડય બિલકુલ પસંદ નથી. આવને,'' કહેતા ખુરશી પરથી મેં સોફા પર જગ્યા લીધી.

કલ્પેશ મારી પાસે સોફા પર આવી બેઠો. પણ તેની ભડક હજુ પૂરી ભાંગી નહોતી. મારાથી અર્ધો ફૂટ દૂર બેઠો.

''અરે, જોગીરાજ મારાથી આટલો બધો ભડકે છે તો સગાઇ કરવા આવ્યો શું કામ?'' કહેતા હું તેની સાવ નજીક સરકી. તેનો હાથ મારા હાથમાં લઇ દબાવ્યો. મારી મસ્તીભરી આંખ તેની આંખોમાં પરોવી. કલ્પેશનું યૌવન અબોટ હતું. પણ હું તો બબ્બેવાર ચંપાઇ ચૂકેલી સ્પર્શિતા હતી.

 મેં બે-ત્રણ વધુ પ્રણયતીર છોડયા અને મૃગ વીંધાઇ ગયો. કલ્પેશની સંયમ નિયમની પાળો તૂટી ગઇ. તેનામાં રહેલ પ્રાકૃત પુરુષ પ્રગટ થયો. તેણે મને આશ્લેષમાં લીધી. મને તો ભાવતું જ હતું. મેં સંકોચ રહિત થઇ કાયા સમર્પિત કરી. 

કલ્પેશ માટે દેહસુખની ચરમસીમા હતી. મારે માટે પણ સ્પર્શાનુભવ બેવડો આહ્લાદજનક હતો. સ્પર્શસુખ ઉપરાંત મૂંઝવણમુક્તિની માનસિક નિરાંત.

ઘેર આવતાં હું તો સાવ હળવીફૂલ હતી. પણ કલ્પેશ થોડો ગંભીર જણાયો. લગ્નપૂર્વેના સ્પર્શનો થોડો અપરાધભાવ હશે, તેમ મેં માન્યું.

બીજે દિવસે કલ્પેશે વિદાય લીધી. તેના મૌનને અમે સંમતિસૂચક માન્યું.

ચોથે દિવસે સેલફોન પર બે મેસેજ આવ્યા. મોટી બહેન લખતી હતી. ''ત્યાંથી આવીને કલ્પેશભાઇએ વેવિશાળની સાફ ના પાડી છે. તેથી વાત અત્યારે તો બંધ થાય છે.'' મેસેજ વાંચતા જ બા-બાપુજીને આઘાત થયો. બીજી પુત્રીને પણ સારે ઘેર વળાવવાના તેમના સ્વપ્ન રોળાઇ ગયા.

બીજો મેસેજ કલ્પેશનો મારા પર ટૂંકાણમાં જ હતો: ''અર્ચિતા, બા-બાપુજીથી શિસ્ત, સંયમના સંસ્કાર મને ગળથૂંથીમાં જ મળેલા, પણ તે દિવસે હું મારું પ્રણ ચૂક્યો અને લપસ્યો. તેના પ્રાયશ્ચિતરુપે આવતા પાંચ વર્ષ માટે લગ્નનો વિચાર મેં બંધ રાખ્યો છે. મને માફ કરજે.''

આ મેસેજ વાંચતા જ હું ગમ ખાઇ ગઇ. મારું સ્ત્રીત્વ અભડાયું. પણ પાસો પોબાર ન પડયો. આથી હું બબડી. ''પુરુષજાત આદિકાળથી ભ્રમરવૃત્તિની ને સ્વાર્થી. સૂર્યે કુંતીને ભોળવીને ભોગવી પછી ખસતી મૂકી. દુષ્યંતે શકુંતલાને ફસાવીને ટાણું આવ્યે તરછોડી. 

મયંકે મને દગો દીધો અને આ સંયમની પૂંછડી કલ્પેશે તો મને ક્યાંયની ન રહેવા દીધી. શિસ્તનો આગ્રહી હતો તો લગ્ન પહેલા શા માટે મને ચૂંથી? અને હવે ફરી ગયો, મોટો દંભી ને ડરપોક. હવે તો રક્ષાએ કહ્યા પ્રમાણે મારી મૂંઝવણ એબોર્શન દ્વારા જ દૂર કરવી પડશે. પુરુષજાત સાલી સાવ નગુણી.''